વનસ્પતિ-સમાજ (plant community)

કોઈ એક નૈસર્ગિક વિસ્તારમાં વસવાટ ધરાવતી સજીવોની જાતિઓનો સમૂહ. વનસ્પતિ-સમાજમાં વસતી જાતિઓ પરસ્પર સહિષ્ણુતા (tolerance) દાખવે છે અને લાભદાયી આંતરક્રિયાઓ કરે છે. સમાજમાં સજીવો એક જ આવાસ(habitat)માં વસે છે અને એકસરખા પર્યાવરણમાં વૃદ્ધિ પામે છે. આવા વનસ્પતિ-સમાજો વન, તૃણભૂમિ, રણ કે તળાવમાં થતી વનસ્પતિઓ દ્વારા બને છે. સમાજમાં માત્ર જૈવિક ઘટકનો જ સમાવેશ થાય છે, અજૈવ (abiotic) ઘટકની ગણના તેમાં થતી નથી.

સમાજની સંકલ્પના કોઈ નવી સંકલ્પના નથી, પરંતુ વર્ષો પહેલાં (370-250 ઈ. પૂ.) થિયૉફ્રેસ્ટસ દ્વારા વિવિધ – વિસ્તારોમાં વનસ્પતિ-સમાજ અથવા જાતિઓના સંઘ(association)ના અસ્તિત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઘણી સદીઓ પછી ગ્રિસબૅકે (1838) ‘વનસ્પતિ વિરચન’(formation)ને વનસ્પતિ-સમૂહના એક મહત્વના એકમ તરીકેની માન્યતા આપી. કાર્લ મોબિયસે (1880) છીપ-સંસ્તર સમાજમાં રહેલા સજીવોના સંઘો માટે ‘જીવપરિસ્થિતિતંત્ર’ (biocoenosis) શબ્દ પ્રચલિત કર્યો. સમુદ્રના તળિયે સંઘ કે સમાજ સ્વરૂપે વસવાટ ધરાવતી વનસ્પતિ-જાતિઓ માટે સ્ક્રૉટર અને કિર્ચનરે (1902) ‘સંપરિસ્થિતિવિદ્યા’ (synecology) શબ્દ વાપર્યો.

સમાજ-પરિસ્થિતિવિદ્યા(community ecology)માં તે પછી થયેલાં સંશોધનો દ્વારા વર્ગીકરણના પ્રચલિત વિચારોનો પાંચ દિશામાં વિકાસ થયો, જે આ પ્રમાણે છે : (1) અમેરિકામાં કાઉલ્સ (1899) અને ક્લેમેન્ટસે (1905) અનુક્રમણ(succession)ની પ્રક્રિયા પર ભાર મૂક્યો; (2) બ્રિટનમાં ટેન્સલીએ (1904) સમાજના વર્ગીકરણમાં અનુક્રમણની સંકલ્પનાને સ્થાન આપ્યું; (3) ઉત્તર યુરોપમાં હલ્ટ (1881) અને ડુ રિટ્ઝે (1930) સમાજના અભ્યાસની વનસ્પતિ-સામાજિક (phytosociological) અને રૉન્કિયરે (1934) રૂપાકૃતિક (physiognomic) પદ્ધતિઓને મહત્વ આપ્યું; (4) દક્ષિણ યુરોપમાં બ્રૉન-બ્લૅન્કવેટે (1932) વનસ્પતિ-સામાજિક અભ્યાસની પદ્ધતિઓ વિકસાવી; (5) ઉપર્યુક્ત ઉપરાંત સમાજ-પરિસ્થિતિવિદ્યામાં રશિયન વિચારધારાનો વિકાસ થયો, જે બહુ સ્પષ્ટ નથી.

કોઈ પણ સમાજને પોતાનું બંધારણ, વિકાસનો ઇતિહાસ અને વર્તણૂક હોય છે. આ બધાં લક્ષણો પર્યાવરણીય પરિબળો (સંપરિસ્થિતિવિદ્યા) સાથે સહસંબંધ (corelation) દર્શાવે છે.

વનસ્પતિસમાજનાં લક્ષણો : સમાજને વસ્તીની જેમ પોતાનાં કેટલાંક લક્ષણો છે, જે વ્યક્તિગત જાતિ દ્વારા દર્શાવાતાં નથી. સંગઠનની સામાજિક કક્ષાના સંદર્ભમાં જોવા મળતાં લક્ષણો આ પ્રમાણે છે :

1. જાતિ-વૈવિધ્ય (species diversity) : પ્રત્યેક સમાજ ઘણાં વિભિન્ન સજીવો જેવાં કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો દ્વારા બને છે. તેઓ વર્ગીકરણવિદ્યાની દૃષ્ટિએ એકબીજાથી તદ્દન અલગ પડે છે. સમાજમાં જાતિઓની સંખ્યા અને વસ્તીની વિપુલતા પણ ઘણો તફાવત દર્શાવે છે.

જાતિ-વૈવિધ્ય બે સ્તરે જોવા મળે છે : (i) પ્રાદેશિક ભિન્નતા (regional diversity) : સમગ્ર દેશ કે ખંડના ભાગોમાં વિવિધ પ્રકારના ઘણા પ્રદેશના સમાજો વસવાટ ધરાવે છે.

(ii) સ્થાનિક વૈવિધ્ય (local diversity) : એક જ દેશના જુદા જુદા અક્ષાંશે વિવિધ સમાજો અસ્તિત્વ ધરાવે છે.

2. વૃદ્ધિસ્વરૂપ અને બંધારણ (growth-form and structure) : સમાજને વૃક્ષ, ક્ષુપ, શાકીય, શેવાળ વગેરે મુખ્ય વૃદ્ધિસ્વરૂપોના સંદર્ભે વર્ણવવામાં આવે છે. પ્રત્યેક વૃદ્ધિસ્વરૂપમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ હોય છે; જેમ કે, વૃક્ષો પહોળાં પર્ણોવાળાં સદાહરિત જોવા મળે છે. આ ભિન્ન વૃદ્ધિસ્વરૂપો સમાજની બંધારણીય ભાત રચે છે.

