લોમશ : એક મહર્ષિ. શરીર પર ઘણા રોમ હોવાને લઈને એમનું લોમશ નામ પડેલું. એને અંગે અનુશ્રુતિ છે કે સો વર્ષો સુધી તેમણે કમળપુષ્પોથી શિવજીની પૂજા કરી હતી તેથી તેમને વરદાન મળેલું કે કલ્પાંતે તેમના શરીર પરથી કેવળ એક રૂંવાડું ખરશે. તેઓ હંમેશ તીર્થાટન કરતા મોટા ધર્માત્મા હતા. તીર્થાટન વખતે લોમશ ઋષિ પાસેથી યુધિષ્ઠિરે અનેક આખ્યાનો સાંભળ્યાં હતાં. તેમણે દુર્દમ રાજાને દેવી ભાગવતની કથા પાંચ વાર સંભળાવી હતી, જેનાથી રાજાને રેવત નામનો પુત્ર પ્રાપ્ત થયો હતો. તેમણે નર્મદાસ્નાનનો નિર્દેશ આપીને પિશાયયોનિ ભોગવતી ગંધર્વકન્યાઓનો ઉદ્ધાર કર્યો હતો. લોમશ ઋષિએ ‘લોમશસંહિતા’ અને ‘લોમશશિક્ષા’ નામના બે ગ્રંથો લખ્યાનું મનાય છે. ‘લોમશ રામાયણ’ પણ એમની રચના હોવાનું મનાય છે.

પ્રવીણચંદ્ર પરીખ