લોરિયા-નંદનગઢ (જિ. ચંપારણ, બિહાર) : બૌદ્ધ પુરાવશેષોનાં કેન્દ્રો. આ બંને સ્થળેથી બૌદ્ધ ધર્મને લગતા પુરાવશેષો પ્રાપ્ત થયા છે. બેટ્ટઇથી 25 કિમી. દૂર ઉત્તરપૂર્વમાં આવેલ આ નગર બુદ્ધના સમયમાં ‘અલ્લકપ્પ’ કે ‘અલપ્પા’ નામે ઓળખાતું હતું. લોરિયા ગામેથી અશોકનો લેખયુક્ત એક શિલાસ્તંભ અને 15 સ્તૂપો પ્રાપ્ત થયા છે. આ સ્તૂપો ત્રણ હરોળમાં ગોઠવાયેલા છે. આ સ્તૂપો કાચી ઈંટો વડે બાંધેલા છે. ક્યાંક મહત્વની જગ્યાએ પાકી ઈંટો પણ વાપરવામાં આવી છે. 1905-1906માં આમાંના ચાર સ્તૂપોનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી દેવીનું ભાસ્કર્ય (આછું ઉપસાવેલું શિલ્પ) ધરાવતું સુવર્ણપત્ર મળી આવ્યું હતું. આ દેવી પૃથ્વીદેવી અને સ્તૂપો વેદકાલીન સ્મશાનગૃહો (સમાધિઓ) હોવાનું મનાયું હતું; પરંતુ 1935-36માં વધુ ખોદકામ થવાથી સ્તૂપની પાકી ઈંટો વડે બાંધેલી પીઠ મળી આવી હતી. ત્યારે આ બૌદ્ધ સ્તૂપો હોવાનું નક્કી થયું હતું. આ સ્તૂપો ઈ. પૂ. 300ના સમયના હોવાનું અનુમાન છે. લોરિયાના શિલાસ્તંભના શીર્ષ પર સિંહનું શિલ્પ છે.

લોરિયાના સ્તંભની નૈર્ઋત્યે 1.6 કિમી. દૂર નંદનગઢનો સ્તૂપ આવેલો છે. ત્યાંના એક મોટા ટીંબા(mound)નું ખોદકામ કરતાં તેના મથાળેથી 10.5 મીટર ઊંડાઈએથી આ સ્તૂપ તેના મથાળાની હર્મિકા સાથે પ્રાપ્ત થયો હતો. સ્તૂપની ઊંચાઈ 3.6 મીટર છે. તેનું તલમાન (ground plan) બહુકોણીય (polygonal) છે. નાના કદની થતી જતી પીઠિકાઓ પર આ સ્તૂપ બાંધવામાં આવ્યો છે. તેની બાંધણી ઇન્ડોનેશિયાના પ્રસિદ્ધ બોરોબુદુરના સ્તૂપને મળતી આવે છે. આ સ્તૂપ 1લી સદી કે તે પછીના સમયનો છે.

અહીં વૃજ્જિગણનાં આઠ કુલો પૈકીના બુલિય કુલની રાજધાની હતી. બૌદ્ધ તીર્થયાત્રાના માર્ગમાં આવેલ હોવાથી, મૌર્ય સમ્રાટ અશોકે પોતાના રાજ્યકાલના સત્તાવીસમા વર્ષે (ઈ. પૂ. 245માં) રાજ્યમાં મહત્વનાં સ્થળોએ શિલાસ્તંભો ઊભા કરાવી તેના પર છ ધર્મલેખો કોતરાવ્યા હતા તેમ અહીં પણ એક સ્તંભ ઊભો કરાવી તેની એક નકલ કોતરાવી હતી. લૌરિયા નંદનગઢ અશોકના આ પ્રસિદ્ધ સિંહસ્તંભને કારણે પ્રખ્યાત છે.

પ્રાચીન ભારતીય સ્થાપત્યકલાનો એક ઉત્કૃષ્ટ નમૂનો, લોરિયાનંદનગઢ

સ્તંભ તળિયાથી ટોચ સુધી 12.85 મીટર ઊંચો છે. તેની ટોચની સિંહનું શિલ્પ ધરાવતી 2 મીટર ઊંચી શિરાવટી દર્શનીય છે. પાછળના સમયમાં અહીં કોઈ હસ્તક્ષેપ થયેલો નહિ હોવાથી મૂળ સ્વરૂપ યથાવત્ જળવાઈ રહ્યું છે. એક જ અખંડ પથ્થરમાંથી ઘડેલ સ્તંભનો મુખ્ય ભાગ અશોકના અન્ય સ્તંભોની જેમ જ તદ્દન સાદો રખાયો છે, જેથી તેના પર લેખો સુગમતાથી કોતરી શકાયા છે. સ્તંભદંડ (shaft) ઉપરનું શીર્ષ કે શિરાવટી (capital) અલગ પથ્થરમાંથી ઘડી તેને દંડની ટોચ સાથે તાંબાના ખીલા (copper dowel) વડે એકબીજામાં સાલવવામાં આવેલ છે. શિરાવટીનો ઘાટ અધોમુખ પદ્માકાર સ્વરૂપનો છે. શિરાવટીની પડઘી પર આગલા બે પગ ઊભા રાખીને બેઠેલા સિંહની છટા તેના મૃગેન્દ્રપણાની સૂચક છે. ગોળાકાર પડઘીની બહારની સપાટી પર હંસપંક્તિ કંડારી છે. યદૃષ્ટિ પર શિલાલેખો કોતરવામાં આવ્યા છે, જેને 1837માં પ્રિન્સેપે ઉકેલ્યા હતા અને 1875માં કનિંગહામે અશોકના અન્ય શિલાલેખોની સાથે ‘કૉર્પસ ઇન્સ્ક્રિપ્શનમ ઇન્ડિકૅરમ’ના પ્રથમ ગ્રંથમાં પ્રગટ કર્યા હતા.

પ્રવીણચંદ્ર પરીખ, થૉમસ પરમાર