વજન અને માપપ્રણાલી (system of weights and measures) :
January, 2005
વજન અને માપપ્રણાલી (system of weights and measures) : માનવીના રોજબરોજના વ્યવહારમાં વસ્તુઓની લેવડ-દેવડમાં તથા વિજ્ઞાન અને ઇજનેરી જેવાં ક્ષેત્રોમાં માહિતીની રજૂઆતમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે વજન, અંતર, ક્ષેત્રફળ અને કદ (ધારણ-શક્તિ, ક્ષમતા, capacity) જેવી ભૌતિક રાશિઓના ચોક્કસ જથ્થા દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતાં એકમો અને માનકો(standards)ની પ્રણાલી. આધુનિક સમયમાં તાપમાન, જ્યોતિર્મયતા (luminosity), દબાણ અને વીજપ્રવાહના ખ્યાલોનો પણ તેમાં સમાવેશ થયો છે. અહીં એકમ એ મીટર કે કિલોગ્રામ જેવા કોઈ એક જથ્થાનું માપ છે, જ્યારે માનક એ આવા એકમનું ભૌતિક મૂર્તસ્વરૂપ છે; જેમ કે ગ્રામ એ 4° સે. તાપમાને શુદ્ધ પાણીના એક ઘ.સેમી.નું વજન છે, જ્યારે માનક કિલોગ્રામ એ પૅરિસ ખાતે ઇન્ટરનૅશનલ બ્યૂરો ઑવ્ વેઇટ્સ ઍન્ડ મેઝર્સમાં રાખવામાં આવેલા પ્લેટિનમ-ઇરિડિયમ મિશ્રધાતુના નળાકારનું વજન છે. ગ્રીક શબ્દ metron (= માપવું) પરથી વજન અને માપના વિજ્ઞાનને માપવિજ્ઞાન (metrology) કહે છે, જે વ્યાપારી, ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક આંતરક્રિયાને સરળ બનાવે છે.
વજન અને તોલ-માપપ્રણાલી ધીરે ધીરે અસ્તિત્વમાં આવી છે અને તેના ઉપર ઘણાં પરિબળોની અસર પડી છે. ગણવું (counting) એ કદાચ માપનું જૂનામાં જૂનું સ્વરૂપ છે. પ્રાગૈતિહાસિક કાળમાં જે તે પ્રદેશમાં વસતી જાતિ પોતાના મુખ્ય ઉત્પાદનના અમુક જથ્થાનો વસ્તુ-વિનિમય (સાટા, barter) પદ્ધતિના એકમ તરીકે ઉપયોગ કરતી. દા.ત., ખેડૂત પોતે ઉગાડેલા અનાજની અમુક મૂઠી ભરીને આપતો અને બદલામાં પોતાને જરૂરી એવી વસ્તુને કે ઘેટાં/બકરાં જેવાં પ્રાણીને મેળવતો.
અંતર અથવા લંબાઈનું (રૈખિક) માપ એ કદાચ ઈ. પૂ. 10000થી ઈ. પૂ. 8000 વર્ષ અગાઉ વિકાસ પામ્યું અને ઉપયોગમાં લેવાયું એમ મનાય છે. વજન અને કદનાં માપ તે પછી શરૂ થયાં. પ્રાચીન સમયની પ્રણાલીમાં માપના એકમો પ્રાકૃતિક (કુદરતી) વસ્તુઓ પર આધારિત હતા. તે સમયના લોકોએ જોયું કે માનવીના શરીરનાં પરિમાણો વચ્ચે સાદાં પ્રમાણો (proportions) અસ્તિત્વ ધરાવે છે. આથી માનવીના શરીરના ભાગોને રૈખિક માપના એકમો તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યા. વજનનો ખ્યાલ માણસ અથવા પશુ જે ભાર વહન કરી શકે કે ઉપાડી શકે તેમાંથી આવ્યો. વળી કોઈ એક પ્રકારના અનાજના દાણાનું વજન એકસરખું માલૂમ પડવાથી તેમને વજનના માનદંડ અથવા માનક તરીકે ગણવામાં આવ્યા; દા.ત., આધુનિક ઝવેરીઓ કૅરેટ(carat)ને વજનના એકમ તરીકે વાપરે છે. તે શબ્દ કૅરેબ (carob) નામના બીજ ઉપરથી ઊતરી આવ્યો છે. વજનના એકમ તરીકે વપરાતો ‘ગ્રેઇન’ શબ્દ મૂળમાં ઘઉં કે જવના દાણાનું વજન હતું. કદ માટે પણ આ જ પ્રમાણે ખોબો (cupped hands), તુંબડું (hollow gourds), ઘડો (pot) અને છાબડી (basket) જેવા એકમો પણ વપરાતા હતા.
