વરખેડકર, વસંત શ્યામરાવ

January, 2005

વરખેડકર, વસંત શ્યામરાવ (જ. 1918; અ. 1985) : મરાઠી નવલકથાકાર, નાટ્યકાર તથા નાગરિક સ્વાતંત્ર્ય અને લોકશાહીના હિમાયતી. તેમણે નાગપુરની મોરિસ કૉલેજમાંથી એમ.એ.ની પદવી મેળવ્યા બાદ થોડો વખત ‘સમાધાન’ અને ‘ભવિતવ્ય’ના સહ-સંપાદક તરીકે કામગીરી કરી. પછી તેઓ સરકારી નોકરીમાં પ્રેસ માહિતી કાર્યાલયમાં માહિતી અધિકારી તરીકે જોડાયા.

તેમણે નવલકથાકાર તરીકે તેમની કારકિર્દી શરૂ કરીને 1941માં ‘સંક્રમણ’ નામક નવલકથા પ્રગટ કરી અને 1942માં ‘ધ્યેયચા ધ્યાસ’ નામનું નાટક પ્રગટ કર્યું. તેમણે કુલ 8 નાટ્યસંગ્રહો અને 4 નવલકથાઓ આપ્યાં છે. તેમની નવલ ‘સત્તાવનચા સેનાની’ (1957) 1857ના સ્વાતંત્ર્ય-સેનાની અને યોદ્ધા તાત્યા ટોપેને લગતી છે. તે પ્રગટ થતાંની સાથે અતિલોકપ્રિય બની હતી. તેમની બીજી નવલકથા ‘પ્રતિનિધિ’ સામાજિક અશાંતિ અને વર્ગોના વિવિધ સ્તરે રહેલ અસંતોષની પ્રતીતિ કરાવે છે. આ ગ્રંથને રાજ્ય સરકારનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમની છેલ્લી નવલકથા ‘યાજ્ઞવલ્ક્યાચી આઈ’ હતી.

તેમના નાટ્યસંગ્રહ ‘નીરો’ને મંચ પર ઘણી સફળતા સાંપડી હતી. ‘સાર્વભૌમ’ (1985) નાગરિક સ્વાતંત્ર્ય અને લોકશાહીવિષયક લેખોનો સંગ્રહ છે અને તે તેમની છેલ્લી કૃતિ હતી. 1961થી 1964 સુધી તેમણે નાગપુર ખાતે રામ ગણેશ ગડકરી પર આપેલાં પ્રવચનો પરથી મરાઠી રંગભૂમિ પરનો તેમનો ઊંડો અભ્યાસ અભિવ્યક્ત થાય છે. 1975માં તેઓ જયપ્રકાશ નારાયણની ચળવળમાં જોડાયા હતા.

બળદેવભાઈ કનીજિયા