વય અને વિસ્તાર અધિતર્ક (age and area hypothesis) : વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં સજીવની જાતિના વિતરણને સમજાવતો અધિતર્ક. આ અધિતર્ક વિલિસે (1922) આપ્યો. તેમના મત પ્રમાણે કોઈ પણ જાતિના વિતરણનો આધાર તે જાતિની વય સાથે સંબંધિત છે. જો કોઈ એક નિશ્ચિત જાતિનો ઉદવિકાસીય ઇતિહાસ લાંબો હોય તો તેનું વિતરણ મોટા વિસ્તારોમાં થાય છે અને જો તેનો ઉદવિકાસીય ઇતિહાસ ટૂંકો હોય તો તે જાતિ નાના વિસ્તારો પૂરતી મર્યાદિત રહે છે. આમ કોઈ પણ જાતિની વય વધતાં તેના વિતરણનો વિસ્તાર વધે છે.
વિલિસે આ અધિતર્ક શ્રીલંકાના પહાડી અને મેદાની વિસ્તારોમાં થતી કોલિયસની કેટલીક જાતિઓના વિતરણના અભ્યાસ પરથી આપ્યો છે. કોલિયસ ઇલોંગૅટ્સ સ્થાનિક (endemic) જાતિ છે અને તે શ્રીલંકાના રીટીગુલા વિસ્તારમાં જ જોવા મળે છે, જે ખૂબ નાનો વિસ્તાર છે. પરંતુ કોલિયસ ઇન્ફલેટસ બીજી સ્થાનિક જાતિ છે. તે શ્રીલંકાના ઊંચા પર્વતીય પ્રદેશોમાં થાય છે. કોલિયસ મલબેરિકસ પણ ત્યાં સપાટ પ્રદેશોમાં જ જોવા મળે છે. તે દક્ષિણ ભારતના પર્વતીય પ્રદેશોમાં પણ જોવા મળે છે. જ્યારે કોલિયસ બાર્બેટ્સ એશિયા અને આફ્રિકાના પર્વતીય પ્રદેશમાં થાય છે.
આ અધિતર્કને ભૂસ્તરીય વિજ્ઞાન અને અશ્મિવિજ્ઞાનના પુરાવાઓ ટેકો આપતા નથી. વળી આર્થિક અગત્યની જાતિઓ પણ આ અધિતર્કને અનુસરતી નથી. જાતિના વિતરણનો સંપૂર્ણ આધાર તેની વય પર નથી, પરંતુ આ પરિઘટના સાથે ઘણાં પર્યાવરણીય પરિબળો સંકળાયેલાં છે.
સંજય વેદિયા