લ્હાસા (Lhasa) : ચીનના આધિપત્ય હેઠળ રહેલા તિબેટનું પાટનગર તેમજ બૌદ્ધ ધર્મનું પવિત્ર શહેર. ભૌગોલિક સ્થાન : 29° 40´ ઉ. અ. અને 91° 09´ પૂ. રે.. આ શહેર ત્સાંગપો (બ્રહ્મપુત્ર નદીના ઉપરવાસના ભાગનું નામ) નદીની સહાયક નદી લ્હાસાહેના જમણા કાંઠા પર વસેલું છે. ભગવાન બુદ્ધના સમય પછીથી તે બૌદ્ધ ધર્મનું મુખ્યમથક રહ્યું છે. તિબેટવાસીઓ અહીંનાં મંદિરો અને મઠોને અત્યંત પવિત્ર ગણે છે. પાટનગર હોવા ઉપરાંત તેના ધાર્મિક મહત્વને કારણે લ્હાસા સમગ્ર તિબેટનું સાંસ્કૃતિક, આર્થિક તેમજ પરિવહનનું કેન્દ્ર પણ બની રહેલું છે.
ભૂપૃષ્ઠ-જળ-પરિવાહ-આબોહવા : દુનિયાના છાપરા (roof of the world) તરીકે ઓળખાતા તિબેટના ઉચ્ચપ્રદેશના દક્ષિણ વિભાગમાં આવેલું આ શહેર સમુદ્રસપાટીથી આશરે 3,600 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ઊંચાઈએ આવેલાં પાટનગરોની દૃષ્ટિએ તે બોલિવિયાના પાટનગર લા પાઝ (3,660 મીટર) પછીના બીજા ક્રમે આવે છે.
યારલુંગ ત્સાંગપોની સહાયક લ્હાસા નદી આ શહેરની પૂર્વ દિશાએથી પસાર થાય છે. ક્વિ ચૂ નદી પણ અહીંથી જ વહે છે. ભારતમાં વહેતી બ્રહ્મપુત્ર નદી અહીં તેના ઉપરવાસમાં ત્સાંગપો નામથી ઓળખાય છે. આ નદી લ્હાસાથી નૈર્ઋત્યમાં 61 કિમી.ને અંતરે પસાર થાય છે.
તિબેટનો પ્રદેશ વર્ષાછાયાની અસર હેઠળ આવેલો હોવાથી ઓછો વરસાદ મેળવે છે, પરંતુ તે ઊંચાઈ પર હોવાથી તેની આબોહવા બારે માસ શીતળ રહે છે. દક્ષિણમાં આવેલા આ શહેરનું શિયાળાનું તાપમાન 0° સે.થી પણ નીચું ઊતરી જાય છે. જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 2° સે. અને 16° સે. જેટલાં રહે છે. વાર્ષિક વરસાદનું સરેરાશ પ્રમાણ 408 મિમી. જેટલું રહે છે. આબોહવા અનુસાર અહીંનું વનસ્પતિજીવન પાંગરેલું છે.
અર્થતંત્ર : લ્હાસા બૌદ્ધ ધર્મનાં મંદિરો અને મઠોનું મથક હોવાથી તેનું અર્થતંત્ર મુખ્યત્વે પ્રવાસન વિભાગ દ્વારા થતી આવક પર આધારિત રહે છે. અહીં વજનમાં હલકી, હસ્તકારીગરીની ચીજો બનાવવામાં આવે છે, ગરમ કાપડ અને માટીનાં વિવિધ પાત્રો બનાવવાના ગૃહઉદ્યોગો વિકસેલા છે. સિચુઆન પ્રાંતમાંથી રેશમ, ગાલીચા, ચિનાઈ માટીનાં વાસણો અને ચા, નિંગસિયા પ્રાંતમાંથી કીમતી રત્નો, ઘોડા, ઘેટાં, ભારતમાંથી ડાંગર અને તમાકુની આયાત કરવામાં આવે છે. અહીંના તિબેટવાસીઓ ચાના અત્યંત શોખીન છે.
ચીનના આધિપત્ય હેઠળ આવ્યા પછી ચીની સરકારે અહીં શહેરની બહારના ભાગોમાં ખેતરો તૈયાર કરાવ્યાં છે. ચામડાં કમાવાના, ઊની વસ્ત્રો, દવાઓ, ખાતરો, પરિવહનનાં સાધનો, ટ્રૅકટરના પુરજા તૈયાર કરવાના લઘુઉદ્યોગો વિકસાવ્યા છે. આ ઉપરાંત અહીં ધાબળા, કાલીન અને સિમેન્ટ બનાવવાનાં કારખાનાં ઊભાં કરાયાં છે.
