વરી : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Panicum miliaceum Blanco (હિં. ચેના, બારી; બં. ચીણા; મ. ગુ. વરી; ત. પાનીવારાગુ; તે. વારીગા; ક. બારાગુ; પં. ઓરિયા, ચીના, બચારી બાગમુ; અં. કૉમન મીલેટ, પ્રોસોમીલેટ, હૉગ મીલેટ) છે. તેનું મૂળ વતન પૂર્વ કે મધ્ય એશિયા માનવામાં આવે છે. ત્યાંથી મધ્યયુગ દરમિયાન તે યુરોપમાં ફેલાયેલ છે. વરીની ખેતી ચીન, મંચુરિયા, રશિયા, ભારત અને આફ્રિકામાં થાય છે. તેનો પાક ભારતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ અને ગુજરાતમાં થાય છે. તામિલનાડુ વરી પકવતું મુખ્ય રાજ્ય છે. વરી સામાન્યત: હલકી જમીનમાં, ખરીફ ઋતુના અંતભાગમાં બિનપિયત પાક તરીકે લેવામાં આવે છે. તામિલનાડુ અને ગુજરાતમાં પિયત પાક તરીકે પણ માર્ચ-એપ્રિલમાં તેની વાવણી કરવામાં આવે છે. વરીની ખેતી બીજ માટે અને ઘાસચારા પાક તરીકે થાય છે.
વરી છોડની ઊંચાઈ આશરે 1.2 મી. હોય છે. તેનું પ્રકાંડ સીધું અને મજબૂત હોય છે. પર્ણો સાદાં, પટ્ટી આકારનાં અને અદંડી હોય છે. પર્ણદલમાં બહુશિરી અભિસારી સમાંતર શિરવિન્યાસ જોવા મળે છે. પર્ણદલ અને પર્ણતલ વચ્ચે જિહવિકા (ligula) જોવા મળે છે; જે ત્વચીય કે શલ્કી તંતુમય રચના છે. પુષ્પવિન્યાસ શૂકિકા (spikelet) પ્રકારનો હોય છે. દાણો ધાન્યફળ (caryopsis) છે, જેમાં ફલાવરણ અને બીજાવરણ સંયુક્ત બનેલું હોય છે. પરિપક્વ દાણાનો આકાર પાછળના ભાગે લંબગોળ અને ગોળ એમ બે પ્રકારનો હોય છે. દાણા 2 મિમી. પહોળા અને 2.5 મિમી. લાંબા હોય છે. વરીનો ઉપયોગ ખોરાક તરીકે શેકીને અથવા બાફીને તેમજ ઢોરો અને મરઘીના ખોરાકમાં દાણા સાથે મિશ્રણ કરી થાય છે.
હવામાન અને વાવણી : વરી ગરમ ઋતુનો પાક છે. તે હિમ સામે ટકી શકતો નથી. આ પાકની વાવણી જૂનમાં કરવામાં આવે છે. આ પાક ઓછા ભેજવાળા વાતાવરણમાં અને હલકી જમીનમાં કે જ્યાં અન્ય પાકો ન થઈ શકે ત્યાં થાય છે. આ પાક 70થી 100 દિવસમાં તૈયાર થતો હોય છે. આદિવાસી વિસ્તારોની પથરાળ જમીનમાં વધુ વવાય છે. ભારતમાં વરીના પાકની વાવણી પૂંખીને અથવા હારમાં કરવા માટે 8 કિગ્રા.થી 10 કિગ્રા. બીજ પ્રતિ હેક્ટર જરૂર પડે છે, જ્યારે વિદેશોમાં વરી પૂંખીને વાવવા માટે હેક્ટરે 11 કિગ્રા.થી 16 કિગ્રા. બીજની જરૂરિયાત રહે છે. આમ છતાં જો બીજનો ઉગાવો સારો હોય તો 5.5 કિગ્રા. પ્રતિ હેક્ટર બીજની વાવણી કરવાથી પણ પૂરતા છોડ મેળવી શકાય છે. આ પાક નીંદણ સામે ટકી શકતો નથી. શરૂઆતના કુમળા છોડમાં ટકી રહેવાની ક્ષમતા ઓછી હોય છે; તેથી વરીની વાવણીમાં બીજનો દર વધુ રાખવામાં આવે છે. વરીના પિયત પાકને એકથી બે પિયત આપવામાં આવે છે.
જાતો : વરીના પાકની અગત્ય ઓછી હોઈ ખાસ કોઈ પ્રચલિત જાતો જોવા મળતી નથી. આમ છતાં બીજના રંગ (સફેદ, લાલ), છોડની ઊંચાઈ (ઊંચા, મધ્યમ અને ટૂંકી લંબાઈના છોડ), પરિપક્વતા માટેનો સમય (વહેલી, મધ્યમ કે મોડી પાકતી) અને બીજનું માપ (નાના, મધ્યમ અને મોટા) – એ મુજબ વિવિધ જાતો વાવેતર માટે જાણીતી છે; જેમાંની કેટલીક જાતો અર્લીબર્ડ, રાઇઝ, સ્નો બર્ડ, સુનુપ, ડાઉન, સનરાઇઝ, હુન્ટસમૅન, મીનસુમ કોપ અને ટરઘાઈ વાવણી હેઠળ જાણીતી છે. ભારતમાં પી.વી. 14, પી.વી. 16 અને કો-1 જાત વવાય છે; જેમાં કો-1 જાત 90થી 95 દિવસે વહેલી પાકતી જાત છે.