વિવિધ વૃદ્ધિસ્વરૂપોની ગોઠવણીને આધારે સમાજનો દેખાવ સર્જાય છે : (i) વિભાગીય કે ક્ષૈતિજ સ્તરીકરણ (horizontal-zonation layering); (ii) લંબસ્તરીકરણ (vertical layering).

3. પ્રભાવિતા (dominance) : પ્રત્યેક સમાજમાં બધી જાતિઓ એકસરખું મહત્વ ધરાવતી નથી. તેમાંની બહુ ઓછી જાતિઓ મહત્વની હોય છે; જે સમાજની પ્રકૃતિનું નિર્ધારણ કરે છે. તેઓ સમાજ ઉપર મુખ્ય નિયંત્રક અસર નિપજાવે છે. આવી જાતિઓને ‘પ્રભાવી જાતિઓ’ કહે છે.

4. અનુક્રમણ (succession) : પ્રત્યેક સમાજનો પોતાના વિકાસનો આગવો ઇતિહાસ હોય છે. તે બદલાતા સમયની સાથે દિશાત્મક (directional) પરિવર્તનને લીધે વિકાસ પામે છે.

5. પોષી બંધારણ (trophic structure) : પ્રત્યેક સમાજમાં પોષણની દૃષ્ટિએ સ્વપોષી વનસ્પતિઓ અને પરપોષી પ્રાણીઓ એમ બે પ્રકારનાં સજીવો હોય છે. તેઓ સ્વનિર્ભર હોય છે અને સંપૂર્ણપણે સંતુલિત સમૂહ બનાવીને રહે છે.

સમાજનું સંઘટન (composition), રચના (structure), ઉદભવ અને વિકાસ : પ્રત્યેક સમાજને તેનું પોતાનું સંઘટન, રચના અને વિકાસીય ઇતિહાસ હોય છે.

1. સંઘટન : સમાજ મોટો અથવા નાનો હોય છે. મોટો સમાજ કેટલાક હજાર ચોરસ કિલોમીટરના પ્રદેશમાં વિસ્તરેલો હોય છે; દા.ત., વન, રણ જેવા અન્ય કેટલાક વિસ્તારો તેના પ્રમાણમાં નાના હોય છે અને સેંકડો કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા હોય છે. રણ બીજા કેટલાક નાના વિસ્તારમાં પથરાયેલાં હોય છે; જેમ કે, નદી, તળાવ, ગોચર (meadow). પર્ણની સપાટી, પડી ગયેલું થડ કે શાખા, કોહવાટ પામતો કચરો અને મૃદા જેવા સૂક્ષ્મ આવાસોમાં સૂક્ષ્મજીવો સમૂહમાં રહી અત્યંત નાના કદનો સમાજ બનાવે છે.

પ્રત્યેક સમાજ ઘણી વિભિન્ન જાતિઓ ધરાવે છે. આ બધી જાતિઓનું એકસરખું મહત્વ હોતું નથી; પરંતુ બહુ થોડી જાતિઓ તેમનાં કદ અને વૃદ્ધિ દ્વારા આવાસમાં જથ્થા દ્વારા પ્રભુત્વ ધરાવે છે, ફેરફાર કરે છે અને સમાજની અન્ય જાતિઓની વૃદ્ધિનું નિયંત્રણ કરે છે. આમ, તેઓ સમાજનું મુખ્ય કેન્દ્ર બને છે. આવી જાતિઓને પ્રભાવી જાતિઓ કહે છે. સામાન્ય રીતે મોટાભાગના સમાજોમાં એક જ જાતિ પ્રભાવી હોય છે. તેથી તે સમાજ તે પ્રભાવી જાતિના નામથી ઓળખાય છે; જેમ કે, સ્પ્રુસ વનસમાજ. અન્ય કેટલાક સમાજોમાં એક કરતાં વધુ પ્રભાવી જાતિઓ જોવા મળે છે; જેમ કે, ઑક-હિકોરી વનસમાજ.

2. રચના : સંઘટન અને પ્રભાવિતા ઉપરાંત સમાજ તેના સભ્યોની સ્થાનીય (spatial) ગોઠવણી બાબતે વિશિષ્ટ ભાત કે રચના ધરાવે છે. આમ, રચનાની દૃષ્ટિએ સમાજ અનુપ્રસ્થ રીતે ઉપસમાજો(sub- communities)માં વર્ગીકૃત થાય છે; ઉપસમાજો પરિસ્થિતિકીય સંબંધ ધરાવતા સમરૂપી જીવસ્વરૂપ(life form)ના એકમો છે. આ ક્ષિતિજીય વિભાજન સમાજનું અનુક્ષેત્ર વર્ગીકરણ (zonation) કરે છે.

આકૃતિ 1 : પશ્ચિમી ઉત્તર અમેરિકાના એક પર્વત પર ક્ષૈતિજ સ્તરીકરણ

પર્વતીય પ્રદેશમાં વિવિધ વનસ્પતિ-પ્રકારોનું અનુક્ષેત્ર-વર્ગીકરણ દર્શાવેલ છે. આબોહવાકીય પરિબળોને અનુલક્ષીને વનસ્પતિઓમાં અક્ષાંશીય અને દરિયાની સપાટીથી ઊંચાઈ સંબંધે પણ અનુક્ષેત્ર- વર્ગીકરણ જોવા મળે છે. છીછરા તળાવમાં અનુક્ષેત્ર-વર્ગીકરણ અલ્પ પ્રમાણમાં જ થઈ શકે છે; પરંતુ ઊંડા તળાવ કે સરોવરમાં ત્રણ પ્રદેશો સ્પષ્ટપણે જોવા મળે છે : તટીય પ્રદેશ (littoral zone) વધુ હોય છે; સરોવરી જીવપ્રદેશ (limnetic zone) અને તલપ્રદેશ (profundal zone) પ્રત્યેક પ્રદેશનાં સજીવો એકબીજાથી અલગ પડે છે.

