લોણાર ઉલ્કાગર્ત

January, 2005

લોણાર ઉલ્કાગર્ત : મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં, ઔરંગાબાદથી આશરે 145 કિમી. પૂર્વમાં લોણાર (લોનાર) નામના એક નાના ગામની પાસે આવેલું ખારા પાણીનું એક વિશાળ ગોળ આકારનું જ્વાળામુખ જેવું છીછરું તળાવ. આ તળાવ જેમાં આવેલું છે તે વાટકા જેવા પાત્રની બધી જ બાજુઓ બેસાલ્ટના મોટા ખડકજથ્થાઓની બનેલી છે. દખ્ખણના બેસાલ્ટ-ઉચ્ચ સપાટ પ્રદેશમાં આવેલું આ રકાબી આકારનું તળાવ સમુદ્રની સપાટીથી આશરે 476 મીટરની ઊંચાઈએ 19° 58´ ઉત્તર અક્ષાંશ અને 76° 31´ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેનો વ્યાસ અંદાજે બે કિલોમીટર અને ઊંડાઈ આશરે 150 મીટર છે. તેની ફરતે ઊપસેલી કિનાર(ધાર)ની ઊંચાઈ આશરે 20 મીટર છે.

વૈજ્ઞાનિકો એવું માને છે કે આજથી પચાસેક હજાર વર્ષ પહેલાં આ સ્થળે અતિ વેગે ધસી આવતા કોઈ વિશાળ ઉલ્કાપિંડ કે ઉલ્કાપાષાણ (meteorite) પડવાથી આ કુંડ બન્યો છે. જો આમ હોય તો દુનિયાનું આ એકમાત્ર આગ્નેય કે બેસાલ્ટી ઉલ્કાપિંડ-કુંડ (basaltic meterorite crater) છે. મતલબ કે બેસાલ્ટના ખડકોમાં ઉલ્કાપિંડ વડે બનેલું પૃથ્વી પરનું આ એકમાત્ર તળાવ છે. કેટલાક સંદર્ભોમાં કરવામાં આવેલા દાવાઓ અનુસાર પૃથ્વી પરના મોટા ઉલ્કાપિંડ-વિવરો કે કુંડોની યાદીમાં લોણારનો ક્રમાંક પાંચમો, અને ખારા પાણીના મોટાં સરોવરોમાં ત્રીજો આવે છે.

બેસાલ્ટમાં બનેલા આ સરોવરની બીજી ખાસિયત છે તેની લવણતા (salinity) અને આલ્કલીયતા કે ક્ષારતા (alkalinity). આ અર્થમાં તે લવણ સરોવર છે. તેનું પાણી સમુદ્ર કરતાં પણ વધારે લવણતા ધરાવે છે. તેનું પીએચ (pH) મૂલ્ય સરેરાશ લગભગ 12.5 જણાયું છે. ક્ષારતાવાળા આ પાણીનો મુખ્ય ઘટક સોડિયમ કાર્બોનેટ છે અને તેની સાથે ઠીક પ્રમાણમાં સોડિયમ ક્લોરાઇડ પણ મળી આવે છે. વળી અહીં મીઠા પાણીના ઝરા પણ છે. આવો એક ભૂમિગત ઝરો જ્યાંથી નીકળે છે તે ગોમુખ છે. તેની આસપાસ ઘણાં પ્રાચીન મંદિરો આવેલાં છે. ગામના લોકો અહીંથી પીવાનું પાણી મેળવે છે. આથી આ સરોવર અને તેની આસપાસના પ્રદેશમાં મીઠાં તેમજ ખારાં એમ બંને પાણી પર નભતી સજીવસૃદૃષ્ટિ જોવા મળે છે. પરિણામે અહીંનાં પશુપંખીઓ અને વનસ્પતિઓના અભ્યાસમાં પ્રકૃતિપ્રેમીઓ અને પરિસ્થિતિશાસ્ત્રીઓ(ecologists)ને વિશેષ રસ પડે છે.

