લોલિતકર, સુદેશ શરદ (જ. 30 ડિસેમ્બર 1964, રામનાથી પોન્ડા, ગોવા) : કોંકણી અને મરાઠી કવિ, ફિલ્મનિર્માતા, નિર્દેશક અને પટકથા-લેખક. 1996માં તેઓ ગોવા ફિલ્મ અકાદમીના અધ્યક્ષપદે રહ્યા. તેમણે મુંબઈ અને પણજી દૂરદર્શન કેન્દ્રો અને આકાશવાણી પરથી પ્રસારિત કાર્યક્રમોમાં ભાગ લીધો. તેમણે સર્વ પ્રથમ કોંકણી દૂરદર્શન-નાટક ‘આવોય’ અને દૂરદર્શન-ચલચિત્ર ‘જૈત’નું નિર્દેશન કર્યું.

તેમની માતૃભાષા મરાઠી-કોંકણી છે. તેમણે ત્રણ ગ્રંથો આપ્યા છે : ‘અભોગત’ (1987), ‘અવતરણ’ (1997)  બંને મરાઠી કાવ્યસંગ્રહો છે, જ્યારે ‘પૈસ’ (1990) તેમનો કોંકણી કાવ્યસંગ્રહ છે.

તેમના સાહિત્ય તેમજ કલાક્ષેત્રના પ્રદાન બદલ તેમને 1987માં બા. ભ. બોરકર ઍવૉર્ડ, 1989માં કાવ્યસંગ્રહ માટે અનંત કાણેકર ઍવૉર્ડ, 1990માં કોંકણી ભાષા મંડળ સાહિત્ય પુરસ્કાર, 1994-95માં કલા અકાદમીનો સાહિત્ય પુરસ્કાર મળ્યા છે. વળી ગોમાન્તક સાહિત્ય સેવા મંડળ, પણજી કલ્ચરલ સેન્ટર ઑવ્ ગોમાન્તક, મરાઠી અકાદમી તથા કોંકણી ભાષા મંડળ તરફથી પણ તેમને સન્માનવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા