વડોદરા

મધ્ય ગુજરાતના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 21° 49´થી 22° 49´  ઉ. અ. અને 72° 31થી 74° 17´ પૂ. રે. વચ્ચેનો આશરે 7,794 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, અર્થાત્ તે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારનો લગભગ 3.8 % ભૂમિભાગ ધરાવે છે. તેની ઉત્તર અને ઈશાન તરફ ગોધરા અને દાહોદ જિલ્લા, પૂર્વ તફ મધ્યપ્રદેશની સીમા, અગ્નિ તરફ મહારાષ્ટ્ર રાજ્યનો ધુળે જિલ્લો, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ નર્મદા જિલ્લો તથા પશ્ચિમ અને વાયવ્ય તરફ ભરૂચ, આણંદ અને ખેડા જિલ્લા આવેલા છે. મહી નદી વડોદરા અને આણંદખેડા જિલ્લાઓ વચ્ચે પ્રાકૃતિક સરહદ રચે છે. જિલ્લામથક વડોદરા જિલ્લાના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ : વડોદરા જિલ્લાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ તળગુજરાતના વિશાળ મેદાની વિસ્તારનો એક ભાગ બની રહેલું છે. જિલ્લાના પૂર્વ ભાગનું ભૂપષ્ઠ છોટાઉદેપુર, જબુગામ અને નસવાડી તાલુકાઓની છૂટી છૂટી ટેકરીઓથી અસમતળ બની રહેલું છે. વડોદરા, પાદરા અને સાવલી તાલુકાઓની જમીનો રેતાળ-ગોરાડુ, બેસર તેમજ કાળી રેતાળ-ગોરાડુ પ્રકારની છે. તે બાજરી અને તમાકુની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે. વળી તેનું ઉપસ્તર જળસંગ્રહક્ષમતાવાળું હોવાથી ત્યાં કૂવાઓ દ્વારા ખેતી થઈ શકે છે. કરજણ, સિનોર, વાઘોડિયા, ડભોઈ અને સંખેડાની કાળી જમીનોમાં કપાસનું વાવેતર થાય છે. તેના ઉપસ્તરમાં જળપુરવઠો ઓછો છે; એટલું જ નહિ, તેનું જળ પ્રમાણમાં ખારાશવાળું પણ છે. છોટાઉદેપુર, જબુગામ અને નસવાડી તાલુકાઓની જમીનો સ્થાનભેદે કાળી અને મિશ્ર પ્રકારની છે. ત્યાં ટેકરીઓ અને નદી-નાળાં જોવા મળે છે. આખાય પાદરા તાલુકાની તથા વાઘોડિયા, સાવલી, જબુગામ અને વડોદરા તાલુકાની કેટલીક જમીનો તેમજ સંખેડા તાલુકાની થોડી જમીનો બેસર પ્રકારની છે, જે રેતાળ-ગોરાડુ અને કપાસની કાળી માટીના સંમિશ્રણથી બનેલી છે. આ જિલ્લો ડોલોમાઇટ, ફ્લોરાઇટ, ગ્રૅફાઇટ અને ફેલ્સ્પાર જેવાં ખનિજોથી સમૃદ્ધ છે.

જળપરિવાહ : મહી નદી વડોદરા-આણંદ-ખેડા જિલ્લાઓ વચ્ચેની સરહદ રચે છે. અન્ય નદીઓમાં ઢાઢર, ઓરસંગ, ઉંછા, અશ્ર્વિન અને મેણનો સમાવેશ થાય છે. વડોદરાથી આશરે 20 કિમી.ને અંતરે આવેલું આજવા સરોવર પીવાના પાણી માટેનો મહત્વનો સ્રોત હોવા ઉપરાંત મનોરંજન માટેનું લોકપ્રિય પ્રવાસી સ્થળ બની રહેલું છે. વડોદરા શહેરમાં આવેલું સુરસાગર સરોવર તેમજ શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પણ ઉલ્લેખનીય છે.

વડોદરા જિલ્લો

ખેતી-પશુપાલન : ડાંગર, જુવાર, બાજરી, મકાઈ અને ઘઉં આ જિલ્લામાં થતા મુખ્ય ધાન્યપાકો છે. કપાસ, મગફળી, તમાકુ, તુવેર અને ચણા અહીંના મુખ્ય રોકડિયા પાકો છે. કૂવા અને તળાવો સિંચાઈના મુખ્ય સ્રોત છે.

ગાય, બળદ, ભેંસ, ઘેટાં, બકરાં, ઘોડા, ટટ્ટુ, ગધેડાં, ડુક્કર અને ઊંટ અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. આ ઉપરાંત મરઘાં-બતકાંનો ઉછેર પણ કરવામાં આવે છે. જિલ્લામાં 12 જેટલાં પશુ-ચિકિત્સાલયો, 29 જેટલાં કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો તથા પ્રાથમિક પશુસારવાર-મથકો આવેલાં છે. મરઘાં-બતકાંનું ઉછેર-કેન્દ્ર ડભોઈ તાલુકામાં આવેલું છે. જિલ્લાના બધા જ તાલુકાઓમાં દૂધ-પુરવઠાની વ્યવસ્થા સારી રીતે થયેલી છે. અહીં 572 જેટલી સહકારી દૂધ મંડળીઓ કાર્યરત છે. કરજણ, ડભોઈ, તિલકવાડા, પાદરા, વડોદરા, વાઘોડિયા, સાવલી, સંખેડા અને સિનોર તાલુકાઓમાં મત્સ્ય-પ્રવૃત્તિ ચાલે છે. જિલ્લામાં દસ જેટલી સહકારી મત્સ્ય-મંડળીઓ છે.

ઉદ્યોગો : ‘હેવી ઇન્ડસ્ટ્રિઝ’ માટે મંજૂર થયેલા આ વિસ્તારમાં ‘ગુજરાત ઑઇલ રિફાઇનરી (કોયલી), ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર લિ. (G.S.F.C.) તથા ભારત સરકાર દ્વારા સ્થપાયેલ ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રિઝ લિ. (I.P.C.L. જે હમણાં 2002માં ખાનગી ક્ષેત્રમાં પરિવર્તિત કરી ‘રિલાયન્સ’ કંપનીને વેચી દેવામાં આવેલ છે.)  આ ત્રણ અતિ વિશાળકાય ઉદ્યોગો છે. ઉપરાંત, જિલ્લામાં સુતરાઉ કાપડ, રસાયણો અને રાસાયણિક પેદાશો, રબર, પ્લાસ્ટિક, ખનિજતેલ અને કોલસાની પેદાશો; ધાતુપેદાશો; યંત્રો અને યાંત્રિક ઓજારોનું ઉત્પાદન લેવાય છે. આ ઉદ્યોગોમાં જિલ્લાના આશરે 65 % લોકો રોકાયેલા છે. ડભોઈ, મકરપુરા, નાંદેસરી અને પેટ્રોકેમિકલ સંકુલ ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની વસાહતો આવેલી છે. GIDC દ્વારા વિકસતી જતી ઔદ્યોગિક વસાહતો સંખેડા, પાવી-જેતપુર (જબુગામ) અને રણોલી ઑટોનગર (વડોદરા) ખાતે આવેલી છે. જિલ્લામાં આવેલા મહત્વના ઉદ્યોગોમાં ઍલેમ્બિક ગ્લાસ ઇન્ડસ્ટ્રિઝ લિ., ઍલેમ્બિક કેમિકલ વર્કસ કું. લિ., બૅન્કો પ્રૉડક્ટ્સ (ઇન્ડિયા) લિ., ડાયઍમાઇન્સ ઍન્ડ કેમિકલ્સ, ફાગ પ્રિસિઝન બૅરિંગ લિ., ગુજરાત આલ્કલિઝ ઍન્ડ કેમિકલ્સ લિ., ગુજરાત ઑટોમોટિવ ગિયર્સ લિ., ગુજરાત સેટકો ક્લચ લિ., ઇન્ડ-યુનિસાન ઑક્સો કેમિકલ ઇન્ડસ્ટ્રિઝ લિ., લખનપાલ નૅશનલ લિ., પૉલિકેમ લિ., પદ્માટેક્સ એન્જિનિયરિંગ લિ., શ્રી દિનેશ મિલ્સ લિ., એસ. એમ. એનર્જી ટેક્નીક ઍન્ડ ઇલેક્ટ્રૉનિક્સ લિ., ટ્રાન્સપૅક ઇન્ડસ્ટ્રી લિ. વગેરેનો સમાવેશ થાય છે.

વેપાર : જિલ્લામાંથી નિકાસ થતી ચીજોમાં રૂની ગાંસડીઓ, તમાકુની પેદાશો, ચશ્માંની ફ્રેમના તાર, ડૉલોમાઇટ પાઉડર, યુરિયા, પેટ્રોલિયમ પેદાશો; કપાસ, રૂ, સિંગતેલ, રસાયણો, દવાઓ, ઈંટો, રાચરચીલું (સંખેડાનું ખરાદીકામ), કાચનાં પાત્રો, તુવેર, બટાટા, શાકભાજી અને ફળોનો તથા આયાતી માલમાં ખાંડ, રૂ, ખાતર, પથ્થરો, ગંધક, યંત્રો, કાપડ તેમજ લાકડાંનો સમાવેશ થાય છે.

જિલ્લામાં આશરે 80 જેટલાં સ્થળોમાં લગભગ 220 જેટલી બૅંકો તથા 40 જેટલાં સ્થળો ખાતે 90 જેટલી સહકારી બૅંકોની સુવિધા છે.

પરિવહન : જિલ્લામાં આશરે 2,400 કિમી.ના સડકમાર્ગો તથા આશરે 86 રેલમથકો સહિતના 483 કિમી.ના રેલમાર્ગો આવેલા છે. સડકમાર્ગોમાં રાષ્ટ્રીય ધોરી માર્ગો, રાજ્ય ધોરી માર્ગો, જિલ્લાના મુખ્ય માર્ગો, તાલુકા માર્ગો  અને ગ્રામમાર્ગોનો સમાવેશ થાય છે. લોકોની મોટાભાગની અવરજવર સડકમાર્ગો મારફતે થાય છે. ગુજરાત રાજ્ય પરિવહન નિગમ વડોદરા શહેર માટે પણ બસસેવાની સુવિધા પૂરી પાડે છે. વડોદરા શહેર અમદાવાદ અને મુંબઈ સાથે હવાઈ માર્ગથી જોડાયેલું છે. વડોદરા ખાતે નાનું હવાઈ મથક પણ છે. અમદાવાદવડોદરાને જોડતો નવો ઝડપીસડક માર્ગ 2003માં ખુલ્લો મુકાયો છે. જિલ્લામાં ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘લોકસત્તા’ અને ‘દિવ્યભાસ્કર’ જેવાં દૈનિક સમાચારપત્રોનો ફેલાવો છે. વડોદરા ખાતે આકાશવાણીનું મથક પણ આવેલું છે.

પ્રવાસન : વડોદરા જિલ્લામાં આવેલાં મહત્વનાં પ્રવાસમથકોમાં વડોદરા, ફર્ટિલાઇઝર નગર, જવાહર નગર, પાદરા, આજવા, સંખેડા, છૂંછાપુરા સાંગીર, સિનોર, દરિયાપુર, બર્કલ વગેરેનો સમાવેશ થાય છે :

(1) ફર્ટિલાઇઝર નગર : વડોદરા નજીક બાજવા ખાતે આવેલું રાસાયણિક ખાતર બનાવવાનું જંગી કારખાનું તથા તે જ નામ ધરાવતી નવી વિકસેલી વસાહત. આ કારખાનું રાજ્યના ખેડૂતોને જરૂરી ખાતરનો જથ્થો પૂરો પાડે છે. તેની સ્થાપના થયા પછી આજ સુધીમાં ખાતરના આશરે દસ લાખ ટનથી પણ વધુ જથ્થાનું વેચાણ થયેલું છે.

(2) જવાહર નગર : રશિયાના સહયોગથી નિર્માણ  પામેલી ખનિજતેલ-રિફાઇનરી (ગુજરાત રિફાઇનરી) તથા તેની આજુબાજુ કાચા ખનિજતેલ(પેટ્રોલિયમ)માંથી શુદ્ધીકરણ કરીને અહીં વિવિધ પેદાશો તૈયાર થાય છે. ભારતમાં આવેલી રિફાઇનરીઓમાં તે ત્રીજા ક્રમે આવે છે. 10-5-1963ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને હસ્તે તેનો શિલાન્યાસ થયેલો, તેથી આ સ્થળને જવાહર નગર નામ અપાયેલું છે.

(3) પાદરા : વડોદરાથી નૈર્ઋત્યમાં 19 કિમી. અંતરે આવેલું સ્થળ. જૂના વખતમાં તે ડાઇંગ અને પ્રિન્ટિંગ માટે તથા સોના-ચાંદીની વસ્તુઓ માટે જાણીતું હતું. અહીં ઘણાં ધાર્મિક સ્થાનો આવેલાં છે, તે પૈકી પાધરાઈ માતાનું પ્રાચીન મંદિર વિશેષ ઉલ્લેખનીય હોવાથી આ સ્થળનું નામ પાદરા પડેલું હોવાનું મનાય છે.

(4) આજવા : વડોદરાથી આશરે 20 કિમી.ને અંતરે આવેલું મનોરંજન માટેનું સહેલાણીઓનું સ્થળ. અહીં વિશાળ વિસ્તારમાં રમણીય આજવા સરોવર પથરાયેલું છે. અહીં વડોદરા નગરપાલિકા તરફથી અતિથિગૃહ ઊભું કરાયેલું છે. પ્રવાસ અર્થે ઘણા લોકોની અહીં અવરજવર રહે છે. આ સરોવરમાંથી વડોદરા શહેરને પીવાના પાણીનો પુરવઠો અપાય છે. આ સરોવરને વડોદરાના ભૂતપૂર્વ મહારાજા સયાજીરાવ ગાયકવાડની યાદમાં ‘સયાજી સરોવર’ નામ પણ અપાયું છે.

આજવા સરોવર

(5) સંખેડા : વડોદરા જિલ્લામાં આવેલું પ્રાચીન નગર. ઓરસંગ અને ઉંછા નદીઓના સંગમ-સ્થળે આવેલું હોવાથી તે જૂના વખતમાં ‘સંગમ-ખેટક’ નામથી ઓળખાતું હતું. ઓરસંગ નદીકાંઠેથી પ્રારંભિક, મધ્ય અને અંતિમ પાષાણયુગના પાષાણ-અવશેષો મળી આવેલા છે. પાંચ પાંડવોને સમર્પિત અહીંનાં પાંચ મંદિરો પાંડવો અહીં આવ્યા હોવાની માન્યતાનાં દ્યોતક છે. સંખેડાનું ઐતિહાસિક મહત્વ રજૂ કરતા બે પાષાણ-અભિલેખો પણ આ નગરમાં જોવા મળે છે; આ પૈકીના એક અભિલેખ પર સંવત 1299નું વર્ષ કોતરેલું છે. તેને તાલુકા પંચાયતની કચેરી નજીકના ઉદ્યાનમાં રાખેલો છે. બીજા અભિલેખ પર શક સંવત 1417નું વર્ષ કોતરેલું છે. આ બીજો અભિલેખ અહીંના પ્રાચીન કિલ્લાના પ્રવેશદ્વારની જમણી બાજુએ જોવા મળે છે. તેના પર કેટલુંક લખાણ સંસ્કૃતમાં તો કેટલુંક ઈરાની ભાષામાં છે. તે દર્શાવે છે કે સુલતાન મુઝફ્ફરશાહના અહીંના શાસન દરમિયાન કિલ્લાની નજીક વાવ અથવા જળાશયનું નિર્માણકાર્ય થયેલું હતું.

