વટગમની (ગીતપ્રકાર)

May, 2023

વટગમની (ગીતપ્રકાર) : મૈથિલી લોકગીતોનો એક પ્રકાર, જેનો અર્થ છે વાટ (પંથ) પર ગમન કરતી વખતે ગવાતાં ગીતો. મિથિલા વિસ્તારમાં મેળા અને ઉત્સવોના અવસર પર ગ્રામીણ સ્ત્રીઓનો સમુદાય એને ખૂબ આનંદ ઉમંગથી ગાતો હોય છે. વર્ષાઋતુમાં બગીચાઓમાં હીંચકાઓ પર બેસીને ઝૂલતાં ઝૂલતાં પણ વટગમની ગવાતી જેને સાંભળવા રસિક શ્રોતાઓની ભીડ ઊમટતી. આ ગીતોને કેટલાક ‘સજની’ પણ કહે છે કેમકે એના પ્રત્યેક ચરણના પ્રથમ અને ત્રીજા વાક્યખંડ પછી ‘સજની’ શબ્દની પુનરાવૃત્તિ કરવામાં આવે છે. વટગમનીના બે પ્રકાર છે – (1) સંયોગ – સુખાંત અને (2) વિયોગ – દુખાંત. વટગમનીમાં ભાવોની બાંધણી મૈથિલી હોય છે અને તર્જ પ્રેમ-શૃંગાર(રોમૅન્ટિક)થી ભરપૂર હોય છે. વટગમનીનાં કેટલાંક ગીતોમાં વિદ્યાપતિનું નામ મળે છે. અને વિદ્યાપતિનાં પદોમાં પણ વટગમની ગીતો સ્થાન પામેલાં જોવા મળે છે. ભાનુનાથ, દુઃખભંજન, મેઘદૂત, કૂતુરલાલ, કર્ણ, જયાનંદ, ચતુરાનંદ વગેરે અનેક મૈથિલી કવિઓએ વટગમની ગીતો રચ્યાં છે. વટગમની ગીતો શૃંગારરસથી ઓતપ્રોત છે. એમાં કલ્પના વૈશાખની સંધ્યા જેવી શીતળ અને ભાષા મિશ્રી જેવી મીઠી છે. તેથી એના શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતા હોય છે.

પ્રવીણચંદ્ર પરીખ