વટાણા
દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pisum Sativum Linn. syn. P. arvense Linn. (સં. કલાય; મ. કવલા, વાટાણે; હિં. મટર, કેરાવ, કેરાઉશાક; ગુ. વટાણા, ક. બટ્ટકડલે, વટાણિ; તે. પટાન્લુ, ત. મલ. પટાણિ; અં. ફીલ્ડ પી) છે. તે એકવર્ષાયુ, અશક્ત પ્રકાંડ ધરાવતી, સૂત્રારોહી (tendril climber) શાકીય વનસ્પતિ છે. પ્રકાંડ પોલાં હોય છે. પર્ણો અયુગ્મ પીંછાકાર (impari pinnate) સંયુક્ત હોય છે. તેની અગ્ર 3થી 5 પર્ણિકાઓ સૂત્રમાં પરિણમેલી હોય છે, જેની મદદ વડે તે આરોહણ કરે છે. ઉપપર્ણો (stipules) કર્ણાકાર (auriculate) અને પર્ણસદૃશ (foliaceous) હોય છે. પુષ્પો સફેદ, વાદળી કે જાંબલી રંગનાં, પતંગિયા-આકારનાં (papilionaceous) અને કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ શિંબી (legume) પ્રકારનાં, 5 સેમી.થી 10 સેમી. લાંબાં, જાડી કે પાતળી દીવાલવાળાં હોય છે. તે 6થી 9, લીલાં, પીળાં-લીલાં, વાદળી-લીલાં, સફેદ-ભૂખરાં, બદામી કે કાબરચીતરાં (mottled), લીસાં અને ગોળ અથવા ચપટાં અને ખરબચડાં, 3.5 મિમી.થી 5.0 મિમી. કદનાં હોય છે.
કેટલાક વર્ગીકરણ-વિજ્ઞાનીઓ ખેતરાઉ વટાણાને જુદી જ જાતિ P. arvense Linn. ગણે છે. તે વન્ય ખેતરાઉ વટાણામાંથી અને કૃષ્ટ (cultivated) ઉદ્યાન-વટાણાની જાતિ તરફ થયેલી પ્રગતિની મધ્યવર્તી અવસ્થા છે. કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓ ખેતરાઉ વટાણા અને ઉદ્યાન-વટાણાને P. sativumની ઉપજાતિઓ (subspecies) કે જાતો (varieties) તરીકે વર્ણવે છે.
ભારતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટક રાજ્યોનું એકત્રિત ઉત્પાદન કુલ ઉત્પાદનના 67 % જેટલું છે.
વટાણાનો પાક જુદા જુદા કૃષિ આબોહવાકીય વિસ્તારમાં જુદી જુદી ઋતુમાં મોટા પ્રમાણમાં થાય છે. વટાણાના પાકને ઠંડી અને ગરમ ઋતુ બંને માફક આવે છે, લાંબા ઠંડા હવામાનમાં આ પાક વધુ ઉત્પાદન આપે છે. મધ્ય ભારતમાં આ પાકનું વાવેતર ઑક્ટોબર-નવેમ્બરમાં, ઉત્તર ભારતના (સિમલા) પર્વતીય વિસ્તારમાં જૂન-જુલાઈમાં મધ્યપ્રદેશની અમરકંટકની ટેકરીઓ(માનડબા, શાહડોલ)માં ફેબ્રુઆરી-માર્ચમાં અને હિલૉક વિસ્તારમાં ઑગસ્ટ દરમિયાન કરવામાં આવે છે. વટાણાની ખેતી માટે 15° – 25° સે. તાપમાન અને રેતાળ ગોરાડુથી ભારે ચીકણી કાળી અને સારી નિતારશક્તિવાળી જમીન વધુ અનુકૂળ હોય છે. વટાણાના પાકને અમ્લીય, ક્ષારીય અને આલ્કલી તત્ત્વો ધરાવતી જમીન અનુકૂળ હોતી નથી. આ પાકને જમીનની અમ્લીયતા 6.0 થી 7.5 વધુ યોગ્ય છે.