સંખેડા વર્ષોથી પોચાં લાકડાંને કંડારીને બનાવાતી ખરાદીકામની હસ્તકલાકારીગરી માટે જાણીતું છે. આજે પણ અહીં ઘોડિયાં, ખુરશીઓ, સોફાસેટ વગેરે જેવું રંગબેરંગી નકશીકામ ધરાવતું, ચમકીલું, ટકાઉ રાચરચીલું તૈયાર થાય છે. દેશપરદેશમાં આ પ્રકારના રાચરચીલાની પુષ્કળ માંગ રહે છે.

(6) છૂંછાપુરા : મોતીપુરા આરસથી ઓળખાતા, આકર્ષક લીલા રંગના આરસપહાણની પ્રાપ્તિ માટેનું જાણીતું સ્થળ. ‘ઉતાવળિયા પીર’ નામથી ઓળખાતા મુસ્લિમ સંત ખ્વાજા જલ્દનવાજની પુણ્યતિથિએ અહીં દર વર્ષે ઉર્સ(મેળા)નું આયોજન થાય છે.

(7) સોંગીર : ઇમારતી બાંધકામ માટે ઉપયોગી રેતીખડકોનું પ્રાપ્તિસ્થળ. અહીંની ખાણમાંથી વાટવાના ખલદસ્તા, છીપર, મૂર્તિઓ, સ્તંભો વગેરે જેવી ગૃહોપયોગી ચીજવસ્તુઓ માટે રેતીખડક ખોદી કાઢવામાં આવે છે. આ પથ્થરનાં નાનાં-મોટાં ગચ્ચાની નિકાસ પણ થાય છે. મુંબઈનો ગેટ વે ઑવ્ ઇન્ડિયા તેમજ વડોદરાનો લક્ષ્મી વિલાસ મહેલ આ પથ્થરમાંથી બનાવાયેલા છે. અહીંના રણછોડરાયજીના મંદિર ખાતે દર પૂનમે મેળો ભરાય છે. અહીં આવેલી હિરણ નદીના કાંઠેથી ઇન્ડો-સેસાનિયન ચાંદીના સિક્કા (ગધૈયા) તેમજ સોંગીર ગામ સામેની ટેકરી પર જૂના કિલ્લાના અવશેષો મળી આવેલા છે.

(8) સિનોર : નર્મદાકાંઠે આવેલું સૌંદર્યધામ. તે સારી જાતની કેરીઓ આપતાં આંબાનાં વૃક્ષો માટે જાણીતું છે. અહીં નર્મદાકાંઠે ભંડારેશ્વર, કેદારેશ્વર, કૃષ્ણેશ્વર, નર્મદામૈયાનાં મંદિરો આવેલાં છે.

(9) દરિયાપુરા : નર્મદાકાંઠે આવેલા બદ્રીનારાયણના મંદિર માટે જાણીતું સ્થળ. 1956માં બંધાયેલું આ મંદિર આશરે 60 મીટર ઊંચા સ્થાન પર આવેલું છે. ગુજરાતભરમાંથી ઘણા યાત્રાળુઓ આ મંદિરના દર્શને આવે છે. આ મંદિરમાં સદાવ્રત સહિતનો શ્રીધરાનંદ આશ્રમ ચાલે છે. તે બદ્રિકાશ્રમના નામથી પણ જાણીતો છે.

હીરાભાગોળ, ડભોઈ

(10) બર્કલ : ભીમે અહીં બકાસુર નામના રાક્ષસને હણેલો, એવી પ્રચલિત માન્યતાને આધારે આ સ્થળનું નામ ‘બર્કલ’ પડેલું હોવાનું કહેવાય છે. અહીં નજીકમાં જ નર્મદા નદીમાં વ્યાસ બેટ આવેલો છે. ત્યાં શ્રીમદભાગવતના રચયિતા વ્યાસમુનિએ તપ કરેલું. વ્યાસમુનિ સમર્પિત એક મંદિર પણ અહીં આવેલું છે. દર વર્ષે ચૈત્રી પૂનમે અહીં મેળો ભરાય છે.

ડભોઈ એના કિલ્લા અને હીરાભાગોળ માટે જાણીતું છે. આ ઉપરાંત આ જિલ્લામાં ચાણોદ-કરનાળીનો અધિક જેઠ માસ યાત્રામેળો, આમલી અગિયારશ, ચુલ અને ગોલ-ગધેડા જેવા અદિવાસી મેળા, પંચકુબેરેશ્વરનો મેળો, માંડવાનો કાર્તિકી પૂનમનો મેળો, ભીમપુરા અનસૂયા મઠ ખાતેનો ગંગાસપ્તમીનો ગંગનાથ મહાદેવનો મેળો, ફઝલપુરનો મહીસાગર મેળો, તથા ચાણોદ-માંડવા, સિંધરોટ-દાણખેડા, વિરજાઈ, જશપુર, પીપલસોથ અને તિલકવાડાના ચૈત્રી પૂનમના મેળા ઉલ્લેખનીય છે.

લક્ષ્મીવિલાસ મહેલ, વડોદરા

વસ્તી-લોકો : 2001ની વસ્તીગણતરી મુજબ વડોદરા જિલ્લાની વસ્તી 36,39,775 જેટલી છે. (વડોદરા તાલુકાની વસ્તી 17,05,617 જેટલી છે.) તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યાપ્રમાણ અનુક્રમે આશરે 54 % અને 46 %  જેટલું છે. ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 60 % અને 40 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને જૈનોનું પ્રમાણ વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, શીખ અને બૌદ્ધોનું ક્રમશ: ઓછું છે. જિલ્લામાં મુખ્યત્વે ગુજરાતી, હિન્દી, મરાઠી, સિંધી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ આશરે 55 % જેટલું છે. જિલ્લાનાં લગભગ બધાં જ નગરોમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સગવડ છે. બાદરપુર, બોડેલી, છોટાઉદેપુર, કરજણ, પાદરા, સંખેડા, સિનોર, વડોદરા અને વાઘોડિયા ખાતે પુખ્તવયના લોકો માટે સાક્ષરતા અભિયાન-કેન્દ્રોની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. ઉચ્ચશિક્ષણ માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ખાતે આવેલી છે. તેને સંલગ્ન બે વિનયનની, એક વિજ્ઞાનની, એક વાણિજ્યની, એક કાયદાની, બે તબીબી, એક ઇજનેરી, એક લલિતકલાની અને એક પૉલિટેક્નિક કૉલેજ છે. આ ઉપરાંત અહીં કલાભવન પણ છે. બોડેલી અને સંખેડા ખાતે વિનયન કૉલેજ, કરજણ અને પાદરા બંનેમાં વિનયન-વાણિજ્ય કૉલેજ આવેલી છે. જિલ્લામાં દસ હૉસ્પિટલો, 108 ચિકિત્સાલયો, 180 કુટુંબનિયોજન-કેન્દ્રો, 9 પ્રાથમિક સ્વાસ્થ્ય-કેન્દ્રો, 160 પ્રાથમિક ઉપસ્વાસ્થ્ય-કેન્દ્રો, 104 પ્રસૂતિગૃહો બાળકલ્યાણ-કેન્દ્રો તથા 878 જેટલા સામાજિક સ્વાસ્થ્ય-સેવકો કાર્યરત છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 12 તાલુકાઓ અને 12 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 21 શહેરો-નગરો તેમજ 1,645 (6 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

વડોદરા (શહેર) : ગુજરાતનાં સુંદર ગણાતાં શહેરો પૈકીનું એક. સ્વાતંત્ર્ય અગાઉના વડોદરા દેશી રાજ્યનું પાટનગર. તેનું પ્રાચીન નામ ‘વટપત્ર’ હતું. ભૌગોલિક સ્થાન : તે 22° 18´ ઉ. અ. અને 73° 12´ પૂ. રે. આજુબાજુનો આશરે 108 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે.

