વરિયાળી

દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Foericulum vulgare mill. syn. F. capillaceum gilib, F. officinale All. (સં. મિશ્રેયા, મ. બડી શેપ, હિં. બડી શોપ – સોંફ, બં. મૌરી, ગુ. વરિયાળી, ક. દોડુસબ્બસિગે, તે. પેદજીલકુરર, ત. સોહીકીરે, ફા. બાદિયાન, અં. ઇંડિયન સ્વીટ ફેનલ) છે. તે મજબૂત, અરોમિલ (glabrous), 1.5 મી.થી 1.8 મી. ઊંચી સુગંધિત શાકીય વનસ્પતિ છે. તેનાં પર્ણો પિચ્છાકાર પુનર્વિભાજિત (pinnately decompound) હોય છે. પુષ્પો નાનાં, પીળા રંગનાં અને અગ્રસ્થ સંયુક્ત છત્રક (compound umbel) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ લંબચોરસ, ઉપવલયી (ellipsoid) કે નળાકાર, 6 મિમી.થી 7 મિમી. લાંબું, સીધું કે સહેજ વાંકું, લીલું કે પીળાશ પડતું બદામી યુગ્મ વેશ્મસ્ફોટી (cremocarpic) હોય છે. તેનાં ફલાંશક (mericarps) પાંચ ખાંચવાળાં હોય છે અને મોટી તૈલી નલિકાઓ (vittae) ધરાવે છે.

તે દક્ષિણ યુરોપ અને એશિયાની મૂલનિવાસી છે. વન્ય અને કૃષ્ય (cultivated) વરિયાળીની ફળનાં કદ, સુગંધી અને સ્વાદને આધારે ઘણી મોટી સંખ્યામાં જાતો (varieties) અને જનજાતો (races) છે; પરંતુ તેઓ એકબીજાંથી ભાગ્યે જ ઓળખી શકાય છે. જે જાતો વ્યાપારિક દૃષ્ટિએ મહત્વનું બાષ્પશીલ તેલ આપે છે; તેમને સામાન્યત: ઉપજાતિ (subspecies) capillaceum હેઠળ મૂકવામાં આવે છે. તેની બે જાતો છે : (1) var. vulgare (mill) Thellung (કૃષ્ય કે વન્ય જાતો કડવું વરિયાળીનું તેલ આપે છે.) અને (2) var. dulce (mill.) Thellung (કૃષ્ય જાતો, જે મીઠું, રોમન કે ફ્લોરેન્સ વરિયાળીનું તેલ આપે છે.) વલ્ગેર જાત મુખ્યત્વે રશિયા, રુમાનિયા, હંગેરી, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, ભારત, જાપાન, આર્જેન્ટીના અને યુ.એસ.માં વવાય છે. ડલ્સી જાતનું વાવેતર દક્ષિણ યુરોપમાં ફ્રાન્સ, ઇટાલી અને મેસેડોનિયા પૂરતું મર્યાદિત છે. ભારતીય વરિયાળીને કેટલીક વાર var. panmorium (syn. F. panmorium DC) તરીકે ઓળખવામાં આવે છે.

વરિયાળી(Foericulum vulgare)ની પુષ્પ અને ફળ સહિતની શાખા (ડાબી બાજુ) અને વરિયાળીના દાણા (જમણી બાજુ)

વરિયાળી સમગ્ર ભારતમાં 1800 મી. ઊંચાઈ સુધી પાક તરીકે વાવવામાં આવે છે. કેટલીક વાર તે પલાયન (escape) તરીકે પણ થાય છે. તેને ઉત્તર ભારતમાં ઠંડી આબોહવામાં ઉગાડાય છે. તે દક્ષિણ ભારતમાં પહાડી વિસ્તારો સિવાય સફળતાપૂર્વક થતી નથી.  ગુજરાતમાં મહેસાણા, ખેડા, વડોદરા અને અમદાવાદ જિલ્લાઓમાં તેનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. કર્ણાટકમાં બેલગાંવ અને ધારવાર જિલ્લાઓ પણ વરિયાળી ઉગાડનારા વિસ્તારો છે. ઉત્તર પ્રદેશના પશ્ચિમી જિલ્લાઓમાં, પંજાબના જલંધર, અમૃતસર, ગુરદાસપુર, લુધિયાણા, ફીરોજપુર અને કર્નાલ જિલ્લાઓના સીંચિત વિસ્તારોમાં; અને રાજસ્થાનમાં કોટા, જયપુર અને ઉદેપુરના નાના વિસ્તારોમાં થોડાક પ્રમાણમાં વવાય છે.