જાતો : વટાણાને તેની પાકવાની પરિસ્થિતિ અને ખોરાકમાંની તેની ઉપયોગિતાને આધારે ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે :
(1) આરકેલ : આ બહોળા વિસ્તારમાં વવાતી જાણીતી જાત છે. છોડની ઊંચાઈ 50 સેમી. જેટલી હોય છે. તેના પર છઠ્ઠી ગાંઠથી શરૂ થઈ આકર્ષક મોટી શિંગો આવે છે. એક શિંગમાં 7થી 8 દાણા હોય છે. આ જાત લીલા વટાણાનું ઉત્પાદન પ્રતિ હેક્ટર 10 ટન 100 દિવસમાં આપે છે. સૂકા દાણાનું દોઢ ટન ઉત્પાદન મળે છે.
(2) બોનવિલે : આ જાતના છોડ 60થી 70 સેમી. ઊંચા અને શિંગો તેરમી આંતર ગાંઠથી શરૂ થાય છે. શિંગમાં 8થી 10 મીઠાશવાળા લીલા દાણા હોય છે. લીલા દાણાનું ઉત્પાદન 10 ટન પ્રતિ હેક્ટર 135 દિવસમાં મળે છે. સૂકા દાણાનું ઉત્પાદન એક ટન પ્રતિ હેક્ટર મળે છે.
(3) હરભજન : વહેલી પાકતી આ જાતમાં 50 દિવસે શિંગો મળતી થાય છે. 3થી 4 ટન પ્રતિ હેક્ટર ઉત્પાદન 100 દિવસમાં આપે છે. શિંગો ટૂંકી અને 3થી 4 દાણા ધરાવે છે. સૂકા બીજનું ઉત્પાદન 600થી 700 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મળે છે.
અન્ય વિકસાવેલ જાતો જેવી કે જવાહર મટર – 1, 2, 3, 4, 5, જવાહર વટાણા – 83, જેપી – 4, જેપી 19, મટર એગરી – 6, પંતનગર મટર – 2, પંત ઉપહાર – પી – 88, પીઓએસ – 4, વીએલ – 4, લીનકોપન, અર્લીડિસેમ્બર, અર્લી-બેઝર, અર્લી-સુપર્બ, બનારસ જાયન્ટ અને ટી-113નું વાવેતર મોટા પ્રમાણમાં જોવા મળે છે.
વાવણી અને ખાતર : સારો વિકાસ પામેલ શુદ્ધ અને રોગમુક્ત 100થી 125 કિગ્રા. બીજ પ્રતિ હેક્ટરની વાવણી માટે જરૂર પડે છે. વાવણી પહેલાં બીજને ફૂગજન્ય રોગથી બચાવવા માટે થાઇરમ (3 ગ્રા.), કૅપ્ટાન (2.5 ગ્રા.), બાવિસ્ટીન (2 ગ્રા.) પ્રતિ કિગ્રા. બીજને પટ આપવામાં આવે છે. માવજતવાળા બીજને હારમાં 30 x 10 અને 45 x 20 સેમી.ના અંતરે જમીનમાં 2થી 3 સેમી. ઊંડાઈએ રહે તેવી રીતે વાવવામાં આવે છે.
વટાણાનો પાક શિંબી વર્ગનો હોઈ નાઇટ્રોજનની જરૂરિયાત ઓછી રહે છે. ખેતર તૈયાર કરતી વખતે 200થી 250 ગાડાં છાણિયા ખાતર સાથે 20થી 40 કિગ્રા. નાઇટ્રોજન ફૉસ્ફરસ અને પોટાશ પ્રતિ હેક્ટર આપવામાં આવે છે. ફૉસ્ફરસ વધુ આપવાથી વટાણાની ગુણવત્તા સુધરે છે. લીલા વટાણાની વીણી પછી 10 કિગ્રા. નાઇટ્રોજન/હેક્ટર આપી તરત પિયત આપવાથી નવી ફૂટ સારી મળે અને સાથે સાથે નવાં વધુ પુષ્પો પણ ખીલે છે.