આ શહેરમાં સુંદર મહેલો, બગીચા, શિક્ષણ-સંસ્થાઓ તેમજ વિસ્તરતા જતા ઉદ્યોગો આવેલાં છે. અઢી ચોકિમી. વિસ્તારમાં આવેલો અહીંનો લક્ષ્મી વિલાસ મહેલ હરિયાળી ધરાવતા સુંદર બગીચાઓથી ઘેરાયેલો છે. તેમાં ઇટાલિયન બાવલાં મૂકેલાં છે. આ ઉપરાંત માંડવી ખાતે નજરબાગ મહેલ તથા મકરપુરા ગામ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ પર મકરપુરા મહેલ આવેલા છે. શહેરનાં અન્ય જોવાલાયક સ્થળોમાં જ્યુબિલી બાગ, મહાત્મા ગાંધીના બાવલા સહિતનું ગાંધી નગરગૃહ (ટાઉન હૉલ), લાલ બાગમાંની સુંદર છત્રી, પૅરિસની જેલ સમકક્ષ સેન્ટ્રલ જેલ, નવલખી વાવ, મુઘલ સ્થાપત્યને યાદ અપાવતો ભદ્ર ઝરૂખો (તેની નીચેનું કમળ એક જ પાષણમાંથી બનાવેલું છે.), 5,000 બેઠકોની ક્ષમતાવાળું – બધી જ આધુનિક જરૂરિયાત ધરાવતું દીપક ઓપન એર થિયેટર, ન્યાયમંદિર, સુરસાગર સરોવર, જૈનમંદિર, સૂર્યનારાયણ મંદિર, જુમા મસ્જિદ તથા લશ્કરી જનરલ કુત્બુદ્દીનની યાદમાં મુઘલ શહેનશાહ અકબરે સોળમી સદીમાં બંધાવેલો મકબરો વગેરેનો સમાવેશ થાય છે. વડોદરા ખાતે આવેલાં સક્કરખાનની મસ્જિદ, મોતી બાગનો નાનો દરવાજો તથા ઓગણીસમી સદીનાં અમૂલ્ય ચિત્રો ધરાવતો રાવપુરામાં આવેલો ભાઉ જામ્બેરકરનો બંગલો – વગેરેને આરક્ષિત સ્મારકો તરીકે જાળવી રખાયાં છે. રેલમથકથી શહેરમાં પ્રવેશતાં સામે આવેલો સયાજી બાગ (કમાટી બાગ) અહીંનું વિશિષ્ટ આકર્ષણ બની રહેલો છે : તેમાં પ્રાણી સંગ્રહાલય, ગુજરાતનું શ્રેષ્ઠ ગણાતું મ્યુઝિયમ, જૂના નિષ્ણાતો તેમજ આધુનિક કલાકારોની અમૂલ્ય કૃતિઓનો સંગ્રહ ધરાવતી કલાદીર્ઘા અને ચિત્રદીર્ઘા, ઝૂલતો પુલ, સ્વાસ્થ્ય સંગ્રહાલય, અજાયબ બાલઘર, બાલબોગદું અને રમકડાગાડી જોવા મળે છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભરાતા ભીમનાથ મહાદેવના મેળામાં તેમજ આસો સુદ આઠમ-નોમે ભરાતા સિંધવાઈ માતાના મેળામાં ઘણા લોકોની અવરજવર રહે છે. 2001 મુજબ વડોદરા શહેરની વસ્તી 13,06,035 જેટલી છે. વસ્તીગીચતાનું પ્રમાણ દર ચોકિમી. મુજબ સરેરાશ 12,064 વ્યક્તિઓનું છે.

1948 અગાઉ વડોદરા શહેર વડોદરા દેશી રાજ્યનું રાજધાનીનું સ્થળ હતું. આજે તે વડોદરા જિલ્લાનું વડું વહીવટી મથક છે. તે મુંબઈ-દિલ્હી અને મુંબઈ-અમદાવાદ રેલમાર્ગો પરનું મુખ્ય જંક્શન છે.

ઇતિહાસ : સાતારાના છત્રપતિ રાજારામે સેનાપતિ ખઁડેરાવ દાભાડેને 1699માં બાગલાણના પ્રદેશમાં ચોથ અને સરદેશમુખી ઉઘરાવવાનો અધિકાર આપ્યો. 1706થી 1716 સુધીના સમયમાં દાભાડેએ અમદાવાદ તથા સૌરાષ્ટ્રમાં સોરઠ સુધી જઈને લૂંટ કરી હતી. તેના સૌરાષ્ટ્ર-પ્રવેશ સમયે તેનો નાયબ દમાજી ગાયકવાડ પણ સાથે હતો. 1720ની બાલાપુરની લડાઈમાં દમાજીએ અપૂર્વ વીરતા દાખવી. તેથી સેનાપતિ દાભાડેએ દમાજીની વીરતા અને પરાક્રમની છત્રપતિ શાહુ સમક્ષ પ્રશંસા કરતાં દમાજીને શાહુએ ‘સમશેર બહાદુર’નો ખિતાબ અને દાભાડેથી બીજા ક્રમનું સ્થાન આપ્યું. 1720માં દમાજીનું અવસાન થતાં તેનો દત્તક પુત્ર અને ભત્રીજો પિલાજી એના સ્થાને આવ્યો. તેણે સોનગઢ(દક્ષિણ ગુજરાત)ની પાસે ડુંગરાળ વિસ્તારમાં પોતાનું મથક સ્થાપ્યું. દાભાડેના પ્રતિનિધિ તરીકે તેણે, નબળી પડેલી મુઘલ સત્તાનો લાભ લઈ પ્રતિ વર્ષ હુમલા કરી લૂંટ કરવા માંડી. 1719માં તેણે સોનગઢનો કિલ્લો જીતી ત્યાં પોતાનું મુખ્ય મથક સ્થાપ્યું. તે પછી 1766 સુધી સોનગઢ ગાયકવાડની રાજધાની તરીકે રહ્યું. પિલાજીએ ધીમે ધીમે પોતાની સ્વતંત્ર સત્તાની સ્થાપના કરવા માંડી. નિઝામના ગુજરાત ખાતેના પ્રતિનિધિ હમીદખાન પિલાજી અને કંથાજી વચ્ચે કરાવેલા સમાધાન મુજબ પિલાજીરાવને મહી-નદીની દક્ષિણનાં પરગણાંઓમાંથી ચોથ ઉઘરાવવાની સત્તા મળી. તેને અપાયેલાં પરગણાંઓમાં વડોદરા, ચાંપાનેર, ભરૂચ, સૂરત તથા નાંદોદનો સમાવેશ થતો હતો. તે પછી પિલાજીએ ડભોઈ અને વડોદરા 1728માં કબજે કર્યાં. આ અરસામાં છત્રપતિ શાહુએ પિલાજીને દાવડી ગામ આપ્યું.

