વંદો (Cockroach) : ઘરમાં ઉપદ્રવ કરનારો એક જાણીતો કીટક. સરળ-પક્ષ (Orthoptera) શ્રેણીના બ્લૅટિડી કુળમાં તેનો સમાવેશ થાય છે. Periplaneta americana અને Blatta orientalisના શાસ્ત્રીય નામે ઓળખાતી વંદાની બે જાતો માનવ-વસવાટના સાંનિધ્યમાં સર્વત્ર વસે છે.

ભારતીય વંદો – પોલિફાગા ઇન્ડિકા

ભારતીય વંદો : બહુભક્ષી ભારતીય વંદો (Polyphaga indica, walker) : સમુદાય – સંધિપાદી, વર્ગ – કીટક, શ્રેણી  ડિક્ટિયોપ્ટેરા, કુળ બ્લૅટિડી. આ મૂળ ભારતીય વંદો ગુજરાતમાં ઘણે ઠેકાણે મળી આવે છે. ગામડામાં તે ‘ઉકેરી’ કે ‘ઢેબસાં’ નામે ઓળખાય છે. મોટેભાગે તે મકાનોની બહાર રહે છે; પરંતુ ઘણી વાર અનાજના કોઠારમાં ઘૂસી અનાજ (બાજરી) ખાય છે. આ કીટક ખાઉધરો છે; પરંતુ મર્યાદિત વસ્તીને કારણે તેનો ઉપદ્રવ નોંધપાત્ર નથી. આ વંદો રસોડા કે ખાળમાં ક્યારેય જોવા મળતો નથી. ભારતીય વંદો 2થી 3 વર્ષ જીવે છે. નર 2 જોડ પાંખો ધરાવે છે, પરંતુ માદા પાંખો વિનાની હોય છે. 6થી 8 વાર ત્વચાનું નિર્મોચન કરે છે. છેલ્લા નિર્મોચન બાદ પાંખોવાળો નર પેદા થાય છે. માદા માત્ર કદ સિવાય બાહ્ય આકારે ડિંભના જેવી જ હોય છે. નર કીટક ઘણી વાર પ્રકાશથી આકર્ષાઈ ઘરમાં પ્રવેશ કરે છે. કુદરતમાં કાચીંડા અને પક્ષીઓ તેના દુશ્મન છે. આ ભારતીય વંદાનો પ્રથમ સંપૂર્ણ સંશોધનપૂર્વક અભ્યાસ પ્રો. આર. વાય. ગુપ્તેએ 1952-55માં કર્યો હતો અને ‘ઝૂલોજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા-કોલકાતા’ના કીટક-સંગ્રહાલયને નોંધ માટે નમૂનો મોકલી આપ્યો હતો. એની આંતરિક શરીરરચના સામાન્ય વંદા (પેરિપ્લેનેટા-અમેરિકાના) જેવી જ હોય છે. પેરિપ્લેનેટા કે બ્લાટા (બ્લાટેલા) જેવા વંદા મૂળ ભારતીય નથી; પરંતુ અમેરિકા અને યુરોપના દેશોમાંથી ધાન્ય અને અન્ય ચીજોની સાથે ભારતમાં આવેલા છે. પોલિફાગા ઇન્ડિકા મૂળ ભારતીય વંદો છે અને હજુ પણ નૈસર્ગિક પર્યાવરણમાં  બાગ, ખેતર, વગડામાં મર્યાદિત પ્રમાણમાં મળી આવે છે.

વંદો સામાન્યપણે અંધારાવાળા ખૂણા, ગટર, મોરી, સંડાસ જેવાં સ્થળોએ ભરાઈ રહે છે અને ખોરાક તરીકે ગંદી (યા સ્વચ્છ) ખોરાકી ચીજો, કાગળ, સડતી વનસ્પતિ, મૃત પ્રાણીઓનાં શરીર વગેરેનું ભક્ષણ કરે છે. મોકો મળતાં તે ખોરાકનો સ્પર્શ કરવાથી માનવીને ઍલર્જી થવાનો ભય રહે છે. વળી ગંદા પગને લીધે સૂક્ષ્મજીવોનો ચેપ લાગવાથી શક્યતા નકારી શકાય નહિ.

વંદો

આકારે વંદો ચપટો અને લંબગોળ હોય છે. તેની લંબાઈ 4થી 6 સેમી. હોઈ શકે. આ કીટક ચમકીલા રંગવાળો હોય છે. તેના શીર્ષપ્રદેશમાંથી સ્પર્શકોની એક લાંબી જોડ નીકળે છે, જેનો ઉપયોગ ગંધ પારખવા થાય છે. પગ લાંબા હોય છે અને તેમના પર દૃઢલોમો (bristles) આવેલા હોય છે, જે સ્પર્શકાંગોની ગરજ સારે છે. તેને પાંખની બે જોડ આવેલી હોય છે. પહેલી જોડ જાડી અને કાઇટિન આવરણયુક્ત હોય છે; જ્યારે બીજી જોડ પાતળી અને ઊડવામાં અનુકૂળ થાય એવી હોય છે. આ બીજી જોડને ઢાંકી રક્ષણ આપવાનું કાર્ય પહેલી જોડ કરે છે. સામાન્યપણે વંદો ઝડપથી ચાલે છે અને સંજોગો અનુસાર ટૂંકા અંતર માટે ઊડે પણ છે. ઝડપથી દોડીને તે માનવ જેવાથી દૂર છુપાઈ જવા મથે છે.

પ્રજનન દરમિયાન માદા ઈંડાંના સમૂહનાં અંડકવચ (ootheca) બનાવે છે અને તે ગમે ત્યાં મૂકે છે. ઈંડાંના વિકાસથી સૌપ્રથમ પાંખ વગરનાં કીટશિશુ (nymphs) જન્મે છે; જ્યારે સમય જતાં કીટશિશુના વિકાસથી પુખ્ત વંદો અસ્તિત્વમાં આવે છે.

તેની ખોરાક ખાવાની ટેવ માનવી માટે નુકસાનકારક નીવડવાની શક્યતા ખરી. તેના સ્પર્શથી માનવી ઍલર્જીનો ભોગ બને અને વિપરીત સંજોગોમાં તેને સૂક્ષ્મજીવોનો ચેપ લાગવાનો ભય રહે છે; પરંતુ વંદા સામાન્યપણે માનવીમાં રોગ ઉપજાવતા નથી. ઘરને સ્વચ્છ રાખવાથી વંદાનો ઉપદ્રવ સહેલાઈથી ટાળી શકાય છે. તેનો નાશ કરવા કીટનાશકો(insecticides) વાપરવા હિતાવહ નથી.

તે માનવ-સ્વાસ્થ્યની દૃષ્ટિએ કદાચ ઉપદ્રવી નીવડે છે એમ કહી શકાય. જોકે શાસ્ત્રીય સંશોધનની દૃષ્ટિએ તે આદર્શ કીટકના એક સુલભ નમૂનાની ગરજ સારે છે. કીટકોની આદત, શરીરરચના, ચયાપચયી પ્રક્રિયા જેવી અનેક બાબતોના અભ્યાસ માટે વંદાને પસંદ કરવામાં આવે છે.

અરુણ ત્રિવેદી, મ. શિ. દુબળે, રા. ય. ગુપ્તે