માવજત અને પિયત : વટાણાના છોડની ઊંચાઈ ઓછી હોવાથી તેમજ શરૂઆતમાં વૃદ્ધિ ધીમી થતી હોય છે. શિંગોની અનુકૂળતા મુજબ વીણી કરવા બે હાર વચ્ચેનું અંતર વધુ રાખવામાં આવે છે. નીંદામણનો ઉગાવો વધુ ન રહે તેથી બીજ ઊગ્યા પછી 1થી 2 નીંદામણ જરૂરિયાત પ્રમાણે સત્વરે કરવાથી છોડનો વિકાસ સારો થાય છે. વટાણા છોડનાં મૂળ વધુ ઊંડાં ન જતાં હોવાથી આંતરખેડ કરવાથી નુકસાન થવાનો ભય રહે છે. આથી આ પાકને થતું નુકસાન ઘટાડવા નીંદામણનાશક દવા તરીકે બાસાલીન, સ્ટમ્પ અને બ્યુટાક્લોર જેવી દવાનો છંટકાવ કરવામાં આવે છે.
વટાણાના પાકને પાણીની જરૂરિયાત અન્ય પાકના પ્રમાણમાં ઓછી રહે છે; તેમ છતાં જો જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય તો પિયત આપ્યા પછી વાવણી કરવાથી બીજનો ઉગાવો પૂરતો મળે છે. ગોરાડુ જમીનમાં વાવેતર કરવાનું હોય તો 2થી 3 પિયતની જરૂરિયાત રહે છે; જ્યારે રેતાળ જમીનમાં વધુ પિયતની જરૂર રહે છે. જમીનમાં ઓછા ભેજથી છોડની વૃદ્ધિ અટકીને પુષ્પો વહેલાં બેસી જાય છે. જ્યારે વધુ પડતા ભેજથી પાક પીળો પડી ઉત્પાદન ઘટે છે. વટાણાના પાકના આવશ્યક ત્રણ પિયત, જેમાં પ્રથમ ઓવરણ માટે, બીજું પુષ્પ આવવાની શરૂઆતે (25થી 30 દિવસે) અને ત્રીજું શિંગોની શરૂઆત વખતે આપવામાં આવે છે.
પાક–સંરક્ષણ : વટાણાના પાકમાં તડતડિયાં, મોલોમશી અને થ્રિપ્સ જેવી ચૂસિયા પ્રકારની જીવાત વધુ પ્રમાણમાં જોવા મળે છે, જે પાન અને થડ પર રહી રસ ચૂસીને પાકને નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે 3 મિલી. ફૉસ્ફામીડોન અથવા 10 મિલી. ડાયમિથોએટનો છંટકાવ કરવાથી અસરકારક પરિણામ મળે છે.
શિંગ કોરી ખાતી ઇયળ શિંગોના આવરણને છિદ્ર પાડી અંદર ઘૂસીને લીલા દાણા ખાઈ નુકસાન કરે છે. આ ઇયળ લીલા દાણા ખાતી હોઈ ઉત્પાદન ઉપર સીધી જ અસર પડે છે. તેનું નિયંત્રણ કરવા 20 મિલી. એન્ડોસલ્ફાન અથવા 40 ગ્રા. કાર્બારિલ અથવા 20 ગ્રા. એગ્રોફોલોનનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.
વટાણાને અનેક પ્રકારની ફૂગ અને બૅક્ટેરિયાનો ચેપ લાગે છે અને સમગ્ર વનસ્પતિ શિંગ અને બીજને ગંભીર નુકસાન પહોંચે છે; જેમાં સુકારો (wilt), ભૂકી છારો (powdery mildew) અને શ્યામવ્રણ (anthracnose) મહત્વના રોગો છે. સુકારો Fusarium orthoceros દ્વારા થાય છે. આ રોગ ઊંચા તાપમાને વધારે ઝડપથી ફેલાય છે. મોડી વાવણી, રેતાળ મૃદા સિવાયની મૃદા અને છાણિયા ખાતરના ઉપયોગની ભલામણ કરવામાં આવે છે. રોગગ્રસ્ત વનસ્પતિઓને ખોદી કાઢી બાળી નાખવામાં આવે છે.