પુણેમાં બાજીરાવ પેશવા સત્તા પર આવ્યો, ત્યારે મરાઠા સરદારોને સ્વતંત્રતાથી વર્તતા રોકવા તે મોટી ફોજ સહિત ગુજરાતમાં આવ્યો. પિલાજી પાસેથી વડોદરા લઈ લેવાની ઇચ્છાથી તેણે વડોદરાને ઘેરો ઘાલ્યો. એ વખતે નિઝામે દખ્ખણમાં મુશ્કેલીઓ પેદા કરવાથી, ઘેરો ઉઠાવી લઈ પેશવા ડભોઈ તરફ જતો હતો ત્યારે માર્ગમાં ભીલાપુર નજીક સેનાપતિ દાભાડે, પિલાજી ગાયકવાડ, કંથાજી, કદમબાંડે, ઉદાજી પરમાર વગેરેનાં સંયુક્ત સૈન્યો સામે 1 એપ્રિલ 1731ના રોજ લડાઈ થઈ. તેમાં પેશવા જીત્યો. છતાં તેણે મરાઠા સરદારોને દબાવી દેવાને બદલે સમાધાનથી કામ લીધું. લડાઈમાં ત્ર્યંબકરાવ દાભાડે મરણ પામ્યો. તેથી તેના સગીર પુત્ર યશવંતરાવને સેનાપતિપદે નીમ્યો અને તેના નાયબ (મુતાલિક) તરીકે પિલાજી ગાયકવાડને નીમ્યો, તથા તેને ‘સેના ખાસખેલ’નો ખિતાબ એનાયત કર્યો. ભીલાપુરની આ લડાઈ બાદ, પિલાજી શક્તિશાળી બન્યો. પરંતુ એપ્રિલ 1732માં મુઘલ સૂબેદાર અભયસિંહે તેનું ખૂન કરાવ્યું. આ બનાવથી પિલાજીનું સૈન્ય વડોદરા છોડી ડભોઈ ગયું. ત્યારે અભયસિંહે વડોદરા કબજે કર્યું. પિલાજી પછી એનો પુત્ર દમાજી (બીજો) અનુગામી બન્યો. તેણે ત્ર્યંબકરાવની માતા અને યશવંતરાવની વાલી ઉમાબાઈ તથા કંથાજી કદમબાંડેની સહાય લઈને 1733માં અમદાવાદ પર કૂચ કરીને અભયસિંહને સમાધાન કરવાની ફરજ પાડી. વડોદરાનો સૂબો શેરખાન બાબી તેની જાગીર બાલાસિનોરમાં હતો ત્યારે દમાજીના ભાઈ માલોજી(મહાદજી)એ વડોદરા પર હુમલો કરી 1736માં શહેર અને કિલ્લો કબજે કર્યાં. ત્યારબાદ ગાયકવાડ અને ખંભાતના સૂબેદાર મોમિનખાને અમદાવાદને ઘેરો ઘાલ્યો, જે નવ મહિના ચાલ્યો.

મકરપુરા મહેલ

ગુજરાતના મુઘલ સૂબેદાર અભયસિંહનો નાયબ રતનસિંહ ભંડારી એક લાખ રૂપિયા લઈ લશ્કર સાથે અમદાવાદ છોડી ગયો. રંગોજી અને મોમિનખાન વચ્ચે થયેલા કરાર મુજબ અમદાવાદ શહેરનો વહીવટ મુઘલો તથા મરાઠાઓના દ્વિશાસનથી ચાલ્યો. દમાજીરાવની તાકાત આ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધી. બોરસદ જીતી લેવામાં આવ્યું. તેણે 1741માં નિઝામની જાગીર ભરૂચને ઘેરો ચાલ્યો. નિઝામે સંદેશો મોકલી સમાધાન કરવા જણાવ્યું. દમાજીરાવને ભરૂચની મહેસૂલી અને જકાતી આવકનો 3/5 ભાગ તથા જંબુસર, દહેજ અને કોરલ પરગણાંઓનું મહેસૂલ મળ્યું. પાછળથી સુધારો કરીને 2/3 જેટલું મહેસૂલ આપવામાં આવ્યું. 1743માં દમાજીના નાયબ રંગોજીએ પેટલાદ કબજે કર્યું.

છત્રપતિ શાહુનું ડિસેમ્બર 1749માં અવસાન થતાં, પેશવા બાલાજી બાજીરાવ અને તારાબાઈ વચ્ચે સત્તાસંઘર્ષ જામ્યો. આમાં દમાજીરાવ પેશવા-વિરોધી તારાબાઈના પક્ષે રહ્યો. પેશવા સામેની પ્રથમ લડાઈ ખાનદેશમાં બહાદુરપુરા મુકામે (ફેબ્રુ. 1751) થઈ. તેમાં દમાજીરાવ જીત્યો. સાતારા નજીકની બીજી લડાઈમાં (માર્ચ 1751) તેનો પરાજય થતાં, મંત્રણા માટે પેશવાની છાવણીમાં ગયો. ચાલુ મંત્રણા દરમિયાન પેશવાએ તેની છાવણીમાં લૂંટ કરાવી, ઉમાબાઈ અને દાભાડે કુટુંબના સભ્યો, દમાજીરાવ, એના ભાઈઓ વગેરેને કેદ કરવામાં આવ્યા. આશરે દસ મહિના સુધી કેદમાં રહ્યા પછી, પેશવાએ મૂકેલી શરતોનો દમાજીરાવે સ્વીકાર કર્યો (માર્ચ 1752). તે મુજબ ગુજરાત ઉપરથી દાભાડેનો અધિકાર નાબૂદ કરવામાં આવ્યો. ગુજરાતમાં મરાઠાઓના પ્રતિનિધિ તરીકે ફક્ત દમાજીરાવ રહે. તેનો ‘સેના ખાસખેલ’નો ખિતાબ ચાલુ રાખવામાં આવ્યો. દમાજીરાવ ગુજરાત-સૌરાષ્ટ્રનો અડધો ભાગ તથા ભવિષ્યમાં જે પ્રદેશ જીતે તેનો અડધો ભાગ પેશવાને આપે. દમાજીરાવ દંડે પેટે પંદર લાખ રૂપિયા પેશવાને આપે તથા જરૂર પડે ત્યારે તેને દસ હજારની અશ્વસેનાની સેવા આપે. તેની વાર્ષિક ખંડણી પાંચ લાખ પચીસ હજાર રૂપિયા ઠરાવવામાં આવી તથા સેનાપતિ દાભાડેને નિભાવ-ખર્ચ આપવો. તેના બદલામાં ગુજરાતમાંથી મુઘલ સત્તાને દૂર કરવામાં તથા અમદાવાદ કબજે કરવામાં દમાજીને મદદ કરવા પેશવા કબૂલ થયો. પેશવા અને ગાયકવાડ  એ દરેકને વાર્ષિક આવક પચાસ લાખ રૂપિયાની થાય એ રીતે વિભાજન કરવામાં આવ્યું હતું. પેશવા તથા દમાજીરાવ વચ્ચે થયેલા આ સમાધાનનો અમલ, પેશવાએ 1817માં અંગ્રેજો સાથે કરાર કર્યો ત્યાં સુધી ચાલુ રહ્યો.

1752નો ઉપર્યુક્ત કરાર થયા પછી દમાજીરાવ પેશવાની કેદમાંથી મુક્ત થઈ ગુજરાતમાં આવ્યો. 1753માં દમાજીરાવ, પેશવાનો પ્રતિનિધિ રઘુનાથરાવ (રાઘોબા) અને મરાઠા સરદારોએ જવાંમર્દખાનની ગેરહાજરીનો લાભ લઈ અમદાવાદ જીતી લીધું. અમદાવાદ જતું કરવાના બદલામાં જવાંમર્દખાનને પાટણ નગર તથા બીજા દસ મહાલ જાગીર પેટે આપવામાં આવ્યાં. સાડા ત્રણ વર્ષ બાદ, મરાઠાઓએ અમદાવાદ ગુમાવ્યું અને ફેબ્રુઆરી 1758માં ફરી જીતી લીધું. 1800થી 1814 સુધીના સમયમાં પેશવાએ તેના ભાગ પરનો વહીવટ ગાયકવાડને સોંપી દીધો.

1761ની પાણીપતની લડાઈમાં મરાઠાઓ હારની સ્થિતિમાં મુકાતાં દામાજીરાવ બીજો લડવાનું છોડીને ગુજરાત પહોંચી ગયો. તેણે પેશવાની વિરુદ્ધ ખંભાતના મોમિનખાનને મદદ ન કરી. તેણે ખેડાનો કિલ્લો કબજે કર્યો અને ત્યારબાદ પાટણના સૂબેદાર જવાંમર્દખાન બાબીનું મુખ્ય શહેર અણહિલવાડ પાટણ જીતી લીધું. દામાજીરાવે પોતાની રાજધાની સોનગઢથી 1766માં પાટણ ફેરવી. તેણે વિશાલનગર, વડનગર, ખેરાળુ, વિજાપુર અને મહાલ જવાંમર્દખાનના પુત્રો પાસેથી જીતી લીધાં તથા ખંડણી અપાતી નથી એવું કારણ દર્શાવી રાજપીપળાના કેટલાક પ્રદેશો પડાવી લીધા.