વરિયાળી કોઈ પણ સારી મૃદામાં થાય છે, છતાં સારા નિતારવાળી ફળદ્રૂપ, ગોરાડુ કે પૂરતા પ્રમાણમાં ચૂનો ધરાવતી કાળી રેતાળ મૃદામાં સૌથી સારી રીતે થાય છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે, પરંતુ મૂળ કે મુકુટ વિભાજન (crown division) દ્વારા પણ પ્રસર્જન કરવામાં આવે છે. બીજની હાથ દ્વારા છુટ્ટી વાવણી (broadcast) કરવામાં આવે છે, અથવા છીછરી ઓરણી (drill) દ્વારા 45 સેમી.ના અંતરે 10 કિગ્રા./હેક્ટરે વાવવામાં આવે છે. ઉત્તર ભારતનાં મેદાનોમાં ઑક્ટોબર-નવેમ્બરમાં અને પહાડી વિસ્તારોમાં માર્ચ-એપ્રિલ માસમાં વાવણી કરાય છે. જ્યારે છોડ 7.5 સેમી.થી 10 સેમી. ઊંચા બને ત્યારે 30 સેમી.ના અંતરે વિરલન (thinning) કરવામાં આવે છે. સમયાંતરે અપતૃણોનો નાશ કરવામાં આવે છે. શુષ્ક આબોહવામાં અઠવાડિયામાં એક વાર સિંચાઈ કરવામાં આવે છે. ફળો પૂર્ણપણે પાકે તે પહેલાં પાક લણવામાં આવે છે. તેનાં થડ દાતરડા વડે કાપી ઢીલા પૂળાઓ બનાવી તડકે સૂકવવામાં આવે છે. કાપણી પછી 45 દિવસમાં ફળો સુકાઈ જતાં નિસ્તુષન (threshing) કરી તેમને ઊપણવામાં આવે છે. તેનું ઉત્પાદન સરેરાશ 560 કિગ્રા.થી 785 કિગ્રા./હેક્ટર મળે છે. યોગ્ય પરિસ્થિતિમાં તેનું 1600 કિગ્રા./હેક્ટર ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે.

વરિયાળીને થતા રોગોમાં સુકારો, મૂળ અને થડનો કોહવારો, ભૂકી છારો અને સાકરિયુંનો સમાવેશ થાય છે.

(1) પાકનો સુકારો : વરિયાળીના પાકમાં સુકારાનો રોગ બે પ્રકારની ફૂગથી થાય છે :

(ક) રેમ્યુલેરિયા ફૂગથી થતો સુકારો : આ ફૂગનું આક્રમણ છોડના નીચેના ભાગથી શરૂ થઈ ઉપર તરફ આગળ વધે છે. આ રોગને લીધે સર્વપ્રથમ પાન, ડાળીઓ અને ચક્કરની દાંડી જેવા કુમળા ભાગમાં તથા દાણા ઉપર છીંકણી રંગના નાના નાના ડાઘાઓ જોવા મળે છે. આ ડાઘાઓ ધીમે ધીમે મોટા થઈ એકબીજા સાથે મળી ઊપસેલા સફેદ અથવા રાખોડી રંગના બને છે. તેથી રોગની અસરવાળા છોડનાં થડ, ડાળી, ચક્કરની પાંખડીઓ વગેરે ભાગો ઉપર ફૂગની વૃદ્ધિ થતાં આક્રમિત ભાગો રાખોડી રંગના થઈ ગયેલા જોવા મળે છે. ફેર-રોપણ બાદ એક-બે માસમાં જો રોગની શરૂઆત થાય તો વરિયાળીના ફૂલની જગ્યાએ ભમરીઓમાં દાણા બેસતા નથી અને જો દાણા બેસે તો કદમાં નાના અને ચીમળાઈ ગયેલા કાળાશ પડતા જોવા મળે છે. આવા રોગિષ્ઠ દાણાનાં વજન અને ગુણવત્તા ખૂબ જ ઘટી જાય છે.

