લોલ્લટ : નવમી સદીમાં થઈ ગયેલા કાશ્મીરી આલંકારિક અને ટીકાકાર. ભરત મુનિના ‘નાટ્યશાસ્ત્ર’ પર સંસ્કૃતમાં ટીકાના રચયિતા તરીકે લોલ્લટ જાણીતા છે. કમનસીબે તેમની એ ટીકા ઉપલબ્ધ નથી. ફક્ત અનુગામી ટીકાકારોએ તેમના મતોનું ખંડન કરવા આપેલાં તેમની ટીકાનાં ઉદ્ધરણો જ આપણને મળે છે. મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ‘સંકેત’ નામની ટીકા લખનારા માણિક્યચંદ્રે લોલ્લટે ‘રસવિવરણ’ નામનો ગ્રંથ રચ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તે ગ્રંથ પણ અપ્રાપ્ય છે. પુણેના આનંદાશ્રમમાં ‘શ્રાદ્ધપ્રકરણ’ નામના ગ્રંથની હસ્તપ્રત છે, એના લેખક લોલ્લટાચાર્ય આ જ લેખક હશે એ કહેવું મુશ્કેલ છે. આચાર્ય હેમચંદ્રે લોલ્લટના નામે બે શ્ર્લોકો રજૂ કર્યા છે તે બે શ્ર્લોકો રાજશેખરે આપરાજિતીના નામે આપ્યા છે. તેથી લોલ્લટનું બીજું નામ આપરાજિતી હોવાનો તર્ક ડૉ. રાઘવન્ જેવા કેટલાક વિદ્વાનોએ કર્યો છે. વૃત્તિઓ અને નાટ્યના 11 મુદ્દાઓ વિશે આચાર્ય ઉદભટના મતનું ખંડન લોલ્લટે કર્યું એટલે 810 પછી લોલ્લટનો સમય નક્કી થઈ શકે. જ્યારે લોલ્લટના રસનિષ્પત્તિ વિશેના મતનું ખંડન શંકુક 900 અને અભિનવગુપ્ત 1000માં કરે છે તેથી તેમનો સમય નવમી સદીનો સિદ્ધ થાય છે. વળી આચાર્ય અભિનવગુપ્તે ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પરની પોતાની ‘અભિનવભારતી’ નામની ટીકાના અધ્યાય 6, 12, 13, 18, 21 વગેરેમાં લોલ્લટના મતો ઉલ્લેખ્યા છે. રસો અનેક હોવાના અને અનુસંધિ, ધ્રુવા, તાલ તથા કક્ષ્યા વિશે લોલ્લટના મતો અભિનવે ઉદ્ધૃત કર્યા છે.

લોલ્લટ અભિધાના દીર્ઘદીર્ઘતર-વ્યાપારવાદને માનનારા મીમાંસકોનો રસની નિષ્પત્તિ એ રસની ઉત્પત્તિ છે એવો મત સ્વીકારે છે. આ ઉત્પત્તિવાદની માન્યતા મુજબ વિભાવાદિનો સ્થાયી ભાવ સાથે સંયોગ થતાં રસની ઉત્પત્તિ થાય છે, વિભાવો રસનાં કારણો છે, વિભાવ દ્વારા સ્થાયી ભાવની ઉપચિત અવસ્થાનું નામ રસ છે, આ રસ મૂલત: અનુકાર્ય રામાદિ પાત્રોમાં રહેલો હોય છે, પરંતુ રૂપાદિના અનુસંધાનથી અનુકર્તા નટમાં પણ રહેલો હોય છે. આમ રસની નિષ્પત્તિ એ રસની ઉત્પત્તિ કે પુદૃષ્ટિ છે એવી લોલ્લટના મતની સમજ અભિનવે આપી છે.

આચાર્ય મમ્મટે લોલ્લટના પ્રસ્તુત મતને આ રીતે રજૂ કર્યો છે :

આલંબન અને ઉદ્દીપન-વિભાવોના કારણે ઉત્પન્ન થતા રતિ વગેરે સ્થાયી ભાવ અનુભાવો રૂપી કાર્યોથી પ્રતીતિને યોગ્ય બની વ્યભિચારી ભાવો એ સહકારીઓથી ઉપચિત થઈ રસનું રૂપ ધારણ કરે છે. તે મુખ્યત્વે અનુકાર્યમાં રહે છે, પરંતુ અનુસંધાનના લીધે નટમાં પણ પ્રતીયમાન થાય છે.

અહીં ‘કાવ્યપ્રકાશ’ના જાણીતા ટીકાકાર ગોવિંદ ઠક્કુર એમ જણાવે છે કે નટમાં અનુકાર્યની તુલ્યતાના અનુસંધાનના કારણે સામાજિક નટ પર અનુકાર્યનો આરોપ કરે છે અને સામાજિકને ચમત્કૃતિનો અનુભવ થાય છે. આથી તેને ‘આરોપવાદ’ એવું નામ પણ આપવામાં આવ્યું છે.

લોલ્લટના મતમાં ‘સંયોગ’ શબ્દ ત્રણ અર્થોમાં છે : સ્થાયી ભાવ વિભાવ સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકસંબંધથી ઉત્પન્ન થાય છે. અનુભાવ અનુમાપ્ય-અનુમાપકસંબંધથી તેની અનુમિતિ કરાવે છે. જ્યારે સંચારી ભાવ પોષક-પોષ્યસંબંધથી તેની રસરૂપમાં પુદૃષ્ટિ કરે છે. મૂળ અનુકાર્યમાં રસ રહેલો હોય છે તે નટના કૌશલપૂર્ણ અભિનયના કારણે સામાજિક તેના પર અનુકાર્યનો આરોપ કરે છે.

ગુજરાતના આલંકારિક આચાર્યો રામચંદ્ર અને ગુણચંદ્ર તેમના સંયુક્ત ગ્રંથ ‘નાટ્યદર્પણ’માં સુખદુ:ખાત્મક રસની વિશદ ચર્ચા કરે છે. તેમના પર લોલ્લટના મતની ઘેરી અસર છે. તેમણે રસની સુખદુ:ખાત્મકતાની સ્થાપના આ જ બળ પર કરી છે. નાટકાદિમાં રહેલા રસને લોલ્લટ વગેરે મૂળ રામાદિગત જ માને છે, પરંતુ અનુસંધાનના બળથી રસ અનુકર્તા એવા નટમાં પણ સંભવે છે. આમ ‘स्थायी एव रस’ની પરંપરામાં લોલ્લટનું નામ મુખ્ય છે અને તેનાં મૂળ ભરતના ‘નાટ્યશાસ્ત્ર’માં છે જ. પોતાના આવા વિશિષ્ટ મતોને લીધે આચાર્ય લોલ્લટ ટીકાલેખક હોવા છતાં મૌલિક ગ્રંથકાર જેવું જ માન મેળવે છે.

પારુલ માંકડ, પ્ર. ઉ. શાસ્ત્રી