વન્દે માતરમ્ : ભારતની આઝાદીની લડત દરમિયાન સ્વાતંત્ર્ય સૈનિકોને સર્વોચ્ચ બલિદાનની પ્રેરણા પૂરી પાડનાર તથા સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રગીતની સમકક્ષ અધિકૃત દરજ્જો ધરાવનાર રાષ્ટ્રીય પ્રેરણાગાન. ‘વન્દે માતરમ્’ ગીત ભારતીય સંસ્કૃતિનું અણમોલ રત્ન છે. સ્વાતંત્ર્ય-સંગ્રામમાં લોકજાગૃતિ દ્વારા અને પ્રેરણા પૂરી પાડવાના હેતુથી દેશભક્તિના સ્રોત સમું આ ગીત બંગાળના જાણીતા સાહિત્યકાર બંકિમચંદ્ર ચૅટરજી દ્વારા મૂળ સંસ્કૃતમાં રચાયું હતું. તેની રચના તથા તેના પ્રસારની વાત રોમહર્ષક છે. બંકિમચંદ્રની નાનકડી દીકરીએ એક વાર તેમને પૂછ્યું, ‘જે માતૃભૂમિની તમે ઘણી સ્તુતિ કરો છો, તે કેવી છે તે મને કહોને !’ વહાલસોયી દીકરીના આ પ્રશ્ર્નના પ્રત્યુત્તર રૂપે પિતાએ જે કાવ્ય રચ્યું તે ‘વન્દે માતરમ્’. તેમાં ભારતની ધરતીને માતાના સ્વરૂપમાં કલ્પી તેના પ્રત્યે માતૃવંદનની ભાવના કવિએ વ્યક્તિ કરી છે. સૌન્દર્યમંડિત નદી-સરોવરોથી વ્યાપ્ત; ફળફળાદિનાં વૃક્ષો ધરાવતી; શીત પવનલહરી પ્રસરાવતી; નીલવર્ણાં ખેતરો ધરાવતી; શ્ર્વેત ચાંદનીસભર રમ્ય રાત્રિએ પ્રફુલ્લ પુષ્પો, વન-ઉપવન અને પક્ષીઓનાં કર્ણમધુર ગાનથી સતત શોભાયમાન રહેતી; સુખદાયી, આકાંક્ષાઓ પૂર્ણ કરતી ભારતભૂમિના અવર્ણનીય આત્માનું અપ્રતિમ શબ્દચિત્ર તેમાં રચાયું છે. આ ગીતની રચના 7 નવેમ્બર 1875ના દિવસે પૂરી થઈ હતી. કોઈ આકસ્મિક પ્રેરણાના બળે આ ગીત રચાયું હશે તેમ બંકિમચંદ્રની જીવનકથા પરથી લાગે છે. આ ગીતની રચના અંગે અન્યત્ર એક બીજી ઘટના પણ સંકળાયેલી છે. બંકિમચંદ્રના નાના ભાઈ પૂર્ણચંદ્રના કથન પ્રમાણે આ કાવ્ય 1875માં રચાયું. એ સમયે ‘બંગદર્શન’ સામયિકમાં એક અંકનું એક પાનું કોરું રહી જતું હોવાથી તેની પૂર્તિ કરવા માટે સંપાદકને કંઈક લખાણની જરૂર પડી ત્યારે બંકિમચંદ્રે આ ગીત રચી દીધું. પ્રૂફવાચકે બંગાળી અને સંસ્કૃતમિશ્રિત ભાષાને કારણે આ ગીત વિશે ઠંડો અને નકારભર્યો અભિપ્રાય આપતાં નારાજ થયેલા બંકિમચંદ્રે એ વખતે ગીત પ્રગટ થવા દીધું નહિ.
