વજ્જિસંઘ : વૈશાલીના લિચ્છવીઓના નેતૃત્વ હેઠળનો 36 ગણરાજ્યોનો સંઘ. તેનો આગેવાન પુષ્કળ રાજકીય વગ ધરાવતો ચેતક હતો. આ સંઘ ઘણો શક્તિશાળી હતો. ગૌતમ બુદ્ધના જીવન દરમિયાન (ઈ. પૂ. છઠ્ઠી સદી) લિચ્છવીઓ વૈશાલીના ગણરાજ્ય ઉપર રાજ્ય કરતા હતા. બૌદ્ધ સાહિત્યમાં અનેક જાતિના લોકોનાં ગણરાજ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈશાલીનું શાસન સર્વોચ્ચ ધારાસભા દ્વારા થતું હતું. આ સભા વારંવાર મળતી અને રાજ્યની મહત્વની બાબતોની એમાં ચર્ચા કરવામાં આવતી. રાજ્યનો વડો નિશ્ચિત મુદત માટે ચૂંટવામાં આવતો; અને તે વહીવટ સંભાળતો હતો. રાજ્યનો વડો તથા ધારાસભાના સભ્યો રાજા કહેવાતા. જ્યાં ધારાસભા મળતી તે ગૃહને સંથાગાર કહેવામાં આવતું.

જાતક વાર્તાઓમાં જણાવ્યા પ્રમાણે લિચ્છવીઓની ધારાસભા 7,707 સભ્યોની અથવા રાજાઓની બનેલી હતી. મગધના હર્યંક વંશના રાજા અજાતશત્રુ(શાસનકાળ ઈ. પૂ. 551થી 519)ને વજ્જિસંઘ સાથે સંઘર્ષ થયો હતો. આ સંઘને હરાવવાનું કાર્ય ઘણું અઘરું હતું. તેથી અજાતશત્રુએ કપટ, બળ અને કૌશલથી કામ લીધું. તેણે પોતાના અમાત્ય વસ્સકારને વૈશાલી મોકલ્યો. તેણે ત્રણ વર્ષની જહેમત બાદ લિચ્છવીઓ તથા વજ્જિસંઘમાં કુસંપ પેદા કર્યો. આ દરમિયાન અજાતશત્રુએ મોટા યુદ્ધની તૈયારી કરી લીધી.

અજાતશત્રુએ શક્તિશાળી લશ્કર તૈયાર કર્યું અને પાટનગર રાજગૃહની દક્ષિણે ગંગા નદીને કાંઠે પાટલિગ્રામ નજીક એક મજબૂત લશ્કરી કિલ્લો બંધાવ્યો કે જેથી વૈશાલી સામે લાંબો સમય ટકી શકાય. ત્યારબાદ વૈશાલી પર ચડાઈ કરી. કુસંપને લીધે વજ્જિસંઘ સરખી રીતે અજાતશત્રુ સામે લડી શક્યો નહિ. લાંબો સમય યુદ્ધ ચાલ્યા બાદ, અજાતશત્રુ વૈશાલીના રાજ્યને હરાવી શક્યો. વૈશાલી અસ્તવ્યસ્ત થઈ ગયું અને ઉત્તર ભારતમાં મગધને સર્વોપરિ સ્થાન મળ્યું.

જયકુમાર ર. શુક્લ