માપનની આ બધી પદ્ધતિઓમાં ચોકસાઈ ઓછી હતી અને દેશવાર અથવા દેશમાંના પ્રાંતવાર તેમાં ઘણી વિભિન્નતા જોવા મળતી. દા.ત., ભારતમાં ગુજરાતમાં ઉપયોગમાં લેવાતો (કાચો) શેર એ બંગાળી અથવા પાકા શેર કરતાં અર્ધા માપનો હતો. આથી જેમ જેમ વિવિધ પ્રાંતના લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા તેમ તેમ તેમને તોલ-માપની સમાન અને પ્રમાણિત (standardised) પ્રણાલીની અગત્ય સમજાઈ.
ઇજિપ્ત : ઇજિપ્તનો ક્યૂબિટ (cubit) એ રૈખિક માપને માટે પ્રાચીન વિશ્વમાંનો સર્વવ્યાપક માનક ગણાય છે. ઈ. પૂ. 3000ની આસપાસ તે પ્રયોજાયો હોવાનું મનાય છે. તે હાથની કોણીના ભાગથી વચલી આંગળી વચ્ચેનું અંતર હતું. ઇજિપ્તમાં બે પ્રકારના ક્યૂબિટ હતા : એક નાનો (ટૂંકો) જે 0.45 મીટર (17.7 ઇંચ) અને બીજો શાહી (royal) ક્યૂબિટ જે 0.524 મીટર(20.6 ઇંચ)નો હતો. શાહી ક્યૂબિટના પેટાવિભાગ જરા અટપટા હતા. તેમાંનો મૂળ પેટા એકમ ડિજિટ (digit) હતો, જે આંગળીની પહોળાઈ જેટલો હતો. એક ક્યૂબિટમાં 28 ડિજિટ હતા. 4 ડિજિટ એક હથેળી (palm) બરાબર હતા. 12 ડિજિટનો એક નાનો ગાળો (span) થતો જ્યારે 14 ડિજિટ એ અર્ધ ક્યૂબિટ અથવા લાંબા ગાળા બરાબર હતા. 24 ડિજિટ (છ હથેળી) બરાબર નાનો ક્યૂબિટ થતો. ગીઝાના મહાન પિરામિડ બાંધવામાં હજારોને કામે લગાડવામાં આવેલા છતાં તેની બાજુઓ 230.364 મીટરની સરેરાશ લંબાઈથી 0.05 % જેટલું માંડ વિચલન બતાવે છે. આ ઉપરથી ક્યૂબિટ-આંકણી(cubit stick)ની ચોકસાઈનો ખ્યાલ આવી શકે છે.
ઇજિપ્તવાસીઓની વજનપ્રણાલી કિટે (kite) નામના એકમ ઉપર આધારિત હતી અને તે દશાંશપ્રણાલી હતી. 10 કિટે = 1 ડિબેન (deben); 10 ડિબેન = 1 સેપ (sep). જોકે કિટેનના વજનમાં વિવિધ સમયગાળામાં ફેરફાર જોવા મળે છે.
ઇજિપ્તના પ્રવાહી માપમાં રો (ro), હિન (hin), હિકટ (hekat), અને ઘન ક્યૂબિટ (0.14 ઘન મીટર) હતા.