આમ તો લોણારનું મહત્વ સમજાવતા ઘણા પુરાણા ઐતિહાસિક સંદર્ભો મળે છે; પરંતુ સામાજિક, આર્થિક અને ધાર્મિક પાસાંઓને આવરી લેતા વ્યવસ્થિત ઉલ્લેખો તો બારમી સદી પછીના જ મળે છે. એક કાળે આ વિસ્તાર સમ્રાટ અશોકની હકૂમતના એક ભાગ રૂપે હતો, જે પછી સાતવાહનના તાબા હેઠળ આવ્યો. તે પછી ચાલુક્ય અને રાષ્ટ્રકૂટ સામ્રાજ્યનો પણ તે ભાગ બન્યો હતો.

ઈશાન તરફથી આવેલો ઉલ્કાપિંડ ક્યાં અથડાયો તે તીર દ્વારા બતાવ્યું છે. ઝરણાં, ગર્તની-પાળની ઊંચાઈ, પરિસરનાં મંદિરો, પુરાવશેષો પણ દર્શાવ્યાં છે.

ધાર્મિક પ્રવૃત્તિઓના એક મહત્વના કેન્દ્ર ઉપરાંત, મુઘલ, યાદવ, નિઝામ અને બ્રિટિશ રાજ્યકાળ દરમિયાન લોણાર ગામ વેપાર-ધંધાનું પણ મોટું કેન્દ્ર રહ્યું હતું. આ ગામને લગતા અલ્પ ઉલ્લેખો મહાનુભવ સંપ્રદાય(Mahanubhava sect)ના સાહિત્યમાંથી અને થોડીક માહિતી આઇને-અકબરી તવારીખમાંથી પણ મળે છે. મધ્યયુગમાં આ ગામ અહીંનાં દર્પણ, સાબુ અને મીઠા માટે પ્રસિદ્ધ હતું. આઇને-અકબરી મુજબ અહીંથી કાચ બનાવવા માટેનો કાચો માલ પુષ્કળ પ્રમાણમાં મળતો હતો. સમ્રાટ અકબર અહીં બનતા સાબુનો ભારે આસક્ત હતો. એક સમયે અહીંયાં મીઠું બનાવવાની એક ફૅક્ટરી પણ હતી. શાહજહાં, નાનાસાહેબ પેશ્ર્વા અને પેશ્ર્વા રાજા ચંદુમલે લોણારની મુલાકાત લીધી હતી. હૈદરાબાદના પ્રધાને પણ લોણારની મુલાકાત લઈને અને આ સ્થળનું ધાર્મિક મહત્વ સમજીને અહીંના ધાર્મિક ટ્રસ્ટને હનુમાનની એક મૂર્તિ પણ દાન કરી હતી.

લોણાર સરોવર અંગે ગંભીરતાથી નોંધ લેનારાઓમાં ઍલેક્ઝાન્ડર નામે અંગ્રેજ અમલદાર કદાચ પહેલો હતો. સન 1823માં તેણે આ સરોવરની મુલાકાત લીધી હતી. તે પછી વૈજ્ઞાનિકોને તેમાં રસ પડ્યો હતો. 1853 પછી આ પ્રદેશ બ્રિટિશ સલ્તનત હેઠળ આવ્યો હતો. આ કુંડનો વ્યવસ્થિત અને વિગતવાર અભ્યાસ કર્નાલ મૅકેન્ઝી નામના લશ્કરી અધિકારીએ કર્યો હતો. જોકે આ કુંડ બનવા માટેનો તેણે રજૂ કરેલો વાદ આજે અપ્રસ્તુત બની ગયો છે. તે પછી 1896માં જી. કે. ગિલ્બર્ટ નામના અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીએ અભ્યાસ કરીને એવું તારણ કાઢ્યું કે લોણાર સરોવર ઉલ્કાપિંડની અથડામણને કારણે બન્યું છે; પણ કાળાંતરે આ વાત ભુલાઈ ગઈ. તેનું પ્રમાણ બુલઢાણા જિલ્લાનું સરકારી વૃત્તપત્ર (ગૅઝેટ) છે. સન 1976ના આ ડિસ્ટ્રિક્ટ ગૅઝેટિયરમાં લોણાર કુંડ, ઉલ્કાપિંડથી બન્યો હોવાની બાબતનો કોઈ ઉલ્લેખ જ નથી.