આકૃતિ 2 : ઊંડા સરોવરમાં જોવા મળતા વિવિધ પ્રદેશોનું આરેખીય નિરૂપણ

સમાજરચનાનું બીજું વધારે સામાન્ય પાસું સ્તરીકરણ (stratification) છે. તે સમાજમાં થતા ક્ષિતિજીય ફેરફારોને બદલે લંબવર્તી ફેરફારો દર્શાવે છે. પ્રત્યેક ક્ષિતિજીય વિભાગમાં સ્પષ્ટ લંબવર્તી સ્તરો જોવા મળે છે. કેટલીક વાર સ્તરીકરણ ખૂબ જટિલ હોય છે, જેમાં સમાજ જાતિઓના ઘણા લંબવર્તી સ્તરો ધરાવે છે. પ્રત્યેક સ્તર લાક્ષણિક જૈવસ્વરૂપ ધરાવે છે. તૃણભૂમિના સમાજમાં અંત:ભૂમિક સ્તર (subterranean floor) જોવા મળે છે; જે વનસ્પતિનો સમૂહનો તલ ભાગ બનેલો છે. આ ભાગ તૃણની ગાંઠામૂળી અને અસ્થાનિક તંતુમય મૂળતંત્રનો બનેલો હોય છે. આ ભાગો વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત અવશેષોના સડતા કચરા દ્વારા ઢંકાયેલા હોય છે. શાકીય ઉપસ્તર (herbaceous substratum), તૃણ અને શાકીય વનસ્પતિઓના ઉપરના ભાગો ધરાવે છે. તેની સાથે પ્રાણીઓ પણ જોવા મળે  છે, જોકે વનસમાજનું સ્તરીકરણ વધારે જટિલ હોય છે અને પાંચ સ્તરોનું બનેલું હોય છે. તેના લંબવર્તી ઉપવિભાગો આ પ્રમાણે છે : (i) અંત:ભૂમિક ઉપવિભાગ, (ii) વન-તલ (forest floor), (iii) શાકીય વનસ્પતિ-સમૂહ, (iv) ક્ષુપ અને (v) વૃક્ષ. કેટલાંક ઉષ્ણકટિબંધીય વર્ષાજંગલોમાં 8 લંબવર્તી સ્તરો જોવા મળે છે. આમ, પ્રકાશ અને સાપેક્ષ ભેજની જરૂરિયાત મુજબ, ભૂમિ પર સ્તરીકરણમાં વિવિધતા હોય છે. તે જ પ્રમાણે અંત:ભૂમિક ભાગોમાં મૂળ, ગાંઠામૂળી અને અન્ય રચનાઓ દ્વારા સ્તરીકરણ થયેલું હોય છે.

3. ઉદભવ અને વિકાસ : ચોક્કસ પર્યાવરણ હેઠળ વનસ્પતિ-સમાજ પોતાનું અસ્તિત્વ ધારણ કરે છે. સમાજનો પોતાનો ઉદભવ-વિકાસ જોવા મળે છે. ખુલ્લા વિસ્તારોમાં સૌપ્રથમ વનસ્પતિ-જાતિનાં બીજ કે પ્રવર્ધ્ય (propaglule) પહોંચે છે. આ ક્રિયાને સ્થળાંતર (migration) કહે છે. બીજ કે પ્રવર્ધ્ય અંકુરણ પામી બીજાંકુર (seedling) ઉત્પન્ન કરે છે. આ બીજાંકુરની વૃદ્ધિ અને વિકાસથી પુખ્ત વનસ્પતિ બને છે. આ સમયે નવા પર્યાવરણમાં બહુ ઓછી વનસ્પતિઓ જીવિત રહે છે. આમ, બહુ ઓછી વનસ્પતિઓ સફળતાપૂર્વક વૃદ્ધિ કરે છે. બીજાંકુરનું સ્થાપન અને સફળ વૃદ્ધિની ક્રિયાને નવઆવાસન (ecesis) કહે છે. સ્થળાંતર અને નવઆવાસનને પરિણામે નવા વિસ્તારમાં જાતિ વસાહત રચે છે. આ ક્રિયાને વસાહતીકરણ (colonization) કહે છે. આ સમયે વનસ્પતિઓની વૃદ્ધિને કારણે બદલાતા પર્યાવરણ સાથે વનસ્પતિઓ અને પ્રાણીઓની અન્ય જાતિઓ તે વિસ્તારમાં વસાહતીકરણનો પ્રારંભ કરે છે અને વહેલા કે મોડા નિશ્ચિત સમાજમાં પરિણમે છે. આ સમાજ તે વિસ્તારનું જૈવિક પર્યાવરણ બનાવે છે.

આકૃતિ 3 : જટિલ પાનખર વનસમાજનું આરેખીય નિરૂપણ, જેમાં વિવિધ વનસ્પતિ-પ્રકારોના પાંચ લંબવર્તી ઉપવિભાગો જોવા મળે છે.

કેટલાક સમય માટે ચોક્કસ પર્યાવરણ હેઠળ સમાજમાં આ જાતિઓ સાથે રહે છે; પરંતુ સમય અને સ્થાન જીવંત સજીવોને અસર કરે છે. તેના પરિણામે સમાજના સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચેના સંબંધોના બે મુખ્ય પ્રકારો જોવા મળે છે :

(1) સજીવો વચ્ચેના પરસ્પર આંતરસંબંધો : આ સંબંધો મુખ્યત્વે ખોરાક અને સ્થાનના સંદર્ભે હોય છે; જે આ પ્રમાણે છે :

