લ્યુકાસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી) કુળની શાકીય કે ઉપક્ષુપીય (undershrub) પ્રજાતિ. તેનું જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં સર્વત્ર વિતરણ થયેલું છે. ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇંડિઝમાં તેની એક જ જાતિ અને ભારતમાં લગભગ 35 જેટલી જાતિઓ થાય છે. તેની કેટલીક જાણીતી જાતિઓમાં Leucas aspera spreng. (હિં. અને બં. – છોટા હલકુસા, તે. – તુમ્માચેટ્ટુ, ત. થુંબાઈ, મલ. – થુંબા, ઊ. ભૂતમારી), L. cephalotes spreng. (ગુ. કુબો, કુબી; મ. દેવકુંબા, તુંબા; હિં. ગોમા; બં. બારાહલકુસા), L. lavandulaefolia Rees syn. L. linifolia spreng. (હિં  ગુમા, હલકુસા, કુંભ; ગુ. – જીણાપાની કુબો; મ. કુવા; બં. – હલકુસા; મલ. થુંબા), L. martinicensis R. Br., L. zeylanica R. Br. L. stelligera wall. (ગુ. ડુંગરાઉ કુબો) અને L. urticaefolia R. Br.(ગુ. કુબો)નો સમાવેશ થાય છે.

  1. aspera spreng. શાકીય, બહુશાખી, ટટ્ટાર કે ભૂપ્રસારી, એકવર્ષાયુ, 30 સેમી.થી 60 સેમી. ઊંચી જાતિ છે; અને સમગ્ર ભારતમાં ખેતરો, ઊષર ભૂમિ અને રસ્તાની બાજુઓ પર અપતૃણ તરીકે થાય છે. પર્ણો સાદાં, લગભગ અદંડી (subsessile), રેખીય કે સાંકડાં લંબ-ભાલાકાર (oblong-lanceolate), અખંડિત કે કુંઠદંતી (crenate) હોય છે. પુષ્પો નાનાં સફેદ, અગ્રીય કે કક્ષીય સઘન કૂટચક્રક (verticillaster) સ્વરૂપે ગોઠવાયેલાં અને દ્વિઓષ્ઠી વિવૃત (bilabiate ringent) હોય છે. કાષ્ઠ ફલિકાઓ (nutlets) નાની, લંબચોરસ, લીસી અને બદામી રંગની હોય છે.

આ વનસ્પતિ સુગંધિત છે અને તેનો ભાજી તરીકે ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતનાં ગામડાંઓમાં તે જ્વરઘ્ન (antipyretic) તરીકે ઉપયોગી છે. પર્ણોનો રસ સોરાયસિસ (psoriasis) ત્વચાના રોગો અને સોજાઓમાં બાહ્યોપચાર તરીકે વપરાય છે. બાળકોને તેનાં પુષ્પો મધ સાથે શરદી અને કફમાં આપવામાં આવે છે. પર્ણોનો આલ્કોહૉલીય નિષ્કર્ષ micrococcus pyogenes var. aureus અને Escherichia coliની સામે પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દાખવે છે. આલ્કેલૉઇડ અને ગ્લુકોસાઇડ ધરાવે છે. ગ્લુકોસાઇડના જલાપઘટન (hydrolysis) દ્વારા ધ્રુવણ ધૂર્ણક (optically active) પદાર્થ ઉત્પન્ન થાય છે, જે અલગ કરેલા દેડકાના હૃદયને અનુશિથિલન (diastole) સ્થિતિમાં ધડકતું અટકાવે છે.

લ્યુકાસ (કુબો) (leucas cephalotus) : પુષ્પ સહિતની શાખાઓ

કુબો (L. cephalotus) સ્વાદે તીખો હોય છે. તે ગુણમાં ઉષ્ણ અને વાયુ ઉપર અકસીર હોય છે. આયુર્વેદ અનુસાર, કુબો ભારે, લૂખો, રુચિકર, તીખો, ભેદક, પથ્યકર, મીઠો, સારક, રૂક્ષ, ગુરુ, ખારો, ગરમ, ઉષ્ણવીર્ય, રક્તશોધક, સ્વેદક અને માસિક ધર્મ લાવનાર, સર્પવિષનાશક અને વાતપિત્તકર છે; અને વાત, કફ, અગ્નિમાંદ્ય, સોજો, કમળો, તમકશ્વાસ, કૃમિ અને શૂળનો નાશ કરે છે. તેનાં પાન સ્વાદુ, રૂક્ષ, પિત્તલ, ગુરુ, ભેદક અને તીખાં હોય છે. તે પાંડુ, આફરો, ખાંસી, મલેરિયા, કમળો, મેહ, તાવ અને સોજાનો નાશ કરે છે. તેનો ઉપયોગ વિષમજ્વર, પેટપીડ અને નળ ફૂલે તે ઉપર, બાળકોના કફવિકાર ઉપર, કમળી અને આધાશીશી ઉપર થાય છે.

જીણાપાની કુબો (L. lavandulaefolia) તીવ્ર સુગંધી ધરાવે છે. તેનો શાકભાજી તરીકે અને અછત વખતે ચારા તરીકે ઉપયોગ થાય છે. તેનાં પુષ્પો મંદિરોમાં ચઢાવાય છે. પર્ણોનો કાઢો ચેતાતંત્રના રોગોમાં શામક (sedative) તરીકે વપરાય છે. તે કૃમિ નિસ્સારક (vermifuge) અને ક્ષુધાવર્ધક (stomachic) છે. જૂના વ્રણ ઉપર તેનાં પર્ણોની પોટિસ બાંધવામાં આવે છે. તેનાં વાટેલાં પાન ત્વગરોગ(dermatosis)માં ઉપયોગી છે. મૂળ, પ્રકાંડ અને પર્ણો સાયેનોજેનેટિક (cyanogenetic) હાઇડ્રોજન સાયનાઇડ ઉત્પન્ન કરે છે.

બળદેવભાઈ પટેલ