બ્રિટિશ સલ્તનતના કાળ પછી ઘણાં વર્ષો બાદ, ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ વિભાગ જિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા (GSI), યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વે (USGS) અને બીજી કેટલીક એજન્સીઓએ કે. ફ્રેડરિક્સનની દેખરેખ હેઠળ કાલનિર્ધારણની આધુનિક પદ્ધતિઓથી પુરવાર કર્યું કે આ સરોવર પચાસ હજાર વર્ષ પુરાણું છે. આ પ્રદેશનો અભ્યાસ ઉપગ્રહોથી પણ કરવામાં આવ્યો છે. ઉપગ્રહોથી મેળવાયેલા ફોટાઓના વિશ્ર્લેષણ પછી ભારત અને અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીઓએ પણ સરોવરની વય લગભગ આટલી જ હોવાનું સ્વીકાર્યું છે.

જિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા, યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વે અને સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ સર્વેક્ષણ કર્યા પછી આ કુંડ ઉલ્કાપિંડને કારણે બન્યો હોવાની વાતનું સમર્થન કર્યું છે. તેમનાં પરિણામો 1973માં પ્રસિદ્ધ થયેલાં. તે પછી 1979માં જિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાએ યુનાઇટેડ સ્ટેટ્સના સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂટના સહકારથી લોણાર વિવરની સવિસ્તર માપણી કરીને તેનાં ચોક્કસ માપ પણ લીધેલાં.

જિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા દ્વારા સન 1978માં લોણારને અજોડ રાષ્ટ્રીય સ્મારક તરીકે માન્યતા આપતી એક તકતી પણ અહીં મૂકેલી જોઈ શકાય છે.

આ સરોવરના ઉદભવ અંગે જે વિવિધ વાદ રજૂ કરવામાં આવ્યા છે, તેમાંના મુખ્ય ત્રણ તે : (1) લોણાર મૃત કે વિલુપ્ત થયેલો જ્વાળામુખી (extinct volcano) છે. (2) બીજો મત એવો છે કે આ પ્રદેશ ઊંચો થઈને વચ્ચે ખાડો ધરાવતો બન્યો છે તેનું કારણ ભૂ-જ્વાળામુખી-સક્રિયતા (geo-volcanic activity) છે. પાછળથી ઠંડો પડતાં તેની છત તૂટી જઈને નીચે આવી જતાં કુંડ રચાયો છે. (3) ત્રીજો મત એવો છે કે આ ગર્ત આજથી આશરે પચાસ હજાર વર્ષ પહેલાં કલાકના 90,000 કિમી.ના વેગથી પૃથ્વી પર આવી પડેલી એક ઉલ્કાને કારણે રચાયો છે. એટલે કે તે ઉલ્કાપિંડ વિવર કે ગર્ત (meteorite crater) છે.

ધી ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જિયોમૅગ્નિટિઝમના વૈજ્ઞાનિકોએ સન 2003માં લોણાર કુંડ અંગે નવેસરથી અભ્યાસ શરૂ કર્યો છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અંગે સંશોધન કરતાં આ સંસ્થાના કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે આ કુંડ કદાચ જ્વાળામુખી ફાટવાને કારણે બન્યો હોય. આ બાબતે તેઓ નક્કર પુરાવા એકઠા કરવા ઇચ્છે છે. જોકે મોટાભાગના વૈજ્ઞાનિકો છેલ્લા વાદનું સમર્થન કરે છે. જો આ કુંડ જ્વાળામુખી ફાટવાથી બન્યો હોય તો તેનો આકાર રકાબી જેવો નહિ પણ એક ઊંચા અને મોટા નળાકાર જેવો હોત. તે નળાકારનું મોટું મુખ પણ હોત. વળી કુંડની આજુબાજુની ધરતી ખરબચડી અને ઊબડખાબડ હોત. હકીકતમાં લોણારનો કુંડ નળાકાર પણ નથી અને ચોપાસની જમીન ઊબડખાબડ પણ નથી. આ તમામ કુદરતી પરિબળો દર્શાવે છે કે આ કુંડ કોઈ અવકાશી પદાર્થ પૃથ્વી પર પડવાથી જ બન્યો છે.