(ખ) ઑલ્ટરનેરિયા ફૂગથી થતો સુકારો : આ ફૂગનું આક્રમણ ફૂલ અને કુમળાં પાન ઉપર થતાં તે સુકાઈ જઈ ખરી પડે છે. રોગિષ્ઠ છોડના પુષ્પગુચ્છમાં દાણા બેસતા નથી અને જો બેસે તો અવિકસિત રહે છે. આ રોગ ફૂલ અને દાણાની ગુણવત્તા અને દાણાના વજન ઉપર માઠી અસર કરે છે. ગુજરાતમાં રેમ્યુલેરિયા ફૂગ કરતાં આ ફૂગથી વધુ નુકસાન જોવા મળે છે.

સુકારાને કાબૂમાં લેવાના ઉપાયો :

(અ) વાવણી માટે રોગમુક્ત બીજની પસંદગી કરાય છે.

(આ) બિયારણને વાવતાં પહેલાં પ્રતિ કિલો બીજ દીઠ ફૂગનાશક કૅપ્ટાન અથવા થાયરમ 3 ગ્રામનો પટ આપી વાવણી કરવામાં આવે છે.

(ઇ) આ રોગને ફેલાતો અટકાવવા માટે રોગ દેખાય કે તરત જ 0.2 ટકાનું મેન્કોઝેબ ફૂગનાશક દવાનો 12 થી 15 દિવસના આંતરે બેથી ત્રણ વખત છંટકાવ કરવો હિતાવહ છે.

(2) મૂળનો કોહવારો (સડો) : સામાન્ય રીતે આ રોગ પાકની ઋતુ પૂરી થતાં સુધીમાં કોઈ પણ સમયે આવી શકે છે, પરંતુ પાકની રોપણી બાદ 15 થી 20 દિવસના છોડના મૂળને વધુ નુકસાન કરે છે. આ રોગ જમીનજન્ય ફૂગથી થતો હોય છે. રોગપ્રેરક ફૂગ છોડના મૂળ અને થડ ઉપર આક્રમણ કરી સડો પેદા કરે છે. મૂળ અને થડના આક્રમિત ભાગમાં વ્યાધિજનની વૃદ્ધિ થતાં તે ભાગમાં સડાની શરૂઆત થાય છે. છોડ તેની વૃદ્ધિ માટે જરૂરી પાણી અને પોષકતત્વો પૂરતા પ્રમાણમાં ન મળવાથી, ઉપરથી પીળો પડવા માંડે છે. થડ અને મૂળમાં સડાની વૃદ્ધિ થતાં છોડ જમીન ઉપર ઢળી પડે છે. ઢળી પડેલા છોડને ઉપાડીને જોતાં મુખ્ય મૂળ સહિતનાં બધાં મૂળ ભૂખરા રંગના રેસાવાળા તાંતણાં જેવાં થઈ ગયેલાં જોવા મળે છે. જમીનમાં ઉષ્ણતામાન વધવાથી આ રોગનું પ્રમાણ વધે છે.

રોગને કાબૂમાં લેવાના ઉપાયો : (અ) આ રોગ જમીનજન્ય ફૂગથી થતો હોવાથી જમીનનું ઉષ્ણતામાન વધે નહિ. અને ભારે નુકસાન ન થાય તે માટે પાકને માફકસરનું પાણી આપવું, આંતરખેડ કરવી, થડને માટી ચઢાવવી અને પિયતનું નિયમન કરવું જરૂરી છે.

(આ) રોગની શરૂઆત થતાં 0.2 %વાળી તાંબાયુક્ત ફૂગનાશક દવાનો છંટકાવ કરવો હિતાવહ છે.

