વચનામૃત : ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરનાર સ્વામી સહજાનંદે (1781-1830) પોતાના શિષ્યો અને અનુયાયીઓને ઉદ્દેશીને કહેલાં બોધવચનો. ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક નવજાગૃતિ(renaissance)નો યુગ બેઠો તેનાં પ્રથમ કિરણો સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ફૂટ્યાં હતાં. ઈ. સ. 1800માં ખ્રિસ્તી ધર્મપ્રચારકો ગુજરાતમાં પ્રવેશહક્ક મેળવવા મથી રહ્યા હતા ત્યારે અયોધ્યા નજીક છપૈયા ગામના વતની ‘ઘનશ્યામ’ ઉર્ફે નીલકંઠ વર્ણીએ રાષ્ટ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂક્યો. ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક રામાનંદસ્વામી પાસે તેમણે દીક્ષા લીધી અને સહજાનંદ સ્વામી તરીકે ઓળખાયા. ભાગવતધર્મના ઉદ્ધવ સંપ્રદાયનું સાતત્ય સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેખાય છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં પ્રચલિત વલ્લભસંપ્રદાયની ભક્તિસેવા ને ઉપાસનાની રીત આ સંપ્રદાયે માન્ય રાખી છે. પરંતુ વૈષ્ણવધર્મમાં પેઠેલા વિલાસને સહજાનંદજીએ ગાળી નાખીને ધર્મનું શુદ્ધ અને સાદું સ્વરૂપ લોકગમ્ય કરી આપ્યું. તેમના જીવનમાં ને સંપ્રદાયમાં ચિત્તશુદ્ધિ(paritanism)નો તાર સળંગ પરોવાયેલો હતો. સદ્ધર્મ અને સત્સંગની હિમાયત સાથે સ્વામિનારાયણે સામાજિક સુધારણા અને દલિતોદ્ધારનું કામ પણ ઉપાડ્યું હતું. ચોરી અને લૂંટફાટ કરતી કાઠી કોળી જેવી કોમોનો તેમણે ઉદ્ધાર કર્યો હતો. દરજી, કુંભાર વગેરે શ્રમજીવી લોકોને ધર્મ અને નીતિની સાદી સમજ આપીને સદાચારયુક્ત જીવન જીવવાની પ્રેરણા આપી હતી. પારસી, ખોજા, મુમના વગેરે ઇતર ધર્મના લોકોને તેમણે ‘સત્સંગ’માં અપનાવ્યા હતા. તે અર્થમાં શ્રીજી મહારાજે ‘શુદ્ધિ’નું કાર્ય પણ કર્યું હતું. સાધુના આચારોને તેમણે તપોમય અને કડક વ્રતવાળા બનાવ્યા હતા. દારૂ, માટી, જૂઠ, ચોરી અને વ્યભિચારના ત્યાગ અને બ્રહ્મચર્યના પાલન પર તેમણે ભાર મૂક્યો હતો. ટૂંકમાં, સ્વામિનારાયણની પ્રવૃત્તિ નીતિ અને સદાચારના સક્રિય અમલ પર મંડાયેલી હતી. તેથી आचारः प्रथमो धर्मः- એ ‘સત્સંગ’નું પાયાનું સૂત્ર બન્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ ધર્મમાંથી જ ઉદભવેલું, પાશ્ર્ચાત્ય સંસ્કારથી તદ્દન અલિપ્ત એવું નવજાગૃતિક આંદોલન હતું. ઓગણીસમી સદીમાં ગુજરાત ખાતે ઉદભવેલી ધર્મશોધક પ્રવૃત્તિઓમાં આ સંપ્રદાય કાળક્રમે પ્રથમ આવે છે. સહજાનંદજીના ત્રીસ વર્ષના વસવાટ દરમિયાન સામાજિક અને ધાર્મિક નવચેતનાનું મોજું ગુજરાતભરમાં ફરી વળ્યું હતું. તેમના જીવનકાળ દરમિયાન સંપ્રદાયમાં પાંચ લાખ અનુયાયીઓ અને પાંચસો સાધુઓ હતા એમ કહેવાય છે.