પાણીપતની લડાઈ બાદ પેશવા બાલાજી બાજીરાવનું અવસાન થતાં, તેનો પુત્ર માધવરાવ પેશવા બન્યો. તેણે માર્ચ 1763માં એક સનદ દ્વારા પાટણ, વિજાપુર, સમી, મુંજપુર, વડનગર, વિસનગર, સિદ્ધપુર, ખેરાળુ તથા રાધનપુર મરાઠી લશ્કરના સરંજામ તથા ખર્ચ માટે દામાજીરાવ ગાયકવાડને આપ્યાં. પેશવા તથા રઘુનાથરાવ (રાઘોબા) વચ્ચે ઑગસ્ટ 1763માં ઔરંગાબાદ નજીક થયેલી રાક્ષસભુવનની લડાઈમાં દામાજીરાવે રઘુનાથરાવને ખૂબ મદદ કરી. તે પછી 1768માં ધોંડપ(ચંદોર વિસ્તારમાં)ની લડાઈમાં પેશવા માધવરાવે રઘુનાથરાવને હરાવી, તેને તથા દામાજીના પુત્ર ગોવિંદરાવને કેદ કર્યા. પેશવાએ દામાજીની વાર્ષિક ખંડણી વધારીને રૂ. 7,79,000 તથા અશ્વસેનાની સેવા ઘટાડીને ચાર હજારની કરી. દામાજીનું અવસાન 18 ઑગસ્ટ 1768ના રોજ થયું. તે ઘણો શક્તિશાળી હતો અને કાઠિયાવાડ સહિતના ઘણા પ્રદેશો તે ગાયકવાડની સત્તા હેઠળ લાવ્યો.

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ લિ.

દામાજીરાવના અવસાન બાદ, પેશવાએ તેના પુત્ર ગોવિંદરાવ તરફી નિર્ણય આપ્યો, પરંતુ તેનો ઓરમાન ભાઈ ફત્તેસિંહરાવ તેના મોટા ભાઈ સયાજીરાવના હક્કદાવા માટે પેશવા સાથે મંત્રણા કરવા પુણે ગયો. પેશવાએ ગોવિંદરાવ તરફી પોતાનો નિર્ણય ફેરવીને ન્યાયશાસ્ત્રી રામરાવની સલાહાનુસાર સયાજીરાવને હક્કદાર ઠરાવી, ‘સેના ખાસખેલ’ના ખિતાબ માટે જાહેર કર્યો. તેના નાયબ (મુતાલિક) તરીકે ફત્તેસિંહરાવને નીમ્યો. ગોવિંદરાવ અને ફત્તેસિંહરાવ એકબીજાના દુશ્મન બન્યા તથા પ્રથમ અંગ્રેજ-મરાઠા લડાઈમાં સામસામે પક્ષે રહીને લડ્યા. ગોવિંદરાવે પુણેમાં પેશવા બનેલા રઘુનાથરાવ (1773) પાસેથી ‘સેના ખાસખેલ’નો ખિતાબ મેળવ્યો. તેણે વડોદરાને ઘેરો ઘાલ્યો; પરંતુ સિંધિયા અને હોલકર સાથે હરિપંત ફડકે આવી રહ્યાની જાણ થતાં, ઘેરો ઉઠાવી લઈ ગોવિંદરાવ કપડવંજ ગયો. તેના સમયમાં વડોદરા રાજ્યનું પાટનગર સોનગઢથી બદલીને વડોદરા રાખવામાં આવ્યું. રાજગાદી મેળવવા ફત્તેસિંહરાવે પેશવાને સાડા દસ લાખ રૂપિયા, મંત્રીઓને ભેટો આપી, અને પોતાના માટે ‘સેના ખાસખેલ’નો ઇલકાબ મેળવ્યો. ફત્તેસિંહરાવ અંગ્રેજોના પક્ષે રહ્યો હતો. ડિસેમ્બર 1789માં તેનું અવસાન થયું. તેણે 1778થી 1789 દરમિયાન કરકસર અને હોશિયારીથી વહીવટ કર્યો હતો. તેણે રાજ્યના રક્ષણ માટે વિદેશી ભાડૂતી સૈનિકો રાખ્યા હતા, જે ભવિષ્યમાં રાજ્ય માટે આપત્તિકારક બન્યા હતા. તેના સમયમાં અંગ્રેજ રેસિડેન્ટ કૅપ્ટન અર્લ 1781માં વડોદરામાં રહ્યો હતો. આ રીતે વડોદરાના ગાયકવાડ અને અંગ્રેજ સત્તા વચ્ચેના રાજદ્વારી સંબંધોની શરૂઆત થઈ.

ગોવિંદરાવ હવે કાયદેસરનો વારસદાર હતો; પરંતુ પેશવાને ચૂકવવા માટે તેની પાસે નાણાં નહોતાં. તેના બીજા ભાઈ માવાજીએ પુણેના દરબારને નજરાણું અને બાકી ખંડણીની રકમ મળીને કુલ અગણોતેર લાખ રૂપિયા આપવાનું કબૂલીને વડોદરાની રાજગાદી મેળવી. રાજગાદી મેળવવા માટેના ગોવિંદરાવના પ્રયાસો ચાલુ હતા. તે દરમિયાન 1 ઑગસ્ટ 1793ના રોજ માનાજીરાવનું અવસાન થયું. તે અગાઉ 1792માં સયાજીરાવ મરણ પામ્યો હતો. તેથી ગોવિંદરાવને ગાદી મેળવવા માટે હરીફ ન હોવાથી, સહેલું હતું; પરંતુ પુણેની સરકાર તેનો વારસાહક માન્ય રાખે તે વાસ્તે તેણે નજરાણાના છપ્પન લાખ આડત્રીસ હજાર રૂપિયા, બાકીની ખંડણીના તેંતાલીસ લાખ રૂપિયા અને માનાજીના દેવા પેટે વીસ લાખ રૂપિયા મળીને કુલ એક કરોડ વીસ લાખ રૂપિયા આપવાનું કબૂલવું પડ્યું. આમ પેશવાના સર્વોચ્ચ વહીવટકર્તા નાના ફડનવીસ ગાયકવાડ કુટુંબને બરબાદ કરવા માગતો હતો, પરંતુ પુણેના બ્રિટિશ રેસિડેન્ટે દરમિયાનગીરી કરી અને એ દરખાસ્તો પાછી ખેંચાવી લીધી.

ગોવિંદરાવને ‘સેના ખાસખેલ’નો ઇલકાબ પણ મળ્યો. પુણેથી વડોદરા જતાં તેણે કાર્યદક્ષ અધિકારીઓ સાથે લીધા. વડોદરામાં તેનો પ્રવેશ અટકાવવાનો, તેના અનૌરસ પુત્ર કાન્હોજીરાવે પ્રયાસ કર્યો, પરંતુ તેને કેદ કરવામાં આવ્યો. ગુજરાતના મરાઠી સૂબાના નાયબ તરીકે અમદાવાદ આવેલો આબા શેલુકર ગાયકવાડના પ્રદેશોમાંથી ફરજિયાત રકમો ઉઘરાવતો હોવાથી, ગોવિંદરાવે લશ્કર મોકલી અમદાવાદ જીતી લઈ શેલુકરને કેદી તરીકે બોરસદમાં સાત વર્ષ રાખ્યો. પેશવાએ, પ્રતિ વર્ષ પાંચ લાખ રૂપિયાના બદલામાં, પાંચ વર્ષ માટે ગુજરાતમાંના પોતાના સર્વ અધિકારો ગોવિંદરાવને આપ્યા; જેમાં સૌરાષ્ટ્રની ખંડણી; પેટલાદ, નાપાડ, રાણપુર, ધંધૂકા તથા ઘોઘાની મહેસૂલ વગેરેનો સમાવેશ થતો હતો. 19 સપ્ટેમ્બર 1800ના રોજ ગોવિંદરાવનું અવસાન થયું. તેના સમયમાં પેશવા બાજીરાવે વડોદરા રાજ્યને ખંડણી, દંડ, નજરાણું વગેરેના બેસુમાર આર્થિક બોજાથી નબળું બનાવ્યું હતું. સૈન્યનો ખર્ચ પણ રાજ્યની આવકથી વધારે હતો. લોકોનું રક્ષણ તથા લોકકલ્યાણનાં કાર્યો પ્રત્યે ધ્યાન અપાતું નહિ.

