લોટવાળા, રણછોડદાસ ભવાનભાઈ (20મી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન) : ગુજરાતી ભાષાના આદિ પત્રકારોમાંના નોંધપાત્ર પત્રકાર. નિવાસ મુંબઈમાં. કેળવણી પણ ત્યાં જ. અંગ્રેજી શિક્ષણના પ્રભાવે સુધારાવાદી વિચારો પ્રત્યે આકર્ષાયા. સામે પક્ષે દેશની સ્વતંત્રતાના વિષયમાં પણ ઉગ્ર વિચારો ધરાવતા થયા. સુધારાવાદી વિચારોના પ્રસાર તથા રૂઢિવાદી ટીકાને ઉત્તર આપવાના હેતુથી તેમણે ‘આર્યપ્રકાશ’ નામે વર્તમાનપત્રનો આરંભ કર્યો. મોતીલાલ દલાલ તેના તંત્રી હતા. ત્યારે સુધારાવાદીઓ અલ્પ મતમાં હતા. તેથી રણછોડદાસનું આ પત્ર મર્યાદિત ફેલાવો પામી શક્યું હતું. સુધારામાં રસ નહિ ધરાવતા લોકો તે વાંચતા નહિ.
1912ના આરંભે ‘આર્યન બ્રધરહૂડ’ નામની સંસ્થાના ઉપક્રમે જાતપાતના ભેદ વિના હિંદુઓ માટે યોજાયેલા ભોજન-સમારંભમાં રણછોડદાસે ભાગ લીધો. તેમાં બ્રાહ્મણ અને મહાર લોકોએ સાથે બેસીને ભોજન લીધું. વર્તમાનપત્રોએ સમારંભમાં ભાગ લેનારાઓનાં નામો છાપ્યાં. ‘ગુજરાતી’ આદિ પત્રોએ આ કાર્યની આકરી ટીકા કરી. હિંદુ અને પારસી વર્તમાનપત્રોએ સુધારાવાદીઓનાં આવાં પગલાં વખોડી કાઢ્યાં. આની સામે ‘આર્યપ્રકાશ’ પડકાર ઝીલી શક્યું નહિ. તેથી રણછોડદાસને સ્પષ્ટ નીતિવાળા દૈનિક પત્રની આવદૃશ્યકતા જણાઈ. એક રતનલાલ શાહ સુધારાવાદી લેખકપત્રકાર હતા. રણછોડદાસે તેમને સહાય કરી. રતનલાલ ‘અખબારે સોદાગર’ નામના પત્રમાં કામ કરતા હતા. તેના માલિક નાનાભાઈ ચીચગરે આ પત્ર રણછોડદાસને 1913માં રૂ. 4,000ની નામની કિંમતે વેચ્યું. તે એ શરતે કે તેની સુધારાવાદી નીતિ ચાલુ રખાશે. નાનાભાઈ વૃદ્ધાવસ્થાને લીધે નિવૃત્ત થયા. રણછોડદાસે તેને નવું નામ ‘હિન્દુસ્તાન’ આપ્યું અને દૈનિક બનાવ્યું. રતનલાલ શાહ તંત્રી નિમાયા. ત્યારે પત્રનો ફેલાવો 300 નકલોનો હતો. પત્રકારક્ષેત્રે અત્યાર સુધી પારસીઓ સાહસ કરતા. હિંદુ દ્વારા પત્ર કાઢવાનો આ પહેલો પ્રસંગ હતો. ખોટમાં ચાલતા પત્રને રણછોડદાસે છ વર્ષ પછી લિમિટેડ કંપની સ્થાપી તેને સોંપ્યું. વચ્ચે નૃસિંહ વિભાકર પણ તંત્રી બન્યા હતા.
