લૉત્રેમૉં, કૉંત દ

January, 2005

લૉત્રેમૉં, કૉંત દ (જ. 4 એપ્રિલ 1846, મૉન્ટિવિડિયો, ઉરુગ્વે; અ. 4 નવેમ્બર 1870, પૅરિસ) : મૂળ નામ ઇસિદોર-લૂસિયન દુકાસ. ફ્રેન્ચ કવિ અને રહસ્યમય ગૂઢ સાહિત્યના સર્જક. રિંબો, બૉદલેર અને પરાવાસ્તવવાદી (surrealist) કવિઓ પર તેમનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. પિતા એલચીકચેરી(consulate)માં એક અધિકારી હતા. પોતાનું તખલ્લુસ તેમણે યૂજીન સૂની ઐતિહાસિક નવલકથા ‘લૉત્રેમૉં’ના નાયકને ધ્યાનમાં લઈને રાખ્યું હોય તેમ લાગે છે. આ નાયક અત્યંત ઘમંડી સ્વભાવનો, બળવાખોર અને ઈશ્વરનો નિંદક હોય છે. ફ્રેન્ચ માતાપિતાના પુત્ર તરીકે લૉત્રેમૉંએ પૅરિસના ઇકૉલ પૉલિટૅકનિકમાં અભ્યાસ કરેલો. 1866માં શિક્ષણ લેવાના ઉદ્દેશથી ગયેલા, પણ કહે છે કે થોડા સમય માટે લાપતા થઈ ગયેલા. તેમના જીવન વિશે ઝાઝી માહિતી સાંપડતી નથી. તેમની કોઈ છબી કે ચિત્ર પણ પ્રાપ્ત થયું નથી. તેમણે સુદીર્ઘ સર્ગોમાં પદ્યાત્મક લખાણ કરેલું. પ્રથમ સર્ગ (canto) 1869માં પ્રસિદ્ધ થયેલો. 1890માં તેની પુનરાવૃત્તિ ‘લ કૉતસ દ માલ્દોરોર’ નામે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ પુસ્તકમાંનાં હિંસાત્મક વર્ણનોને લીધે તેના પ્રકાશકે તેનું વિતરણ કરવાની ઘસીને ના પાડી દીધી હતી. માલ્દોરોર પિશાચ સ્વભાવનો માણસ છે, જે માનવજાત અને ઈશ્વર બંનેને ધિક્કારે છે. તેનો લગાવ દરિયો, રક્ત, ઑક્ટોપસ અને દેડકાઓ પ્રત્યે છે. દરિયાકિનારે દૃષ્ટિગોચર થતાં રહસ્યમય જળચર પ્રાણીઓ અને માણસોનું લોહી ચૂસીને જીવનાર ભયંકર માનવભક્ષી માણસોની તે વાત કરે છે. આ કૃતિમાં અતિક્ષુબ્ધ, નિંદાત્મક, કામોદ્દીપક, ભવ્યાતિભવ્ય અને આઘાતજનક પ્રતીકો થોકબંધ જોવા મળે છે; પરંતુ તેની શૈલી અને ભાષા સાક્ષાત્કાર અને આભાસનો અનુભવ કરાવે છે.

પરાવાસ્તવવાદીઓ લૉત્રેમૉંને ફ્રાન્સના સૌથી મહાન કવિ તરીકે નવાજે છે અને તેમને રિંબૉથી પણ અદકા ગણાવે છે. વીસમી સદીની શરૂઆતના ફ્રેન્ચ કવિઓ અને ચિત્રકારો પરનાં તેમનાં લખાણોએ ખળભળાટ મચાવ્યો હતો. તેમણે ‘પૉએસિઝ’ (1870) જીવનના અંતકાળે લખ્યું; જેમાં કવિતા વિશેના વિરોધાભાસી વિચારો અભિવ્યક્ત થયા છે. પૅરિસમાં તેમના જીવન વિશેની કોઈ આધારભૂત માહિતી મળી નથી. તેમનું મૃત્યુ પણ એક કોયડો જ રહ્યું છે. કદાચ નેપોલિયન ત્રીજાના હુકમથી તેમનું કાસળ કાઢી નાંખવામાં આવ્યું હોય અથવા તો પૅરિસના ઘેરા દરમિયાન કોઈ અજ્ઞાત પોલીસને હાથે તે મૃત્યુ પામ્યા હોય.

વિ. પ્ર. ત્રિવેદી