આમ, એક રીતે કહીએ તો આ ગીતનો આગવો ઇતિહાસ છે. બંકિમચંદ્ર પોતે ‘બંગદર્શન’ માસિક ચલાવતા હતા. આ સામયિકમાં ‘આનંદમઠ’ શીર્ષકથી તેમની ધારાવાહિક નવલકથા હપતાવાર પ્રસિદ્ધ થતી હતી. તેમાં એક પ્રસંગને અનુરૂપ સમૂહપ્રાર્થના રૂપે ઈ. સ. 1877ના 30મી ડિસેમ્બરના અંકમાં આ ગીત સૌપ્રથમ પ્રકાશિત થયું. નવલકથાસ્વરૂપે ‘આનંદમઠ’ 1882માં પ્રકાશિત થઈ. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને જન્મવા આડે હજુ ત્રણ વર્ષની વાર હતી. પરંતુ આ ગીત ‘બંગદર્શન’ના વાચકોમાં તત્ક્ષણ અત્યંત પ્રિય બન્યું અને તેનો એક કાયમી ચાહક વર્ગ ઊભો થયો. ‘આનંદમઠ’ નવલકથાના નાટ્યરૂપાંતરમાં પણ આ રચનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઢાકાથી પ્રગટ થતા ‘બાંધવ’ સામયિકમાં કાલિપ્રસન્ન ઘોષે છેક 1883માં જ ‘વન્દે માતરમ્’ને રાષ્ટ્રગીત તરીકે ઓળખાવ્યું હતું. ‘વન્દે માતરમ્’ની રાષ્ટ્રગીત તરીકેની પરખ કરનાર તેઓ સૌપ્રથમ ભારતીય હતા. હરિશ્ર્ચંદ્ર હલદાર નામના ચિત્રકારને આ ગીતે ભારતમાતાનું ચિત્ર બનાવવાની પ્રેરણા આપી. આ ચિત્ર 1886માં ‘બાલક’ સામયિકમાં પ્રગટ થયું હતું. 1886માં હેમચંદ્ર બંદોપાધ્યાયે ‘રાખી બન્ધન’ ગીત રચ્યું, જેમાં પહેલી બે કડીઓ ‘વન્દે માતરમ્’ની હતી. તેમણે ‘વન્દે માતરમ્’ને ભારતવાસીઓના અંતરના ગીત તરીકે ઓળખાવ્યું. ‘વન્દે માતરમ્’નો એક ઘોષણામંત્ર તરીકે વ્યાપક ઉપયોગ કરવાની સૌથી પહેલી ઉત્સાહપૂર્ણ અપીલ બંગાળી વિદ્વાન યોગેન્દ્રનાથ વિદ્યાભૂષણે 1890માં પ્રગટ થયેલા તેમના ગ્રંથ ગૅરિબાલ્ડીના જીવનચરિત્રમાં કરી. પરંતુ ક્યારે અને કેમ આ શબ્દદ્વય ક્રાંતિમંત્ર બન્યો અને દેશભક્તોના હૃદયમાં રાષ્ટ્રભક્તિનો ઉદ્રેક સ્થાયી કર્યો, તેની સિલસિલાબંધ ઐતિહાસિક તવારીખ વિશે સંશોધન કરવાનું કાર્ય હજુ બાકી છે. ગાંધીજીએ લખ્યું છે કે તેમની કિશોરવયે જ્યારે તેઓ બંકિમચંદ્ર વિશે કશુંયે જાણતા નહોતા ત્યારેય ‘વન્દે માતરમ્’ મંત્રે એમને પક્કડમાં લીધા હતા અને તેના પ્રથમ શ્રવણે જ તેઓ ભાવ-વિભોર બની ગયા હતા.
19મી જુલાઈ 1905ના રોજ લૉર્ડ કર્ઝને બંગાળના ભાગલાની જાહેરાત કરી જેના વિરોધમાં 7 ઑગસ્ટ 1905ના રોજ બંગભંગનો વિરોધ કરવા કોલકાતાના ટાઉનહૉલમાં આ ગીતનું પ્રથમ ગાન થયું હતું. બંગાળના ભાગલા અંગેનું સરકારી જાહેરનામું 1લી સપ્ટેમ્બર 1905ના રોજ બહાર પડ્યું. આથી ‘બંગભંગ’નું આંદોલન છેડાયું અને નોખા નોખા પ્રતિભાવ સાથે વિવિધ કાર્યક્રમો આરંભાયા, જેમાં રમેન્દ્રસુંદરે ‘બંગલક્ષ્મીર વ્રતકથા’ નામે પરંપરાગત વ્રતકથાની વાર્તા લખી હતી, જેનો આરંભ અને અંત ‘વન્દે માતરમ્’ શબ્દોથી થતો હતો. તેના ત્રણ સપ્તાહ બાદ દુર્ગાપૂજાના દિવસો પૂરા થતા રવીન્દ્રનાથ ઠાકુરે તેમના લાગણીસભર પ્રવચનમાં કહ્યું કે, ‘‘વન્દે માતરમ્’’ દરેકેદરેક કંઠમાંથી ઉચ્ચારિત હો અને દેશના ખૂણે ખૂણે તેનો પ્રતિઘોષ ઊઠો.’ આમ 1905-06ના અરસા સુધીમાં તો ‘વન્દે માતરમ્’નો બંગાળવ્યાપ્ત પ્રતિઘોષ ઊઠ્યો હતો, એ નક્કી છે. ‘વન્દે માતરમ્’ના વિસ્તરતા પ્રભાવને રોકવા 8મી નવેમ્બર 1905ના રોજ પૂર્વ બંગાળના મુખ્ય સચિવ પી. સી. લોયને આ ગીત જાહેરમાં ગાવાની કે તેની ઘોષણા કરવાની મનાઈ ફરમાવતો પરિપત્ર કમિશનરને મોકલ્યો. પરિણામે ગીતના સૂત્રોચ્ચાર પર કે ગાન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો, પરંતુ આ નાફરમાનીએ તો ગીતને નવું બળ પૂરું પાડ્યું.