લ્હાસામાં હવાઈ મથક તેમજ ચીનના અન્ય પ્રાંતોને જોડતા પાકા રસ્તાઓ બાંધવામાં આવ્યા છે. અહીં શાળાઓ, એજ્યુકેશન કૉલેજ, ચિકિત્સાલયો અને લશ્કરી ચોકીઓ શરૂ કરવામાં આવ્યાં છે. 1950થી 1960ના સમયગાળા દરમિયાન આ શહેરના વિકાસ અર્થે પરિવહન, સંદેશાવ્યવહાર અને આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. નવા આવાસોનું બાંધકામ પણ થયું છે. તિબેટ અને ચીન વચ્ચે 1965માં લ્હાસા પુલનું નિર્માણ થવાથી લ્હાસાનું વ્યૂહાત્મક મહત્વ વધ્યું છે. લશ્કરી કાર્યવાહી માટે સેરા અને દેરપુંગનો ઉપયોગ થાય છે.
વસ્તી : 1997 મુજબ લ્હાસાની વસ્તી 24,80,000 જેટલી છે. આ શહેર 1.6 કિમી.ની ત્રિજ્યામાં પથરાયેલું છે; તે પથ્થરો કે ઈંટો બનાવેલાં ઘરો અને દુકાનોથી ખીચોખીચ ભરેલું છે. અહીં સાંકડી ગલીઓ અને બે માળનાં ઘર જોવા મળે છે. મકાનનો ભોંયતળિયાનો ભાગ પ્રમાણમાં વધુ મજબૂત હોય છે. મોટાભાગનાં ઘર નીચાં, સપાટ છાપરાંવાળાં અને ચીમની વગરનાં હોય છે, ઘરની બારીઓમાં કાચની જગાએ તૈલી કાગળ લગાડેલા હોય છે. દરેક ઘરમાં બૌદ્ધ ધર્મને લગતી કલાકૃતિઓ પણ જોવા મળે છે.
લ્હાસામાં તિબેટવાસીઓ ઉપરાંત ચીની અને નેપાળી લોકો રહે છે. તિબેટવાસીઓ મૂળ મૉંગોલિયન કુળના છે. તેઓ તિબેટો-બર્મન ભાષા બોલે છે અને બૌદ્ધ ધર્મ પાળે છે.
જોવાલાયક સ્થળો : જોકાંગ મઠ : લ્હાસામાં આવેલો વિશાળ મઠ. ઈ. સ. 652માં સોંગ-ત્સેન ગામ-પો નામના રાજાએ તેની સ્થાપના કરેલી. આ મઠ ત્રણ માળનો છે અને તેનું છાપરું ઢોળ ચઢાવેલું છે એ તેની વિશેષતા છે. તેની રાણી દ્વારા ચીનથી લવાયેલી બૌદ્ધ ધર્મની કલાકૃતિઓ, કીમતી રત્નોથી જડેલું ભગવાન બુદ્ધનું ચિત્ર તથા સોના-ચાંદીનાં અનેક વાસણો આ મઠમાં રાખવામાં આવેલાં છે. આ અતિ પવિત્ર મઠમાં કોઈ પણ સ્ત્રીને રાતવાસો કરવા દેવામાં આવતો નથી.
અન્ય મઠ : લ્હાસા શહેરમાં તેમજ તેની આજુબાજુ અનેક મઠ આવેલા છે. તે પૈકી શહેરની પશ્ચિમે આશરે આઠ કિમી.ને અંતરે દેરપુંગ ખાતે દસ હજાર લામાઓ રહી શકે એવો વિશાળ મઠ આવેલો છે. આ મઠ અહીંનો મોટામાં મોટો મઠ ગણાય છે.
લ્હાસાથી ઉત્તરે 5 કિમી. દૂર સેરા ખાતે 7,000 લામાઓને સમાવી શકે એવો તથા લ્હાસાથી પૂર્વે 40 કિમી. દૂર ગ્યાઇ ચુ નદીને સામે કાંઠે ગાનડેન ખાતે 5,000 લામાઓને સમાવી શકે એવો મઠ આવેલો છે. ગાનડેનના મઠમાં લામાઓને શિક્ષણ આપવાની વ્યવસ્થા પણ છે. આ ઉપરાંત લોખાંગ ખાતે પણ મઠ આવેલો છે. સાતમી સદીમાં નિર્માણ પામેલો ચાર માળનો ત્સુંગ-લૅગ-ખાંગ મઠ તિબેટનું સૌથી વધુ પવિત્ર સ્થળ ગણાય છે.