(3) ભૂકી છારો : ફૂગથી થતો આ રોગ પવન મારફતે ફેલાય છે. વ્યાધિજનના આક્રમણની શરૂઆત છોડના કુમળા ભાગો પરથી શરૂ થાય છે. આક્રમિત ભાગો ઉપર ફૂગનું વર્ધન થતાં તેની સપાટી ઉપર  ફૂગ અને બીજાણુનું સફેદ પાઉડર જેવું આવરણ જોવા મળે છે. આ છારાના બીજાણુ પવન મારફતે ફેલાઈ ઝડપથી રોગનો ફેલાવો કરે છે. દ્વિતીય આક્રમણ થતાં છોડ સફેદ દેખાય છે, જેને લીધે આ રોગને ખેડૂતો ‘છાશિયા’ના નામે ઓળખે છે.

કાબૂમાં લેવાના ઉપાયો : (અ) ખેતરમાં રોગની શરૂઆત જણાતાં તુરત જ 300 મેશ ગંધકની ભૂકીનો છંટકાવ હેક્ટરે 30થી 35 કિલો પ્રમાણે કરવો જરૂરી છે.

(આ) ગંધકને 1 લિટર પાણીમાં 3થી 4 ગ્રામ દ્રાવ્ય ગંધકને ઓગાળીને તેનો તેમજ ડીનોકેપ ફૂગનાશકના 0.05 %ના દ્રાવણનો છંટકાવ કરી શકાય છે.

(4) સાકરિયું : કેટલીક વાર મોલો પ્રકારની જીવાતને લીધે ઉદભવતી વ્યાધિને ખેડૂતો ‘સાકરિયું’ તરીકે ઓળખે છે. મોલો પ્રકારની જીવાતના શરીરમાંથી મધ જેવો સાકરવાળો પ્રવાહી પદાર્થ નીકળે છે, જેથી આ  મોલોનો ઉપદ્રવ થતાં છોડ, ડાળી, પાન અને દાણાનાં ચક્કર ઉપર સાકરવાળું પ્રવાહી જમા થતાં તેની ઉપર મૃતોપજીવી ફૂગ ચોંટીને વૃદ્ધિ પામે છે. આ ફૂગ છોડ ઉપરથી રસ ચૂસે છે. જેથી તેની વૃદ્ધિ થતાં યજમાન છોડ નબળા પડે છે અને ઘણી વાર આક્રમિત ભાગો કાળા પડી ગયેલા દેખાય છે. આ મોલોને કાબૂમાં લેવાનાં પગલાં સમયસર ન લેવામાં આવે તો દાણાનો ઉતાર અને તેની ગુણવત્તા બંને ઉપર માઠી અસર થાય છે. આક્રમિત ભાગો સુકાઈ જાય છે.

કાબૂમાં લેવાનો ઉપાય : મોલોના નિયંત્રણ માટે ડાયમિથોએટ જેવી શોષક પ્રકારની દવાના 0.3 % (1 એમએલ દવા / 1 લિટર) પ્રવાહીનો છંટકાવ કરવામાં આવે છે.

વરિયાળી આનંદદાયી સુગંધી ધરાવે છે અને તેનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. પર્ણોનો મસાલેદાર રસ બનાવી તેને માછલીની વાનગી પર છાંટવામાં આવે છે; અને ખાદ્ય વાનગીને સુશોભિત કરવામાં આવે છે. પર્ણદંડોનું કચુંબર બનાવાય છે. ફ્લોરેન્સ વરિયાળીના જાડા પર્ણદંડો શાકભાજીમાં વાપરવામાં આવે છે. પર્ણો મૂત્રલ (diuretic) ગુણધર્મો ધરાવે છે. મૂળ મંદરેચક (purgative) હોય છે.

સૂકી વરિયાળી સુગંધીદાર હોય છે અને આનંદદાયી સ્વાદ ધરાવે છે. તેનો ઉપયોગ સાબુ, માંસની વાનગીઓ, સોસ, બ્રેડ રોલ (pastry) અને મીઠાઈઓ બનાવવામાં થાય છે. તે મદ્યને સુવાસિત કરવામાં અને અથાણાં બનાવવામાં વપરાય છે.

