લ્યુઇન કર્ટ (જ. 1890, જર્મની; અ. 1947, અમેરિકા) : ક્ષેત્રસિદ્ધાંતના સ્થાપક અને સમદૃષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક. મનોવિજ્ઞાન ક્ષેત્રે તેમણે જે સંશોધનકાર્ય કર્યું તે કારણે તેઓ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મૅક્સ વર્ધીમર, કુર્ટ કોફકા અને કોહલરની વિચારધારા પ્રમાણે લ્યુઇને પણ જે વિચારધારા રજૂ કરી તે સમદૃષ્ટિવાદની વિચારધારા સાથે સુસંગત હતી. કેટલાક મનોવૈજ્ઞાનિકો લ્યુઇનની વિચારધારા સાથે સમદૃષ્ટિવાદની વિચારધારા સુસંગત નથી, એમ દર્શાવી તેઓ તેમનો સમદૃષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક તરીકે સ્વીકાર કરતા નથી, પણ લ્યુઇનને તેઓ નવ્ય સમદૃષ્ટિવાદી તરીકે ઓળખાવે છે.
લ્યુઇન કર્ટે ઈ. સ. 1909થી 1914 સુધી બર્લિન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. આ જ યુનિવર્સિટીમાં આગળ અભ્યાસ કરી કોફકા અને કોહલર પછી તેમણે ડૉક્ટરેટની ડિગ્રી મેળવી હતી. ઈ. સ. 1917માં તેમણે સાહચર્યવાદ વિશે અભ્યાસ કર્યો. અગાઉ રજૂ થયેલા સાહચર્યવાદના સિદ્ધાંતમાં તેમને અનેક ઊણપ જોવા મળી હતી. પરિણામે તેમણે સાહચર્યવાદનો ત્યાગ કર્યો. તેમનું માનવું હતું કે સાહચર્યનો આધાર પ્રેરણા પર રહેલો છે. એ સમયે સમદૃષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો મુખ્યત્વે પ્રેરણાનો અભ્યાસ કરી રહ્યા હતા. તેથી તેમણે સાહચર્યવાદનો ત્યાગ કરીને સમદૃષ્ટિવાદમાં પોતાની રુચિ પ્રગટ કરી. સમય જતાં તેમને સમદૃષ્ટિવાદી વિચારધારા પણ સંપૂર્ણ લાગી નહીં. તેથી તેનો પણ તેમણે ત્યાગ કર્યો, એ પછી એમણે નવીન વિચારધારા આપી, જે ‘ક્ષેત્રસિદ્ધાંત’ (Field Theory) તરીકે જાણીતી થઈ. આજે પણ તેઓ ક્ષેત્ર-સિદ્ધાંતના સ્થાપક તરીકે ઓળખાય છે.
1922માં બર્લિન યુનિવર્સિટીમાં તેઓ અધ્યાપક બન્યા. 1927માં ત્યાં જ મદદનીશ પ્રાધ્યાપકનો હોદ્દો તેમને મળ્યો. અહીં તેમણે ‘સાહચર્ય અને પ્રેરણા’ વિષયમાં કેટલાક ગ્રંથ આપ્યા. ત્યારબાદ તેઓ સંશોધનકાર્યમાં જોડાયા. તેમણે માનવવર્તનનાં ગત્યાત્મક પરિબળો વિશેનો અભ્યાસ ઊંડાણથી કર્યો. 1932 સુધીમાં તેઓ અમેરિકામાં પણ મનોવૈજ્ઞાનિક તરીકે જાણીતા થયા. અમેરિકામાં તેમની કારકિર્દીનાં પ્રથમ ત્રણ વર્ષ સ્ટૅન્ફર્ડ અને કૉર્નેલ યુનિવર્સિટીમાં પસાર થયાં. એ પછી બાકીનાં દશ વર્ષ સુધી આયોવા યુનિવર્સિટીમાં બાળકોની કાર્યપ્રવૃત્તિ વિશે અભ્યાસ કર્યો. બીજા વિશ્વયુદ્ધ (1939-45) વખતે તેમની સેવાઓ માનવપ્રવૃત્તિ અને પ્રેરણા વિશેનાં સંશોધનો માટે મળી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી 1945માં કેમ્બ્રિજ ખાતે રિસર્ચ સેન્ટર ફૉર ગ્રૂપ ડાયનૅમિક્સના અધ્યક્ષ તરીકે તેઓ નિમણૂક પામ્યા.
