વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન : ભારતની સુરક્ષિત અને આધુનિક સગવડતા ધરાવતી ઝડપી ટ્રેન.
ભારતના લોકો ઝડપી મુસાફરી કરી શકે એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આ સ્વપ્ન પ્રોજેક્ટ છે એટલે એમણે અત્યાર સુધી શરૂ થયેલી તમામ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપસ્થિત રહી પ્રસ્થાન કરાવ્યું છે.
15 ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્હી રેલવે સ્ટેશને વડાપ્રધાને નવી દિલ્હીથી વારાણસી વચ્ચે દોડનારી પ્રથમ વંદે માતરમ એક્સપ્રેસ આપીને ભારતની સૌથી ઝડપી ટ્રેનનો યુગ શરૂ કર્યો.
વંદે ભારત એક્સપ્રેસનું પહેલા ‘ટ્રેન 18’નામ આપવામાં આવ્યું હતું. 27 જાન્યુઆરી 2019 ના રોજ ‘ટ્રેન 18’નું નામ ‘વંદેમાતરમ એક્સપ્રેસ’કરવામાં આવ્યું. Integral Coach Factory(ICF) દ્વારા 2018માં ટ્રેન બનાવવાનું શરૂ કર્યું અને 18 મહિનાના ટૂંકા ગાળામાં એ કામ પૂર્ણ થયું. પહેલી ટ્રેનના નિર્માણ માટે 97 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. જોકે આ ખર્ચ વિદેશથી આયાત કરવામાં આવતી ટ્રેનની સરખામણીએ 40 ટકા જેટલો ઓછો છે.ભારત સરકારના‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમ અંતર્ગત આ ટ્રેનની ડિઝાઇન બનાવવામાં આવી છે. આ ટ્રેન અર્ધ હાઈ સ્પીડ અને ભારતની પ્રથમ એન્જિન વગરની ટ્રેન છે. એની ઝડપ મહત્તમ 80 કિલોમીટર પ્રતિ કલાક છે પણ તે સરેરાશ 160 થી 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.ટ્રેનના બ્રેક અને ક્રૂ ઓરીએન્ટેશન માટે ટ્રેનનું પહેલું પરીક્ષણ 29 ઓક્ટોબર 2018ના રોજ ચેન્નઈમાં થયું હતું.
વંદે ભારત એક્સપ્રેસનો બહારનો દેખાવ બુલેટ ટ્રેન જેવો છે. એમાં ટ્રેનના પ્રત્યેક છેડે ડ્રાઇવર કોચ છે. સુરક્ષાની દૃષ્ટિએ ‘કવચ’ ટૅક્નિક સહિત ઘણી સુરક્ષા ઉપલબ્ધ કરવામાં આવી છે. ડ્રાઇવર સહિત દરેક કોચમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. દરેક કોચમાં કમ્યુનિકેશન સિસ્ટમ અને મનોરંજન માટે ઓન બોર્ડ હોટસ્પોટ વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મુસાફરોને સૂચના માટે એલઇડી સ્ક્રીન અને સ્પીકર પણ લગાવવામાં આવ્યા છે.
ટ્રેનમાં મુસાફરો માટે 1128 બેઠકો છે. તેમાં 16 પેસેન્જર ચેરકારવાળા કોચ છે. આ પૈકી વચ્ચેના બે કોચ પ્રથમ શ્રેણીના ચેરકારવાળા છે. આ પ્રથમ શ્રેણીના પ્રત્યેક કોચમાં 56 મુસાફરો બેસી શકે એવી વ્યવસ્થા છે. આ કોચની ખુરશીઓ 360 ડિગ્રી ફરી શકે છે. બાકીના 14 કોચમાંના દરેક કોચમાં 78 મુસાફરો બેસી શકે એવી વ્યવસ્થા છે. તેમાં દિવ્યાંગો માટે એક કોચમાં અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.
વંદે ભારત એક્સપ્રેસ સમગ્ર દેશમાં શરૂ થઈ ચૂકી છે. અત્યારે દેશના 17 રાજ્યોના 108 જિલ્લા વંદે ભારત એક્સપ્રેસ સાથે જોડાઈ ચૂક્યા છે.10 ફેબ્રુઆરી 2023ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલથી મુંબઈ-સોલાપુર અને મુંબઈ-સાંઈનગર સીટી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. 15 ઑગસ્ટ 2023 સુધીમાં 75 એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની યોજના છે.
અનિલ રાવલ