પોટાલા મહેલ (Potala palace) : શહેરની બહારના ભાગમાં પોટાલા ટેકરી પર આવેલો તેર મજલાવાળો પોટાલા મહેલ (સત્તરમી સદીથી) એક વખત તિબેટ સરકારના વહીવટી મથક, મંદિર તેમજ બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાના નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતો હતો, તે આજે સંગ્રહાલય તથા સરકારી તિજોરી તરીકે વપરાય છે. અગાઉ દલાઈ લામાનાં દર્શન કરવા અનેક યાત્રીઓ આવતા. લોકો પોટાલા મહેલને ભગવાનના મહેલ તરીકે ઓળખતા. દલાઈ લામા શિયાળાની ઋતુમાં પોટાલા મહેલમાં અને ઉનાળાની ઋતુમાં જ્વેલ પૅલેસમાં રહેતા. આ મહેલમાંથી ઘણે દૂર સુધી નિહાળી શકાતું. મહેલમાં ધર્મગુરુનું સિંહાસન, અતિથિ-કક્ષ, નાગરિક સભામંડપની વ્યવસ્થા ગોઠવાયેલાં છે. જવેલ પૅલેસનો ઉપયોગ આજે લોકોના આનંદપ્રમોદના સ્થળ તરીકે થાય છે.
દલાઈ લામા બૌદ્ધ ધર્મગુરુ અને તિબેટના શાસક તરીકે 1959 સુધી લ્હાસામાં રહેતા હતા. 1959માં ચીની સામ્યવાદીઓ સામે તિબેટનો બળવો નિષ્ફળ જવાથી તેઓ તેમના અનુયાયીઓ સાથે ભારતમાં દેશવટો ભોગવે છે.
ઇતિહાસ : ઈ. સ. 400માં સોંગ-ત્સેન ગામ પો નામના રાજાના પૂર્વજે આ શહેરની સ્થાપના કરેલી. તેણે તિબેટમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર પણ કરેલો. તેણે પોટાલા ટેકરી પર નાનું ગામ વસાવેલું, ત્યાં મહેલનું નિર્માણ તે પછીથી કરવામાં આવ્યું. પાંચમી સદીમાં અહીં વસાહત સ્થપાઈ. ઐતિહાસિક નોંધ પ્રમાણે લ્હાસા બૌદ્ધ ધર્મનું કેન્દ્ર બન્યું. ભારત અને ચીન વચ્ચે ઉપયોગમાં લેવાતા ‘રેશમ માર્ગ’નું તે મધ્યસ્થ વેપારી કેન્દ્ર રહેલું. નવમી સદીમાં તેને તિબેટના પાટનગરનો દરજ્જો મળ્યો, પરંતુ તે જ ગાળામાં ચીનના તાંગ વંશ(618-906)ના લોકોએ લ્હાસા પર આધિપત્ય મેળવ્યું. 822માં ચીન અને તિબેટ વચ્ચે શાંતિ-સંધિ થઈ. તેરમીથી અઢારમી સદી સુધી અહીં મૉંગોલ-માંચુ વંશનું શાસન રહેલું.
પાંચમા દલાઈ લામાના સમય(1681)માં અહીં પોટાલા મહેલનું નિર્માણ થયું. ત્યારબાદ લ્હાસા લામાવાદનું કેન્દ્ર બન્યું. અઢારમી સદી પહેલાં ચિંગ-મંચુ વંશના રાજા ચિએન લુંગનું તિબેટ પર વર્ચસ્ રહેલું. 1904 સુધી લ્હાસામાં યુરોપિયનો માટે પ્રવેશબંધી હતી, તેથી યુરોપિયનો લ્હાસાને પ્રવેશબંધીનું શહેર (forbidden city) કહેતા. 1904માં બ્રિટિશદળના ર્ક્ધાલ ફ્રાંસિસ યંગહસબન્ડે ચીન સાથે યુદ્ધ કરીને બ્રિટન માટે તિબેટનો વિશેષાધિકાર મેળવ્યો.
1911ની ક્રાંતિ પછી તિબેટ અને ચીન પરથી માંચુ વંશનું આધિપત્ય દૂર થતાં તિબેટ સ્વતંત્ર થયું. 1950માં ચીને તેના પર આક્રમણ કર્યું.
ચીનમાં સામ્યવાદી પક્ષ સત્તા પર આવતાં 1951માં સીનો-તિબેટિયન કરાર થયો. તિબેટ ચીનના તાબા હેઠળ આવ્યું. 1959માં માર્ચ માસમાં તિબેટવાસીઓએ ચીન સામે બળવો કર્યો, પરંતુ તેમાં નિષ્ફળ જતાં દલાઈ લામાએ ભારતમાં રાજ્યાશ્રય લીધો. તે સમયે અહીંના કેટલાક મઠોનો નાશ કરવામાં આવેલો, બૌદ્ધ સાધુઓની હત્યા કરાયેલી. વળી ચીની વસાહતીઓ તિબેટમાં આવીને રહ્યા. 1965માં ચીને તિબેટને વિધિસર ચીની પ્રજાસત્તાકનો સ્વાયત્ત પ્રદેશ જાહેર કર્યો. આજે તિબેટ ચીની આધિપત્ય હેઠળના પ્રદેશ તરીકે અસ્તિત્વ ધરાવે છે.
નીતિન કોઠારી, ગિરીશભાઈ પંડ્યા