રોગ અને જીવાત : વરીના પાકને રોગ અને જીવાતની અસર ખૂબ જ ઓછી થાય છે. બીજને ટોચનો અંગારિયા (head smut) જેવો રોગ ન લાગે તે માટે વાવણી પહેલાં થાઇરમનો પટ આપવાથી ફાયદો થાય છે. પાકની ફેરબદલી કરવાથી ધરુનો કરમાવો (blight) અને મૂળનો કોહવારો (rot) જેવા રોગ થતા અટકે છે. વરીના છોડને તીતીઘોડાની જીવાત સૌથી વધુ નુકસાન કરે છે. આ જીવાતના નિયંત્રણ માટે મેલાથિયૉન અને સેવીનનો છંટકાવ કરવામાં આવે છે. અન્ય જીવાતોમાં આર્મી વૉર્મ અને કૉર્ન બોરરનો સમાવેશ થાય છે. ઉંદર અને પક્ષીઓ પણ વરીના પાકને નુકસાન પહોંચાડે છે.
કાપણી : વરીના ડૂંડાની કાપણી કરતાં પહેલાં તેમાં રહેલ બીજને પૂરતા પરિપક્વ થવા દેવાથી બીજ સરળતાથી અલગ કરી શકાય છે. ડૂંડાનો ઉપરનો અડધો ભાગ પૂરો પરિપક્વ થઈ ગયેલ હોય અને નીચેના અડધા ભાગનાં બીજ પૂરતાં ભરાવદાર થઈને તેમણે તેમનો લીલો રંગ ગુમાવી દીધો હોય તેવા સમયે વરીની કાપણી કરવામાં આવે છે. વરીની વહેલી કાપણી કરવામાં આવે તો બીજ ઘણાં નાનાં અને વજનમાં હલકાં રહે છે અને ઉત્પાદન ઘટે છે અને બીજનો રંગ ઝાંખો રહે છે. મોડી કાપણી કરવામાં આવે તો છોડ ઢળી જવાથી કે બીજ ખરી પડવાથી ઉત્પાદન ઘટે છે. વરીનાં બીજમાં ભેજનું પ્રમાણ 13 % કે તેથી ઓછું રહે ત્યાં સુધી સૂકવ્યા બાદ તેમનો સંગ્રહ કરવાથી બીજ બગડતાં નથી.
છાલા સાથેના દાણાનું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણેનું છે : પાણી 11.9 %, પ્રોટીન 12.5 %, લિપિડ (ઈથર-નિષ્કર્ષ) 1.1 %, કાર્બોદિતો 68.9 %, રેસા 2.2 % અને ખનિજદ્રવ્ય 3.4 %; કૅલ્શિયમ 10 મિગ્રા., ફૉસ્ફરસ 330 અને લોહ 5.7 મિગ્રા./100 ગ્રા.. દાણામાં વિટામિનોનું પ્રમાણ આ મુજબ હોય છે : થાયેમિન 0.78 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.20 મિગ્રા., કોલીન 852 મિગ્રા. અને નાયેસિન 1.0 મિગ્રા./100 ગ્રા.. કૅરોટિન અને એસ્કૉર્બિક ઍસિડ હોતાં નથી.
બજાર–વ્યવસ્થા, ઉપયોગિતા અને ઉત્પાદન : વરી ધાન્ય પાક હોવાથી તેનો ઉપયોગ ઘાસચારા, માનવીય ખોરાક, પ્રાણીઓ અને મરઘાંના ખોરાકમાં મિશ્રણ તરીકે થાય છે. બજારવેચાણ-વ્યવસ્થા માટે વરી દાણા માટે કોઈ ખાસ ગ્રેડિંગ-પ્રથા વિકસાવવામાં આવેલ નથી; પરંતુ 52થી 56 પાઉન્ડ/બીયુના માપને સારું બીજ ગણવામાં આવે છે. સંશોધિત સારી ગુણવત્તા ધરાવતી, ફોતરી દૂર કરેલ સફેદ વરીના દાણાની જાતો માનવીય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતી હોવાથી બજારમાં તેની માંગ રહે છે. લાલ દાણાવાળી અને ઓછાં પોષક-તત્વો ધરાવતી સફેદ દાણાવાળી વરીનો ઉપયોગ પાલતુ પ્રાણી, મરઘાં તેમજ જંગલી પ્રાણીઓના ખોરાકમાં થાય છે. તેમના ખોરાકમાં વરીનું મિશ્રણ કરી તે અપાય છે. વરીના દાણામાં કૅલ્શિયમ, વિટામિન, રાઇબોફ્લેવિન, લાયસિન અને થ્રિયોનાઇનનું પ્રમાણ ઓછું હોવાથી, જ્યારે વરીનો ઉપયોગ પ્રાણીઓના ખોરાકમાં કરવાનો હોય ત્યારે ઉપર્યુક્ત તત્વો ધરાવતા અન્ય ખાદ્ય પદાર્થ સાથે ઉમેરીને અપાય છે. વરીનું ઉત્પાદન વિદેશમાં 4,000થી 5,250 પાઉન્ડ પ્રતિ હેક્ટર મળે છે.
ભારતમાં વરીનું બિનપિયત વિસ્તારોમાં ઉત્પાદન 300 કિગ્રા.થી 500 કિગ્રા. પ્રતિ હેક્ટર જ્યારે પિયત વિસ્તારોમાં 1,000 કિગ્રા.થી 2,000 કિગ્રા. પ્રતિ હેક્ટર મળે છે. જો ઘાસચારા માટે વરીની વાવણી કરવામાં આવી હોય તો 1,500 કિગ્રા.થી 2,500 કિગ્રા. પ્રતિ હેક્ટર ઉત્પાદન મળે છે. આયુર્વેદ અનુસાર વરી તૂરી, મધુર અને રુક્ષ હોવાથી તે વાયુ અને પિત્તનો નાશ કરે છે.
પરેશ હરિપ્રસાદ ભટ્ટ, સુરેશભાઈ યશરાજભાઈ પટેલ