બૅબિલોનિયન : તેઓના વજનનો એકમ મિના (mina) હતો, જે 640 ગ્રા. તથા 978 ગ્રા. એમ બે પ્રકારનો હતો. બાઇબલના સમયથી પરિચિત એવો પ્રમાણભૂત હિબ્રૂ સિક્કો અને વજન મૂળભૂત રીતે બૅબિલોનિયન હતાં. મધ્યપૂર્વ(middle east)ના વ્યાપારમાં બૅબિલોનિયન વજન અને માપ વપરાતાં, જે અન્ય દેશોએ પણ સ્વીકારેલાં. લંબાઈ માટેનું બૅબિલોનિયન માપ કુસ (kus) (આશરે 530 મિમી.) હતું, જે બૅબિલોનિયન ક્યૂબિટ તરીકે પણ જાણીતું હતું. સુશી (shu shi) નામનું માપ કુસના 30મા ભાગ જેટલું (~ 17.5 મિમી.) હતું, જ્યારે બૅબિલોનિયન ફૂટ એ 2/3 કુસ જેટલો હતો. પ્રવાહી માટેનું બૅબિલોનિયન માપ કા (ka) હતું. 300 કા બરાબર 60 જિન અથવા 1 ગુર (gur) થતું. 1 ગુર આશરે 303 લિટર બરાબર હતું.
ઇજિપ્ત અને બૅબિલૉન પરથી એસીરિયન, હિબ્રૂ વગેરે અન્ય પ્રજાઓએ પણ તેમની પદ્ધતિઓ વિકસાવી હતી. હિબ્રૂ માનકો મિના તથા ટૅલીન્ટ (talent) (મૂળભૂત એકમ) અને શેકલ (shekel) સાથેના સંબંધ ઉપર આધારિત હતા. 1 મિના = 60 શેકલ અને 1 ટૅલીન્ટ = 3000 શેકલ (અથવા 50 મિના) લેવાતું.
પ્રવાહી હિબ્રૂ માપની જાણકારી ચોક્કસપણે ઉપલબ્ધ નથી પણ બૅટ (bat) એ કદાચ 37 લિ. જેટલું, જ્યારે લૉગ (log) એ 0.5 લિ. કરતાં થોડું વધુ હતું. હિન (hin) એ 6 લિ. કરતાં થોડું વધુ હતું.
ગ્રીક અને રોમન : ઈ. પૂ.ના પ્રથમ શતકમાં વ્યાપારનું પ્રભુત્વ ગ્રીક અને રોમન લોકો પાસે ગયું. લંબાઈ માટેનું ગ્રીક માપ ફિંગર (finger) (= 19.3 મિમી.) હતું. 16 ફિંગર = 30 સેમી. અને 24 ફિંગર = 1 ઓલિમ્પિક (olympic) ક્યૂબિટ લેવાતું. ગ્રીસનાં માપ આંશિકપણે બૅબિલોનિયા અને આંશિકપણે ઇજિપ્તના લોકો પાસેથી આવેલાં છે. ગ્રીક લોકોએ તેમના પ્રાથમિક પ્રવાહી માપ મિટ્રીટીઝ (metretes) (= 39.4 લિ.) પ્રસ્થાપિત કરવા માટે રૈખિક માનકોનો ઉપયોગ કર્યો. વજન માટે ગ્રીક એકમ ટૅલીન્ટ (talent) હતો, જે 25.8 કિગ્રા. બરાબર હતો.
રોમનોએ પણ ગ્રીક પ્રણાલી અપનાવી અને ફૂટને 12 ઔંસ (ounces), અથવા ઇંચ(unciae)માં વિભાજિત કર્યો. જેમાં તેમણે પાઉન્ડ(pound libra)ના 12મા ભાગ માટે તે જ શબ્દ અને તે જ પેટાવિભાગ અનસેઈ(unciae) (= 327.45 ગ્રા.)નો ઉપયોગ કર્યો. રોમનો પાંચ ફૂટ બરાબર એક pace અથવા બે પગલાં (double step) અને 1000 પેસ બરાબર એક રોમન માઇલ (mille passus) ગણતા. કદ માટે તેમનો મૂળભૂત એકમ સેક્સટેરિયસ (sextarius) હતો જે 0.53 લિ. બરાબર હતો. એક એમ્ફોરા (amphora) બરાબર 48 સેક્સટેરિયા થતા.
