લોડસ્ટોન (Loadstone) : ચુંબકીય ગુણધર્મધારક કાળા રંગનો સખત પાષાણ. વાસ્તવમાં તે મૅગ્નેટાઇટ(Fe3O4)થી બનેલું ખનિજ છે.

એક દંતકથા મુજબ, આ લોડસ્ટોન એશિયા માઇનર(હવે ટર્કી)ના એક ભરવાડે શોધ્યો હોવાનું કહેવાય છે. તેનાં પગરખાં નીચેના લોખંડના ખીલા અને તેની લાકડીના છેડે પહેરાવેલી લોખંડની ટોપી, જ્યારે તે આવા પથ્થરો પરથી પસાર થતો ત્યારે જડાઈ જતાં.

જૂના વખતમાં આવા લોડસ્ટોનનું ઉત્પાદન મૅગ્નેશિયા નામના પ્રાચીન દેશમાંથી થતું હોવાની નોંધ મળે છે. ત્યારે તેનું જૂનું નામ, જૂના સમયના લીડિયા દેશમાં આવેલા શહેર હેરાક્લિયા પરથી, હેરાક્લીન સ્ટોન હોવાનું જાણવા મળે છે.

1200ના અરસામાં યુરોપિયનોએ શોધી કાઢ્યું કે આવા પાષાણમાંથી તૈયાર કરેલો લંબગોળાકાર ટુકડો, દોરીથી બાંધીને લટકાવતાં, તેમાં ચુંબકત્વ હોવાથી, ઉત્તર-દક્ષિણ દિશા દર્શાવતો હતો; તેથી તેને Loadstone નામ મળેલું છે. આ સિદ્ધાંતને આધારે પછીથી હોકાયંત્ર બનાવાયાં. ખલાસીઓ દિશા જાણવા તારાઓ તરફ તાકીને રાહ જોતા બેસી રહેતા તેની, પછી, જરૂર રહી નહિ.

આજે વિશિષ્ટ ચુંબકીય ગુણધર્મ ધરાવતા લોડસ્ટોન સાઇબીરિયા, એલ્બા ટાપુ અને દક્ષિણ આફ્રિકામાંથી મળી આવે છે.

ગિરીશભાઈ પંડ્યા