(અ) સ્પર્ધા : ઝડપી વસાહતીકરણની પ્રક્રિયામાં કોઈ એક સ્થાને સજીવોનું એકત્રીકરણ થતાં ખોરાક અને સ્થાન માટે અંત:જાતીય (intraspecific) અને આંતરજાતીય (interspecific) સ્પર્ધા થાય છે. વસવાટ ઉપર થતી આ આંતરક્રિયાઓને લીધે અગ્રણી (pioneer) જાતિઓ તેમના પર્યાવરણમાં રૂપાંતર કરે છે. જે જાતિઓ આ બદલાતા પર્યાવરણમાં અનુકૂલન (adaptation) સાધી શકતી નથી, તેઓ તે વિસ્તારમાંથી અદૃશ્ય થાય છે. આ ફેરફાર પામેલા વસવાટમાં હવે નવી જાતિઓનું વસાહતીકરણ થાય છે, તેથી સંપૂર્ણપણે તદ્દન જુદા જ પ્રકારનો સમાજ રચાય છે. આ ક્રમિક ફેરફારથી વનસ્પતિસમૂહનો વિકાસ થાય છે; જેને અનુક્રમણ કહે છે. અંતે, વહેલાં કે મોડાં આ ફેરફાર અટકી જાય છે અને નિશ્ચિત સમાજ અને વસવાટ સ્થાયી અવસ્થાએ પહોંચે છે. આ અંતિમ સમાજને ચરમ (climax) સમાજ કહે છે.

(આ) સ્તરીકરણ : લંબવર્તી સ્તરીકરણ વિશે અગાઉ માહિતી આપવામાં આવી છે; જેમ કે, વનમાં વનસ્પતિ-જાતિઓના કેટલાક સ્તરો રચાય છે અને પ્રત્યેક સ્તરમાં વનસ્પતિજાતિ કદ, સ્વરૂપ અને વર્તણૂક બાબતે તફાવતો દર્શાવે છે. પ્રત્યેક સ્તરમાં વિવિધ વનસ્પતિઓ તેમના સ્થાનિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધે છે. વળી, એક સ્તરની વનસ્પતિઓ પર્યાવરણમાં ફેરફાર કરે છે, જે સમાજના અન્ય સ્તરમાં થતી જાતિઓ માટે યોગ્ય બને છે. આમ, સ્તરીકરણ જાતિઓના આંતર-અવલંબન(interdependence)નું પરિણામ છે; દા.ત., કઠલતાઓ (lianas) અને પરરોહીઓ (epiphytes) અન્ય વનસ્પતિઓ પર થાય છે.

(ઇ) સહવાસ (cohabitation) : સમાજની વનસ્પતિઓનાં વાનસ્પતિક અંગો દ્વારા અનેક પ્રકારનાં રસાયણોનો સ્રાવ થાય છે, જેથી ભૌમિક (edaphic) સ્થિતિમાં ફેરફાર થાય છે. તે જ પ્રમાણે બૅક્ટેરિયા, ફૂગ અને ઍક્ટિનોમાયસેટિસ દ્વારા રસાયણોનો મૃદામાં સ્રાવ થતાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના પ્રરોહ અને મૂળતંત્ર પર અસર થાય છે.

(2) જાતિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો : સજીવો અને પર્યાવરણ પરસ્પર આંતરક્રિયા કરી કેટલાક ફેરફારો લાવે છે; જેથી કોઈ એક વિસ્તારમાં વહેલાં કે મોડાં એક સમાજ બીજા સમાજમાં પરિવર્તન પામે છે.

વનસ્પતિસમાજની રચનાના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતાં લક્ષણો : પ્રત્યેક સમાજ તેનાં જાતિ-વૈવિધ્ય, વૃદ્ધિસ્વરૂપ, રચના, પ્રભાવિતા અને અનુક્રમણના વલણ દ્વારા ઓળખાય છે. કોઈ પણ સમાજનાં આ પાસાંઓનો અભ્યાસ કરવા માટે કેટલાંક લક્ષણો(પરિમાણો)ને ધ્યાનમાં લેવામાં આવે છે. આ લક્ષણોનો ઉપયોગ સમાજની લાક્ષણિકતા અભિવ્યક્ત કરવામાં થાય છે.

આ હેતુ માટે ઉપયોગમાં લેવાતાં લક્ષણો બે મુખ્ય પ્રકારોમાં વર્ગીકૃત થાય છે :

1. વિશ્લેષણાત્મક (analytical) લક્ષણો : સામાન્ય રીતે આ લક્ષણો 5-અંક માપપ્રમાણ(scale)માં દર્શાવવામાં આવે છે.

2. સંશ્લેષણાત્મક (synthetic) લક્ષણો : ગણતરી દ્વારા વિશ્લેષણાત્મક લક્ષણો પર આ લક્ષણો તારવવામાં આવે છે.

1. વિશ્લેષણાત્મક લક્ષણો : આ લક્ષણો બે પ્રકારનાં છે : (1) માત્રાત્મક (qantitative) અને (2) ગુણાત્મક (qualitative). માત્રાત્મક લક્ષણો માત્રાત્મક રાશિમાં અભિવ્યક્ત થાય છે. ગુણાત્મક લક્ષણો માત્ર ગુણાત્મક પદ્ધતિ દ્વારા અભિવ્યક્ત થાય છે અને 5-અંક માપપ્રમાણમાં દર્શાવાય છે.

(1) માત્રાત્મક લક્ષણો : આ લક્ષણોમાં આવૃત્તિ (frequency), ઘનતા અથવા ગીચતા (density),  વિપુલતા (abundance), આવરણ (cover) અને તલસ્થ ક્ષેત્ર(basal area)નો સમાવેશ થાય છે.

