વઝીર સિંઘ (જ. 8 ઑક્ટોબર 1927, અમૃતસર, પંજાબ) : પંજાબી લેખક. તેમણે 1950માં ફિલસૂફીમાં એમ.એ. અને 1970માં પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1981-86 દરમિયાન પંજાબ યુનિવર્સિટી, પતિયાળામાં રિલિજસ સ્ટડિઝ વિભાગના પ્રોફેસર અને વડા તરીકે અધ્યાપન-કાર્ય કરીને સેવાનિવૃત્ત થયા. 1982-92 દરમિયાન પંજાબ યુનિવર્સિટીમાં ‘ધ જર્નલ ઑવ્ રિલિજસ સ્ટડિઝ’ના સંપાદક અને 1972-92 સુધી બાબા ફરીદ મેમૉરિયલ સોસાયટીના માનાર્હ સેક્રેટરી રહ્યા.
તેમણે પંજાબી તથા અંગ્રેજીમાં કુલ 28 ગ્રંથો આપ્યા છે. તેમના અંગ્રેજી ગ્રંથોમાં ‘ધ શીખ વિઝન : પ્રૉબ્લેમ્સ ઑવ્ ફિલૉસોફી ઍન્ડ ફેથ’ (1992); ફિલૉસોફી ઑવ્ શીખ રિલિજન’ (1981); ‘હ્યૂમેનિઝમ ઑવ્ ગુરુનાનક’ (1977) એ બધા તેમના જાણીતા ધાર્મિક ગ્રંથો છે. ‘ગુરુ અર્જુનદેવ’ (1991) ચરિત્ર છે.
પંજાબીમાં ‘શીખ દર્શનધારા’ (1995); ‘ધરમ દા દર્શનિકા પક્ખ’ (1986); ‘ગુરુ નાનક સિદ્ધાંત’ (1969) તેમના ધાર્મિક નિબંધસંગ્રહો છે. 1989માં તેમણે વિશ્વ ધર્મ પરિષદમાં અમેરિકા, કૅનેડા અને યુ.કે. ખાતે હાજરી આપી હતી.
ધાર્મિક લખાણો માટે તેમને સંખ્યાબંધ ઇનામો અને એવૉર્ડો આપવામાં આવ્યાં હતાં.
બળદેવભાઈ કનીજિયા