વડોદરા રાજ્યના સિક્કા : વડોદરાના ગાયકવાડી રાજ્ય માટે ચલણમાં મૂકેલા બાબાશાહી (ગાયકવાડી) સિક્કા. વડોદરાનું રાજ્ય ઈ. સ. 1732માં દમાજીરાવ ગાયકવાડે સ્થાપેલું. સયાજીરાવ -1લાના મુતાલિક ફતેહસિંહરાવ ગાયકવાડે સર્વપ્રથમ વાર વડોદરા રાજ્ય માટે સિક્કા પડાવ્યા. તેઓ ‘બાબાસાહેબ’ને નામે ઓળખાતા. આથી તેમના નામ પરથી વડોદરાનો રૂપિયો ‘બાબાશાહી રૂપિયો’ નામે પ્રખ્યાત થયો. કંપની સરકારના 100 રૂપિયા = 1141 બાબાશાહી રૂપિયા ગણાતા.
વડોદરા રાજ્યના સિક્કા વડોદરા ઉપરાંત અમદાવાદ, પેટલાદ અને અમરેલીની ટંકશાળોમાંથી પાડવામાં આવેલા. સિક્કાઓ પર ગાયકવાડનું નામ લખવાને બદલે એમના નામના પ્રથમ અક્ષર વિવિધ રીતે લખવામાં આવતા તે પરથી એ સિક્કા કઈ ટંકશાળના છે તે નક્કી થઈ શકે છે. આનંદરાવ(ઈ. સ. 1800-19)ના અમદાવાદના સિક્કા પર गा, પેટલાદના શાહ આલમ 2જાને નામે પડાવેલા સિક્કા પર अ।। અને એ જ બાદશાહને નામે વડોદરાથી પાડેલા સિક્કા પર म લખેલ છે, જ્યારે એના વડોદરામાંથી મુહમ્મદ અકબર 2જાને નામે પડાવેલા સિક્કા પર अ।। લખેલું છે. સયાજીરાવ 2જા(1819-47)ના વડોદરા અને અમરેલીના સિક્કા પર અનુક્રમે सा અને (શ્રી) सगा; ગણપતરાવ(1847-56)ના વડોદરા અને અમરેલીના સિક્કાઓ પર ક્રમશઃ ग।। અને श्रीगगा; ખંડેરાવ(1856-70)ના મુહમ્મદ અકબર 2જાના નામના વડોદરાના સિક્કા પર ख।। અને ત્યાંના પોતાના નામના સિક્કા પર ख।।गा અને અમરેલીના સિક્કા પર श्री ख गा છે. મલ્હાર રાવ(1870-75)ના બધી ટંકશાળોના સિક્કા પર म।। गा છે, જ્યારે સયાજીરાવ 3જા(1875-1939)ના વડોદરા અને અમરેલીના સિક્કાઓ પર અનુક્રમે स।। गा અને सा गा લખેલું છે. મોટા ભાગના ગાયકવાડી સિક્કાઓ પર કટારનું ચિહન દૃષ્ટિગોચર થાય છે.
વડોદરાના સોનાના સિક્કા સયાજીરાવ 3જાએ પડાવેલા મળે છે. મોહર, 2 મોહર અને 1 મોહરના આ સિક્કાઓ પર અગ્રભાગમાં રાજાના ઉત્તરાંગની પ્રતિકૃતિ અને એને ફરતું ‘श्री सयाजीराव म. गायकवाड’ અને પૃષ્ઠ ભાગમાં ‘बडौदा:’; સિક્કાનું મૂલ્ય અને વિક્રમનું વર્ષ નાગરીમાં લખેલ છે.
ચાંદીમાં ‘એક રૂપિયા’, ‘અર્ધા રૂપિયા’, ‘ચાર આણે’ અને ‘દોન આણે’ સિક્કા અને તાંબામાં ‘એક પૈ’ અને ‘દોન પૈસે’ સિક્કા છાપવામાં આવતા. પહેલાં એમના પર ફારસીમાં લખાણ લખાતું, જ્યારે સયાજીરાવ 3જાથી એમના પર નાગરીલિપિમાં લખાણ થવા લાગ્યું. યંત્રમાં છાપેલા ચાંદીના સિક્કા પર અગ્રભાગમાં સિક્કાનું મૂલ્ય અને વર્ષ લખેલ હોય છે, જ્યારે તાંબાના યંત્ર-છાપ સિક્કાઓના અગ્રભાગમાં ‘श्री गायकवाड सरकार बडोदे’ અને પૃષ્ઠ ભાગ પર ફરતું ફૂલવેલનું રૂપાંકન અને એની મધ્યમાં સંવત અને સિક્કાનું મૂલ્ય આપેલું છે.
પ્રવીણચંદ્ર પરીખ