બંગભંગને પગલે ઑક્ટોબર, 1905માં વન્દે માતરમ્ સંપ્રદાય નામે એક મંડળ કોલકાતામાં સ્થપાયું, જેમાં તરુણો આ ગીતનું ગાન કરતા. આ મંડળની શાખાઓ ઢાકા, નવદ્વીપ (નદિયા) વગેરે સ્થળોએ હતી, જેણે આ ગીતને નવા વિસ્તારોમાં લોકપ્રિય બનાવ્યું. ઠેકઠેકાણે આ શબ્દદ્વય પ્રતિષ્ઠિત અને પ્રિય થઈ પડ્યા. અનેક ચોપાનિયાં, પુસ્તકો અને સંસ્થાઓનાં નામ તરીકે તે સ્વીકૃતિ પામ્યું. આ જ વર્ષે દેશભક્તિનાં ગીતોનો એક સંગ્રહ ‘વન્દે માતરમ્’ નામથી પ્રસિદ્ધ થયો હતો.
આ અંગેના વિશિષ્ટ પ્રસંગની નોંધ લેવાનું ભાગ્યે જ ચુકાય. તારીખ 27થી 30ના ડિસેમ્બર 1905ના ગાળામાં વારાણસી ખાતે રાષ્ટ્રીય કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન યોજાયું હતું. તે સમયે વિવિધ દેશભક્તો સાથે વિખ્યાત સંગીતકલાકાર અને કવિવર રવીન્દ્રનાથ ઠાકુરની ભત્રીજી સરલાદેવી અને તેમના રાષ્ટ્રભક્ત પતિ રામાનુજ દત્ત ઉપસ્થિત હતા. ત્યારે માનવમેદનીએ અધિવેશનના આરંભે ‘વન્દે માતરમ્’ સ્વકંઠે ગાવા સરલાદેવીને અનુરોધ કર્યો. હકીકતમાં આ ગીત અંગે બ્રિટિશ સરકારની નાફરમાની સ્પષ્ટ હતી. આથી અધિવેશનના યજમાનો અને યોજકો સ્વાભાવિક રીતે મૂંઝાયા. અધિવેશનમાં આ ગીતનું ગાન પોલીસને સભા તોડવા માટેનું નિમિત્ત પૂરું પાડે તેમ હતું. આથી વ્યાસપીઠ પર બિરાજેલા પ્રમુખ ગોપાળ કૃષ્ણ ગોખલેએ સ્વહસ્તે ચિઠ્ઠી મોકલી સરલાદેવીને માત્ર પ્રારંભિક પંક્તિઓ ગાઈ સમગ્ર પ્રક્રિયા ઝટપટ પૂરી કરવાનો સંકેત પાઠવ્યો, જેથી લોકસમુદાય વીફરે નહિ. સરલાદેવીએ ગીતનો આરંભ કર્યો અને ત્વરિત માનવમેદનીમાંથી ‘વન્દે માતરમ્’નો મહાજયઘોષ ગુંજ્યો. શ્રોતાઓએ સરલાદેવીનું અભિવાદન કર્યું અને પ્રમુખના આદેશ છતાં લોકોના આગ્રહને વશ થઈ સરલાદેવીએ આખાયે ગીતનું ગાન કર્યું. લોકોના હર્ષોલ્લાસ વચ્ચે સદનસીબે પોલીસ ન આવી અને ઉપર્યુક્ત સમગ્ર પ્રસંગ શાંતિપૂર્ણ રીતે પાર પડ્યો.
આ તબક્કે વડોદરા કૉલેજના બંગાળી અધ્યાપક અરવિંદ ઘોષે બંગભંગના આંદોલનથી પ્રેરાઈને નોકરીને તિલાંજલિ આપી અને બંગાળમાં જઈ પ્રથમ 1906માં ‘વન્દે માતરમ્’ નામનું અંગ્રેજી સામયિક શરૂ કર્યું. આ ગીતનો પદ્યમાં અને ગદ્યમાં અંગ્રેજી અનુવાદ અરવિંદ ઘોષે પોતે જ કર્યો હતો. તેમનો પદ્યસ્વરૂપનો અનુવાદ મૂળ સર્જન જેટલો જ માતબર છે. 1906માં બંગાળની પ્રાંતિક કૉંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે હજારો લોકોએ સરકારી હુકમનો ઉઘાડે છોગે અનાદર કરી ‘વન્દે માતરમ્’નાં સૂત્રો પોકાર્યાં. સામે પક્ષે સરકારે અમાનવીય અત્યાચાર આચર્યો. એથી જાણે સૂત્રોચ્ચારને વધુ બળ મળ્યું. 1905 પછીના ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં કેટલાંક અધિવેશનોમાં મહાન સંગીતકાર પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કર આ રાષ્ટ્રગીતનું ગાન કરતા હતા. 7 ઑગસ્ટ 1906ના રોજ સુરેન્દ્રનાથ બૅનરજીએ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ સૌપ્રથમ વાર કોલકાતા ખાતેના પારસી બાગાન સ્ક્વેર (હાલના સાધના સરકાર ઉદ્યાન, ગ્રીર પાર્ક) ખાતે 101 તોપોની સલામી સાથે ફરકાવ્યો. આ ધ્વજના વચ્ચેના પીળા રંગના પટ્ટા પર ‘વન્દે માતરમ્’ શબ્દો દેવનાગરી લિપિમાં અંકિત હતા. વિખ્યાત ક્રાંતિવીર લાલા હરદયાળ અમેરિકામાંથી જામીન પર છૂટી સ્વિટ્ઝર્લૅન્ડ ગયા ત્યારે તેમણે તેમજ માદામ ભીખાઈજી કામાએ પણ જિનીવા શહેરમાંથી ‘વન્દે માતરમ્’ સામયિક શરૂ કર્યું હતું. 