વળી ભારતીય દ્વીપકલ્પ(Indian peninsula)માં લોણાર વિવરના ઉદભવ પહેલાં જ, ઘણા સમય પહેલાં જ્વાળામુખી-સક્રિયતા સ્થગિત થઈ ગઈ હતી. એટલે તે જ્વાળામુખી સક્રિયતાથી બન્યો હોવાનું સ્વીકારવું પણ મુશ્કેલ છે. વળી સરોવરની ઊપસેલી કિનાર (ધાર) પાસેના વિસ્તારમાંથી મળી આવતી કાચની અણિયાળી કરચો(ચિપ)ના કટકાઓ, એપૉલો અંતરિક્ષયાત્રીઓએ ચંદ્ર પરથી લાવેલા નમૂનાઓને બહુ મળતા આવે છે. વિવરને તળિયે વિવિધ સ્તરે 100 મીટર ડ્રિલિંગ કરીને મેળવવામાં આવેલા નમૂનાઓના અભ્યાસે પણ સૂચવ્યું છે કે આ વિવર (કુંડ) ઉલ્કાપિંડ વડે બનેલો છે.

આવાં કારણોથી મોટાભાગના ખગોળશાસ્ત્રીઓ ઉપર્યુક્ત છેલ્લા વાદના સમર્થક છે અને એવું માને છે કે ભૂતકાળમાં અત્યંત વેગથી ધસી આવેલ ઉલ્કાશ્મ કે ઉલ્કાપાષાણ અથવા ઉલ્કાપિંડ-(meteorite)ની પૃથ્વી સાથેની અથડામણને કારણે આ ખાડો પડ્યો છે. આ ઉલ્કાપિંડનો વ્યાસ લગભગ 60 મીટર અને વજન આશરે દસેક લાખ ટન જેટલું હોવાનું માનવામાં આવે છે. એક અંદાજ મુજબ આ અથડામણ વખતે આજના છ-મેગાટન પરમાણુ (ઍટમ) બૉમ્બના વિસ્ફોટ વખતે થાય તેટલી ઊર્જા ઉત્સર્જિત થઈ હોવી જોઈએ. આ ધક્કાથી ખડકો 20 મીટર જેટલા ઊંચા ઊછળ્યા હશે અને 170 મીટર ઊંડો અને પેદા થયેલા ભીષણ ઘર્ષણ અને ઉષ્માને લઈને ઉલ્કાપિંડના મૂળ કદ કરતાં વધુ, એટલે કે આશરે 1.8 કિમી. વ્યાસનો મોટો કુંડ રચાયો હશે. અથડામણથી ધૂળનું મોટું વાદળ રચાયું હશે અને ઉલ્કાપિંડ ધરતીમાં ઊંડે સુધી ખૂંપી જઈને એક બોગદા જેવું બની ગયું હશે. તે પછી હજારો વર્ષોના સમયગાળા દરમિયાન પવન અને પાણીએ શિલ્પીની ભૂમિકા ભજવી અને આ ખાડાને પાણીથી ભરેલા સુંદર કુંડમાં ફેરવી નાખ્યો છે. અહીંના ઝરાઓએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. અસ્ખલિત વહેતા ભૂગર્ભીય ઝરાઓને લીધે સરોવર ભાગ્યે જ સુકાય છે. ઈ. સ. 1877ના દુકાળ સમયે તત્કાલીન સરકારે ગંગા ભોગાવતી વિરજ ધારા નામના મીઠા પાણીના ઝરાનું ઊગમસ્થાન શોધવા ખોદકામ કરાવ્યું હતું. પરંતુ તે પ્રયત્ન વ્યર્થ ગયો હતો. વળી આવાં ચેડાં કરવાથી ઝરો વહેતો અટકી જશે તેવા ભયથી આ ખોદકામ પાછળથી અટકાવી દેવાયેલું. ઘણા લાંબા સમયથી પાણીના આવા નિરંતર વહેતા ઝરાઓએ ભૂમિના લવણો-ક્ષારોને ઓગાળી ઓગાળીને પાણીમાં ભેળવી દેવાનું કામ કર્યું છે. વળી કટોરા જેવા આકારના પાત્રને તળિયે બનેલા સરોવરમાંથી પાણી બહાર નીકળવાનો કુદરતી કોઈ માર્ગ ન હોવાથી અને ભરાયેલા પાણીનું સતત બાષ્પીભવન થતું હોવાથી પાણી ક્રમશ: લવણીય (ખારું) બનતું ગયું. આમ પાણીના ઝરાઓ અને બાષ્પીભવનને કારણે આજે તો સરોવરનું પાણી-ખરસૂરું-ખારાશ પડતું બની ગયું છે.

