વજ્રચક્ર (calyx) : પુષ્પનું સૌથી નીચેનું ચક્ર. વજ્રચક્ર બનાવતાં વજ્રપત્રો (sepals) સામાન્યત: લીલાં હોય છે. તે પુષ્પ કલિકા અવસ્થામાં હોય ત્યારે તેનું રક્ષણ કરે છે. તે કેટલીક વાર ખૂબ જાડું અને સખત હોય છે અને સામાન્ય પર્ણોની જેમ શિરાઓ અને રંધ્ર ધરાવે છે.
તે નિયમિત કે અનિયમિત, મુક્ત વજ્રપત્રી (polysepalous) (દા.ત., રાઈ) કે યુક્તવજ્રપત્રી (gamopetalous) (દા.ત., ધતૂરો) હોય છે. યુક્તવજ્રપત્રી વજ્રમાં વજ્રપત્રોની સંલગ્નતા (cohesion) વિવિધ માત્રાએ જોવા મળે છે. તેના નીચેના જોડાયેલા ભાગને નલિકા અને ઉપરના મુક્ત ભાગને ઉપાંગ (limb) કહે છે. ઉપાંગ પર જોવા મળતા દંત કેટલીક વાર વજ્રપત્રોની સંખ્યાનો નિર્દેશ ન પણ કરે, કેમ કે, દંતનું ફરીથી વિભાજન થયેલું હોઈ શકે. નિયમિત યુક્તવજ્રપત્રી વજ્ર નલિકાકાર (દા.ત., ધતૂરો), ઘંટાકાર (દા.ત., જાસૂદ) કે કુંભાકાર (urceolate) (દા.ત., હાયોસિયેમસ) હોય છે. અનિયમિત મુક્તવજ્રપત્રી વજ્ર દ્વિઓષ્ઠી (bilabiate) હોય છે. (દા.ત., લિયોન્યુરસ, લ્યુકાસ.)
સામાન્યત: વજ્રપત્ર અદંડી (sessile) હોય છે અને અખંડિત કિનારી ધરાવે છે. જોકે ગુલાબમાં વજ્રપત્રની કિનારી છેદન પામેલી હોય છે.
વજ્રપત્રો દલાભ (petaloid) એટલે કે દલપત્રો જેવાં હોઈ શકે; દા.ત., અશોક, ગલતોરો, મુસેન્ડામાં ચાર વજ્રપત્રો સામાન્ય હોય છે, જ્યારે પાંચમું વજ્રપત્ર મોટું અને દલાભ હોય છે. ઍસ્ટરેસી, ડિપ્સેસી અને વેલેરિયેનેસીમાં વજ્રપત્રો રોમમય, શલ્કી કે પીંછા જેવી રચનાઓમાં પરિણમે છે, જેને રોમગુચ્છ (pappus) કહે છે. શિંગોડામાં વજ્ર કંટમય (spinous) હોય છે. તનમનિયાં (Impatiens balsamina), ટ્રોપિયોલમ અને ડેલ્ફિનિયમમાં એક વજ્રપત્ર નીચેની તરફ લંબાઈ નલિકાકાર પ્રવર્ધ ઉત્પન્ન કરે છે. આવા વજ્રપત્રને દલપુટ (spur) કહે છે. વછનાગ(Aconitum)માં એક વજ્રપત્ર મોટું બની પુષ્પની ઉપર છત્ર (hood) બનાવે છે.
કેટલીક વનસ્પતિઓમાં પુષ્પો ખીલતાંની સાથે જ વજ્ર ખરી પડે છે. દા.ત., દારૂડી. આ વજ્રને શીઘ્રપાતી (caducous) કહે છે. ઘણી વનસ્પતિઓમાં ફલન પછી તુરત જ દલપત્રોની સાથે વજ્રપત્રો પણ ખરી પડે છે. આવા વજ્રને પર્ણપાતી (deciduous) વજ્ર કહે છે. ધતૂરો, તુલસી અને રીંગણમાં વજ્ર દીર્ઘસ્થાયી (persistent) હોય છે અને પાકાં ફળોની સાથે પણ ચોંટેલું રહે છે. ડિલેનિયેસી કુળની ડિલેનિયા, સોલેનેસી કુળની પોપટી (physalis) અને ડિપ્ટરોકાર્પેસી કુળની સાલ (shorea) પ્રજાતિમાં વજ્ર માત્ર દીર્ઘસ્થાયી જ ન હોતાં, ફળની વૃદ્ધિની સાથે તે પણ વૃદ્ધિ પામે છે. આવા વજ્રને વર્ધનશીલ (accrescent) વજ્ર કહે છે. ડિલેનિયામાં વજ્રપત્રો માંસલ હોય છે અને તેઓ ઍસિડ તેમજ શ્ર્લેષ્મ ધરાવે છે અને ખાદ્ય હોય છે.
બળદેવભાઈ પટેલ