ચીની પદ્ધતિ : પશ્ચિમના માપનાં બધાં જ મુખ્ય લક્ષણો ચીની પદ્ધતિમાં જોવા મળે છે. માપના એકમ તરીકે તેમાં શરીરના ભાગોનો ઉપયોગ કર્યો. દા.ત., નાડી (pulse) જોવાના ભાગથી અંગૂઠાના મૂળ સુધીનું અંતર. પણ લંબાઈ અને કદના વિવિધ એકમો વચ્ચે કોઈ સંબંધ ન હોવાથી તે અવ્ય સ્થિત (chaotic) પદ્ધતિ રહી. જમીનના (ક્ષેત્રફળના) માપ માટેનો એકમ માઉ (mou) પ્રદેશ પ્રમાણે બદલાતો અને 0.08થી 0.13 હેક્ટર જેટલો જોવા મળતો. સુથાર, કડિયા અને દરજીના લંબાઈના એકમો પણ જુદા પડતા.
ચીનના પ્રથમ શહેનશાહ (ઈ. પૂ. 221) શિહ હુવાંગ તિ(Shih Huang Ti)એ એકમોમાં એકસૂત્રતા દાખલ કરી. વજનનો મૂળભૂત એકમ શિહ અથવા ટૅન (tan) બરાબર 60 કિગ્રા. નક્કી થયો. જ્યારે ચિહ (chih) અને ચૅન્ગ (chang) એ અનુક્રમે 25 સેમી અને 3 મીટર બરાબર હતો. ભૂમધ્યસમુદ્રી પ્રણાલી કરતાં એની પ્રણાલી એ રીતે ફાયદાકારક બની કે તેમાં દશાંશ પદ્ધતિ તરફ ઝોક જોવા મળ્યો.
ચીની પદ્ધતિની ખાસ લાક્ષણિકતા એ હતી કે તેમાં અનાજના પરિમાણનો સમાવેશ થયેલો. અનાજ અથવા દારૂ માટેનાં એવાં પાત્રો પ્રમાણિત ગણાતાં કે જેમાં વજન ઉપરાંત તેને ડંકો મારવાથી અમુક રણકો (pitch) આપે.
મધ્યયુગીન (medieval) પ્રણાલી : મધ્યયુગીય યુરોપે રોમન પ્રણાલી અપનાવી. જોકે તેમાં રાષ્ટ્રીય અને ક્ષેત્રીય ફેરફારો અસંખ્ય હતા. 9મા સૈકાની શરૂઆતમાં ચાર્લી મેગ્નીએ આમાં એકસૂત્રતા લાવવા કરેલા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. 12મા અને 13મા સૈકામાં વ્યાપારી મેળા દરમિયાન જુદા જુદા દેશોના વેપારીઓએ માપમાં એકસૂત્રતા લાવવાના પ્રયત્નો કર્યા છતાં તેમ થઈ શક્યું નહિ. ગરમ કાપડ માપવા માટેનો એલ (ell) આનું ઉદાહરણ છે. વજન માટેનો રોમન એકમ લિબ્રા [(libra) ટૂંકમાં (lb)] હતો. રોમન માઇલ પણ અહીં દાખલ થયો. પણ તેનું માપ કેટલાક ફૂટ અને વારમાં લેવાયું. વજન માટેનો મધ્યયુગીન એકમ પિન્ટ (pinte અથવા pint) હતો, જે હાલના અંગ્રેજી માપ ક્વાર્ટ જેટલો લગભગ હતો.
ભારત : ભારતમાં પણ પ્રદેશ અને જિલ્લાવાર તોલમાપના એકમોમાં વૈવિધ્ય રહેલું હતું. અહીં સોના-ચાંદીના વજન માટે નીચેનાં માપ ઉપયોગમાં લેવાતાં :
1 તોલો = 2 ગદિયાણા = 12 માસા = 32 વાલ = 96 રતિ = 768 ચોખા
અનાજ વગેરે માટે :
1 શેર = 40 તોલા = 72 પૈસાભાર = 16 અધોળ = 8 નવટાંક = 4 પાશેર = 2 અચ્છેર
40 શેર = 1 મણ, 80 શેર = 1 બંગાળી મણ = 40 બંગાળી શેર.