1906માં ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજાયું ત્યારે ગુજરાતની ધરતી પર સૌપ્રથમ વાર ‘વન્દે માતરમ્’ ગાવામાં આવ્યું. 1907માં સૂરત ખાતે હિંદી રાષ્ટ્રીય મહાસભા મળી ત્યારે પણ ‘વન્દે માતરમ્’નું ગાન કરવામાં આવ્યું. આ જ વર્ષે ઈસ્ટ બૅંગાલ રેલવેની હડતાળ માટેની પત્રિકાઓ વહેંચાઈ; જેનો મંત્ર હતો ‘વન્દે માતરમ્’. બંગાળ, બિહાર, દક્ષિણ ભારતમાં તમિળભાષી રાજ્ય પણ આ ગીતની મોહિની નીચે આવ્યું. વીસમી સદીના તમિળ ભાષાના મહાન કવિ સુબ્રહ્મણ્યમ્ ભારતીએ આ ગીતનો બે વાર અનુવાદ કર્યો અને તે દ્વારા તેને તે વખતના મદ્રાસ રાજ્યમાં લોકપ્રિય બનાવ્યું. મહારાષ્ટ્રમાં અને તેમાં પણ વિશેષે નાગપુરમાં ‘વન્દે માતરમ્’ વિદ્યાર્થીવૃન્દમાં બહુ લોકપ્રિય થયું અને તેના સૂત્રોચ્ચાર બદલ કેટલાક વિદ્યાર્થીઓને શાળા છોડવાની ફરજ પાડવામાં આવી. 1908માં જ્યારે લોકમાન્ય ટિળકને છ વર્ષની સજા ફરમાવવામાં આવી ત્યારે અદાલત બહાર ઊભેલા હજારો લોકોએ ‘વન્દે માતરમ્’ શબ્દોચ્ચારથી તેમનું અભિવાદન કર્યું. સમય જતાં બંગાળમાં રાષ્ટ્રભક્ત ક્રાંતિકારીઓમાં અને યુવાનોમાં પારસ્પારિક અભિવાદનના શબ્દો તરીકે ‘વન્દે માતરમ્’નો શબ્દપ્રયોગ સામાન્ય બની ગયો. 1908માં ક્રાંતિકારી હરદયાળ અને વીર સાવરકરે 1857ના વિપ્લવની સુવર્ણજયંતી લંડન ખાતે ઊજવી ત્યારે તેની આમંત્રણ પત્રિકા ઉપર ‘વન્દે માતરમ્’ શબ્દો આલેખ્યા હતા. એ કાર્યક્રમનો આરંભ પણ ‘વન્દે માતરમ્’ના ગાનથી જ થયો હતો અને એ પ્રસંગે મદનલાલ ધિંગરા જેવા તરુણોએ આ જ ક્રાંતિમંત્રના બિલ્લા ધારણ કરી ‘વન્દે માતરમ્’ને રાષ્ટ્રીય ક્રાંતિમંત્ર તરીકે જાણે વણકથી માન્યતા આપી દીધી હતી. 17મી ઑગસ્ટ 1909ના રોજ મદનલાલ ધિંગરાએ લંડનમાં ફાંસીના માંચડે ચઢી શહાદત વહોરી ત્યારે પણ તેમના અંતિમ શબ્દો ‘વન્દે માતરમ્’ જ હતા. આમ વીસમી સદીના પ્રથમ દસકાના ઉત્તરાર્ધમાં સ્વાતંત્ર્યકાંક્ષી ભારતીયોના દિલોદિમાગ પર ‘વન્દે માતરમ્’ છવાઈ ગયું હતું. પછી તો આ ગીત સમગ્ર ભારતમાં વ્યાપક રીતે પ્રસર્યું. લગભગ આ જ અરસામાં ગુજરાતી ચિત્રકાર મગનલાલ ત્રિવેદીએ હિંદુસ્તાનના નકશાને હિંદની દેવી કલ્પીને એક સુંદર ચિત્ર તૈયાર કર્યું, જેની લાખો નકલો દેશભરમાં પ્રસરતાં ‘વન્દે માતરમ્’ અત્ર, તત્ર, સર્વત્ર પ્રજાહૃદયમાં સ્થાન પામ્યું અને વણઆદેશે આ ગીતે રાષ્ટ્રગીતનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો. ત્યારથી આ ગીતની પ્રથમ કડીઓના સામૂહિક ગાનનો રિવાજ શરૂ થયો. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન આ ગીતના પ્રથમ બે શબ્દોનો સામૂહિક સૂત્રોચ્ચાર કરવાની પ્રથા શરૂ થઈ. 1907ના વર્ષમાં આ સંદર્ભની એક બીજી સુખદ ઘટનાની પણ નોંધ લેવી જોઈએ. આ વર્ષની 18મી ઑગસ્ટે જર્મનીના સ્ટટગાર્ટ નગર ખાતે યોજાયેલી સમાજવાદી પક્ષોની આંતરરાષ્ટ્રીય પરિષદમાં પારસી બાનુ માદામ ભીખાઈજી કામાએ જે ત્રિરંગો લહેરાવ્યો તેમાં ભારતીય પ્રજાની આકાંક્ષાઓની અભિવ્યક્તિરૂપે ‘વન્દે માતરમ્’ને ધ્વજની મધ્યમાં સ્થાન આપી જાણે રાષ્ટ્રગીત તરીકે તેના પર મહોર મારી. આમ સહસ્રાવધિ લોકો તેનું ગાન-રટણ કરતા જ રહ્યા. તે પ્રજાકીય સ્વાતંત્ર્યની ઝંખનાનું મૂર્તિમંત પ્રતીક બન્યું. કંઠોપકંઠ ગવાતા આ ગીતે દસ વર્ષના ગાળામાં આપબળે રાષ્ટ્રગીતનું ગૌરવ હાંસલ કર્યું. 1917માં ‘નવજીવન અને સત્ય’ સામયિકોમાં આ બંગાળી ગીતનો સમશ્ર્લોકી ગુજરાતી અનુવાદ પ્રથમ વાર પ્રગટ થયો હતો.
