વડનગર સંગ્રહાલય : ગુજરાત રાજ્ય સરકાર હસ્તક વડનગરમાં આવેલું મહેસાણા જિલ્લાની પ્રાચીન-મધ્યકાલીન સંસ્કૃતિ અને કલાકારીગરીનું પ્રદર્શન કરતું મ્યુઝિયમ. 1996માં આ મ્યુઝિયમનો પ્રારંભ થયેલો.
મહેસાણા જિલ્લામાંથી મળી આવેલાં મધ્યકાલીન શિલ્પ, તામ્રપત્રો તથા પ્રાચીન-મધ્યકાલીન સ્થાપત્યના ખંડેરોના ફોટોગ્રાફ આ મ્યુઝિયમમાં પ્રદર્શિત છે. તેમાં પાટણની રાણીની વાવના અને મોઢેરાના સૂર્યમંદિરના ફોટોગ્રાફ, તાંબાના પતરાથી મઢેલા બાજઠો, પાટણનાં પટોળાં અને ઓટીવા કુંભારીઓએ માટીમાંથી ઘડેલાં વિવિધ પશુપંખીઓનો સમાવેશ થયો છે. બારમી સદીમાં સફેદ આરસમાં કંડારાયેલાં બ્રહ્મા-વિષ્ણુના શિલ્પને આ મ્યુઝિયમનું અમૂલ્ય આભૂષણ ગણી શકાય. તેમાં બ્રહ્મા અને વિષ્ણુને આગળ-પાછળ એકબીજાની પીઠ જોડાયેલી હોય તેવી રીતે કંડારવામાં આવ્યા છે. આ ઉપરાંત બુદ્ધ અને શિવની મૂર્તિઓ પણ અહીં છે. તેમાં તારંગામાંથી મળી આવેલો એક બૌદ્ધ પ્રતિમાનો વરદ મુદ્રામાં ખંડિત હાથ, 987માં રાજા મૂળરાજ પહેલાએ પાટણમાંથી આપેલું તામ્રપત્ર, મૈત્રક શાસકનું સાતમી-આઠમી સદીનું એક તામ્રપત્ર, તથા વિજાપુર તાલુકામાં લાડોલમાંથી મળી આવેલ અગિયારમી સદીની નૃત્ય કરતી અપ્સરાની મૂર્તિ ખાસ મહત્વનાં છે.
અમિતાભ મડિયા