વૈજ્ઞાનિકો એવું અનુમાન કરે છે કે ઉલ્કાપિંડ આજના લોણાર સ્થળે આકાશમાંથી અલ્પ કે નિમ્નકોણથી ઈશાન દિશામાંથી આવીને અથડાયો હશે અને પછી સહેજ ફંટાઈને કુંડની અગ્નિધાર તરફ જઈને અન્ત:સ્થિત (imbeded) થતો કુંડની સપાટીથી 600 મીટર નીચે કાયમ માટે જડાઈ ગયો હોવો જોઈએ. ભૂસ્તરશાસ્ત્રીઓ અને ખગોળવિદો માને છે કે જો યોગ્ય જગ્યાએ ધરતીમાં ઉત્ખનન કરવામાં આવે તો અવકાશમાંથી આવી પડેલો આ ઉલ્કાપિંડ કે તેના ભાગ મળી આવે. જોકે આ કામ ઘણું ખર્ચાળ છે અને એનાં પરિણામોથી તત્કાલીન કોઈ બીજો ફાયદો થાય તેમ ન હોવાથી ભારત સરકારને આ કામમાં ઝાઝો રસ નથી.

ઉલ્કાપિંડ કુંડોની વિશિષ્ટતા એ છે કે તેમના વિશે ઘણી રસપ્રદ પૌરાણિક કથાઓ પ્રચલિત હોય છે. લોણાર સરોવર સાથે પણ આવી કેટલીક દંતકથાઓ સંકળાયેલી છે. વળી અહીં ઘણાં મંદિરો આવેલાં છે જેમાંનાં મોટાભાગનાં ખંડિયેર બની ગયાં છે. પણ તે દરેક સાથે કોઈક ને કોઈક આખ્યાયિકા સંકળાયેલી છે. દંતકથા કહે છે કે ભીમે આ સરોવરમાં સ્નાન કર્યું હતું. 1976માં બુલઢાણા ડિસ્ટ્રિક્ટ ગૅઝેટિયરમાં આ સરોવરની ઉત્પત્તિ અંગે બે કથાઓ જોવા મળે છે. આ કથાઓ મુખ્યત્વે લોણાસુર (કે લવણાસુર) નામના દાનવ કે જેના પરથી આ સરોવર અને ગામનું નામ પડ્યું છે, તેની સાથે સંકળાયેલી છે.