1. વટાણાનો ભૂકીછારો (powdery mildews) : આ રોગ ઇરીસિફી (Erysiphe) નામની ફૂગથી થતો રોગ છે. ઠંડી ઋતુમાં ફૂગના બીજાણુનું સ્ફુરણ થઈ પાનની ઉપરની સપાટીમાં પ્રવેશ કરી, વ્યાધિજન વાનસ્પતિક વૃદ્ધિ કરે છે જેને લીધે પાન ઉપર આછાં પીળાં ધાબાં જોવા મળે છે. આવાં પીળાં ધાબાંમાં સફેદ રાખોડી રંગની ફૂગની વૃદ્ધિ થાય છે. સાનુકૂળ ઠંડું સૂકું વાતાવરણ મળતાં પાનના રોગિષ્ઠ ભાગ ઉપર ફૂગના બીજાણુઓ પેદા થાય છે, જે સફેદ રાખોડી રંગની ભૂકી સ્વરૂપે સપાટી પર જોવા મળે છે. રોગ વધતાં આખા પાન ઉપર સફેદ પાઉડર છાંટ્યો હોય તેવું જણાય છે. રોગિષ્ઠ પાન કિનારેથી વળીને સુકાઈ જાય છે. રોગની તીવ્ર અવસ્થામાં છોડ સુકાઈ, મૃત્યુ પામે છે. આ વ્યાધિજન પાન, ડાળી, ફૂલ અને વટાણાની શિંગ ઉપર આક્રમણ કરે છે; જેથી ફૂલ બેસતાં નથી. શિંગમાં દાણા ભરાતા નથી.
નિયંત્રણ : રોગની શરૂઆત થાય કે તુરત જ વેટેબલ સલ્ફર 0.2 % (25 ગ્રામ 10 લિટર પાણીમાં) અથવા ડીનોકેપ 48 ઈ.સી. (8 મિલી./10 લિટર પાણીમાં) અથવા ટ્રાઇડેમૉર્ફ 80 ઈ.સી.(5 મિલી./10 લિ. પાણીમાં)નો છંટકાવ કરવો. જરૂરી જણાય તો બીજો છંટકાવ 15 દિવસ પછી કરવો.
2. વટાણાનો તળછારો (downy mildew) : આ તળછારાનો રોગ વટાણા ઉગાડતા દરેક પ્રદેશમાં જોવા મળે છે. આ રોગ પેરોનોસ્પૉરા (Peronospora) વીસીડી નામની પરોપજીવી ફૂગથી થાય છે. આ વ્યાધિજન ફૂગ પાન પર આક્રમણ કરતાં પાનની નીચેની સપાટીએ આછાં પીળાં ધાબાં જોવા મળે છે. આ આક્રમિત ધાબાંમાં સફેદ રાખોડી રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. રોગનું પ્રમાણ વધતાં છોડના દરેક ભાગ પર પાન, ડાળી, ફૂલ અને શિંગ ઉપર ફૂગની સફેદ ભૂખરા રંગની ભૂકી જોવા મળે છે. આવા રોગિષ્ઠ છોડ ઉપર ફૂલ બેસતાં નથી અને કદાચ બેસે તો રોગિષ્ઠ છોડો પર શિંગનો/દાણાનો બરાબર વિકાસ થતો નથી. આવાં રોગિષ્ઠ પાન અપરિપક્વ સુકાઈને ખરી પડે છે.
નિયંત્રણ : (1) જે પ્રદેશમાં આ રોગ દર વર્ષે જોવા મળતો હોય ત્યાં વાવણીના 45 દિવસ બાદ અથવા રોગ જોવા મળે કે તુરત જ મેન્કોઝેબ 0.2 % અથવા કેપટાફોલ 0.2 %નો છંટકાવ કરવામાં આવે છે.
