વરસોડા : ઉત્તર ગુજરાતમાં આવેલ વનરાજ ચાવડાના વંશજની નાની રિયાસત. ત્યાંના ઠાકોર માણસાના ચાવડા રાવળના ભાયાત હતા. આ ચાવડા પોતાને વનરાજ ચાવડાના વંશજ સામંતસિંહના પુત્ર અહિપતના વંશજ ગણાવતા. અહિપતે કચ્છના મોરગઢમાં ગાદી સ્થાપી. એમના વંશજ પૂજાજીએ અગાઉ ધારપુરમાં (પાલણપુર તાબે) અને ત્યારબાદ અંબાસણમાં રાજ્ય સ્થાપ્યું. તેમના પુત્ર મહેસાજીએ મહેસાણા વસાવ્યું. તેમની ચોથી પેઢીએ જેસિંહજી થયા. તેમના દીકરા સૂરજમલજીને વરસોડાની જાગીર આપવામાં આવી. તેમના પાંચમા વંશજ ગંગજી ઈ. સ. 1507-08માં મહેસાણાથી વરસોડા આવીને રહ્યા. ગંગજીના પૌત્ર રામસિંહે રામપુર વસાવ્યું. તેમની પાંચમી પેઢીએ ભીમસિંહ થયા, તેમણે ભીમનાથ મહાદેવનું મંદિર બંધાવ્યું. તે પછી બદસિંહ, રતનસિંહ, મોતીસિંહ અને કિશોરસિંહ નામે રાજાઓ થયા.
1857ના વિપ્લવ વખતે બ્રિટિશ સરકારના ભારે લશ્કરી દબાણ હેઠળ ત્યાં નિ:શસ્ત્રીકરણ કરવામાં આવ્યું હતું. બ્રિટિશ સરકારે તેને મહીકાંઠા એજન્સી હેઠળ મૂક્યું હતું અને ચોથા વર્ગની રિયાસત તરીકે તેનું વર્ગીકરણ કર્યું હતું. કિશોરસિંહ પછી એના પુત્ર સૂરજમલજી 1891માં ગાદીએ બેઠા; પરંતુ તે સગીર હોવાથી મહીકાંઠા એજન્સી દ્વારા વહીવટ કરવામાં આવ્યો. 4 એપ્રિલ 1892ના રોજ તેને સત્તા સોંપવામાં આવી. સૂરજમલજીનું 6 માર્ચ 1919ના રોજ અવસાન થવાથી તેનો સગીર પુત્ર જોરાવરસિંહ (જ. 17 એપ્રિલ 1914) ગાદીએ બેઠો; પરંતુ 13 ડિસેમ્બર 1933ના રોજ તેને સત્તા સોંપવામાં આવી. મુંબઈ રાજ્ય સાથે 1948માં વરસોડા રાજ્યનું વિલીનીકરણ થયું અને રાજાને સાલિયાણું આપવામાં આવ્યું. હાલમાં વરસોડા મહેસાણા જિલ્લામાં આવેલું છે.
જયકુમાર ર. શુક્લ