(અ) વિવિધ વનસ્પતિ-સામાજિક પદ્ધતિઓ દ્વારા સમાજની વિવિધ જાતિઓ નોંધવામાં આવે છે. તે માટે પ્રતિચયન (sampling) એકમો જેવા કે ચતુષ્ક (quadrant), ટ્રાન્સેક્ટ (transect) અને પૉઇન્ટફ્રેમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આવૃત્તિ પ્રતિચયન એકમોની સંખ્યા (ટકાવારીમાં) દર્શાવે છે કે જેમાં નિશ્ચિત જાતિ થાય છે. પ્રત્યેક જાતિની આવૃત્તિ નીચે મુજબ ગણવામાં આવે છે :

જુદી જુદી જાતિઓની આવૃત્તિઓનું નિર્ધારણ કર્યા પછી તે જાતિઓને રૉન્કિયરે (1934) આપેલા પાંચ આવૃત્તિ વર્ગોમાં ગોઠવવામાં આવે છે, જે આ પ્રમાણે છે :

આવૃત્તિ (%) આવૃત્તિ વર્ગ
0-20 A
21-40 B
41-60 C
61-80 D
81-100 E

(આ) ઘનતા : જ્યાં સુધી ઘનતા વગેરે અન્ય લક્ષણો સાથે આવૃત્તિને જોડવામાં ન આવે ત્યાં સુધી કોઈ એક જાતિના વિતરણ અંગે સાચી માહિતી પ્રાપ્ત થતી નથી. ઘનતા સમાજમાં જાતિની સંખ્યાકીય માહિતી આપે છે. એકમ વિસ્તારમાં રહેલ કોઈ એક જાતિના સજીવોની સંખ્યાને ઘનતા કહે છે.

(ઇ) વિપુલતા : અભ્યાસ કરેલ કુલ પ્રતિચયન એકમોમાંથી જેટલા એકમોમાં જાતિની હાજરી જોવા મળતી હોય તે સંખ્યા વિપુલતા દર્શાવે છે.

માત્રાત્મક સંદર્ભમાં પ્રાપ્ત કરવામાં આવેલ વિપુલતા જાતિના વિતરણ વિશે અત્યંત અલ્પ પ્રમાણમાં ખ્યાલ આપે છે.

(ઈ) આવરણ અને તલસ્થ ક્ષેત્ર : આવૃત્તિ અને ઘનતા જેવાં પરિમાણોનાં માત્રાત્મક મૂલ્યો જાતિના વિતરણની વાસ્તવિક માહિતી આપતાં નથી; કારણ કે વિવિધ જાતિઓનાં વૃદ્ધિસ્વરૂપો તદ્દન વિભિન્ન હોય છે; તેથી આ મૂલ્યો આવરણ અને તલસ્થ ક્ષેત્ર સાથે સાંકળવાં જોઈએ.

સામાન્ય રીતે છોડ દ્વારા રોકવામાં આવેલ વિસ્તારને આવરણ કહે છે. [જે શાકીય આવરણ (herbage cover) અથવા તલસ્થ ક્ષેત્ર હોઈ શકે.] તે સામાન્ય રીતે જમીનના ઉપરના ભાગો માટે વપરાય છે.

શાકીય આવરણ પ્રાથમિકપણે વનસ્પતિના ભૂમિ પર રહેલા ભાગો દ્વારા રોકાયેલો વિસ્તાર સૂચવે છે. શાકીય પ્રાપ્યતા(herbage availability)નું તે સારું પરિમાણ છે. તેનું માપન આલેખીય ચતુષ્ક (chart quadrant) પૉઇન્ટ ફ્રેમપદ્ધતિ કે રેખીય અપરોધન (line intercept) દ્વારા થાય છે.

આકૃતિ 4 : વનસ્પતિઓનાં વિવિધ વૃદ્ધિસ્વરૂપોમાં શાકીય આવરણ અને તલસ્થ ક્ષેત્ર વચ્ચે રહેલો સંબંધ

તલસ્થ ક્ષેત્ર ભૂમિમાં પ્રવેશતા પ્રકાંડનું ક્ષેત્ર દર્શાવતું પરિમાણ છે. તે પ્રભાવિતાનું નિર્ધારણ કરવા માટેનું એક મુખ્ય લક્ષણ છે. તે ભૂમિથી 2.5 સેમી.ની ઊંચાઈએથી અથવા ભૂમિના સમતલેથી માપવામાં આવે છે. તે કેલિપર રેખીય અપરોધન અથવા પૉઇન્ટ-સેન્ટર્ડ ચતુષ્ક પદ્ધતિ દ્વારા માપી શકાય છે.

વનસ્પતિઓ તેમના વૃદ્ધિસ્વરૂપ બાબતે એકબીજાથી તદ્દન વિભિન્ન હોવાથી વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમના શાકીય આવરણ અને તલસ્થ ક્ષેત્ર વચ્ચેના સંબંધો અંગે તફાવત દર્શાવે છે. (આકૃતિ 4).

આવરણના મૂલ્યને આધારે જાતિઓને 6 જૂથમાં વહેંચવામાં આવે છે : જૂથ 1 (5 %થી ઓછું), 2 (5 %થી 25 %), 3 (25 %થી 50 %), 4 (50 %થી 75 %), 5 (75 %થી 95 %), 6 (95 %થી 100 %). બ્રાઉન બ્લૅન્કવેટે (1932) આવરણને પાંચ જૂથમાં વર્ગીકૃત કર્યું છે.

(ઉ) પ્રભાવિતા : પ્રભાવિતા મૂળભૂત રીતે સંશ્લેષણાત્મક લક્ષણ છે. જોકે ડોબેનમાયર (1959) તેને વિશ્લેષણાત્મક લક્ષણ ગણે છે. ઘણી વાર માત્ર સજીવોની સંખ્યા જાતિનો વાસ્તવિક ચિતાર આપતી નથી. સજીવની સંખ્યાને આધારે લીધેલું તારણ (દા.ત., તૃણભૂમિમાં એક કે થોડાંક જ વૃક્ષો અથવા જંગલમાં બહુ થોડું ઘાસ) બહુ ઓછું મહત્વ ધરાવે છે. તૃણભૂમિમાં રહેલું એક વૃક્ષ મોટો વિસ્તાર રોકે છે અને વિપુલ જૈવભાર ધરાવે છે.

