વયનિર્ણય : ઉંમરનો અંદાજ મેળવવો તે. જીવિત કે મૃત વ્યક્તિની અથવા કપાયેલા શરીરના ભાગની કાયદાકીય સંદર્ભે વય જાણવી ઘણી વખત જરૂરી બને છે. તે માટે શરીરનાં વિવિધ અંગો-અવયવોનાં વૃદ્ધિ અને વિકાસના ક્રમને જાણવાથી ઘણી ઉપયોગી માહિતી મળે છે. ઊંચાઈ, દાંત, હાડકાં, દ્વૈતીયિક જાતીય (લૈંગિક) લક્ષણો, માથા પરના વાળ વગેરે વિવિધ અંગોપાંગોનો અભ્યાસ કરીને વય જાણવા માટે પ્રયત્ન કરાય છે. ગુનાહિત જવાબદારી, લગ્નની કાયદેસરતા, અપહરણ, બળાત્કાર, પુખ્તતાપ્રાપ્તિ, સાક્ષી તરીકેની લાયકાત, નોકરી માટે કે અન્ય વયઆધારિત પાત્રતા ધરાવતી બાબતો, ન્યાયિક સજા, નવજાતશિશુવધ (infanticide), ગુનાહિત ગર્ભપાત વગેરે વિવિધ ન્યાયિક અને કાયદાકીય બાબતોમાં વય (ઉંમર) જાણવાની જરૂર પડે છે. તેવી રીતે મૃતદેહની ઓળખ નક્કી કરવામાં પણ વય જાણવાથી લાભ થાય છે. વયનિર્ણય માટે સૌથી મહત્વનાં ચિહ્નો દાંત, ઊંચાઈ અને વજન તથા હાડકાંમાં થતી અસ્થીકરણ(ossification)ની ક્રિયા છે.

દાંત : 17થી 25 વર્ષની વચ્ચે દાંતની મદદથી ઉંમર અંગેનો અંદાજ મેળવવામાં કેટલેક અંશે ખાતરી હોય છે. તે સિવાયની ઉંમરે ઘણા પ્રમાણમાં માન્યતા અને ધારણા ઉપર નિર્ણય લેવાય છે; પરંતુ દાંત તથા દાંતના ચોકઠાનું વિગતવાર વર્ણન ઘણી વખત ઓળખ નક્કી કરવામાં ઉપયોગી રહે છે. દાંતના 2 પ્રકારો છે – દૂધિયા (deciduous) અથવા અસ્થાયી (temporary) અને કાયમી (permanent). દૂધિયા દાંત 20 હોય છે – 4 છેદક (incisor), 2 રાક્ષી (canines) અને 4 દાઢનાં 2 જૂથો; એક જૂથ ઉપરના જડબામાં, બીજું જૂથ નીચલા જડબામાં. તે શૈશવકાળ(infancy)માં આવે છે અને થોડાંક વર્ષોમાં પડી જાય છે. તેમને સ્થાને કાયમી (સ્થાયી) દાંત આવે છે, જે કુલ 32 હોય છે. તેમાં દરેક જડબામાં 16 દાંતનું જૂથ હોય છે – 4 છેદક, 2 રાક્ષી, 4 દ્વિદલીય દાંત(bicuspid) અથવા પૂર્વદાઢ અને 6 દાઢ. સારણી 1માં દાંતના ઊગવાનો સમયગાળો દર્શાવેલો છે :

સારણી 1 : દાંત ઊગવાનો સમયગાળો

દાંતનો પ્રકાર અસ્થાયી (દૂધિયા) સ્થાયી
1. મધ્ય છેદક (central incisors) 6થી 8 વર્ષ
નીચલા 6-8 મહિના
ઉપરના 7-9 મહિના
2. પાર્શ્ર્વ છેદક (lateral incisors) 7થી 9 વર્ષ
નીચલા 10-12 મહિના
ઉપરના 7થી 9 મહિના
3. રાક્ષી 17થી 18 મહિના 11થી 12 વર્ષ
4. અગ્રસ્થ (anterior) ગેરહાજર 9થી 11 વર્ષ
પૂર્વદાઢ
5. પશ્ર્ચસ્થ (posterior) ગેરહાજર 10થી 12 વર્ષ
પૂર્વદાઢ
6. પ્રથમ દાઢ 12થી 14 મહિના 6થી 7 વર્ષ
7. બીજી દાઢ 20થી 30 મહિના 12થી 14 વર્ષ
8. ડહાપણની દાઢ ગેરહાજર 17થી 25 વર્ષ