આવી એક કથા સ્કંદપુરાણમાં ટાંકેલી છે. આ ગ્રંથમાં જણાવ્યા મુજબ, કોઈ કાળે લોણાસુર નામે એક રાક્ષસ અહીં રહેતો હતો. તેનું ઘર ગુફામાં હતું અને તે તેમાં છુપાઈને રહેતો હતો. આ ભૂમિગત ગુફામાંથી અવારનવાર બહાર આવીને આસપાસના ગામલોકોને રંજાડતો હતો. દેવો સાથે પણ તે વારંવાર યુદ્ધ કરતો હતો. તે છુપાઈને રહેતો હતો અને ક્યાંથી આવતો હતો અને ક્યાં જતો હતો તે કળી શકાતું ન હતું. તેના ત્રાસથી છુટકારો પામવા ભગવાન વિષ્ણુએ દૈત્યસૂદન નામે સુંદર યુવાનનું રૂપ ધારણ કરી, રાક્ષસની બે બહેનોને પોતાના રૂપથી મોહિત કરીને, લોણાસુરનું છૂપું રહેઠાણ જાણી લીધું અને તેને ભૂમિમાંથી બહાર કાઢીને એક મોટો ખાડો બનાવીને દાટી દીધો. રાક્ષસનું આ ઘર તે આજનું લોણાર સરોવર. આ સરોવરથી આશરે 57 કિમી. દૂર નૈર્ઋત્યમાં શંકુ આકારની એક ટેકરી આવેલી છે. તેના પરના એક સ્થળે તે જે ગુફામાં સંતાઈને રહેતો હતો તેનું પ્રવેશદ્વાર હતું. ભગવાન વિષ્ણુએ પોતાના પગના અંગૂઠા વડે તેનું ઢાંકણું ખોલ્યું હતું. સરોવરનું પાણી તે લોણાસુરનું લોહી અને તેમાંની ખારાશ કે મીઠું તે રાક્ષસનું કોહવાઈ ગયેલું માંસ. લોણાર ગામમાં દૈત્યસૂદનનું મંદિર પણ આવેલું છે.

બીજી કથા એવી છે કે પૃથ્વી પરના લોકોને રંજાડતા લવણાસુરથી ભગવાન વિષ્ણુ ખફા થયા અને તેમના કોપથી બચવા લવણાસુર રાક્ષસ આ સરોવરમાં છુપાઈ ગયો.

લોણાર સરોવરની ઉત્પત્તિ માટેની બીજી કથા ‘લોણાર માહાત્મ્ય’ નામે ગ્રંથમાં જોવા મળે છે. કદૃશ્યપ નામના એક મુનિ રહેતા હતા અને તેમને અઢાર પત્નીઓ હતી. તેમના દીકરાનું નામ લવણાસુર હતું. તેને અમરત્વ જોઈતું હતું. આ માટે તેણે મહાદેવને પ્રસન્ન કરવા આકરી તપસ્યા કરી અને ભોળિયા મહાદેવ પાસેથી અમરત્વનું વરદાન મેળવ્યું. તેણે જે સ્થળે ધ્યાન ધર્યું તે આજનું લોણાર ગર્ત; પરંતુ તે જ સમયે આકાશમાંથી દેવવાણી થઈ કે લોણાસુર રાક્ષસનું મૃત્યુ પાંચ વર્ષના એક બાળકથી થશે. આ રાક્ષસની આવી શક્તિથી ભય પામીને, મહાદેવે પોતે જ બાળરૂપ ધારણ કરીને તેનો વધ કરી નાખ્યો, અને પછી કૈલાસ પર્વત પર રહેવા જતા રહ્યા.

પૃથ્વી પર લગભગ દરેક દેશમાં આવા ઉલ્કાગર્ત મળી આવ્યા છે. હિમાચલ પ્રદેશની સ્ટેટ કાઉન્સિલ ઑવ્ સાયન્સ, ટૅકનૉલૉજી ઍન્ડ ઍન્વાયરોનમેન્ટના એક કાળના વરિષ્ઠ વિજ્ઞાન અધિકારી ડૉ. શ્યામ સિંહ ચંદેલ, ખગોળશાસ્ત્રી અને ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના સ્થાપક અને તેના પ્રમુખ ડૉ. જે. જે. રાવલ વગેરે વૈજ્ઞાનિકોના માનવા અનુસાર ભારતમાં હિમાચલ પ્રદેશમાં આવેલું ખજિયાર તળાવ, સૌરાષ્ટ્રમાં આવેલો કેદારનાથનો ધરો અને મુંબઈનું બાણગંગા વગેરે પણ કદાચ ઉલ્કાપિંડ ગર્ત હોવાનો સંભવ છે.

