વજ્રસત્વ : બૌદ્ધ ધર્મની પરંપરામાં છઠ્ઠા ધ્યાની બુદ્ધ. વજ્ર એટલે શૂન્ય (void) અને સત્વ એટલે મૂળ પ્રકૃતિ. આમ વજ્રસત્વ એટલે શૂન્ય પ્રકૃતિવાળા ધ્યાની બુદ્ધ. તેઓ અન્ય પાંચેય ધ્યાની બુદ્ધોના પુરોહિત ગણાય છે. એમની ઉપાસના અર્થે સ્વતંત્ર ચૈત્યો બનાવવામાં આવે છે. આ ધ્યાની બુદ્ધની ઉપાસના તાંત્રિકપણે કરાતી હોવાથી તે ઉપાસના જાહેરમાં નહિ પણ એકાંતમાં કરાય છે. નેપાળની બૌદ્ધ સંપ્રદાયની સ્વાભાવિક શાખામાં વજ્રસત્વને આદિ બુદ્ધ માનવામાં આવે છે. વજ્રસત્વની મૂર્તિવિધાનમાં એમને તેમની શક્તિને આલિંગન આપતા દર્શાવાય છે. આ સ્વરૂપને ‘યબ-યૂમ’ નામે ઓળખવામાં આવે છે. વજ્રસત્વનું આલેખન ભિક્ષુ કે સંન્યાસી જેવું નહિ પણ એક રાજકુમાર જેવું કરવામાં આવે છે. તેઓ રાજાશાહી વેશભૂષા અને રત્નજડિત મુકુટ ધારણ કરે છે. સાધારણ રીતે બેઠેલા હોય ત્યારે કમળ ઉપર આસનસ્થ દર્શાવાય છે. તેઓ એક મુખ અને બે હાથ ધરાવે છે. જેમાં જમણામાં વજ્ર અને ડાબામાં ઘંટા ધારણ કરેલ નજરે પડે છે. યબ-યૂમ યુગલસ્વરૂપે જ્યારે તેમનું આલેખન થાય છે ત્યારે તે પોતાની શક્તિ વજ્રસત્વામિકાને ગાઢ આલિંગન આપતા દર્શાવાય છે. આ અવસ્થામાં પણ તેમના હાથમાં વજ્ર અને ઘંટા ધારણ કરેલાં હોય છે. શક્તિનો જમણો હાથ કર્તરી મુદ્રામાં હોય છે અને ડાબા હાથે કપાલ ધારણ કરેલ હોય છે. યમ-યૂબ સ્વરૂપ ક્યારેય જાહેરમાં બતાવવામાં આવતું નથી. નૅશનલ મ્યુઝિયમ, નવી દિલ્હી અને સારનાથ મ્યુઝિયમમાં વજ્રસત્વની પ્રતિમાઓ સુરક્ષિત છે. વજ્રસત્વ તિબેટમાં ઘણા જ લોકપ્રિય હોવાનું પ્રતીત થાય છે.

પ્રવીણચંદ્ર પરીખ