5 મણ = 1 કોથળો = 1 ગુણ = 200 શેર; 6 મણ = 1 પલ્લું; 7 મણ = 1 હારો; 12 મણ = 1 માણી; 16 મણ = 1 કળશી; 20 મણ = 1 ખાંડી; 21 મણ = 1 મોટો હારો; 24 મણ = 1 ભાર; 30 મણ = 1 ગાલ્લી; 32 મણ = 1 બેડિયું; 40 મણ = 1 મૂડો; 50 મણ = 50 મણિયો મૂડો; 100 મણ = 100 મણિયો મૂડો.
લંબાઈનાં માપ = 2 આંગળ = 1 તસુ; 20 તસુ = 1 હાથ; 24 તસુ = 1 ગજ; 36 તસુ = 1 વાર; 5 હાથ = 1 વસો કે કાઠી;
20 વસા = 1 દોરી
લંબાઈ માટેનાં પ્રાચીન માપ આ પ્રમાણે હતાં :
8 લીખ = 1 સરસવ; 8 સરસવ = 1 જવ; 8 જવ = 1 અંગુલ; 6 અંગુલ = 1 પાદ; 2 પાદ = 1 વિલસ્ત; 2 વિલસ્ત = 1 હાથ; 4 હાથ = 1 ધનુષ્ય; 2000 ધનુષ્ય = 1 કોસ; 4 કોસ = 1 યોજન (જોજન).
ક્ષેત્રફળ માટે :
20 ખૂંટ = 1 પડતળ; 20 પડતળ = 1 પડત; 20 પડત = 1 વીસવાસી; 20 વીસવાસી = 1 વસો; 20 વસા = 1 વીઘું (1 વીઘું = 100 હાથ લાંબું x 100 હાથ પહોળું).
મોતીનાં વજન :
16 આના = 1 રતિ; 24 રતિ = 1 ટાંક; 16 બદામ = 1 દોકડો; 100 દોકડા = 16 આના કે એક ટકો.
અનાજ ભરવાનાં માપ :
20 રૂપિયાભાર = 1 પાવલું; 4 પાવલા = 1 પાલી; 51 પાલી = 1 માણું કે માપ; 4 માપ = 1 સઇ; 4 સઇ = 1 ચોસિયું; 4 ચોસિયાં = 1 કળશી.
સમયનાં માપ :
60 વિપળ = 1 પળ; 60 પળ = 1 ઘડી; 24 ઘડી = 1 દિવસ-રાત.
તોલ–માપની મેટ્રિક પદ્ધતિ : ફ્રેન્ચ ક્રાંતિનું એક ખૂબ જ મહત્વનું પરિણામ વજન અને માપની મેટ્રિક પદ્ધતિની સ્થાપનાનું હતું. યુરોપિયન વૈજ્ઞાનિકોએ ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રીય અને પ્રાદેશિક પરિવર્તો(variants)ને સ્થાને વાપરી શકાય અને વૈજ્ઞાનિક માહિતીની આપ-લે સરળતાથી કરી શકાય એવી નવી, તર્કબદ્ધ અને એકધારી (uniform) પદ્ધતિની આવદૃશ્યકતા અંગે વર્ષો સુધી ચર્ચા કરી હતી. પાછળથી જે મેટ્રિક પદ્ધતિ બની તે અંગેની પ્રથમ દરખાસ્ત 1670માં ગૅબ્રિયલ માઉટોને કરી હતી. તેમણે સૂચવ્યું કે લંબાઈનું માપ રેખાંશ(longitude)ના એક મિનિટની ચાપ ઉપર આધારિત હોવું જોઈએ અને તેનું પેટાવિભાજન દશાંશમાં થવું જોઈએ. માઉટોનની દરખાસ્તમાં મેટ્રિક પદ્ધતિનાં ત્રણ લક્ષણો સમાવિષ્ટ હતાં : દશાંશીકરણ (decimalization), તર્કબદ્ધ પૂર્વગો (prefixes), અને વ્યાખ્યાના આધાર તરીકે પૃથ્વીનુ માપ. 1790માં ફ્રેંચ અકાદમી ઑવ્ સાયન્સીઝને આ અંગે એક રિપૉર્ટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. અકાદમીએ ભલામણ કરી કે પૅરિસમાંથી પસાર થતી યામ્યોત્તર(ધ્રુવવૃત્ત, meridian)ને ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્તની નક્કી કરવામાં આવે, અને આ અંતરના કરોડમા ભાગને મીટર કહેવામાં આવે તેમજ દશાંશ રૈખિક પ્રણાલીનો તે આધાર બને. આ ઉપરાંત વજનનો એક નવો એકમ લેવામાં આવે, જે એક ઘનમીટર પાણીના વજન પરથી મળે.