12મી સપ્ટેમ્બર 1906ના રોજ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયામાં જી. એ. ગ્રિયર્સે આ ગીત વિશે વિવાદનો આરંભ કર્યો અને જણાવ્યું કે આ ગીત સંહારની દેવી કાલિને ઉદબોધન રૂપે છે. ગીતમાંના ‘સુજલામ, સુફલામ’ જેવા શબ્દો અને અન્ય ભાવાર્થને તેમણે નજર અંદાઝ કર્યા. એક બીજા અંગ્રેજ અધિકારી સર વૉલેન્ટાઇન કિરોલે ભીષણરૂપ કાલિને સંબોધીને જાણે કે તે લખાયેલું છે એ રીતે તેને ઓળખાવીને વખોડી કાઢ્યું. આ પ્રતિભાવના પ્રત્યુત્તરમાં બિપિનચંદ્ર પાલે જરા જેટલું બંગાળી જાણનાર અંગ્રેજોની ખબર લઈ નાખી અને તાર્કિક દલીલો સાથે ગીતને બંગભૂમિ વિશેના સ્તોત્ર તરીકે ઓળખાવ્યું. આમ આ ગીત અંગે કેટલાક અંગ્રેજોએ નિરર્થક વિવાદ સર્જવાના નિષ્ફળ પ્રયાસ પણ કર્યા હતા.
1919માં હિન્દુ-મુસ્લિમ સંબંધો અંગે ચકમક ઝરવાની શરૂઆત થઈ ત્યારે ‘વન્દે માતરમ્’ અંગે પણ નાનકડું ‘સાંસ્કૃતિક યુદ્ધ’ જામ્યું અને આ ગીત તેના વિરોધીઓના હુમલાનું નિશાન બન્યું. 1935ના કાયદાના આધારે કૉંગ્રેસ પક્ષે પ્રાંતિક સરકારોની રચના કરી. ‘વન્દે માતરમ્’નો અધિકૃત રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર કર્યો ત્યારે પણ તે અંગે વિરોધનો સૂર ઊઠ્યો. સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદે ‘ઇન્ડિયા ડિવાઇડેડ’માં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. આ વિવાદને પરિણામે 1937માં કૉંગ્રેસ કાર્યકારિણીએ ‘વન્દે માતરમ્’નો અમુક અંશ જ સ્વીકાર્યો અને હિન્દુ દેવદેવીઓનો ઉલ્લેખ કરતી પાછળની કડીઓને આ ગીતથી અલગ કરીને માત્ર પહેલી બે કડીઓ ગાવાનો નિર્ણય લેવાયો. સ્વતંત્ર ભારતમાં ‘વન્દે માતરમ્’નો અધિકૃત રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર ન થયો તેમાં સાંપ્રદાયિકતાનો આ પૂર્વગ્રહ કારણભૂત હોવાનું કેટલાક બંગાળી સાહિત્યકારો માને છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર અને બંધારણ સમિતિના કેટલાક સભ્યો ‘વન્દે માતરમ્’ને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવાના અભિપ્રાયની તરફેણમાં હતા. પરંતુ પ્રજાજીવનમાં અને રાષ્ટ્રીય ચેતનાના તાણાવાણા સાથે આ ગીત એવું તો ગૂંથાઈ ગયું હતું કે તેને અવગણી શકાય તેમ નહોતું. પરિણામે તેને રાષ્ટ્રગીતની સમકક્ષનો દરજ્જો આપવામાં આવ્યો તેમજ રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા રચિત ‘જનગણમન’ને રાષ્ટ્રગીત (national anthem) અને ‘વન્દે માતરમ્’ને પ્રેરણાગીત (national song) તરીકે સ્વીકારી સમાન મહત્વ બક્ષવાનો પ્રયાસ થયો.