(2) રોગની શરૂઆત થતાં રોગિષ્ઠ છોડ ઉપાડી, બાળી તેનો નાશ કરાય છે.
(3) આ ફૂગના બીજાણુઓ જમીનમાં બેથી ત્રણ વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં જીવનચક્ર સાચવી રાખે છે, જેથી ત્રણ વર્ષથી વધારે સમય માટે પાકની ફેરબદલી કરવી હિતાવહ છે.
3. પાનનાં ટપકાં : વટાણાનાં પાન ઉપર સરકોસ્પૉરા અને હેલમેન્થોસ્પૉરિયમ (Helminthosporium) પ્રજાતિની વ્યાધિજન ફૂગ પાનનાં ટપકાં અને ઝાળ-રોગ કરે છે. પાનમાં વ્યાધિજન ફૂગનું આક્રમણ થતાં પાણીપોચાં ટપકાં થાય છે. વ્યાધિજન ફૂગની પાનમાં વૃદ્ધિ થતાં ટપકાં કથ્થાઈ, ભૂખરાં કે કાળા રંગમાં ફેરવાઈ જાય છે. કેટલીક વ્યાધિજન ફૂગ ગોળાકાર પીળાં આભાસવાળાં ટપકાં પેદા કરે છે. આ ટપકાંની મધ્યમાં ભૂખરા સફેદ રંગનું ટપકું જોવા મળે છે. રોગની માત્રા વધતાં અસંખ્ય ટપકાં એકબીજાં સાથે ભળી જતાં પાનને ઝાળ(બ્લાઇટ)-રોગ લાગે છે.
નિયંત્રણ : આ વ્યાધિજન ફૂગ બીજ મારફતે ફેલાતો હોઈ થાયરમ, કૅપ્ટાન કે કાર્બેન્ડાઝીમ(3 ગ્રામ/કિલો બીજ)ની બીજ-માવજત આપવી જરૂરી છે. રોગ જણાય કે તરત જ મેન્કોઝેબ 0.2 % (2.6 ગ્રામ/1 લિટર પાણીમાં) અથવા કાર્બેન્ડાઝીમ 0.05 % (10 ગ્રામ/10 લિટર પાણીમાં)નો છંટકાવ કરવો ઇષ્ટ છે. જરૂર જણાય તો આવા 23 છંટકાવ 15 દિવસને આંતરે કરી શકાય છે.
4. વટાણાનો ગેરુ (Rust) : આ રોગ વટાણા ઉગાડતા દરેક દેશમાં જોવા મળે છે. ભારતનાં ઘણાં રાજ્યોમાં ગેરુથી ઓછું-વત્તું નુકસાન થાય છે. આ રોગ યુરોમાયસિસ ફેબી (uromyces fabae) નામની વ્યાધિજન ફૂગથી થાય છે. આ વ્યાધિજન ફૂગના બીજાણુઓ પાનની બંને બાજુએ આક્રમણ કરી લંબગોળ કે ગોળાકાર ઝાંખા ગેરુ રંગનાં ચાઠાં અથવા ટપકાં કરે છે. આ ચાઠાંમાં શરૂઆતમાં યુરિડોસ્પોરની બીજાણુધાની પેદા કરે છે; જેમાંનાં બીજાણુઓ ખૂબ જ ઝડપથી પવન મારફત ફેલાઈ રોગને દ્વિતીય આક્રમણ કરી ફેલાવે છે. રોગનો સમય વધતાં એક જ યજમાન ઉપર વ્યાધિજન ફૂગની વિવિધ અવસ્થાના બીજાણુઓ પેદા કરે છે. રોગનું તીવ્ર આક્રમણ થતાં પાન, ડાળી અને શિંગ ઉપર અસંખ્ય ગેરુનાં ટપકાં થતાં, પાન અપરિપક્વ સુકાઈને મૃત્યુ પામી નીચે પડી જાય છે. રોગનું આક્રમણ પાકની શરૂઆતની અવસ્થામાં થતું હોય તો ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થાય છે.
