વદ્ધમાણદેસણા (1495) : ગયાસુદ્દીન ખિલજીના કોશાધિકારી જાવડની વિનંતીથી, સાધુવિજયગણિના શિષ્ય શુભવર્ધનગણિએ રચેલો ગ્રંથ. વર્ધમાનસ્વામી અર્થાત્ મહાવીર સ્વામીએ ‘ઉવાસગદસા’ નામના સાતમા અંગમાં આપેલા ઉપદેશનો આમાં સમાવેશ હોવાથી તેનું નામ ‘વદ્ધમાણદેસણા’ છે.
દસ ઉલ્લાસોમાં ગ્રંથ વિભાજિત છે. કુલ પદ્યસંખ્યા 3,173 છે. તેમાં 3,163 પદ્ય જૈનમહારાષ્ટ્રીમાં તથા દસ સંસ્કૃતમાં છે.
આનન્દ આદિ દશ શ્રાવકો પૈકી પ્રત્યેકનો એક એક ઉલ્લાસમાં સમાવેશ છે. વિવિધ કથાઓ દ્વારા મહાવીરનો ધર્મોપદેશ સમજાવ્યો છે; દા.ત., પ્રથમ ઉલ્લાસમાં સમ્યક્ત્વનું પ્રતિપાદન કરવા આરામ-શોભાની કથા આપી છે તેમજ શ્રાવકનાં બાર વ્રતો સમજાવવા માટે હરિબલ મચ્છીમાર, હંસનૃપ, લક્ષ્મીયુઝા, મદિરાવતી, ધનસાર, ચારુદત્ત, ધર્મનૃપ, સુરસેન અને મહાસેન, કેસરીચોર, સુમિત્રમંત્રી, રણશૂરનૃપ અને જિનદત્ત – એમ બાર વ્યક્તિઓની એકેક કથા આપી છે. રાત્રિભોજનત્યાગ અંગે હંસ અને કેશવની કથા આપી છે.
રત્નલાભગણિના શિષ્ય રાજકીર્તિગણિએ ગદ્યમાં ‘વર્ધમાનદેશના’ની રચના કરી છે. વિષય અને કથાઓની દૃષ્ટિએ ‘વદ્ધમાણદેસણા’ સાથે તે ઘણી મળતી આવે છે.
મલૂકચંદ ર. શાહ