1937માં કૉંગ્રેસ કારોબારી સમિતિએ નીમેલી ‘રાષ્ટ્રગીત સમિતિ’ની બેઠક મળી. આ સમિતિએ બધા રાષ્ટ્રીય પ્રસંગોએ ‘વન્દે માતરમ્’ ગાવાની હિમાયત કરી અને ત્યારથી ‘વન્દે માતરમ્’ રાષ્ટ્રગીત રૂપે પ્રજાકીય સાર્વભૌમત્વની રૂએ સ્વીકૃતિ પામ્યું. નાત-જાત અને કોમના ભેદભાવ ભુલાવતું આ ગીત સ્વાતંત્ર્યસંગ્રામમાં શહીદોનું પ્રેરકગાન બન્યું. લીલુડાં માથાં વધેરતા ભારતીય યુવાનોને ‘વન્દે માતરમ્’નો નાદ પ્રાણથીયે અધિક પ્યારો બન્યો. દેશના કણેકણમાં અને જનજીવનના રોમેરોમમાં આ ગીતથી સર્વસ્વના બલિદાનના મહિમાને વેગ મળ્યો. બ્રિટિશ સરકાર આ ગીત વિરુદ્ધ તથા એના સૂત્રોચ્ચાર વિરુદ્ધ જેમ જેમ દમનનો કોરડો વીંઝતી ગઈ તેમ તેમ લોકજુવાળ ‘વન્દે માતરમ્’ને ચરમસીમાએ સ્થાપતો રહ્યો.
મુંબઈથી શામળદાસ ગાંધી(ગાંધીજીના ભત્રીજા)એ 15 માર્ચ 1941ના રોજ ‘વન્દે માતરમ્’ નામનું ગુજરાતી દૈનિક શરૂ કર્યું. 56 પાનાંનો તેનો પહેલો અંક ગુજરાતી પત્રકારત્વમાં સીમાસ્તંભરૂપ બન્યો હતો.
ભારતની સ્વતંત્રતાનું પ્રભાત ઊગ્યું ત્યારે 15 ઑગસ્ટ 1947ના મળસ્કે યોજાયેલી સંસદની પ્રથમ બેઠકમાં વિશ્વવિખ્યાત શાસ્ત્રીય સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકુર અને હીરાબાઈ બડોદેકરે સંસદભવનમાં યુગલ સ્વરોમાં ‘વન્દે માતરમ્’ ગાઈ આઝાદીના અરુણ પ્રભાતનું સ્વાગત કર્યું. તેની સાથોસાથ તે દિવસની સવારથી આકાશવાણીના કાર્યક્રમોનો શુભારંભ ‘વન્દે માતરમ્’ના ગાનથી થયો અને તે પરંપરા આજદિન સુધી આકાશવાણીએ જાળવી રાખી છે. ત્યારબાદ સપ્ટેમ્બર 1959માં ભારતમાં દૂરદર્શનની શરૂઆત થઈ ત્યારે તેણે પણ આકાશવાણીની આ પરંપરાનું અનુકરણ કર્યું છે. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણસભાની બેઠકમાં સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદે ‘જનગણમન’ ગીતને અધિકૃત રાષ્ટ્રગીત જાહેર કરતાં જણાવ્યું કે ‘વન્દે માતરમ્ કો, જિસને ભારતીય સ્વતંત્રતાસંગ્રામ મેં ઐતિહાસિક ભૂમિકા નિભાઈ, ‘જનગણમન’ કે સાથ હી સમાન આદર દિયા જાયેગા, ઉસકો સમાન માન્યતા પ્રાપ્ત હોગી.’ આમ, આ ગીતે ભિન્ન ભિન્ન ધર્મોને અનુસરતા કરોડો વિવિધભાષી અને વિવિધ પ્રદેશોમાં વસતા ભારતીયોને એકસૂત્રે જોડ્યા છે. આમ, સ્વાતંત્ર્યસંગ્રામનું એ પ્રેરણાગાન હતું અને રાષ્ટ્રીયતાનો યુગવર્તી સંદેશ તેણે પૂરો પાડ્યો.
આ સંદર્ભમાં જ એક અનન્ય ઘટના ઘટી. 1976માં આ વર્ષમાં ‘વન્દે માતરમ્’ ગીતનો શતાબ્દિ સમારોહ ઊજવવામાં આવ્યો. તેની અનન્ય યાદગીરી રૂપે ભારત સરકાર દ્વારા આ ગીતની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી. આ રીતે ‘વન્દે માતરમ્’ની શતાબ્દીની ઉજવણીને પ્રજાજીવનની એક અદભુત અને વિરલ ઘટના લેખી શકાય.
સ્વતંત્ર ભારતની પ્રથમ સુવર્ણજયંતીના અવસર પર 14 ઑગસ્ટ 1997ના રોજ સંસદ ભવનમાં પંડિત ભીમસેન જોશીએ રાગ દેસમાં આ ગીત ગાયું હતું. જ્યારે 1998માં સુવર્ણજયંતીની પૂર્ણાહુતિના દિવસે આ જ ગીત પંડિત જસરાજે રજૂ કર્યું હતું. વિખ્યાત ઓડિસી નૃત્યુગુરુ કેલુચરણ મહાપાત્રે આ ગીત પર ઓડિસી નૃત્યશૈલીમાં એક નૃત્ય-નાટિકા તૈયાર કરી હતી, જે મુંબઈમાં આયોજિત એલિફન્ટા મહોત્સવમાં રજૂ કરવામાં આવી હતી.