આવા ગર્ત અંતરિક્ષમાંથી આવતા નાના નાના આકાશપિંડોથી બનેલા છે. પૃથ્વી જ નહિ, ચંદ્ર, બુધ, મંગળ, પ્લૂટો વગેરે ગ્રહો તથા ગ્રહોના ઉપગ્રહો પર પણ પુષ્કળ પ્રમાણમાં ઉલ્કાપિંડ ગર્ત જોવા મળે છે. પૃથ્વી પરના આવા ગર્તોને પાર્થિવ એટલે કે પૃથ્વી પરના (ભૌમિક કે સ્થળીય) ગર્ત (terrestrial craters) કહેવાય છે. લોણાર ઉલ્કાગર્ત કેટલીક બાબતે અન્ય ઉલ્કાગર્તથી જુદો પડે છે. એનું નિર્માણ મજબૂત એવા બેસાલ્ટના સ્તરોમાં થયેલું છે. આ ખડકો મોટેભાગે ઘણા સખત હોવાથી કાયમ અસલ સ્થિતિમાં રહે છે. બેસાલ્ટ ખડકોના આવા ગુણને કારણે તથા આ પ્રદેશ સૂકો હોવાથી આ કુંડ પર હવામાન, હવા, પાણી વગેરે જેવા કુદરતી ઘટકોની અસર ઓછી થાય છે. આથી ખવાણ કે ઘસારો પ્રમાણમાં નહિવત્ કહી શકાય તેવો હોવાથી તેનાં ભૌતિક લક્ષણો આટલા કાળ પછી પણ જળવાઈ રહ્યાં છે. એટલે આવા ઉલ્કાપિંડ કુંડોનો અભ્યાસ તેના ઉદભવકાળની ઘણી બાબતો પર પ્રકાશ પાડે છે. આવું નહિ સરખું ખવાણ તેને ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ઉલ્કાગર્તોથી અલગ પાડે છે. આ ઉલ્કાગર્તો ભૂસ્તરીય રીતે ઘણા જૂના અને ઘસારો પામેલા છે. આવા ઘસારો પામેલા પ્રાચીન ઉલ્કાગર્ત ઍસ્ટ્રોબ્લેમ કહેવાય છે.

ક્યારેક એવું બને છે કે ઉલ્કાપિંડ પૃથ્વી પર એક સ્થળે પછડાઈને તૂટે છે અને તેમાંનો કોઈ મોટો ટુકડો કે એકથી વધુ કટકાઓ ત્યાંથી પાછા ઊછળીને થોડેક દૂર ભૂમિ પર અથડાઈને બીજો વધારાનો ખાડો પાડી દે. ચંદ્રની સપાટી પર આવું બહુ જોવા મળે છે. આવા ગર્ત કદમાં નાના હોય છે અને તેમને ગૌણ કે દ્વિતીયક ટક્કરથી સર્જાતા ઉલ્કાગર્ત (secondary meteorite crater) કહેવાય છે. લોણારમાં પણ આવો એક ગર્ત (વિવર) જોવા મળે છે. કદાચ આ ગર્ત આવા જ કારણથી બન્યો હોય. આ ગર્તમાં બનેલા સરોવરનું નામ અંબર છે. અહીં નજદીકમાં આડા પડેલા હનુમાનજીની એક મૂર્તિ છે, જે ચુંબકીય પ્રભાવ ધરાવે છે અને તે તૂટેલા ઉલ્કાપિંડનો કટકો હોવાની સંભાવના છે. લોકવાયકા કહે છે કે રાવણ સાથેના યુદ્ધ પછી આરામ માટે હનુમાનજી અહીં આવ્યા હતા.