લ્યુઇને 1935માં ‘ડાયનૅમિક થિયરી ઑવ્ પર્સનાલિટી’ પુસ્તક પ્રકાશિત કર્યું. આ પુસ્તકમાં 1926થી 1933 દરમિયાન પ્રકાશિત થયેલા તેમના સંશોધન-લેખોનો સંગ્રહ છે. 1936માં તેમનું ‘પ્રિન્સિપલ્સ ઑવ્ ટૉપોલૉજિકલ સાયકૉલોજી’ પ્રગટ થયું. આ પુસ્તકમાં તેમણે જીવન-અવકાશ (life-space) વિશે સઘન માહિતી આપી છે. 1938માં ‘ધ કન્સેપ્ચ્યુઅલ રિપ્રેઝન્ટેશન ઍન્ડ મેઝરમેન્ટ ઑવ્ સાયકોલૉજિકલ ફૉર્સિઝ’ નામનું પુસ્તક આપ્યું. આ પુસ્તકમાં સ્થાન (topology) અને સદિશ(vector)ના સંબંધોનો નિર્દેશ કરી ક્ષેત્રસિદ્ધાંતની નવી વિચારધારા રજૂ કરી છે.
લ્યુઇનને ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં રુચિ હોવાને લીધે તેમનાં મનોવૈજ્ઞાનિક સંશોધનોમાં તેનો પ્રભાવ જોવા મળે છે. તેમણે રજૂ કરેલા સિદ્ધાંતોમાં ‘જીવન-અવકાશ’નો સિદ્ધાંત સૌથી વધુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ સિદ્ધાંતમાં લ્યુઇન દર્શાવે છે કે જીવન-અવકાશને ક્ષેત્ર સાથે સંબંધ છે. તેમના મતે ક્ષેત્ર એટલે મનોવૈજ્ઞાનિક ક્ષેત્ર. જીવન-અવકાશમાં એવી બાબતો સમગ્ર રીતે સંકળાયેલી છે કે જે વ્યક્તિના વર્તન માટે જવાબદાર હોય છે. માનવ-વર્તનનો ઉદભવ અને તેનું નિયંત્રણ આ મનોવૈજ્ઞાનિક ક્ષેત્ર પર આધારિત છે. વર્તનનો અભ્યાસ કરતી વખતે જીવન-અવકાશનો અભ્યાસ ઇષ્ટ ગણાય. મનુષ્યના વર્તનને તેના કાર્ય સાથે સંબંધ છે. કાર્યને ધ્યેય હોય છે અને આ ધ્યેય હંમેશાં મનોવૈજ્ઞાનિક ક્ષેત્રમાં છુપાયેલું છે. વ્યક્તિનું ધ્યેય અને કાર્ય આ ક્ષેત્રની બહાર હોતાં નથી. જો વ્યક્તિ આ મનોવૈજ્ઞાનિક ક્ષેત્ર તોડીને બહાર જવા ઇચ્છે તો કેટલાક અવરોધો બે પ્રકારના હોય છે : (1) દૂર કરી શકાય એવા અને (2) દૂર કરી ન શકાય એવા.
અવરોધોને કારણે બાળકોની પ્રવૃત્તિઓ પર કેવી અસર પડે છે, તેનો અભ્યાસ તેમણે બાર્કર અને ડેમ્બો સાથે કર્યો હતો. તેમના અભ્યાસમાં એ જાણવા મળ્યું કે અવરોધને કારણે હતાશા જન્મે છે, હતાશાને કારણે માનવ-વર્તનમાં પ્રતિગમન અને વિભિન્નીકરણ જેવી પ્રતિક્રિયાઓ જોવા મળે છે. આ ઉપરાંત, તેમણે ગતિની સમજૂતી જીવન-અવકાશના સંદર્ભમાં આપી છે. વ્યક્તિના વાતાવરણ સાથે સમતુલન અને સમાયોજન જરૂરી છે. જો સમતુલન બગડી જાય તો તાણ અથવા મનોભાર ઉદભવે છે. આ મનોભારને લીધે ગતિ પેદા થાય છે. આ ગતિનું ધ્યેય રાહત મેળવવાનું હોય છે. જો વ્યક્તિ મનોભારથી ઉદભવેલી ગતિમાંથી રાહત ન મેળવી શકે તો માનસિક રોગનો ભોગ બનવાનો સંભવ હોય છે.
તેમનો જીવન-અવકાશ વિશેનો ખ્યાલ વિશેષ કરીને, સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકો માટે ખૂબ જ માર્ગદર્શક રહ્યો છે. વ્યક્તિના સામાજિક વર્તનની સમજૂતી માટે તેમનો ક્ષેત્ર-સિદ્ધાંત પણ ઉપયોગી નીવડ્યો છે.
શાંતિલાલ છ. કાનાવાલા