ગોવિંદરાવના અવસાન બાદ તેની પટરાણીનો પુત્ર આનંદરાવ ગાદીએ બેઠો અને કાન્હોજીરાવે તેના નાયબ (મુતાલિક) તરીકે પોતાની નિમણૂક કરાવી. તેણે આરબોને વધુ નાણાં આપી પોતાના પક્ષે લીધા તથા પોતે રાજાની સત્તા ભોગવવા લાગ્યો. તેણે ગેરરીતિઓથી નાણાં ભેગાં કર્યાં, રાજકુટુંબના સભ્યોને પરેશાન કર્યા. તેથી વહીવટમાં અવ્યવસ્થા પ્રવર્તી. આરબોએ કાન્હોજીને કેદ કર્યો અને દીવાન રાવજી સત્તા પર આવ્યો.

આ સંજોગોમાં રાવજી અને કાન્હોજીના ટેકેદારોએ મુંબઈ અંગ્રેજ સત્તાને મદદ વાસ્તે વિનંતી કરી. ગવર્નર ડંકને મેજર વૉકરને બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરવા મોકલ્યો. તે વખતે વડોદરા રાજ્ય દેવામાં ડૂબેલું હતું. લશ્કરમાં તીવ્ર અસંતોષ વ્યાપ્યો હતો અને તે બંડખોર સ્થિતિમાં હતું. અંગ્રેજોએ જાગીરદાર મલ્હારરાવનું બંડ શમાવી દીધા બાદ બદલામાં ચીખલી પરગણું તથા ખેડાનો કિલ્લો અને જાગીર મેળવ્યા.

ગાયકવાડ અને અંગ્રેજોની સત્તા વચ્ચે વધતા જતા સંબંધોને કારણે, મેજર વૉકરને વડોદરામાં 1802માં રેસિડેન્ટ તરીકે નીમવામાં આવ્યો. મહારાજા આનંદરાવની ચિત્તભ્રમની સ્થિતિને લીધે તેમના ભાઈ ફત્તેસિંહરાવની રાજ્યપાલક તરીકે પસંદગી કરવામાં આવી હતી.

ગાયકવાડે 1805 અને 1806 દરમિયાન અંગ્રેજો તથા મરાઠાઓ વચ્ચે થયેલી લડાઈઓમાં અંગ્રેજ પક્ષે સક્રિય ભાગ લીધો હતો. અંગ્રેજો અને ગાયકવાડ વચ્ચે એપ્રિલ 1805માં કરાર થયા તે મુજબ લશ્કરના ખર્ચ માટે અગાઉ અપાયેલા ચોરાસી, ચીખલી, સૂરતની ચોથ અને ખેડા ઉપરાંત બીજી વધારાની રૂ. 11,70,000ની આવકવાળા ધોળકા, નડિયાદ, વિજાપુર, માતર, મહુધા વગેરે પ્રદેશો આપવામાં આવ્યા.

મરાઠાઓએ 1721ના અરસાથી સવારીઓ કરી, સૌરાષ્ટ્રમાંથી ખંડણી વસૂલ કરી હતી. મેજર વૉકર દ્વારા સૌરાષ્ટ્રના રાજાઓ, દરબારો, રાણા, ઠાકોરો વગેરે સાથે વાટાઘાટ કરી ખંડણી નક્કી કરવામાં આવી (1807), જે દરેક દરબારે તથા તેના વારસોએ વડોદરા રાજ્યને આપવાનું બંધન સ્વીકાર્યું. ગાયકવાડે વૉકર સેટલમેન્ટ પ્રમાણે સૌરાષ્ટ્રની ખંડણી ઉઘરાવવાની જવાબદારી કંપનીને સોંપી. આ સમાધાનના પરિણામે સૌરાષ્ટ્રમાં શાંતિ પ્રવર્તી.

વૉકરે દ્વારકાની આસપાસ રહેતા વાઘેરોને શરણે આણ્યા. માળિયા અને ખાંડાધારના સરદારોને અંકુશમાં રાખી ભારે દંડ વસૂલ કર્યો. એના સૌરાષ્ટ્રમાંથી ગયા બાદ 1820 સુધી સૌરાષ્ટ્રનો વહીવટ ગાયકવાડના સૂબા વિઠ્ઠલરાવ દેવાજીએ કુશળતાપૂર્વક ચલાવ્યો. 1818માં પેશવાની સત્તાનો અંત આવતાં પેશવાના ખંડણી ઉઘરાવવા સહિતના બધા અધિકારો અંગ્રેજ સરકારે લઈ લીધા અને સૌરાષ્ટ્રમાં બ્રિટિશ સત્તા સર્વોપરિ બની.

વડોદરા સરકારે 1812માં બ્રિટિશ કંપનીનું દેવું ભરપાઈ કરી દીધું. પરંતુ ગોવિંદરાવનો અસંતુષ્ટ પુત્ર વિરોધી પ્રવૃત્તિ કરતો હોવાથી તેને કૅપ્ટન બેલેન્ટાઇને કેદ કરીને ચેન્નાઈમાં જીવતાં સુધી નજરકેદ રાખ્યો. વડોદરામાં જૂથબંધી હતી. એક જૂથ બ્રિટિશ સાથેના જોડાણમાં માનતું અને બીજું જૂથ વડોદરા રાજ્ય પર પેશવાની સર્વોપરિ સત્તા સ્થાપવામાં માનતું હતું; પરંતુ અંગ્રેજ રેસિડેન્ટ ધાર્યું કરાવવામાં સફળ થતો હતો.

જૂન 1817માં કંપની વતી એલ્ફિન્સ્ટને તથા પેશવા વતી મોરો દીક્ષિતે અને બાલાજી લક્ષ્મણે પુણે કરાર કર્યા. તે મુજબ પેશવાએ ગાયકવાડ પરના પોતાના ભૂતકાળના હક્કદાવા 4 લાખ રૂપિયા લઈને છોડી દીધા અને પેશવાએ પોતાની સૌરાષ્ટ્રની ખંડણી અંગ્રેજોને સોંપી. પેશવાએ અમદાવાદનો ઇજારો વાર્ષિક સવા ચાર લાખ રૂપિયાના બદલામાં ગાયકવાડને આપ્યો. આ રીતે આ કરાર દ્વારા ગુજરાતમાં પેશવાના અમદાવાદ તથા ઓલપાડ પરના હક્ક સિવાયના તેમજ ગાયકવાડ પાસે વાર્ષિક લેણી પડતી રકમ સિવાયના બધા હક્કો તથા પ્રદેશો પરના અધિકાર નાબૂદ કરવામાં આવ્યા. ગાયકવાડ હવે પેશવાથી અલગ બની સ્વતંત્ર રાજા બન્યા. ખંડણી, લશ્કરી સેવા તથા નજરાણાં આપવામાંથી તેમને મુક્તિ મળી હતી.

નવેમ્બર 1817માં અંગ્રેજ સત્તા સાથે ગાયકવાડે પૂરક કરાર કર્યા. તે મુજબ ગાયકવાડે મહીકાંઠાની ખંડણી મેળવી અને અમદાવાદમાંની સત્તા અંગ્રેજોને આપી. ઓખામંડળનો પ્રાંત તથા બેટ ટાપુ ગાયકવાડને બક્ષિસ તરીકે મળ્યાં. અંગ્રેજોનાં જહાજો વડોદરાને અધીન બંદરોએ તથા વડોદરાનાં જહાજો બ્રિટિશ અધીન બંદરોએ અવરજવર કરી શકે એવી છૂટ આપવામાં આવી. પેશવાનો પેટલાદ નગર પરનો હિસ્સો ઉમરેઠના બદલામાં ગાયકવાડને મળ્યો અને ગાયકવાડને સિદ્ધપુર બક્ષિસ તરીકે 1818માં આપવામાં આવ્યું.