સહજાનંદજીએ આરંભમાં જ સંપ્રદાયના સાધુ અને ગૃહસ્થ અનુયાયીઓને સદાચાર અને વ્રતપાલનનો સીધો રસ્તો બતાવીને अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि या शुचः । – એવું અભયવચન આપીને તેમનામાં વિશ્વાસ પ્રેર્યો હતો. પોતાને તેઓ ભગવાનના અવતારરૂપ ઓળખાવે છે. પરિણામ ઉપરથી નિષ્ઠાનું ભૌતિક ધોરણ અપનાવાય તો સમજાશે કે સહજાનંદજીના આ શબ્દો સ્વાર્થપ્રેરિત નહોતા, પણ પરાનુકંપાપ્રેરિત હતા. તેમણે આપેલા વિશ્વાસે કેટલાયને દુરાચાર તજીને સદાચાર ભણી વાળી જીવનનું સાર્થક્ય સાધવા પ્રેર્યા હતા, તો કેટલાયની ધર્મબુદ્ધિ સતેજ કરીને તેમને ઉચ્ચ ધર્માનુભવમાં સ્થિર કર્યા હતા.
તેમની આ સમાજોદ્ધારક પ્રવૃત્તિનું સાધન વચનામૃતો છે. આ વચનામૃતોની વિશેષતા એ છે કે શ્રીજી મહારાજની હયાતીમાં જ તે સઘળાંની નોંધ તૈયાર કરવામાં આવી હતી. પ્રત્યેક પ્રસંગનું વર્ણન જે તે વખતે ઉપસ્થિત મંડળીમાંના સંત રાખી લેતા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકમુનિ એ ચાર સંતોએ શ્રીજી મહારાજનાં આ વચનો સાંભળીને લખ્યાં છે એવો વચનામૃતસંગ્રહને અંતે ઉલ્લેખ છે. પ્રત્યેક પ્રવચનને લગતી વર્ષ, માસ, તિથિ, સ્થળ ઇત્યાદિ વિગતો સહિત આ ઉપદેશવચનોનો સંગ્રહ તૈયાર કરવામાં આવ્યો હતો. તે તેઓશ્રીને વિ. સં. 1877(ઈ. 1821)માં બતાવ્યાનો નિર્દેશ એક વચનામૃતમાં આવે છે. તે પછી પણ જેમ જેમ લખાયાં તેમ તેમ એ વચનો શ્રીજીને બતાવ્યાં હશે. આવાં વચનોની કુલ સંખ્યા 273 છે. તેમાં ગઢડા પ્રકરણનાં (78 + 67 + 39) 184, સારંગપુરનાં 18, કારિયાણીનાં 12, લોયાનાં 18, પંચાળાનાં 7, વડતાલનાં 20 અને અમદાવાદનાં 14 (13 + 1) છે. સ્થળ પ્રમાણે પ્રકરણ પાડીને સંતોએ પ્રત્યેક વચનામૃતનું વસ્તુ પ્રમાણે શીર્ષક બાંધેલું છે. દા.ત., અખંડ વૃત્તિનું, કૃતઘ્ની સેવકરામનું, વીસ કેશના પ્રવાહનું, મૂઢપણું પ્રીતિ અને સમજણનું, ચાર પ્રકારની મુક્તિનું, દેશકાળાદિકના પ્રધાનપણાનું ઇત્યાદિ. પ્રથમ વચનામૃત સંવત 1876(ઈ. સ. 1820)ના માગશર શુદિ ચતુર્થીને દિવસે બોલાયેલું અને છેલ્લું સં. 1886ના આષાઢ વદિ દશમીનું (ઈ. સ. 1830) છે.
આ વચનામૃતોની પહેલી વિશિષ્ટતા એ કે તેમાં પ્રત્યેક પ્રસંગે શ્રીજીની મૂર્તિ – તેઓશ્રીની બેઠક, મુદ્રા અને વસ્ત્રાભૂષણની ઝીણી ઝીણી વિગતો સહિત અને બોલતી વખતની તેમની ચેષ્ટાનું વર્ણન છે. પુનરુક્તિઓ હોવા છતાં, વાચકને રસ પડે તેવા જીવંત વાતાવરણનો તેમાં અનુભવ થાય છે. આ બધું એક વાર બનેલું એની પ્રતીતિ થાય છે ત્યારે એમાંથી પૌરાણિક અપરિચિતતા જતી રહીને ઐતિહાસિક હકીકતની એક પ્રકારની પ્રત્યક્ષતા જિજ્ઞાસુને સ્પર્શી જાય છે.