નિયંત્રણ : (1) રોગપ્રતિકારક જાતની વાવણી કરવામાં આવે છે.
(2) રોગ ખૂબ જ ઝડપથી ફેલાતો હોય તો રોગની શરૂઆતમાં જ મેન્કોઝેબ 0.2 %નો છંટકાવ કરવામાં આવે છે.
આ ઉપરાંત વટાણામાં નીચે મુજબના ગૌણ રોગો જોવા મળે છે. તે પણ ક્યારેક સાનુકૂળ વાતાવરણ મળતાં નુકસાન કરે છે :
5. વટાણાના છોડનો સુકારો (Rot and Damping-off) : આ રોગ પિથિયમ (Pythium) પ્રજાતિની વ્યાધિજન ફૂગથી થાય છે, જે જમીનમાં પાણી સંગ્રહેલું રહેતું હોય અને વટાણાના છોડનું થડ વધારે સમય અથવા વારંવાર પાણીના સંપર્કમાં આવતું હોય ત્યાં આ રોગ થાય છે.
6. વટાણાના થડનો સડો અને સુકારો : આ રોગ ઍસ્કોકાયટા (Ascochyta) પ્રજાતિની ફૂગથી થાય છે. વ્યાધિજન ફૂગનું થડના ભાગમાં આક્રમણ થતાં, આ સડો લાગે છે. તેનાથી છોડ ઢળી પડી મૃત્યુ પામે છે.
7. વટાણાનો વિષાણુથી થતો રોગ : વટાણાનો પાક ઠંડી ઋતુમાં થતો હોઈ, વિષાણુનો રોગ તેના વાહક એફિડ, જેસીડ જેવા ચૂસિયા પ્રકારની જીવાતથી ઝડપથી ફેલાય છે. વિષાણુના નિયંત્રણની કોઈ જ રાસાયણિક દવા ન હોવાથી, તેની વાહક જીવાતને કાબૂમાં લેવા શોષક પ્રકારની સર્વદેહી જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે.
ઉત્પાદન : વટાણાના પાકમાં પુષ્પો બેસવાની શરૂઆત થયા બાદ 10થી 12 દિવસે શિંગોમાં દાણા ભરાઈને તૈયાર થઈ જાય છે. વટાણાની પ્રથમ વીણી વાવણી બાદ 60 દિવસે મળે છે. પરંતુ પુષ્પો જુદા જુદા સમયે આવતાં હોવાથી જેમ જેમ શિંગો તૈયાર થાય તેમ તેમ તે ઉતારતા રહેવું પડે છે. લીલા વટાણા માટે 3થી 4 વીણી કરી બજારમાં તેનું સીધું જ વેચાણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. છેલ્લે લીલી શિંગો ઉતારી લીધા બાદ બચેલી શિંગો તેમજ નવી તૈયાર થયેલ શિંગો એકસાથે ઉતારી તેની સુકવણી કરી બીજ તૈયાર કરવા માટે રાખવામાં આવે છે. વટાણાની લીલી શિંગોનું પ્રતિહેક્ટર ઉત્પાદન 10થી 15 ટન જેટલું મળે છે.
વટાણાની શિંગોમાંથી દાણા કાઢી તેની સુકવણી કરવા શિંગો ઉતારીને છાંયડામાં હવાની અવર-જવરવાળી જગ્યાએ ફેલાવીને રાખવામાં આવે છે. તે શિંગો સુકાયા બાદ દાણા કાઢીને 2થી 3 દિવસ સૂર્યપ્રકાશની ગરમીથી પૂરતો ભેજ ઊડી જાય તે રીતે સૂકવી દાણાનો સંગ્રહ કરવાથી દાણા લાંબા સમય માટે સાચવી શકાય છે અને દાણાનો લીલો રંગ પણ જળવાઈ રહે છે.
