વજ્જાલગ્ગ (મુનિ જયવલ્લભ) : પ્રાકૃત મુક્તકકાવ્યસંગ્રહ. તેમાં અનેક પ્રાકૃત કવિઓની સુભાષિત ગાથાઓ છે. શ્ર્વેતાંબર પરંપરાના જયવલ્લભમુનિએ આ ગ્રંથનું સંકલન કર્યું છે. રત્નદેવગણિએ સં. 1393માં આના પર સંસ્કૃત ટીકા લખી છે. આમાં 795 ગાથાઓ આર્યા છંદમાં છે. તેમાં ધર્મ, અર્થ અને કામનું સુંદર નિરૂપણ છે. આ ગાથાઓ કાવ્ય, સજ્જન, દુર્જન, દૈવ, દારિદ્ય્ર, ગજ, સિંહ, ભ્રમર, પ્રેમ, સતી, અસતી, જ્યોતિષિક, લેખક, વૈદ્ય, ધાર્મિક, યાંત્રિક, વેશ્યા વગેરે 95 પ્રકરણોમાં વિભક્ત છે.
‘વજ્જા’ શબ્દ દેશ્ય છે. તેનો અર્થ અધિકાર કે પ્રસ્તાવ છે. એક વિષય સાથે સંબંધિત ગાથાઓ એક ‘વજ્જા’ની અંતર્ગત આવે છે. ‘વજ્જા’ શબ્દ પદ્ધતિનો પણ પર્યાયવાચી છે.
હેમચન્દ્રાચાર્ય અને ‘સંદેશરાસક’ના કર્તા અબ્દુલ રહમાનની કેટલીક ગાથાઓ પણ આમાં મળી આવે છે. મુનિ જયવલ્લભે આને પોતાના સંગ્રહમાં સ્થાન નથી આપ્યું તેથી એવું અનુમાન કરાયું છે કે ટીકાકાર રત્નદેવે આ ગાથાઓને પાછળથી જોડી દીધી છે. મૂળ ગાથાઓ 652 હતી. પાછળથી તેમાં અભિવૃદ્ધિ થતી ગઈ છે.
જેવી રીતે ‘ગાથાસપ્તશતી’નો પ્રભાવ હિન્દીના મહાકવિ બિહારી, સંસ્કૃતના ગોવર્ધનાચાર્ય અને અમરુક પર પડ્યો તેવી જ રીતે ‘વજ્જાલગ્ગ’નો પ્રભાવ આચાર્ય ભામહ, ભર્તૃહરિ તથા હિન્દીના મહાકવિ તુલસીદાસ, રહીમ, બિહારી જેવા અનેક કવિઓ પર પડ્યો છે.
કવિએ જે ગાથાઓનું સંકલન કર્યું છે તે ગાથાઓ અત્યંત હૃદયસ્પર્શી, રોચક અને સુન્દર છે. પ્રાકૃત ગ્રંથ પરિષદ, અમદાવાદ તરફથી પ્રા. માધવ વાસુદેવ પટવર્ધન દ્વારા સંપાદિત થયેલા આ ગ્રંથનું 1969માં પ્રકાશન થયું છે.
રૂપેન્દ્રકુમાર પગારિયા