જન્મજાત ઉપદંશ(syphilis)ના દર્દીમાં ક્યારેક જન્મ સમયે જ દૂધિયા દાંત ઊગેલા હોય છે. તેનાથી વિરુદ્ધ પોષણની ઊણપ અને રિકેટ્સ(સુકતાન)ના રોગમાં તે મોડા ઊગે છે. દૂધિયા દાંત 6 કે 7 વર્ષની ઉંમરે પડવા માંડે છે. તે સમયે પ્રથમ કાયમી દાઢ ઊગેલી હોય છે. કાયમી દાંત પ્રથમ નીચલા જડબામાં ઊગે છે અને તેના થોડાક સમય પછી ઉપરના જડબામાં ઊગતા જોવા મળે છે. જોકે દરેક વખતે આવું બને જ છે તેવું નથી. ત્રીજી દાઢ અથવા ડહાપણની દાઢ ઊગવાનો સમય ઘણો અનિશ્ચિત હોય છે અને ક્યારેક તે અંતર્બદ્ધ (impacted) હોય તો તે બહાર દેખાતી નથી; પરંતુ જડબાના પોલાણમાં તે ઊગેલી હોય છે. બીજી દાઢ ઊગે તે પછી જડબું પાછળ તરફ વૃદ્ધિ પામે છે અને જડબાની ભૂજિકા (ramus) પણ લંબાય છે. તેને કારણે ત્રીજી દાઢ ઊગે તેને માટેની જગ્યા બને છે. તેથી દરેક સગીરની તપાસમાં જો ત્રીજી દાઢ ઊગેલી ન હોય તો બીજી દાઢની પાછળ જગ્યા વધેલી છે કે નહિ તેની ખાસ નોંધ લેવાય છે. ડહાપણની દાઢ સામાન્ય રીતે 17થી 24 વર્ષની વચ્ચે ઊગે છે, પરંતુ ક્યારેક તે વહેલી ઉંમરે પણ થયેલી નોંધાયું છે. ક્યારેક ઘણી મોટી ઉંમરે પણ તે ન ઊગેલી હોય તેવું પણ નોંધાયેલું છે. મોટી ઉંમરે દાંત પડે છે અથવા તો તેનું મુકુટ (crown) ઘસાઈ ગયેલું હોય તેવું જોવા મળે છે. વખત જતાં પડી ગયેલા કે પાડી નંખાયેલા દાંતની જગ્યા ઘટે તેવું બને, પણ એક્સ-રે ચિત્રની મદદથી જોતાં હાડકાંમાંનું પોલાણ યથાવત્ હોય છે. દૂધિયા દાંત ચિનાઈ માટી જેવા, જ્યારે કાયમી દાંત હાથીદાંત જેવા સફેદ હોય છે. આગળના દૂધિયા દાંત સીધા હોય છે, જ્યારે આગળના કાયમી દાંત આગળ તરફ વળેલા હોય છે.

ઊંચાઈ અને વજન : પૂર્ણકાળે જન્મેલા નવજાત શિશુની સરેરાશ લંબાઈ 48થી 51 સેમી. અને વજન 13થી 15.4 કિગ્રા. હોય છે. 6 મહિને તે 61 સેમી. અને 12 મહિને 68.5 સેમી. થાય છે. 4 વર્ષે જન્મ કરતાં બમણી ઊંચાઈ બને છે. પ્રથમ વર્ષે દર મહિને તેનું 2.2 કિગ્રા. વજન વધે છે તેથી 5મે મહિને તે બમણું થઈ જાય છે અને એક વર્ષે 3 ગણું, પરંતુ તે પછીનો ઊંચાઈ કે વજનનો વધારો એટલો બધો વિવિધતાવાળો છે કે તેનો ઉપયોગ ઉંમર નક્કી કરવામાં કરી શકાતો નથી.