(2) ગુણાત્મક લક્ષણો : આ લક્ષણોમાં રૂપાકૃતિ (physiognomy), ઘટનાવિજ્ઞાન (phenology), સ્તરીકરણ, વિપુલતા, સામાજિકતા અથવા યૂથિતા (sociability or gregariousness), જીવનશક્તિ અને ઓજ (vitality and vigour), જીવસ્વરૂપો (life forms) વગેરેનો સમાવેશ થાય છે. મોટાભાગનાં આ લક્ષણોને અંક-માપ પ્રમાણ દ્વારા દર્શાવવામાં આવે છે.

આકૃતિ 5 : ભારતીય તૃણભૂમિના કેટલાક તૃણ અને પ્રતૃણના ઘટનારેખ

(અ) રૂપાકૃતિ : તે વનસ્પતિ-સમૂહનો સામાન્ય દેખાવ છે અને તેનું નિર્ધારણ પ્રભાવી જાતિના વૃદ્ધિસ્વરૂપ દ્વારા થાય છે. આવો લાક્ષણિક દેખાવ એક શબ્દ દ્વારા વર્ણવવામાં આવે છે; દા.ત., જ્યાં મોટાં વૃક્ષો કેટલાક ક્ષુપસહિત પ્રભાવી હોય, તો તેને વન કહે છે. તે જ રીતે દેખાવને આધારે તે તૃણભૂમિ, રણ વગેરે હોઈ શકે.

(આ) ઘટનાવિજ્ઞાન : ઘટનાવિજ્ઞાનમાં આવર્તિતા (periodicity), છબીવિવિધતા (aspection) વગેરેનો સમાવેશ થાય છે. ઘટનાવિજ્ઞાન ઋતુનિષ્ઠ ફેરફારનો વૈજ્ઞાનિક અભ્યાસ છે, જેમાં આબોહવાના સંબંધે સજીવોમાં થતા ઋતુનિષ્ઠ ઘટનાક્રમનો સમાવેશ થાય છે. જુદી જુદી જાતિઓમાં બીજાંકુરણ, વાનસ્પતિક વૃદ્ધિ, પુષ્પનિર્માણ, ફળનિર્માણ, પર્ણપતન, ફળ અને બીજવિકિરણનો સમય જુદો જુદો હોય છે. આ ઘટનાઓની તારીખ અને સમયના અભ્યાસને ઘટનાવિજ્ઞાન કહે છે. તે વનસ્પતિના જીવનચક્રમાં થતી ઘટનાઓનું કૅલેન્ડર છે. આ ઘટનાઓને ઘટનારેખ (phenogram) વડે દર્શાવવામાં આવે છે. આકૃતિ 5માં કેટલાક ભારતીય તૃણના અને પ્રતૃણ(sedges)ના ઘટનારેખ આપવામાં આવ્યા છે. આમ, સમાજની દરેક જાતિના ઘટનાવિજ્ઞાનમાં તફાવત હોય છે; જેથી સમાજનું બંધારણ બદલાતું રહે છે.

(ઇ) સ્તરીકરણ : વિવિધ જાતિઓની વનસ્પતિઓ વિવિધ લંબવર્તી સ્તરોમાં એવી રીતે ગોઠવાયેલી હોય છે કે જેથી તેઓ ઉપલબ્ધ ભૌતિક અને દેહધાર્મિક જરૂરિયાતોનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે.

દવિભાજક(bisect)નો ઉપયોગ કરીને સ્તરીકરણની માહિતી એકત્રિત કરવામાં આવે છે. તેના પરથી લંબવર્તી આરેખ તૈયાર કરાય છે, જેમાં જે તે જાતિનું સ્વરૂપ દર્શાવાય છે; જેથી જુદી જુદી જાતિઓનાં પ્રકાંડ, મૂળ, પર્ણો વગેરેની ભાત નક્કી થઈ શકે.

(ઈ) વિપુલતા : વિપુલતા ઘનતા સાથે સંકળાયેલી હોવા છતાં તેને માત્રાત્મક સંદર્ભમાં દર્શાવવામાં આવતી નથી. કોઈ પણ વિસ્તારમાં વનસ્પતિઓ એકસરખી રીતે ઊગતી હોતી નથી. તેઓ દરેક જગ્યાએ જુદી જુદી સંખ્યામાં નાના નાના સમૂહોમાં ઊગતી હોય છે. વિપુલતાને વનસ્પતિની સંખ્યાને આધારે પાંચ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે : અતિ દુર્લભ (very rare), દુર્લભ (rare), સામાન્ય, બહુલ (frequent) અને અતિબહુલ (very much frequent).

(ઉ) સામાજિકતા : તે વનસ્પતિઓનું એકબીજા સાથેનું સામીપ્ય દર્શાવે છે. વનસ્પતિઓ સામાન્ય રીતે અલગ છોડ સ્વરૂપે, સમૂહમાં કે વસાહત સ્વરૂપે ઊગે છે. કેટલીક જાતિઓ એકબીજાની વધારે નજીક હોય તો સારી રીતે ઊગે છે અને ગીચ વસ્તી બનાવે છે. કેટલીક જાતિઓ વધારે સમીપ હોય તો નબળી પડે છે અથવા મૃત્યુ પામે છે. તેમના સમુચ્ચયન(aggregation)ની પદ્ધતિ પ્રજનન અને ફળ તેમજ બીજ વિકિરણ પર અસર કરે છે. એક જ ઘનતા ધરાવતી જુદી જુદી જાતિઓ સામાજિકતાની દૃષ્ટિએ જુદી હોઈ શકે છે. આમ, સામાજિકતા જુદી જુદી જાતિઓ વચ્ચે રહેલા સાહચર્ય-(association)ની માત્રા દર્શાવે છે. બ્રાઉન બ્લૅન્ક્વેટે (1932) સામાજિકતાને પાંચ વર્ગોમાં વર્ગીકૃત કરી છે. આ વર્ગો નીચે મુજબ છે :

S1 – વનસ્પતિઓ એકબીજાથી તદ્દન અલગ રીતે ઊગે છે.

S2 – એક જગાએ 4થી 6 વનસ્પતિઓ સમૂહ રચે છે.

