લોદી, ખાનજહાં : હિંદના મુઘલ સમ્રાટ જહાંગીર(1605-27)ના સમયનો મહત્વનો અફઘાન સેનાપતિ. જહાંગીરના રાજ્યકાલના અંત-સમયે તેને મહોબતખાનની જગ્યાએ દક્ષિણના સૂબા તરીકે મોકલવામાં આવ્યો હતો. દક્ષિણનો સૂબો બન્યા પછી ખાનજહાં લોદીએ અહમદનગરના નિઝામશાહ પાસેથી ત્રણ લાખ રૂપિયા લઈને તેને બાલાઘાટનો પ્રદેશ સોંપી તેની સાથે સમજૂતી કરી હતી. ઈ. સ. 1627ના ઑક્ટોબરમાં જહાંગીરના અવસાન પછી શાહજહાંના (1627-58) પ્રતિનિધિનું અપમાન કરી તેણે શાહજહાંનો રોષ વહોર્યો હતો. ખાનજહાંએ બુરહાનપુરથી માંડુ જઈને ત્યાંનો કિલ્લો કબજે કર્યો. પરંતુ એના રાજપૂત સરદારો નાસી જતાં એણે મુઘલ સમ્રાટ શાહજહાંની શરણાગતિ સ્વીકારી. શાહજહાંએ એને માફી આપી બીડર અને ખાનદેશનો ગવર્નર બનાવ્યો તથા દક્ષિણના ગુમાવેલા પ્રદેશો પાછા મેળવવા એને સૂચના આપી. પરંતુ ખાનજહાંએ દક્ષિણમાં જવાનો ઇન્કાર કરતાં તેને માળવા મોકલવામાં આવ્યો.

ખાનજહાં લોદી જ્યારે શાહજહાંના દરબારમાં ગયો ત્યારે તેને ઠંડો આવકાર મળ્યો. તેથી તેને અપમાન જેવું લાગ્યું. તેને પોતાની સલામતી પણ ભયમાં લાગી. એને પકડીને એનું અપમાન અથવા સજા કરવામાં આવશે એવું લાગતાં એણે છૂપી રીતે આગ્રા છોડ્યું. પરંતુ સમ્રાટના લશ્કરે પીછો કરીને ધોળપુર પાસે એને અને એના અફઘાન સરદારોને ઘેરી લીધા. એના સૈનિકો લડતનું મેદાન છોડી નાસી ગયા. ખાનજહાં ચંબલ નદી પાર કરીને પોતાના બે પુત્રો તથા ચાર અફઘાન સાથીદારો સાથે ગોંડવાણા ગયો. ત્યાંથી બીડર થઈને અહમદનગર રાજ્યના પાટનગર દોલતાબાદ પહોંચ્યો. ત્યાંના નિઝામશાહ મુર્તઝા 2જાએ તેને બીર પરગણું અને જરૂરી નાણાં આપ્યાં.

સમ્રાટ શાહજહાં ખાનજહાં લોદીના આ બળવાની ગંભીરતા સમજતો હતો. તેથી તેણે પોતે લશ્કરની આગેવાની લઈને ખાનજહાંનો પીછો કર્યો. ખાનજહાંની પાછળ તેણે પણ નર્મદા નદી પાર કરી. આ બળવા દરમિયાન મુઘલો અને અફઘાનો બંનેને ઘણું નુકસાન થયું. ખાનજહાં બીર છોડીને શિવગાંવ ગયો અને શિવગાંવથી દોલતાબાદ ગયો. પરંતુ ત્યાંના નિઝામશાહે તેને આવકાર કે મદદ ન આપ્યાં. તેથી પંજાબ જવાના આશયથી તેણે દોલતાબાદ છોડ્યું.

મુઘલ લશ્કર માળવા તરફ તેની પાછળ પડ્યું. તે કલિંજરના કિલ્લા તરફ ગયો. ત્યાંથી નાસી સિંધુ નદી સુધી પહોંચ્યો. પરંતુ કાયરની માફક મરવાને બદલે વીર યોદ્ધાની માફક મરવાનું પસંદ કરી એ પાછો ફર્યો અને તેનો પીછો કરનાર મુઘલ સૈન્ય પર તૂટી પડ્યો. પરિણામે યુદ્ધમાં લડતાં લડતાં તેનું અને તેના બે પુત્રોનું ઈ. સ. 1631માં ઉત્તર પ્રદેશમાં આવેલ સિહોન્દામાં મૃત્યુ થયું. અબ્દુલ્લાખાને તેના મસ્તકને મુઘલોના શાહી દરબારમાં મોકલ્યું. ખાનજહાં લોદી એ રીતે લગભગ 16 માસ સુધી મુઘલોનો સામનો કરી અંતે લડતાં લડતાં મૃત્યુ પામ્યો. તેના બળવાને કારણે તેનો અને તેને સાથ આપનાર દક્ષિણના સ્વતંત્ર અહમદનગર રાજ્યનો અંત આવ્યો.

મુગટલાલ પોપટલાલ બાવીસી