હાડકાંનું અસ્થીકરણ : ઉંમર વધવાની સાથે હાડકાંની લંબાઈ અને કદ વધે છે. તે માટે અધિદંડમાં કૅલ્શિયમનું જમા થવું અને હાડકું બનવાની ક્રિયા (અસ્થીકરણ) શરૂ થાય છે તથા તે પૂરી થતાં તે મધ્યદંડ સાથે જોડાઈ જાય છે. એક્સ-રે ચિત્રણો મેળવીને આ પ્રક્રિયાની જાણકારી મેળવી શકાય છે. વાતાવરણ, આહાર, વારસો તથા અન્ય પરિબળો આ પ્રક્રિયાના કાલક્રમમાં ફેરફાર લાવી શકે છે. તેથી ભારતના વિવિધ ભાગમાં તે માટે અલગ અલગ કાલક્રમણિકા (time table) બને છે; પરંતુ અમુક અભ્યાસોએ દર્શાવ્યું છે કે બંગાળ, પંજાબ અને દક્ષિણ ભારતમાં અધિદંડનું મધ્યદંડ સાથેનું જોડાણ યુરોપી પ્રજાઓ કરતાં 2થી 3 વર્ષ વહેલું થાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં તે વહેલું થતું હોય છે. યુવાન વ્યક્તિની ઉંમર જાણવા માટે તેની ઉપર-નીચેનાં અંગો (limbs) એટલે કે હાથપગના મોટા સાંધાનાં એક્સ-રે ચિત્રણો લેવાય છે. સારણી 2માં તે અંગેના વયઅંદાજો દર્શાવ્યા છે. આ ઉપરાંત અન્ય હાડકાંનાં એક્સ-રે ચિત્રણોથી પણ ઉંમર અંગે જાણી શકાય છે. છાતીની મધ્યમાં આવેલા વક્ષાસ્થિ અથવા ઉરોસ્થિ(sternum)ની (અસ્થિ)કાય 4 વચ્ચે આવેલા પૃથક્ ભાગોના જોડાણથી બને છે. તેમનું જોડાણ નીચેથી ઉપર તરફ એમ 14થી 25 વર્ષની ઉંમર વચ્ચે થાય છે. વક્ષાગ્ર (xiphoid) અસ્થિ 40 વર્ષની આસપાસ જોડાય છે, જ્યારે વક્ષાસ્થિહસ્તક (manubrium stermi) મુખ્ય કાય સાથે ભાગ્યે જ જોડાય છે. મોટી ઉંમરે લાંબાં હાડકાં વજનમાં હલકાં બને છે; સહેલાઈથી ભાંગે એવાં વધુ ને વધુ બરડ બનતાં જાય છે. ખોપરીનાં હાડકાં પણ પાતળાં થાય છે અને તેથી ઈજાને કારણે સહેલાઈથી ભાંગી જાય છે. જોકે કેટલાક કિસ્સામાં તે જાડાં અને ભારે બને છે. 30થી 35 વર્ષની વયે તેમની વચ્ચેના સાંધાનું પણ અસ્થીકરણ થાય છે. પહેલાં અંદરની બાજુનો અને પછી બહારનો સાંધો અસ્થીકૃત થાય છે. બંને મધ્યકપાલી અસ્થિઓ (parietal bones) વચ્ચેનો સાંધો અસ્થીકૃત ન પણ થાય. ઉંમર વધે તેમ સ્વરપેટી અને પાંસળીના કાસ્થિઓ (cartilages) અસ્થીકૃત થાય છે.

નવજાત શિશુમાં નીચલા જડબાની ભૂજિકા (ramus) ટૂંકી હોય છે અને તે અસ્થિકાય સાથે ગુરુકોણ બનાવે છે. તેનું ચિબુકીય છિદ્ર (mental foramen) હાડકાની નીચલી ધાર પાસે ખૂલે છે તથા તેનો કંદુકાભ પ્રવર્ધ (condyloid process) અસ્થિકાયની સીધી લીટીમાં હોય છે. પુખ્ત વયે ભૂજિકા લગભગ કાટકોણે જોડાય છે અને ચિબુકીય છિદ્ર અસ્થિકાયની ઉપરની અને નીચલી કિનારીની વચ્ચે હોય છે. કંદુક (condyle) લંબાયેલો હોય છે અને તે કાકચંચુસમ પ્રવર્ધ(coronoid process)થી ઉપર સુધી વધેલો હોય છે. વૃદ્ધાવસ્થામાં ભૂજિકા અસ્થિકાય સાથે ગુરુકોણ બનાવે છે. અસ્થિકાય દાંત પડી જવાથી અને દાંત જે બખોલો(વિવરિકાઓ, alveoli)માં ગોઠવાયેલા હોય છે તે બખોલોવાળો પ્રવર્ધ (વિવરિકા-પ્રવર્ધ; alveolar process) શોષાઈ ગયેલો હોય છે અને તેથી અસ્થિકાય નાની અને પાતળી થઈ જાય છે. તેને કારણે ચિબુકીય છિદ્ર ઉપરની ધાર પાસે આવી જાય છે.