તે ઉત્તેજક (stimulant) અને વાતહર (carminative) છે. તેનો બધા દેશોના ઔષધકોશો(pharmacopoeias)માં સમાવેશ કરવામાં આવ્યો છે અને છાતી, બરોળ અને મૂત્રપિંડના રોગોમાં ઉપયોગી છે. સોનામુખી અને રુબાર્બ જેવાં ઓછાં સુગંધિત ઔષધોને સુગંધિત બનાવવામાં તે વપરાય છે. તે જેઠીમધના ચૂર્ણની બનાવટનું ઘટક છે. 8 ગ્રા.થી 12 ગ્રા. ફળને 500 મિલી. ઊકળતા પાણીમાં બનાવેલ કાઢાનો નાનાં બાળકોને એનિમા આપતાં વાયુ નીકળી જાય છે. ફળનો ગરમ કાઢો દૂધનો સ્રાવ વધારવા અને પ્રસ્વેદન ઉત્તેજવામાં ઉપયોગી છે.

વરિયાળીનાં ફળ બાષ્પશીલ તેલ ધરાવે છે. તેલનું પ્રમાણ ભારતીય ઉદભવવાળી જાતમાં સૌથી ઓછું (0.7 %1.2 %) અને પૂર્વીય યુરોપની જાતોમાં (4 %-6 %) સૌથી વધારે હોય છે. તેઓ સ્થાયી (fixed) તેલ (9 %-13 %), પૅન્ટોસન અને પૅક્ટિન ધરાવે છે. સ્ટાર્ચ જો હોય તો અલ્પ પ્રમાણમાં હોય છે. ભસ્મ 12 %થી વધારે હોતી નથી. ફળમાં આયોડિન, પ્રજીવક ‘એ’, થાયેમિન, રાઇબોફ્લેવિન, નાયેસિન અને ઍસ્કોર્બિક ઍસિડ હોય છે. ઍલ્યુમિનિયમ, બેરિયમ, લિથિયમ, તાંબું, મૅંગેનીઝ, સિલિકોન અને ટિટેનિયમ અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે.

કચરેલાં ફળોના બાષ્પનિસ્યંદન દ્વારા વરિયાળીનું તેલ મેળવવામાં આવે છે. તે રંગહીન અથવા આછા પીળા રંગનું પ્રવાહી હોય છે અને વિશિષ્ટ સુગંધ અને સ્વાદ ધરાવે છે. વ્યાપારિક રીતે બે પ્રકારનાં તેલ મળી આવે છે : (1) ‘ડલ્સી’ જાતમાંથી મળતું વરિયાળીનું મીઠું તેલ અને (2) ‘વલ્ગેર’ જાતમાંથી મળતું વરિયાળીનું કડવું તેલ. મીઠા તેલનાં સ્વાદ અને સુગંધ કડવા તેલ કરતાં વધારે સારાં હોય છે. સારણી 1માં વરિયાળીના તેલના ગુણધર્મોનો સારાંશ આપ્યો છે. ભારતીય વરિયાળીના તેલના આંક વ્યાપારિક વરિયાળીના તેલને મળતા આવે છે.

કૃષ્ય F. vulgareનાં ફળોમાંથી પ્રાપ્ત થતા તેલનું મુખ્ય ઘટક એનેથૉલ છે. સારી ગુણવત્તાવાળા તેલમાં 50 %થી 60 % એનેથૉલ હોય છે. બીજા ઘટકોમાં ડી-a-ફૅંચોન, મિથાઇલ શેવિકોલ, ડી-a-પિનિન, કૅમ્ફિન, ડી-a-ફેલેન્ડ્રિન, ડાઇપેન્ટિન અને ફિનિક્યુલિન (પીએનોલ પ્રિનાઇલ ઈથર), એનિસાલ્ડિહાઇડ અને એનિસિક ઍસિડનો સમાવેશ થાય છે. તેમાં વિષાળુ સેટોનિક ઘટકની હાજરી પણ નોંધાઈ છે. તેલના બંધારણનો આધાર ઉદભવ-પ્રદેશ, ઉપજાતિ, જાત અને જનજાત પર રહેલો છે. ભારતીય વરિયાળીના તેલમાં 70 % એનેથૉલ અને 6 % ફૅંચોન હોય છે. તે મીઠો સ્વાદ ધરાવે છે.

મીઠા કે રોમન વરિયાળીના તેલમાં એનેથૉલ, ડી-ફેલેન્ડ્રિન અને ડી-લિમોનિન હોય છે. એનેથૉલ વધારેમાં વધારે 90 % જેટલું હોય છે. ફૅંચોનની ગેરહાજરીને લીધે તેની સુગંધ મીઠી હોય છે.

