વઝીરાબાદ : પાકિસ્તાનના લાહોર પ્રાંતના ગુજરાનવાલા જિલ્લામાં આવેલો તાલુકો અને શહેર. તે 32° 27´ ઉ. અ. અને 74° 07´ પૂ. રે. પર આવેલો છે. આ શહેર ચિનાબ નદીની પૂર્વે, લાહોરથી ઉત્તરે 105 કિમી.ને અંતરે આવેલું છે. તે સિયાલકોટ અને ફૈઝલાબાદને સાંકળતા ઉત્તર-પશ્ચિમ રેલમાર્ગ પરનું જંક્શન છે. 1876માં નિર્માણ કરવામાં આવેલો ચિનાબ નદી પરનો ઍલેક્ઝાન્ડર પુલ અહીં આવેલો છે. આ શહેર લોખંડ-પોલાદ, કટલરી અને બૉક્સ બનાવવાના એકમો માટે જાણીતું છે. અહીં ઇમારતી લાકડું, કાપડ, અનાજ અને ખાંડનું બજાર વિકસ્યું છે.

અઢારમી સદીમાં વઝીરખાને આ શહેરની સ્થાપના કરેલી. 1809માં રણજિતસિંહે આ વિભાગ જીતીને ઇટાલિયન જનરલને સોંપેલો.

નીતિન કોઠારી