અત્યાર સુધી ‘વન્દે માતરમ્’ રાષ્ટ્રગીત જુદા જુદા સંગીતકારોએ જુદા જુદા રાગમાં ઢાળવાનો પ્રયાસ કર્યો છે; જેમાં સૌથી પહેલો પ્રયાસ ‘યદુ ભટ્ટ’ ટૂંકાક્ષરી નામથી ઓળખાતા બંગાળના સ્વરકાર જદુનાથ ભટ્ટાચાર્યે 1876માં રાગ દેસમલ્હારમાં કર્યો હતો અને તે સ્વરરચના ગોપાલચંદ્ર ધર તથા રવીન્દ્રનાથ ઠાકુરની ભત્રીજી પ્રતિમાદેવીએ યુગલ સ્વરોમાં ગાઈ હતી. 1928માં વિષ્ણુપંત પાગનીસે તે ગીત રાગ સારંગમાં ભજનશૈલીમાં રજૂ કર્યું હતું. તે જ અરસામાં મુંબઈના એક ભજનિક પંડિત સાવળારામબુવાએ રાગ કલિંગડામાં આ ગીત ઢાળ્યું હતું. ‘પ્રભાત’ ફિલ્મ કંપનીના નટગાયક કેશવરામ ભોળેએ રાગ દેસકારમાં આ ગીતની સ્વરરચના કરી હતી. દક્ષિણ ભારતનાં વિખ્યાત ગાયિકા એમ. એસ. સુબ્બલક્ષ્મી અને દિલીપકુમાર રૉયે યુગલસ્વરોમાં આ ગીત ગાયું છે, જેની દરેક કડી જુદા જુદા રાગમાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ જ યુગલ ગાયકોએ દક્ષિણના વિખ્યાત રચનાકાર સુબ્રમણ્યમ્ ભારતીએ આ ગીતના તમિળમાં કરેલા અનુવાદની કર્ણાટકી સંગીતશૈલીના એક રાગમાં રજૂઆત કરી છે, જે દક્ષિણ ભારતમાં ખૂબ લોકપ્રિય છે. બંગાળના સ્વરકાર તિમિરબરને રાગ દુર્ગામાં આ ગીતની સ્વરરચના કરી છે, જે કૂચ ગીત (marching song) તરીકે સુભાષચંદ્ર બોઝને બહુ ગમ્યું હતું. તેમાં પાશ્ર્ચાત્ય સંગીતનું મિશ્રણ પણ કરવામાં આવ્યું હતું અને આઝાદ હિંદ ફોજના સિંગાપુર રેડિયો કેન્દ્ર પરથી સૈનિકોનો જુસ્સો વધારવા માટે રોજ તેનું પ્રસારણ કરવામાં આવતું હતું. લગભગ તે જ અરસામાં, એટલે કે આઝાદી પૂર્વે માસ્ટર કૃષ્ણરાવ કુલંબ્રિકર નામના શાસ્ત્રીય ગાયકે આ ગીતની સ્વરરચના રાગ કાફી અને રાગ ઝિંઝોટીના મિશ્રણથી કરી હતી જે મહારાષ્ટ્રની શિક્ષણસંસ્થાઓમાં ખૂબ લોકપ્રિય બની હતી. તે જ અરસામાં વી. ડી. અંબઇકર નામના શાસ્ત્રીય સંગીતકારે આ ગીત રાગ ખંભાયતીમાં પ્રસ્તુત કર્યું હતું, જે વિખ્યાત ગાયિકા કિશોરી આમોણકરનાં માતા મોગુબાઈ કુડીકરે ગાયું હતું. ચલચિત્રજગતના વિખ્યાત સંગીતકાર વસંત દેસાઈએ પણ આ ગીતની સ્વરરચના કૂચગીતને અનુરૂપ થાય એ રીતે કરી હતી અને તેમાં ભારતીય અને પાશ્ર્ચાત્ય વાદ્યોનો એકસાથે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ગીત અત્યાર સુધી છ ચલચિત્રોમાં રજૂ કરવામાં આવ્યું છે : (1) ‘અમર આશા’ (1947), (2) ‘આંદોલન’ (1951) ચલચિત્રમાં સંગીત-નિર્દેશક પન્નાલાલ ઘોષની રાહબરી હેઠળ મન્ના ડે, શૈલેન્દ્રકુમાર અને સુધા મલહોત્રાના સમૂહ કંઠમાં ગવાયેલું છે, (3) ‘આનંદમઠ’ (1952) હિંદી તથા બંગાળી બંને ભાષાઓમાં આ ચલચિત્રમાં તે રાગ માલકંસ અને રાગ ભૈરવીના મિશ્રણથી રજૂ કરવામાં આવ્યું છે અને લતા મંગેશકર તથા હેમંતકુમારના યુગલ સ્વરોમાં અત્યંત પ્રેરણાદાયી શૈલીમાં તે રજૂ થયેલું છે, (4) ‘મહાવિપ્લવી અરવિંદો’(1952)માં હેમંતકુમાર અને સાથી કલાકારોએ તે આરતીની શૈલીમાં ગાયેલું છે, (5) ‘લીડર’ (1965) જેમાં નૌશાદની સ્વરરચનામાં કૂચગીત તરીકે તેની રજૂઆત થઈ છે, (6) ‘મેકિંગ ઑવ્ ધ મહાત્મા’ (હિંદી) જેમાં શ્યામ બેનેગલનું નિર્દેશન અને વનરાજ ભાટિયાનું સંગીત-નિર્દેશન છે. તેમાં ઉષા ઉત્થપે કંઠ આપ્યો છે.