S3 – એક જગાએ નાના નાના વીખરાયેલા ઘણા સમૂહોમાં જોવા મળે છે.

S4 – એક જગાએ ઘણી વનસ્પતિઓના કેટલાક મોટા સમૂહો બનાવે છે.

S5 – વધારે મોટો વિસ્તાર રોકતો મોટો સમૂહ.

(ઊ) જીવનશક્તિ (vitality) : સામાન્ય વૃદ્ધિ અને પ્રજનન કરવાની સજીવની ક્ષમતાને જીવનશક્તિ કહે છે. જાતિનું અસ્તિત્વ જાળવવા માટે વૃદ્ધિ અને પ્રજનન મહત્વની ક્રિયાઓ છે. જીવનશક્તિનો આધાર જાતિના વજન પર રહેલો છે. વનસ્પતિમાં જીવનશક્તિ પ્રકાંડની ઊંચાઈ, મૂળની લંબાઈ, પર્ણનો વિસ્તાર, પર્ણની સંખ્યા, પુષ્પની સંખ્યા અને વજન, ફળ અને બીજ વગેરે દ્વારા નક્કી થાય છે. મિશ્રા અને પુરીએ (1954) જીવનશક્તિના ત્રણ વર્ગો પાડ્યા છે : (1) નિયમિત રીતે જીવનચક્ર પૂર્ણ કરતી અને જીવનક્ષમ (viable) બીજ ઉત્પન્ન કરતી સુવિકસિત વનસ્પતિઓ; (2) માત્ર વાનસ્પતિક પ્રજનન કરતી વનસ્પતિઓ અને (3) અલ્પજીવી (ephemerals).

ડોબેનમાયરે (1968) જીવનશક્તિને પાંચ વર્ગોમાં વર્ગીકૃત કરી છે :

V1 – બીજાંકુરણ દરમિયાન મૃત્યુ પામતી વનસ્પતિઓ.

V2 – બીજાંકુરો વૃદ્ધિ પામે, છતાં પ્રજનન કરી શકતા નથી.

V3 – માત્ર વાનસ્પતિક પ્રજનન કરતી વનસ્પતિઓ.

V4 – અસામાન્યપણે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓ.

V5 – નિયમિતપણે વૃદ્ધિ અને લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓ.

(ઋ) જીવસ્વરૂપ (વૃદ્ધિસ્વરૂપ) : પહેલાં પરિસ્થિતિવિજ્ઞાનીઓ વનસ્પતિ-સમાજના અભ્યાસમાં તેના સામાન્ય સ્વરૂપ(વનસ્પતિ-જાતિની ઊંચાઈ, તેમનો પ્રસાર અને જીવસ્વરૂપનાં લક્ષણો)નો ઉપયોગ કરતા હતા. આ પદ્ધતિઓને રૂપાકૃતિક (physiognomic) પદ્ધતિઓ કહે છે. તે પૈકી રૉન્કિયર(1934)ની જીવસ્વરૂપ-પદ્ધતિનો વનસ્પતિ-સમાજના અભ્યાસ માટે સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. આબોહવાના સંદર્ભમાં વનસ્પતિના અનુકૂલનના સરવાળાને જીવસ્વરૂપ કહે છે. જુદી જુદી જાતિઓ જે માત્રામાં પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે, તેને આધારે તે જાતિના વિતરણનું પ્રમાણ નક્કી થાય છે. તેથી ચોક્કસ પ્રદેશના વનસ્પતિસમૂહમાં જીવસ્વરૂપોના આંકડાકીય વિતરણ દ્વારા વનસ્પતિની આબોહવા નિર્દેશાય છે. વનસ્પતિઓ પર સુષુપ્ત કલિકાઓના સ્થાન અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેમના સંરક્ષણની માત્રાને આધારે રૉન્કિયરે જીવસ્વરૂપોને પાંચ વર્ગમાં વર્ગીકૃત કર્યાં, જે આ પ્રમાણે છે :

(i) વ્યક્તોદભિદ્ (phanerophytes) : આ વનસ્પતિઓની કલિકાઓ ખુલ્લી અથવા શલ્ક દ્વારા ઢંકાયેલી રહે છે. આ કલિકાઓ વનસ્પતિઓમાં ઊંચે ગોઠવાયેલી હોય છે. આ જીવસ્વરૂપોમાં ઉષ્ણકટિબંધીય આબોહવામાં થતાં વૃક્ષ, ક્ષુપ અને આરોહી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. તેમના કદના આધારે તેમનું મહાવ્યક્તોદભિદ [(megaphanerophytes), 30 મી.થી વધારે ઊંચી], મધ્યવ્યક્તોદભિદ [(mesophanerophytes), 8 મી.થી 30 મી. ઊંચી], સૂક્ષ્મવ્યક્તોદભિદ [(microphanerophytes), 2 મી.થી 8 મી. ઊંચી] અને વામનવ્યક્તોદભિદ [(nanophanerophytes), 2 મી.થી નીચી]માં વર્ગીકરણ કરવામાં આવે છે.

આકૃતિ 6 : રૉન્કિયરનાં જીવસ્વરૂપોનું આરેખીય નિરૂપણ

(ii) ભૂતલોદભિદ (chamaephytes) : આ જીવસ્વરૂપોની કલિકાઓ ભૂમિની સપાટીની નજીક હોય છે. આવાં જીવસ્વરૂપો ઘણી ઊંચાઈએ થાય છે; દા.ત., Trifolium repens.

(iii) અર્ધગૂઢોદભિદ (hemicryptophytes) : તેઓ મોટેભાગે ઠંડા સમશીતોષ્ણ પ્રદેશમાં થાય છે. તેમની કલિકાઓ મૃદાની સપાટીની તુરત નીચે આવેલી હોય છે અને મૃદા દ્વારા રક્ષાયેલી હોય છે. સામાન્ય રીતે તેમના પ્રરોહો દરેક વર્ષે નાશ પામે છે; દા.ત., મોટાભાગની દવિવર્ષાયુ અને બહુવર્ષાયુ વનસ્પતિઓ.

