વમળનાં વન (1976) : જગદીશ જોષીનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહમાં કુલ 114 કાવ્યો છે; જેમાં સત્તાવન ગીતો છે, આડત્રીસ અછાંદસ રચનાઓ, ચૌદ જેટલી ગઝલો અને પાંચ છંદોબદ્ધ કાવ્યો છે. તળપદ અને આધુનિક નગરજીવન એમ બંને પ્રકારનું ભાવવિશ્વ આ કાવ્યોમાં ઝિલાયું છે. જગદીશ જોષીનાં ગીતોમાં તળપદ ગ્રામપરિવેશ છે, તો આધુનિક ગીતકવિતાનું અનુસંધાન પણ જોવા મળે છે. તેમનાં ગીતોમાં ભાવ-લય અને અભિવ્યક્તિની દૃષ્ટિએ કેટલુંક આગવાપણું જોવા મળે છે. તેમણે કેટલાંક નોંધપાત્ર ગીતો આપ્યાં છે. અછાંદસ કાવ્યોમાં ગદ્ય-લય સાથે ચિત્રાત્મક શૈલી પ્રગટ થાય છે. ગઝલોમાં પરંપરાગત રીતિમાં પણ આધુનિક સમયસંદર્ભવાળી નૂતન સંવેદના રજૂ કરી શક્યા છે. આ સંગ્રહમાં પાંચ છંદોબદ્ધ કાવ્યોમાં ચાર સૉનેટ છે. સંગ્રહના નામ સાથે જોડાયેલું ‘વમળવનમાં’ સૉનેટ સમગ્ર સંગ્રહના પ્રતિનિધિરૂપ છે. સૉનેટના પૂર્વાર્ધમાં નગરજીવનની નિરર્થક ધાંધલ-ધમાલ, સંબંધોની કૃત્રિમતા અને રોજિંદા જીવનની યાંત્રિકતા અને યાતનાનું ચિત્ર છે તો સૉનેટના ઉત્તરાર્ધમાં કવિની પોતાની મુક્તિ માટેની આંતરિક ઝંખના પ્રગટ થઈ છે. મકરન્દ દવેના શબ્દોમાં કહીએ તો ‘વમળનાં વન’માં એક વેદનાનો, સર્વહારાનો, પીડિત પ્રાણનો, વલવલતી ઝંખનાનો સૂર વારંવાર ઘૂંટાતો ને ઘૂમરી ખાતો સંભળાયા કરે છે.’ ‘એક હતી સર્વકાલીન વાર્તા’, ‘અમે’, ‘વાતોની કુંજગલી’, ‘મળો તો’ તથા ‘जल आवास्यम्’ તેમનાં નીવડેલાં લોકપ્રિય કાવ્યો છે. આ કાવ્યસંગ્રહને દિલ્હી સાહિત્ય અકાદમીનો 1979ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

અમૃત ચૌધરી