વફા, પ્રભુ (જ. 19 સપ્ટેમ્બર 1915, લાડકણા, સિંધ) : સિંધી કવિ. મૂળ નામ પ્રભુ જોતુમલ છુગાણી. ‘વફા’ તેમનું તખલ્લુસ છે.

1934માં મૅટ્રિક થઈ કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી તેમણે 1938માં સ્નાતક પદવી મેળવી.

13 વરસની ઉંમરે સાહિત્ય તરફ આકર્ષાયા. ઉર્દૂ અને સિંધીમાં કાવ્યો લખવા સાથે તેમણે મુશાયરાઓમાં ભાગ લેવા માંડ્યો. જનાબ નવાઝ અલી જાફરી (‘નિયાઝ’) પાસેથી માર્ગદર્શન અને રાષ્ટ્રીય કવિ કિશનચંદ્ર (‘બેવસ’) પાસેથી પ્રેરણા મેળવીને તેમણે સાહિત્યક્ષેત્રે પોતાની પરિપક્વતા કેળવી હતી.

સ્વાતંત્ર્ય-આંદોલનના અનુસંધાને તેમણે રાષ્ટ્રીય ચેતનાને ઉજાગર કરતી કાવ્યરચનાઓ રચી હતી. ‘બાલ્કન્જી બારી’ના સ્થાપક દાદા સેવક ભોજરાજની સાથે રહીને તેમણે બાળગીતો પણ રચ્યાં હતાં. વિભાજન પછી તેઓ મુંબઈ ખાતે સ્થિર થયા હતા.

સિંધી કવિતામાં બાઈ, ગીત, લાડા, ખેત, કાફી, ગઝલ, રુબાઈ જેવા પારંપરિક કાવ્યપ્રકારોમાં કલમ ચલાવવા ઉપરાંત તેમણે નવતર કાવ્યરીતિના પ્રયોગો પણ કરેલ છે. જાપાની કવિતા ‘હાઇકુ’ને તેમણે અક્ષરમર્યાદામાં બાંધવાને બદલે ત્રણ કડીની છંદોબદ્ધ રચનામાં ઢાળીને તેનું ‘ટિસિટા’ (ત્રણ કડી) નામાભિધાન કર્યું હતું. તેવી જ રીતે તેમણે ‘પંજકડા’ પાંચ કડીની કવિતાનો નવતર પ્રયોગ પણ કર્યો હતો.

તેમના પંજકડાના પ્રયોગાત્મક સંગ્રહ ‘સુરખ ગુલાબ સર્હા ખ્વાબ’ને 1980માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે પણ તેમને ગૌરવ પુરસ્કાર એનાયત કરેલો.

તેમણે અર્ધો ડઝન કાવ્યસંગ્રહો ઉપરાંત ખલીલ જિબ્રાનના ‘પ્રૉફેટ’નો સિંધી અનુવાદ પણ આપ્યો છે.

જીવનમાં પ્રેમને અત્યધિક મહત્વ આપનાર આ કવિની દૃષ્ટિએ તો માનવસંબંધો અને માનવતા પ્રત્યેની વફાદારી એ જ જીવનદર્શનનો નિચોડ છે. તેમની કવિતા માનવતાવાદી સૂર આલાપે છે.

જયંત રેલવાણી