ગૌણચિહ્નો : ગુપ્તાસ્થિ(pubis)ની ઉપરના વાળ બગલમાં ઊગતા વાળ પહેલાં ઊગે છે. છોકરીઓમાં તે 13 વર્ષની ઉંમરે કોમળ અને ફિક્કા રંગના નીચે તરફ ઊગે છે અને 14 વર્ષની આસપાસ કેટલાક છૂટાછવાયા ગાઢા વાળ ઊગે છે. 1 કે 2 વર્ષમાં તેમની સંખ્યા વધે છે અને તે પછી બગલમાં વાળ ઊગે છે. છોકરાઓમાં તે 14 વર્ષે ઊગવાના શરૂ થાય છે. 15 વર્ષની આસપાસ થોડા ગાઢા વાળ ઊગે છે અને પછી બગલમાં વાળ ઊગે છે. છોકરાઓમાં 16-17 વર્ષે ગુપ્તાસ્થિ અને સંવૃષણ (scrotum) આસપાસ અને બગલમાં વાળ ગાઢા રંગના અને વધુ સંખ્યામાં થઈ આવે છે. 16થી 18 વર્ષની વયે તેમના ચિબુક, ગાલનો પાછળનો ભાગ અને ઉપરના હોઠની ઉપર વાળ ઊગે છે. છોકરીઓમાં 13-14 વર્ષની વયે સ્તન વિકસવા માંડે છે. છોકરાઓમાં 16થી 18 વર્ષે અવાજ ઘેરો થાય છે અને તે સમયે તેમનો જીજીઓ મોટો થાય છે. 40 વર્ષની વય પછી વાળ ભૂખરા થવા માંડે છે અને મોટી ઉંમરે વાળ રૂપેરી કે સફેદ થઈ જાય છે. ક્યારેક યુવાનવયે પણ વાળ ભૂખરા થાય છે. આવું સામાન્ય રીતે વારસાગત કારણે હોય છે. 50 વર્ષ પછી ગુપ્તાસ્થિ વિસ્તારના વાળ ભૂખરા થવા માંડે છે.

40 વર્ષની વય પછી નસો જાડી અને કઠણ થવા માંડે છે અને આંખની કીકી પરના પારદર્શક આવરણ(સ્વચ્છા, cornea)ની કિનારી પર જરાધનુ (arcus semilis) નામનો ધનુષ્યની ચાપ જેવી અપારદર્શક જાડી રેખા જેવો વિસ્તાર વિકસે છે. ઉંમર વધે તેમ મોઢા પર કરચલીઓ પડે છે, પરંતુ આ ચિહ્નોની મદદથી ઉંમરનું અનુમાન કરવામાં ખાતરી રહેતી નથી.

વયનું ન્યાયતબીબી મૂલ્ય : તબીબને કેટલીક ચોક્કસ સ્થિતિઓમાં વ્યક્તિની ઉંમર અંગે અંદાજ બાંધવાનું તથા તે અંગેનો દાખલો આપવાનું જણાવાય છે. જેમ કે (1) અપરાધની જવાબદારી, (2) લગ્ન, (3) અપહરણ, (4) બળાત્કાર, (5) પુખ્તતાપ્રાપ્તિ, (6) સાક્ષી તરીકેની ક્ષમતા, (7) નોકરી માટેની પાત્રતા, (8) ન્યાયિક શિક્ષા, (9) નવજાત શિશુહત્યા, (10) અપરાધપૂર્ણ ગર્ભપાત વગેરેમાં.

શિલીન નં. શુક્લ, ગોપાલ જી. શાહ