કોઈ પણ એક ગીતને જુદા જુદા સ્તરે આટલી બધી લોકપ્રિયતા મળી હોય તેવો વિશ્વસ્તર પર તેનો બીજો જોટો મળવો લગભગ અસંભવ છે.
તવારીખ :
1876 : બંકિમચંદ્ર ચૅટરજી દ્વારા રચના.
1877 : (30 ડિસેમ્બર) પ્રથમ વાર જાહેરમાં પ્રકાશિત થયું; બંકિમચંદ્રના ‘બંગદર્શન’ સામયિકમાં, ‘આનંદમઠ’ નવલકથાના ભાગ રૂપે.
1896 : ‘કોલકાતા’ કૉંગ્રેસ અધિવેશનમાં સૌપ્રથમ ગાન કર્યું કવિવર રવીન્દ્રનાથ ટાગોરે.
1904 : ગીતની રેકર્ડ પ્રસિદ્ધ થઈ.
1905 : કૉંગ્રેસના વારાણસી અધિવેશનમાં સરલાદેવી રામાનુજ દત્ત દ્વારા, સરકારી મનાઈ છતાં સ્વકંઠે ગાન.
1906 : 7 ઑગસ્ટના રોજ પહેલો ભારતીય રાષ્ટ્રધ્વજ કોલકાતાના પારસી બાગાન સ્ક્વેર (હવે સાધના સરકાર ઉદ્યાન, ગ્રીર પાર્ક) ખાતે ફરકાવવામાં આવ્યો, જેના મધ્યના પીળા પટ્ટામાં ‘વન્દે માતરમ્’ શબ્દો અંકિત હતા.
1906 : ‘વન્દેમાતરમ્’ નામનું પ્રથમ અંગ્રેજી સામયિક શ્રી અરવિંદ ઘોષ દ્વારા પ્રસિદ્ધ થયું.
1906 : ગુજરાતની ધરતી પર અમદાવાદમાં સ્વદેશી મેળામાં પ્રથમ વાર ગવાયું.
190607 : ગુજરાતના ચિત્રકાર મગનલાલ ત્રિવેદી દ્વારા ભારતનો નકશો માતૃવંદન સ્વરૂપે ‘વન્દે માતરમ્’ સાથે પ્રસિદ્ધ થયો.
1907 : પ્રથમ વાર ભારતીય રાષ્ટ્રીય ધ્વજની મધ્યના પટ્ટામાં ‘વન્દે માતરમ્’ જર્મનીના સ્ટટગાર્ટ ખાતે માદામ કામા દ્વારા રજૂઆત પામ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે આ સૌપ્રથમ રજૂઆત હતી.
1907 : ‘વન્દે માતરમ્’ માસિક, માદામ કામા દ્વારા પ્રકાશિત થવા લાગ્યું.
1907 : જિનીવાથી લાલા હરદયાળ દ્વારા ‘વન્દે માતરમ્’ સામયિક પ્રસિદ્ધ થયું.
1917 : ‘નવજીવન અને સત્ય’માં આ બંગાળી ગીતનો ગુજરાતી સમશ્ર્લોકી અનુવાદ પ્રગટ થયો.
1935 : પ્રાંતિક સરકારો રચાઈ ત્યારે તેનો અધિકૃત રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર થયો.
1937 : ‘વન્દે માતરમ્’નો કૉંગ્રેસ કાર્યકારિણી દ્વારા આંશિક સ્વીકાર.
1941-42 : ‘વન્દે માતરમ્’ ગુજરાતી દૈનિક સ્વરૂપે મુંબઈથી શામળદાસ ગાંધી દ્વારા પ્રગટ થયું.
1947, 15મી ઑગસ્ટ : રાષ્ટ્રગીત સ્વરૂપે પંડિત ઓમકારનાથ ઠાકુર દ્વારા તેનું સૌપ્રથમ વાર ભારતની લોકસભાની પ્રથમ બેઠકમાં ગાન કરવામાં આવ્યું.
1950, 24 જાન્યુઆરી : રાષ્ટ્રગીતની સમકક્ષનો દરજ્જો ઘોષિત કરવામાં આવ્યો.
1976 : આ ગીતનો શતાબ્દી સમારોહ ઊજવવામાં આવ્યો. ગીતની સ્મૃતિ રૂપે ગીત અંકિત કરેલી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે, રક્ષા મ. વ્યાસ