સહજાનંદ સ્વામીને રામાનુજનો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત માન્ય હતો. તેમણે અક્ષર સહિત પુરુષોત્તમ નારાયણની સેવાનો ઉપદેશ આપ્યો છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે ચાર સાધન તેમણે વારંવાર પ્રબોધ્યાં છે : સ્વધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને નિષ્કામભક્તિ. ભગવાનના સાકાર સ્વરૂપની ઉપાસનાનો તેઓ વારંવાર આગ્રહ રાખે છે. ઉપાસનામાં આવતાં વિઘ્નોની વ્યવહારુ તેમજ સૈદ્ધાંતિક ભૂમિકા ઉપર રહીને વચનામૃતોમાં તેમણે ચર્ચા કરેલી છે. ત્યાગનો મહિમા સમજાવતાં તેઓ જનક વિદેહી અને નારદનાં વચનો સમજાવે છે. અક્ષરધામની વિભુતા સમજાવવા માટે હસ્તી ઉપર ચાલી જતી કીડીનું દૃષ્ટાંત તેઓ આપે છે. પોતાના સંપ્રદાયમાં ભક્તિને નામે વિલાસિતા ન પ્રવેશે તેની તેમણે ઘણી તકેદારી રાખી છે. શાંકર સિદ્ધાંત વિશે તેમને આદર કે રુચિ નથી. અનેક સ્થળે તેમણે વેદાન્તીઓની ટીકા કરેલી છે તે લક્ષમાં લેતાં તેમની દૃષ્ટિ સંપ્રદાયની બહાર જવા માગતી નથી. તેઓ કહે છે, ‘જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય અને તે ગ્રંથ શુદ્ધ વેદાન્તના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય તોપણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા નહિ ને સાંભળવા પણ નહિ.’
પરમેશ્વરનાં દર્શન કરતી વખતે મૂર્તિની સાથે બીજા પદાર્થોને પણ જોતો જાય તેને તેમણે ‘ફાટેલ દૃષ્ટિવાળો’ કહ્યો છે. પછી દર્શન કરવાની સાચી રીત સમજાવે છે. પહેલાં મૂર્તિનું અલૌકિકપણું મનમાં ધારવું, ને પછી તે ભાવ મનથી અને ગુણથી રાખવા. આવા ભક્ત પર ભગવાનની અનન્ય પ્રીતિ રહે છે એમ કહીને તેઓ દર્શન વખતે શ્રોત્ર અને નયનને નિયમનમાં રાખવાની કડક સૂચના આપે છે.
સામાન્ય રીતે આ વચનામૃતોની કથનપદ્ધતિ એવી છે કે ઘણી વાર શ્રીજી મહારાજ સીધા જ વિષય પર આવીને બોધ આપે; ઘણી વાર તેઓશ્રી પ્રશ્ર્ન કરે ને સાધુમંડળમાંથી કોઈ ઉત્તર આપવા પ્રયત્ન કરે, અને જો તે સંતોષકારક ન હોય તો મહારાજ પોતે તેનો ઉત્તર આપે; ઘણી વાર સાધુઓમાંથી કોઈ પ્રશ્ન કરે ને સ્વામીજી પોતે ઉત્તર આપે. કોઈ વાર સાધુઓ અંદરોઅંદર પ્રશ્નોત્તર કરે ને છેવટે શ્રીજી મહારાજ સર્વ શંકાઓનું સમાધાન કરે. કોઈ વાર તેઓ શિષ્યોનું જ્ઞાન ચકાસવા પેચીદા પ્રશ્ર્નો પણ પૂછે. એમ વચનામૃતોમાંની આખી ચર્ચા સૉક્રેટિસ કે કન્ફ્યૂશ્યસનાં બોધવચનોની માફક પ્રશ્ર્નોત્તર રૂપે ચાલી હતી.