રાજ્યપાલક ફત્તેસિંહરાવનું જૂન 1818માં 26 વર્ષની યુવાનવયે અવસાન થયું. ઑક્ટોબર 1819માં આનંદરાવનું અપુત્ર અવસાન થતાં તેના ભાઈ સયાજીરાવને ગાદી મળી. તેઓ સ્વતંત્ર સ્વભાવના અને કુશળ વહીવટદાર હોવાથી અંગ્રેજોની દરમિયાનગીરી નાપસંદ કરતા. તેમને અંગ્રેજો સાથે ઘર્ષણ થયું; પરંતુ પાછળથી સયાજીરાવના વર્તનમાં ફેરફાર થયો અને ઘર્ષણનો અંત આવ્યો. સયાજીરાવનું 1847માં અવસાન થતાં તેમના પુત્ર ગણપતરાવ ગાદીએ બેઠા.

ગણપતરાવે લેઉવા પાટીદારોમાં પ્રચલિત દૂધપીતીનો રિવાજ બંધ કરાવ્યો. બાળકોના વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો તથા સતીનો રિવાજ બંધ કરવાના કાયદાનો કડક અમલ કર્યો. તેમનું 1856માં અવસાન થયું.

મોટી કોરલ ખાતેનું પ્રાચીન શિવ મંદિર

તેમના પછી ખંડેરાવ ગાદીએ બેઠા. 1857ના વિપ્લવ દરમિયાન તેમણે અંગ્રેજોને સક્રિય મદદ કરી હતી. મિયાંગામ-ડભોઈની રેલવે-લાઇન એમના શાસન દરમિયાન શરૂ થઈ. તેમના સમયમાં રાજ્યમાં આધુનિક શિક્ષણની શરૂઆત થઈ. ઓખામંડળના વાઘેરોનો બળવો તેમણે અંગ્રેજોની સહાયથી કચડી નાખ્યો. 28 નવેમ્બર 1870ના રોજ તેમનું અવસાન થયું.

ખંડેરાવ અપુત્ર હોવાથી તેમના ભાઈ મલ્હારરાવ ગાદીએ બેઠા. તેમણે કરવેરા વધાર્યા, શ્રીમંતો પાસેથી બળજબરીથી નાણાં લીધાં તથા ખાનદાન પરિવારોની મહિલાઓ સાથે અયોગ્ય વ્યવહાર કરવાથી તેમની વિરુદ્ધ રેસિડેન્ટને ફરિયાદ કરવામાં આવી, મુંબઈ સરકારે તપાસ માટે નીમેલા કમિશનની ભલામણ અનુસાર વહીવટ સુધારવા મલ્હારરાવે દાદાભાઈ નવરોજીને દીવાન નીમ્યા પણ તેમની નિમણૂક અંગ્રેજ સરકારને પસંદ નહોતી તથા ખટપટથી ત્રાસીને તેમણે રાજીનામું આપી દીધું. ત્યારબાદ રેસિડેન્ટ કર્નલ ફેરને ઝેર આપીને મારી નાખવાનું કાવતરું કરવાનો આક્ષેપ મલ્હારરાવ પર મૂકી, કમિશનની તપાસના આધારે ગેરવહીવટ માટે જવાબદાર ગણી 22 એપ્રિલ 1875ના રોજ એમને પદભ્રષ્ટ કરી, ચેન્નાઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યા.

ખંડેરાવની વિધવા જમનાબાઈએ ગાયકવાડના વંશજોમાંના માલેગાંવ તાલુકાના કોલાણા ગામના ગોપાલરાવને દત્તક લીધા. તેમને સયાજીરાવ નામ આપ્યું અને રાજ્યનો વહીવટ દીવાન તરીકે સર ટી. માધવરાવને 10 મે 1875ના રોજ સોંપ્યો. તેમણે રાજ્યમાં સુધારા કર્યા અને રાજ્યને કરજમુક્ત કર્યું. 28 નવેમ્બર 1881ના રોજ સયાજીરાવ ત્રીજાએ વહીવટ સંભાળી લીધો. તેમણે સર ટી. માધવરાવ, રમેશચંદ્ર દત્ત, મનુભાઈ નંદશંકર, વી. ટી. કૃષ્ણમાચારી તથા બી. એલ. મિત્ર જેવા દીવાનોની સહાયથી રાજ્યને આધુનિક, કલ્યાણલક્ષી તથા લોકાભિમુખ બનાવ્યું. પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું. કલાભવન સ્થાપી ટેક્નિકલ શિક્ષણની શરૂઆત કરી. મોતીભાઈ અમીને પુસ્તકાલય-પ્રવૃત્તિને વેગ આપ્યો. ધારાસભા દ્વારા સ્વશાસનની પહેલ કરી. તેમના શાસન દરમિયાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ઉત્તેજન મળ્યું. પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી, સંશોધન તથા પ્રકાશન વાસ્તે 1927માં ‘પ્રાચ્ય વિદ્યામંદિર’ સ્થાપવામાં આવ્યું. વડોદરાની મધ્યસ્થ લાઇબ્રેરી તથા વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગૅલરીની પ્રવૃત્તિ જીવંત બની. માલસર-જંબુસર અને બોડેલી-છોટાઉદેપુર રેલવે-લાઇન, ડભોઈ-સમલાયા-ટીંબા લાઇન તથા છૂછાપરા-તણખલા રેલવે-લાઇન શરૂ કરવામાં આવી. ગ્રામવિસ્તારના ઉત્કર્ષ વાસ્તે ઈ. સ. 1936માં એક કરોડ રૂપિયાના ભંડોળથી ‘ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટ’ સ્થાપવામાં આવ્યું. કાપડ-ઉદ્યોગને ઉત્તેજન આપવા વડોદરા, સિદ્ધપુર, કડી, કલોલ, બીલીમોરા અને નવસારીમાં મિલો શરૂ કરવામાં આવી. દેશભક્ત અને દીર્ઘદૃષ્ટિવાળા મહારાજા સયાજીરાવના શાસન દરમિયાન વડોદરા ભારતનું અગ્રગણ્ય દેશી રાજ્ય બન્યું. 6 ફેબ્રુઆરી 1939ના રોજ તેમનું અવસાન થયું.

સયાજીરાવના જ્યેષ્ઠ પુત્ર ફત્તેસિંહરાવનું અગાઉ મૃત્યુ થયું હોવાથી તેમના પૌત્ર પ્રતાપસિંહરાવ, બીજે દિવસે ગાદીએ બેઠા. તેમણે ચૂંટાયેલા સભ્યોની બહુમતીવાળી ધારાસભા આપી. નવું પ્રધાનમંડળ 1946માં રચાયું અને ડૉ. જીવરાજ મહેતા મુખ્યમંત્રી બન્યા. શરૂઆતમાં તેમણે સારું શાસન ચલાવ્યું, પરંતુ પાછળથી લોકકલ્યાણનાં કાર્યો બંધ પડ્યાં. ભારત સ્વતંત્ર થયા બાદ બંધારણસભામાં ભાગ લેવાની તથા ભારત સંઘ સાથે જોડાવાની વડોદરા રાજ્યે પહેલ કરી.

પ્રજામંડળના દબાણને લીધે પ્રતાપસિંહરાવે જવાબદાર તંત્ર આપ્યું. તે પછી મે 1949માં વડોદરાનું મુંબઈ રાજ્ય સાથે જોડાણ થયું. પાછળથી પ્રતાવસિંહરાવે વડોદરા રાજ્યના મુંબઈ રાજ્ય સાથેના જોડાણને પડકાર્યું તથા જોડાણ વિરુદ્ધની કાર્યવાહી શરૂ કરી. તેથી ભારત સરકારે પ્રતાપસિંહરાવને પદભ્રષ્ટ કર્યા. ત્યારબાદ તેમના પુત્ર ફત્તેસિંહરાવ બીજા તેમના વારસ બન્યા.

શિવપ્રસાદ રાજગોર, ગિરીશભાઈ પંડ્યા, જયકુમાર ર. શુક્લ