આધુનિક યુગમાં વટાણાના સંગ્રહ માટે કૅનિંગ પદ્ધતિથી ડબ્બામાં સંગ્રાહક રસાયણો ઉમેરી હવાચુસ્ત ટિન બંધ કરીને સંગ્રહ કરવાથી લાંબા સમય માટે વટાણાનું પોષણમૂલ્ય સારી રીતે જાળવી શકાય છે.
વટાણાનાં બીજનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. સ્વીડનમાંથી પ્રવેશ કરાવાયેલી ‘સિલ્વિયા’ જાત શર્કરા ધરાવતી વટાણાની જાત છે. તેની લીલી, પોચી, નાજુક શિંગોનો શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ શિંગમાં અંદરનું જાડું આવરણ હોતું નથી.
લીલો છોડ, શિંગ અને તેનાં બીજ ચારા તરીકે ઉપયોગી હોય છે. ઓટ સાથે મિશ્ર કરીને આપવાથી ઢોરોમાં દૂધનું ઉત્પાદન વધે છે. વટાણાના છોડનો લીલા ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે.
કાચા અને પરિપક્વ દાણાઓનું રાસાયણિક બંધારણ (શુષ્કતાને આધારે) અનુક્રમે આ પ્રમાણે છે : શર્કરાઓ 5.9 %, 4.1 %; સ્ટાર્ચ 32.9 %, 43.4 %; અને સેલ્યુલોઝ 9.6 %, 7.4 %. શર્કરાનું પ્રમાણ ઓછું અને સ્ટાર્ચનું વધારે પ્રમાણ વટાણાની હલકી ગુણવત્તા દર્શાવે છે. ખરબચડાં બીજમાં શર્કરાનું ઊંચું પ્રમાણ અને આલ્કોહૉલ-અદ્રાવ્ય ઘન ઘટકોનું પ્રમાણ નીચું હોય છે. સ્ટાર્ચમાં ઍમાઇલોઝનું પ્રમાણ વધારે (98 %) હોય છે. લીસાં બીજમાં શર્કરાનું પ્રમાણ નીચું અને આલ્કોહૉલ-અદ્રાવ્ય ઘન ઘટકોનું પ્રમાણ વધારે હોય છે. સ્ટાર્ચમાં ઍમાઇલોપૅક્ટિનનું પ્રમાણ વધારે (66 %) હોય છે.
વટાણામાં પ્રોટીનનું પ્રમાણ ઊંચું (28 % જેટલું) હોય છે. તેમાં રહેલા ગ્લોબ્યુલિન પ્રકારના મુખ્ય પ્રોટીનને લેગ્યુમિન કહે છે. અલ્પ પ્રમાણમાં રહેલા અન્ય ગ્લોબ્યુલિનને વિસિલિન કહે છે. બીજમાં હાજર આલ્બ્યુમિનને લેગ્યુમેલિન કહે છે. બિન-પ્રોટીન નાઇટ્રોજનનું પ્રમાણ કુલ નાઇટ્રોજનના 25 % જેટલું હોય છે. બધા જ આવશ્યક એમીનો ઍસિડ ઉપરાંત મુક્ત સ્વરૂપે મળી એમીનો ઍસિડમાં ઍસ્પાર્ટિક ઍસિડ, ગ્લુટામિક ઍસિડ, ટાયરોસિન, સિસ્ટીન, ગ્લાયસિન, પ્રોલિન અને સેરિનનો સમાવેશ થાય છે.
ખેતરાઉ વટાણા(લીલા)નું જૈવિક મૂલ્ય (biological value) 57.3 % અને પાચ્યતા-આંક (digestibility coefficient) 91.6 % હોય છે; જ્યારે તેના શુષ્ક બીજનું જૈવિક મૂલ્ય 62 % અને પાચ્યતા-આંક 70 % જેટલો હોય છે. ઈંડાના પ્રોટીનની તુલનામાં મિથિયોનિન અને સિસ્ટીનનું પ્રમાણ ઘણું ઓછું (66 % જેટલું ઓછું) હોય છે.
