વઝીરિસ્તાન : પાકિસ્તાનના વાયવ્ય સરહદી પ્રાંતના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 33° 00´ ઉ. અ. અને 70° 36´ પૂ. રે.ની આજુબાજુનો 11,326 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કુર્રમ નદી, પૂર્વે ડેરા ઇસ્માઇલખાન, કોહાટ અને બન્નુ જિલ્લા, દક્ષિણે આંતરિક સીમા રચતી ગુમાલ નદી, જ્યારે પશ્ચિમે અફઘાનિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમા આવેલાં છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ‘ડુરાન્ડ રેખા’ પસાર થાય છે. આ જિલ્લાની રચના ઈ. સ. 1894માં થઈ હતી.

ભૂપૃષ્ઠ : વઝીરિસ્તાનનો મોટો ભાગ સુલેમાન હારમાળામાં આવેલો છે અને તે અસમતળ તથા ઉજ્જડ છે. અહીંની વઝીર ગિરિમાળાની ઉત્તરે ટોચીનો ખીણવિસ્તાર, દક્ષિણ અને પશ્ચિમ એમ બંને દિશાએ ગોમાલની ટેકરીઓ જ્યારે દક્ષિણ તરફ ચૂનાખડકોથી બનેલી સુલેમાન ટેકરીઓ આવેલાં છે. તેનું સૌથી ઊંચું શિખર સુદિયાર અથવા શેખ હૈદર (ઊંચાઈ 4,000 મીટર) છે, બીજા ક્રમે પીરઘાલ શિખર (3,700 મીટર) આવે છે. આ હારમાળાની પશ્ચિમે બિરમાલ, શાહવાલ અને ગઝનીનાં ઘાસનાં મેદાનો આવેલાં છે. પૂર્વ તરફ સિંધુની ઘણી સહાયક નદીઓ આવેલી છે.

અહીંના શિયાળા-ઉનાળા બંને આબોહવાની દૃષ્ટિએ અતિવિષમ રહે છે. વરસાદ ખૂબ જ ઓછો પડે છે; તેથી ખેતીનો વિકાસ થઈ શક્યો નથી; તેમ છતાં કેટલાક પ્રદેશોમાં ઘઉં, મકાઈ, જવ અને બાજરીનું વાવેતર કરવામાં આવે છે. અહીંથી લાકડાં, ચામડાં અને લોહઅયસ્કની નિકાસ; જ્યારે ખાદ્યસામગ્રી, દવાઓ તથા નાનાં-મોટાં યંત્રોની આયાત કરવામાં આવે છે. અહીં પરિવહન-ક્ષેત્રે સડકમાર્ગો અને ગાડાંમાર્ગોનો ઉપયોગ થાય છે.

આ વિસ્તારમાં દરવેશખેલ, પઠાણ, વઝીર અને મસૂદ જાતિના લોકો વસે છે અને તેઓ ઇસ્લામ ધર્મ પાળે છે. વઝીર જાતિના લોકો ખેતીના વ્યવસાય સાથે જ્યારે મસૂદ જાતિના લોકો ખેતી-પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. દરવેશ જાતિના લોકો ઉત્તર વિભાગમાં અને મસૂદ જાતિના લોકો દક્ષિણ વિભાગમાં વસે છે. ટોચી ખીણમાં દાવરી (Dauri) લોકો રહે છે.

ઓગણીસમી સદીમાં અંગ્રેજોએ અનેક વખત અહીંના લોકો સામે શિક્ષાત્મક પગલાં લીધેલાં. પાકિસ્તાનની રચના થયા પછી ત્યાં શાંતિ સ્થપાઈ છે; તેમ છતાં અફઘાનિસ્તાન બાજુની સીમામાં વસતા આદિવાસીઓએે ‘પુશ્તુનિસ્તાન’ના અલગ રાજ્યની માગણી મૂકેલી છે.

નીતિન કોઠારી