વન્ય કડવા વરિયાળીના તેલમાં એનેથૉલ હોય તો અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. તેનું મુખ્ય ઘટક ડી-a-ફેલેન્ડ્રિન છે. આ તેલ કોઈ વ્યાપારિક ઉપયોગ ધરાવતું નથી.

વરિયાળીના તેલનો રસોઈ, મીઠાઈ, ફળોના રસનાં પીણાંઓમાં કે મદ્ય બનાવવામાં સુગંધકારક (flavouring agent) તરીકે ઉપયોગ થાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એનેથૉલના સ્રોત તરીકે વરિયાળીના તેલનો ઉપયોગ થતો હતો. તે મંદ વાતહર (carminative) છે અને નાનાં બાળકોના પેટમાં થતા દુખાવામાં અને વાયુવિકાર(flatulence)માં ઉપયોગી છે. તે રેચકોને કારણે પેટમાં આવતી ચૂંકને અટકાવે છે અને અંકુશકૃમિ સામે સારું કૃમિહર (vermicide) ગણાય છે.

બાષ્પનિસ્યંદન પછી રહેતા ફળના અવશેષનો ઢોરોના ખાણ તરીકે ઉપયોગ થાય છે. તે લગભગ 14 %થી 22 % પ્રોટીન અને 12 %થી 18.5 % જેટલું લિપિડ ધરાવે છે.

વરિયાળીનાં ફળ અને મીઠી વરિયાળી(pimpinella anisum Linn.)નાં ફળની ઓળખમાં કેટલીક મુશ્કેલીઓ છે; જોકે તે બંનેનાં વિશિષ્ટ સુગંધી અને લક્ષણો હોય છે. ભારતમાં વરિયાળીની નિકાસ ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે.

આયુર્વેદ અનુસાર તે ઠંડી, આમનાશક અને રુચિદાયક છે. ગુજરાતમાં લીલી વરિયાળી એક મેવો ગણાય છે. તે તીખી, કડવી, સ્નિગ્ધ, પિત્તકારક, દીપન, લઘુ, ઉષ્ણ, મેધ્ય અને બસ્તિકર્મ વિશે પ્રશસ્ત છે અને કફ, જ્વર, શૂળ, દાહ, નેત્રરોગ, તૃષા, ઊલટી, વ્રણ, આમ તથા અતિસારની નાશક છે. તેનાં પાંદડાંની ભાજી મધુર, અગ્નિદીપન, દૂધ વધારનારી, વૃષ્ય, રુચ્ય, ઉષ્ણ અને પથ્ય છે અને વાયુ, જ્વર, ગુલ્મ અને શૂળની નાશક છે. ચરકસંહિતામાં તેને પ્રજાસ્થાપન અને શૂળનાશક તેમજ સુશ્રુતમાં કફનાશક માની છે. સુવાવડી સ્ત્રીઓને પર્ણોનો ક્વાથ રુધિર શુદ્ધ કરવા અને ગર્ભાશયની શુદ્ધિ માટે આપે છે. તે પાચક અને જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર છે.

આમાતિસાર ઉપર વરિયાળીનો કાઢો કરી પિવડાવાય છે અથવા સૂંઠ તથા વરિયાળી ઘીમાં તળી, બારીક કૂટી તેની ફાકી લેવામાં આવે છે. મુખવિકાર ઉપર વરિયાળી મોંમાં રાખી રસ ગળવામાં આવે છે. ઉષ્ણતાએ આવતી ઉધરસમાં વરિયાળી અને સાકરનું ચૂર્ણ વારંવાર મોંમાં રાખવામાં આવે છે. પિત્તજ્વરમાં વરિયાળી અને સાકરનો કાઢો પિવડાવવામાં આવે છે. તે ગર્ભાશયના રોગો મટાડે છે અને ગર્ભપ્રદા છે.

પરેશ હ. ભટ્ટ,  સુરેશ ય. પટેલ, વૈદ્ય ભાલચંદ્ર હાથી,  બળદેવભાઈ પટેલ, હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