લીલા વટાણામાં પ્રજીવકો અને ખનિજોનું પૂરતું પ્રમાણ હોય છે. તે પ્રજીવક ‘એ’ 600થી 3300 આઇ. યુ. (International Units), થાયેમિન 350થી 800 મા.ગ્રા. (માઇક્રોગ્રામ), રાઇબોફ્લેવિન 50થી 250 માગ્રા.; અને ઍસ્કૉર્બિક ઍસિડ 15થી 30 મિગ્રા./100 ગ્રા. ધરાવે છે. તેમાં ઍસ્કૉર્બિક ઍસિડનું વધારેમાં વધારે પ્રમાણ 85 મિગ્રા./100 ગ્રા. પ્રાપ્ત થયું છે.
અન્ય દાળની જેમ, સૂકા વટાણા ‘બી’ જૂથના પ્રજીવકોનો સારો સ્રોત ગણાય છે. તે થાયેમિન 0.54 મિગ્રા.થી 0.93 મિગ્રા. રાઇબોફ્લેવિન 0.15 મિગ્રા.થી 0.37 મિગ્રા., નિકોટિનિક ઍસિડ 0.8 મિગ્રા.થી 1.6 મિગ્રા., પાયરિડૉક્સિન 0.14 મિગ્રા., ઇનોસિટોલ 150 મિગ્રા., ફૉલિક ઍસિડ 51 મિગ્રા., પેન્ટોથેનિક ઍસિડ 2.1 મિગ્રા., બાયૉટિન 8.2 મિગ્રા., કોલિન 197 મિગ્રા.થી 280 મિગ્રા. અને પ્રજીવક ‘બી12’ 0.36 મિગ્રા./100 ગ્રા. ધરાવે છે.
વટાણા પોટૅશિયમ અને ફૉસ્ફરસનો સારો સ્રોત ગણાય છે. લીલા અને સૂકા વટાણામાં ખનિજોનું અનુક્રમિક પ્રમાણ આ પ્રમાણે છે : કૅલ્શિયમ 20 મિગ્રા., 75 મિગ્રા.; ફૉસ્ફરસ 139 મિગ્રા., 298 મિગ્રા.; આયર્ન 1.5 મિગ્રા., 5.1 મિગ્રા.; સોડિયમ 7.8 મિગ્રા., 20.4 મિગ્રા.; પોટૅશિયમ 79 મિગ્રા., 725 મિગ્રા.; કૉપર 0.23 મિગ્રા., 0.85 મિગ્રા.; સલ્ફર 95 મિગ્રા., 189 મિગ્રા. અને ક્લૉરીન 20 મિગ્રા., 59 મિગ્રા./100 ગ્રા., અલ્પ તત્ત્વોમાં આયોડિન (0.9 માગ્રા./100 ગ્રા.), કોબાલ્ટ, મોલિબ્ડેનમ, ઝિંક, મૅંગેનીઝ, બૅરિયમ, ઍલ્યુમિનિયમ, આર્સેનિક, બોરોન, નિકલ અને લિથિયમનો સમાવેશ થાય છે.
બજારમાં સૂકા (dehydrated) થીજવેલા (frozen) અને ભૂંજેલા (parched) વટાણા અને તેની દાળ મળે છે. કાચા વટાણા ખાવાથી મરડો થાય છે. વટાણાનો લોટ મૃદુકારી (emollient) અને વિભેદક (resolvent) ગણાય છે અને પૉટીસ-સ્વરૂપે વપરાય છે. વટાણાનો નિષ્કર્ષ રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે.
આયુર્વેદ અનુસાર વટાણાની ભાજી ભેદક, ઉષ્ણ, કડવી અને ત્રિદોષઘ્ન હોય છે. તે ઝાડાને બાંધનારી અને કફ તેમજ પિત્તનો નાશ કરનારી છે.
પરેશ હરિપ્રસાદ ભટ્ટ, સુરેશભાઈ યશરાજ પટેલ, બળદેવભાઈ પટેલ, હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