(iv) ગૂઢોદભિદ (cryptophytes or geophytes) : આ પ્રકારનાં જીવસ્વરૂપોની કલિકાઓ મૃદા દ્વારા પૂર્ણ રીતે ઢંકાયેલી હોય છે. મોટા- ભાગની જાતિઓ શુષ્ક પ્રદેશોમાં થાય છે; જે જલોદભિદ વનસ્પતિઓની કલિકાઓ પાણીના સમતલની નીચે આવેલી હોય, તેમને પણ ગૂઢોદભિદ કહે છે.

(v) ઋતુદભિદ (theophytes) : તેઓ ઋતુનિષ્ઠ વનસ્પતિઓ છે; જે એક જ અનુકૂળ ઋતુમાં તેમનું જીવનચક્ર પૂરું કરે છે અને વર્ષનો બાકીનો પ્રતિકૂળ સુષુપ્ત સમયગાળો બીજસ્વરૂપે ગાળે છે. આવાં સ્વરૂપો રણપ્રદેશમાં સામાન્ય છે. બ્રાઉન-બ્લૅન્ક્વેટે રૉન્કિયરનાં જીવસ્વરૂપોના આધારે વનસ્પતિઓને 10 વર્ગોમાં વર્ગીકૃત કરી.

2. સંશ્લેષણાત્મક લક્ષણો : સમાજનાં ગુણાત્મક અને વિશ્લેષણાત્મક લક્ષણોની માહિતીને આધારે ગણતરી કરી આ લક્ષણોનું નિર્ધારણ કરવામાં આવે છે.

(1) ઉપસ્થિતિ અને ચિર ઉપસ્થિતિ (presence and constance) : તે સમાજમાં નિશ્ચિત જાતિનાં સજીવોના વિતરણનો નિર્દેશ કરે છે. તે એક જ પ્રકારના સમાજનાં ઘણાં વૃંદો(stands)માં નિશ્ચિત જાતિ કેટલા પ્રમાણમાં વિતરણ પામે છે, તે દર્શાવે છે. જાતિની આવૃત્તિની ટકાવારીને આધારે હાજરીને પાંચ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે :

(અ) ભાગ્યે જ હાજર  પ્રતિચયન – એકમોમાં 1 %થી 20 % હાજરી

(આ) ક્યારેક હાજર  પ્રતિચયન – એકમોમાં 21 %થી 40 % હાજરી

(ઇ) ઘણી વાર હાજર  પ્રતિચયન – એકમોમાં 41 %થી 60 % હાજરી

(ઈ) મોટે ભાગે હાજર  પ્રતિચયન – એકમોમાં 61 %થી 80 % હાજરી

(ઉ) સતત હાજર  પ્રતિચયન – એકમોમાં 81 %થી 100 % હાજરી

(2) નિષ્ઠા (fidelity) : વનસ્પતિની જાતિ કોઈ એક સમાજમાં વિતરણના સંદર્ભમાં કેટલી માત્રામાં સીમિત રહે છે, તે દર્શાવતું પરિમાણ છે. આવી જાતિઓ કેટલીક વાર ‘દર્શકો’ (indicators) તરીકે ઓળખાવાય છે.

નિષ્ઠાને પાંચ વર્ગમાં વહેંચવામાં આવે છે :

નિષ્ઠા 1 : વનસ્પતિ જાતિ આકસ્મિક રીતે જોવા મળે છે.

નિષ્ઠા 2 : તટસ્થ (indifferent) વનસ્પતિઓ કોઈ પણ સમાજમાં થાય છે.

નિષ્ઠા 3 : ઘણા સમાજમાં જાતિ થતી હોવા છતાં કોઈ એક સમાજમાં વધારે પ્રબળતાથી થાય છે.

નિષ્ઠા 4 : કોઈ એક સમાજમાં નિશ્ચિત જાતિ ખાસ થાય છે, પરંતુ બાકીના સમાજમાં તે ક્યારેક જોવા મળે છે.

નિષ્ઠા 5 : વરણાત્મક (selectives) જાતિ કોઈ એક જ સમાજમાં થાય છે. અન્ય સમાજમાં થતી નથી. અપવર્જિત (exclusives).

(3) પ્રભાવિતા : તે વિશ્લેષણાત્મક લક્ષણો હેઠળ વર્ણવવામાં આવે છે. અહીં, પ્રભાવિતા સંશ્લેષિત સ્વરૂપમાં અભિવ્યક્ત કરવામાં આવી છે. ઘનતા, આવૃત્તિ અને પ્રભાવિતાનાં મૂલ્યોને આધારે મહત્વ-મૂલ્યાંક (importance value index, IVI) સૂચવવામાં આવ્યો છે. IVI માટે સાપેક્ષ ઘનતા, સાપેક્ષ આવૃત્તિ અને સાપેક્ષ પ્રભાવિતાનાં મૂલ્યો નીચે મુજબ મેળવવામાં આવે છે :

IVI માટે હવે આ ત્રણેય મૂલ્યોનો સરવાળો કરવામાં આવે છે. જુદી જુદી જાતિઓનાં IVI મૂલ્યો ઘટતા ક્રમમાં ગોઠવવામાં આવે છે.

આ ઉપરાંત બીજાં કેટલાંક સંશ્લેષિત લક્ષણો પણ સૂચવવામાં આવ્યાં છે, જે સમાજના તુલનાત્મક અભ્યાસમાં ખૂબ ઉપયોગી છે. આવાં લક્ષણોમાં આંતરજાતીય સાહચર્ય (interspecific association) અને સાહચર્ય-આંક (association index), સમાનતા-આંક (index of similarity), પ્રભાવિતા-આંક (dominance index), જાતિ-વૈવિધ્ય (species diversity) અને વૈવિધ્ય-આંક (diversity index) વગેરેનો સમાવેશ થાય છે.

સંજય વેદિયા, બળદેવભાઈ પટેલ