આશરે બે કિલોમીટર વ્યાસમાં પથરાયેલા લોણાર ઉલ્કાગર્ત અને તેના ઢોળાવ પર લોકો ઝૂંપડાં બાંધીને રહે છે. અહીંની જમીન ઘણી ફળદ્રૂપ છે. કુંડના તળેટી ભાગમાં આવેલી આશરે બાવન એકર જમીન પર આખું વર્ષ ખેતી થાય છે. શાકભાજી ઊતરે છે. તેમાં ફળોનાં ઝાડ, વાડી અને ખેતરો પણ છે. સીતાફળ, કેળાં, પપૈયાં વગેરે અહીં પુષ્કળ થાય છે. સુરખાબ (ફ્લેમિંગો) જેવાં પક્ષીઓ ઉપરાંત મોરની સંખ્યા બહુ મોટી છે. જળ-સ્થળનાં વિવિધ પંખીઓ, યાયાવર પંક્ષીઓ તથા વિવિધ પ્રાણીઓ જોવા મળે છે. પર્યટકો ઉપરાંત પર્યાવરણવાદીઓ, વનસ્પતિશાસ્ત્રીઓ, પ્રાણીશાસ્ત્રીઓ, પ્રકૃતિવિદો, ભૂસ્તરશાસ્ત્રીઓ, પુરાતત્વવિદો, ખગોળશાસ્ત્રીઓ વગેરે અભ્યાસ માટે અહીં અવારનવાર મુલાકાત લેતા હોય છે. એક કાળે અહીં ગાઢ જંગલ હતું અને વાઘ પણ જોવા મળતા હતા. લોણાર ગામની આસપાસ જોવા મળતા પુરાવશેષો પૈકીના કેટલાક તો ઈ. પૂ. 2500 કે તેથી પણ પહેલાંના કાળના હોવાનું માનવામાં આવે છે. અહીં બધું મળી 180થી પણ વધુ સંખ્યામાં શિલ્પાકૃતિઓ આવેલી છે. પ્રકૃતિવિદો દ્વારા સરોવરના ખારા પાણીમાં જોવા મળતાં વનસ્પતિઓ અને જળચરો ઉપરાંત આસપાસના ભૂમિપ્રદેશ પર થતી વનસ્પતિ, પ્રાણીસૃદૃષ્ટિનો અભ્યાસ અને સર્વેક્ષણ થતાં હોય છે. જેમ કે, પુણે ખાતે આવેલી વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ શાખાના એક વખતના ઑનરરી સેક્રેટરી વિજય પરાંજપે 1985ના એક અહેવાલમાં લખે છે કે લોણારની તેમની ત્રણ વખતની મુલાકાત દરમિયાન તેમણે પક્ષીઓની 80 જાતિઓ નોંધી છે. સમુદ્ર કરતાં પણ વધુ ખારાશ ધરાવતા આ સરોવરના પાણીમાં કેટલાક જીવો ઉત્ક્રાંત થયેલા હોવાનું મનાય છે. જિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા(GSI)ના પુણે સ્થિત વેસ્ટર્ન રિજિયૉનલ સ્ટેશનના વૈજ્ઞાનિકોએ કરોળિયાની ત્રણ દુર્લભ જાતિઓ અને વીંછીની બે જાતિઓ અહીંથી શોધી છે. પુણેના વનસ્પતિવિદ ડૉ. પી. કે. વાનિકરે 1996માં આ સરોવરમાંથી 14 પ્રકારની શેવાળ શોધી છે. સરોવરના ખારા પાણીમાં સ્પિરુલીના નામની ભૂરી લીલી શેવાળ બહુ જોવા મળે છે. વૈજ્ઞાનિકોના મતે આ શેવાળ પૌદૃષ્ટિક તત્વોથી ભરપૂર છે.

સુશ્રુત પટેલ