1795માં ફ્રાન્સ માટે મેટ્રિક પ્રણાલીનો અમલ કરવાનો દૃઢ નિર્ણય લેવાયો. નવા કાયદા દ્વારા લંબાઈ, દળ (mass) અને કદ(ક્ષમતા, capacity)ના માનકો નક્કી કરવામાં આવ્યા, તેમજ ગુણાંકો અને પેટા-ગુણાંકો માટેના ઉપસર્ગો (પૂર્વગો) પણ દર્શાવવામાં આવ્યા. જૂન 1799માં આ પદ્ધતિ એક હકીકત બની. આ પદ્ધતિ મુજબ માનક મીટર એ પૃથ્વીના ધ્રુવવૃત્તીય ચતુર્થાંશ(વૃત્તપાદ, meridional quadrant)નો 1 કરોડમો ભાગ; દળનો મૂળભૂત એકમ ગ્રામ એ 4° સે. તાપમાને (જ્યારે પાણીની ઘનતા મહત્તમ હોય છે) 1 ઘસેમી. પાણીના વજન બરાબર ગણાયો. 1000 ગ્રામ = 1 કિગ્રા. લિટર એટલે જેની પ્રત્યેક બાજુ એક ડેસિમીટર અથવા 10 સેમી હોય તેવા સમઘનનું કદ લેવામાં આવ્યું. જ્યારે ક્ષેત્રફળના માપ માટે 10 મીટર બાજુવાળા સમચોરસના વિસ્તારને લેવામાં આવ્યો, જે ‘અરે’ (are) કહેવાયો. વ્યવહારમાં હેક્ટર (= 100 અરે) એ જમીનના માપનો મુખ્ય એકમ બન્યો. એક ઘનમીટરના કદને સ્ટીઅર (stere) નામ આપવામાં આવ્યું.
મેટ્રિક પદ્ધતિ c. g. s. (સેમી. ગ્રામ. સેક્ધડ) પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. આ પદ્ધતિ વધુ ફાયદાકારક ગણાઈ હતી. તેનો અમલ કરનારા દેશો ફ્રાંસ ઉપરાંત, લૅટિન અમેરિકા, અગાઉનું સોવિયેત યુનિયન અને ચીન છે. 1868માં જાપાનમાં પણ તે અમલમાં આવી. બ્રિટન અને કેટલાક કોમનવેલ્થ દેશોમાં હજુ પણ બ્રિટિશ પદ્ધતિ ચાલે છે. અમેરિકામાં મેટ્રિક પદ્ધતિના અમલ માટેની પ્રગતિ સમજી શકાય તેવી છે. 1875માં આ પદ્ધતિનો અમલ કરવા માટેની સમજૂતી કરનારા દેશોમાં અમેરિકા એક હતો. વીસમી સદીમાં, વ્યાપાર અને વાણિજ્યમાં મેટ્રિક પદ્ધતિનો ઉપયોગ બ્રિટન અને અમેરિકામાં ઘણા વેગથી વધ્યો છે અને કેમિકલ, પાવર, ફોટોગ્રાફી અને ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગોમાં એ ખૂબ વ્યાપકપણે વપરાય છે.
