લોહરવંશ : કાશ્મીરમાં 11મી-12મી સદીમાં પ્રવર્તમાન રાજવંશ. દશમી સદીના અંતમાં પર્વગુપ્તવંશની રાણી દિદ્દાના ક્રૂર અને ભ્રષ્ટાચારી શાસન પછી કાશ્મીરમાં લોહરવંશની સત્તા સ્થપાઈ (ઈ. સ. 1003). આ વંશના સંગ્રામરાજ, કલશરાજ અને હર્ષરાજે વિદ્યા અને કલાને ઉત્તેજન આપેલું. આ વંશના સ્થાપક સંગ્રામરાજે મહમૂદ ગઝનવીના અનેક હુમલા પાછા હઠાવ્યા ને પોતાના મંત્રી તુંગને મુસ્લિમ આક્રમણ સામે સાહી ત્રિલોચનપાલને મદદ કરવા મોકલ્યો હતો. રાજા હર્ષરાજ સ્વયં વિદ્યાપુરુષ હતો. એણે કાશ્મીરમાં શિરોવસ્ત્ર અને કાનની કડીઓ પહેરવાનો રિવાજ દાખલ કર્યો. ઈ. સ. 1101માં હર્ષની સત્તા લોહરવંશની ગૌણ શાખાના બે ભાઈઓ ઉચ્છલ અને સુસ્સે ઉથલાવી પાડી. ઉચ્છલે પોતાના ભાઈ સુસ્સલને લોહરવંશનો સ્વતંત્ર રાજા બનાવ્યો. ઉચ્છલના મૃત્યુ પછી સુસ્સલે ડામરોની મદદથી ઈ. સ. 1112માં સમગ્ર કાશ્મીરની ગાદી કબજે કરી. આ વંશનો છેલ્લો રાજા વંતિદેવ (ઈ. સ. 1165-72) હતો ને એના મૃત્યુ પછી લોકોએ વુપ્પદેવને ગાદીએ  બેસાડ્યો. આ વંશની સત્તા ઈ. સ. 1339માં કાશ્મીરમાં મુસ્લિમ સત્તા સ્થપાતાં સુધી ટકી રહી.

પ્રવીણચંદ્ર પરીખ