બુદ્ધ અને મહાવીરની માફક સહજાનંદજીએ પણ લોકોની ભાષામાં ધર્મોપદેશ કરેલો છે. તેઓશ્રી બોલતા તેની નોંધ શિષ્યો ‘જેમ સાંભળતા તેમ’, ‘પોતાની બુદ્ધિ પ્રમાણે’ કરતા. તેમના હસ્તાક્ષર સંપ્રદાયમાં સચવાયેલા નથી. પરંતુ તેમના મુખમાં મુકાયેલી ભાષા બોલ્યા હોય તેમ ઝિલાયેલી જણાય છે. વળી ભાષાની ઘાટીમાં એક પ્રકારની એકવાક્યતા વરતાય છે. તે જોતાં તે ભાષા એકંદરે શ્રીજી મહારાજની હોવાનું પ્રતીત થાય છે.
સહજાનંદજીની માતૃભાષા હિન્દી હતી, પણ ત્રણ દાયકા ગુજરાત-સૌરાષ્ટ્રકચ્છમાં રહીને લોકસમુદાયની વચ્ચે ફર્યા તેને લીધે તેમણે ગુજરાતી ભાષા પર માતૃભાષા જેટલું પ્રભુત્વ મેળવ્યું હતું. સૌરાષ્ટ્રનાં ગામડાંમાં ફરેલા તેને લીધે તેમની ભાષામાં લોકબોલીનો પ્રયોગ મહદંશે જોવા મળે છે. દા.ત., ખોટ્ય, હિંમત્ય, રાજીપો, મોર (‘અગાઉ’ના અર્થમાં), દાખડો, લલોચપો વગેરે. ‘ભવાણું’, ‘જોવાણું’ ‘પ્રોવાણી’ જેવા પ્રયોગોમાં ‘ય’ને બદલે ‘ણ’નો પ્રયોગ; ‘બાઈઓ બીનીઓ’ જેવા પ્રયોગોમાં કર્તાના બહુવચનનો ‘ઓ’ પ્રત્યય ભૂતકાળના રૂપને લાગે. એ વક્તવ્યને તળપદો સોરઠી સ્પર્શ આપે છે. ‘કે’ને બદલે સર્વત્ર ‘જે’નો પ્રયોગ અને ‘સામર્થિ’, ‘હિંમત્ય’ જેવા પ્રયોગો વચનામૃતની ભાષાનું અનુસંધાન જૂની ગુજરાતી સાથે દર્શાવે છે. સંસ્કૃત અધ્યાસવાળી કથનપદ્ધતિનો ક્વચિત્ પ્રયોગ કરેલો છે. વ્યક્તિ અને સમૂહ બંનેને સ્પર્શવાની શક્તિ વચનામૃતના વક્તવ્યની માફક કથનરીતિમાં પણ જોવા મળે છે.
આ વચનામૃતો મધ્યકાલીન ગુજરાતી ગદ્યનો વિશિષ્ટ ઉન્મેષ દર્શાવવા ઉપરાંત અર્વાચીન ગદ્યનો ઉષ:કાળ પણ સૂચવે છે. તે જૂની ભાષા અને કથનની પરિપાટીનું સાતત્ય દર્શાવે છે, તેમ છટા, લય, તર્ક, ષ્ટાંત અને કથનના રણકામાં દુર્ગારામ અને નર્મદના આગમનની આછીપાતળી ભૂમિકા રચી આપે છે. અર્વાચીન યુગમાં ગુજરાતમાં ધર્મચિંતનની રીતસર શરૂઆત થઈ તે પહેલાં પાશ્ર્ચાત્ય સંસ્કારથી અલિપ્ત રહેલાં આ વચનામૃતએ તે માટે જરૂરી ભાષાના ખેડાણ દ્વારા ગુજરાતી ગદ્યનો પિંડ બાંધી આપ્યો. એ રીતે ધર્મની માફક સાહિત્યના ક્ષેત્રે પણ વચનામૃત સહજાનંદ સ્વામીનું ચિરંજીવ પ્રદાન બન્યું છે.
ધીરુભાઈ ઠાકર