એકમોની આંતરરાષ્ટ્રીય પ્રણાલી : વીસમી સદીમાં થયેલ વૈજ્ઞાનિક અને ટૅકનિકલ વિકાસ તેમજ ઔદ્યોગિક પ્રગતિને લક્ષમાં લઈ હવે મેટ્રિક પ્રણાલીનું સ્થાન આંતરરાષ્ટ્રીય પ્રણાલી[System International (SI)]એ લીધું છે. ઑક્ટોબર 1960માં પૅરિસ ખાતે જનરલ કૉન્ફરન્સ ઑન વેઇટ્સ ઍન્ડ મેઝર્સની 11મી સભામાં આ એકમોની પ્રણાલી તૈયાર કરવામાં આવી. તેમાં 6 મૂળભૂત એકમો સ્વીકારી તેમની વ્યાખ્યા આપવામાં આવી.
લંબાઈ : મીટર (m) : મીટર એટલે શૂન્યાવકાશમાં ક્રિપ્ટોન-86ના વર્ણપટની નારંગી-લાલ (orange-red) રેખાની 1,650,363.73 તરંગલંબાઈ. અથવા સેકન્ડના 1/299,792,458મા ભાગમાં શૂન્યાવકાશમાં પ્રકાશે કાપેલા પથની લંબાઈ.
દળ : કિલોગ્રામ (kg) : પૅરિસ પાસે સિવરિસ (Sevres) ખાતે ઇન્ટરનૅશનલ બ્યૂરો ઑવ્ વેઇટ્સ ઍન્ડ મેઝર્સના કબજામાં રહેલા પ્લૅટિનમઇરિડિયમ મિશ્રધાતુના નળાકારનું વજન.
સમય : સેકન્ડ (s) : સિઝિયમ પરમાણુના ઊર્જાસ્તરમાં થતા સંક્રમણ સાથે સંલગ્ન વિકિરણના 9, 192, 631, 770 ચક્રો (cycles) માટેનો સમય.
વીજપ્રવાહ : ઍમ્પિયર (A) : મુક્ત અવકાશમાં એકબીજાથી એક મીટર દૂર આવેલા બે સમાંતર તાર વચ્ચે વહેતો એવો પ્રવાહ કે જે (તેમના ચુંબકીય બળોને લીધે) તેમની વચ્ચે લંબાઈના પ્રત્યેક મીટર દીઠ 2 x 10-7 ન્યૂટન(બળનો એકમ)નું બળ ઉત્પન્ન કરે.
ઉષ્માગતિજ તાપમાન : કેલ્વિન (K) : તાપમાનના ઉષ્માગતિજ અથવા કેલ્વિન માપક્રમનું શૂન્ય બિંદુ (zero point) નિરપેક્ષ શૂન્યે અને 273.16 કેલ્વિન તરીકે વ્યાખ્યાયિત થયેલા એક અન્ય સ્થાયી બિંદુ તરીકે પાણીના ત્રિકબિંદુ(triple point)ને લેવામાં આવે છે. (ત્રિકબિંદુ એટલે બરફ, પ્રવાહી પાણી અને પાણીની વરાળ એકબીજા સાથે સમતોલનમાં હોય તે તાપમાન.)
પ્રકાશની તીવ્રતા : કૅન્ડેલા (cd) : પ્લેટિનમના ઠરી જવાના તાપમાને (2042 K) વિકિરણ કરતી ગુહા(cavity)ના એક ચોરસમીટરના 1/6,00,000 મા ભાગની જ્યોતિ-તીવ્રતા (luminous intensity). અથવા કોઈ એક દિશામાં 540×1012 હર્ટ્રઝની આવૃત્તિવાળો એકરંગી પ્રકાશ ઉત્સર્જિત કરતા સ્રોતની પ્રદીપ્ત તીવ્રતા (luminous intensity) અને તે દિશામાં જેની વિકિરણ તીવ્રતા (radiant intensity) 1/683 વોટ પ્રતિ સ્ટિરેડિયન હોય.
પ્રાથમિક (elemental) અને નિગમિત (સાધિત, derived) SI એકમો નીચેની સારણીમાં આપ્યા છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ, જ. દા. તલાટી