એવામાં 1915માં ઍની બેસન્ટ દ્વારા હોમ રૂલ આંદોલનનો આરંભ કરાયો. તંત્રી નૃસિંહ વિભાકર તેમાં ભાષણો આપતા. આ ક્ષેત્રે લોકોમાં રસ જાગતાં પત્રનો ફેલાવો વધીને 4,000 થયો, પણ ગાંધીજીની અહિંસા અને અસહકારની નીતિના વિરોધને કારણે ફેલાવો ઘટીને 1,500 થઈ ગયો. આ પહેલાં ‘હિન્દુસ્તાન’ સવારનું દૈનિક હતું. અસહકાર આંદોલને વેગ પકડતાં તેને સાંજનું દૈનિક બનાવવામાં આવ્યું. બીજા સુધારા કરાયા. આથી ફરી ફેલાવો વધીને 4,000 ઉપર પાછો સ્થિર થયો. રણછોડદાસે જૂની કંપનીનું વિસર્જન કર્યું અને નવી કંપની સ્થાપી. તેમાં બધું એક લાખનું રોકાણ પોતે જ કર્યું. બીજાનાં નાણાં નફાની વૃત્તિ માટે દબાણ કરે અને સુધારાની નીતિને હાનિ કરે એ ભયે તેમણે આમ કર્યું. આ પછી તેમણે ‘ઍડ્વોકેટ ઑવ્ ઇંડિયા’ નામનું અંગ્રેજી પત્ર એક લાખ વીસ હજારમાં ખરીદ્યું. ઇન્દુલાલ યાજ્ઞિક તેના તંત્રી નિમાયા ત્યારે ‘હિન્દુસ્તાન’ના તંત્રી પણ ઇન્દુલાલ જ હતા. આ પત્રમાં ભારે ખોટ વેઠવા છતાં રણછોડદાસ ડગ્યા નહિ. તેમણે તાતા કંપનીનું ‘પ્રજામિત્ર અને પારસી’ નામનું પત્ર વેચાતું લીધું. તે માટે તેમણે 1926માં રૂ. 5,000 પાઘડીના આપ્યા. આ પત્ર સવારનું દૈનિક હતું. આમ દિવસમાં બે દૈનિકો પ્રગટ થવા માંડ્યાં. વેપારજગત તરફથી વિજ્ઞાપનોનો ટેકો નહિ મળવાથી ટકવાનું મુશ્કેલ બન્યું. એક જ મહિનામાં તેમણે બંને પત્રોને જોડી દઈ નવું નામ ‘હિન્દુસ્તાન-પ્રજામિત્ર’ આપ્યું. આ ઉપરાંત, 1918 આસપાસ રણછોડદાસે ‘પ્રજામિત્ર’ નામે સાપ્તાહિક શરૂ કરેલું. તેમણે મરાઠી ‘કેસરી’ની ગુજરાતી આવૃત્તિ રૂપે ચાલતું ‘ગુજરાતી કેસરી’ નટવરલાલ ઇચ્છારામ દેસાઈ પાસેથી ખરીદ્યું. પાછળથી બંને પત્રો જોડી દઈ ‘પ્રજામિત્ર-કેસરી’ સાપ્તાહિક ચાલુ કર્યું. થોડા સમય પછી હિન્દુસ્તાન જૂથે ‘હિન્દ પ્રજા’ નામે નવું સાંજનું દૈનિક શરૂ કર્યું. જોકે તેને સાપ્તાહિકમાં ફેરવી નાખવું પડ્યું. આમ, રણછોડલાલે નવાં પત્રો કાઢ્યાં, જોડી દીધાં, બંધ કર્યાં; ખરીદ્યાં અને વેચ્યાં. આ બધાં કામોમાં દરેક વેળા તેમણે ખોટ ખાધી. તેમણે વર્તમાનપત્રને સામાજિક ઉત્થાનનું સાધન ગણાવ્યું; તેને નફાનું સાધન માન્યું નહિ.
1915માં મુંબઈમાં લોટવાળાને ગાંધીજીનો મેળાપ થયો. ગાંધીજીએ સાબરમતી નદીના કાંઠે આશ્રમ સ્થાપી સામાજિક ઉત્કર્ષ સાથે સ્વરાજ્ય આંદોલન ચલાવવાની વાત કરી. રણછોડદાસે તેમાં 1,000 રૂપિયા ફાળો આપ્યો. પત્રો દ્વારા સમર્થન આપવાની ખાતરી આપી; પણ પાછળથી ગાંધીજીના માર્ગે સ્વરાજ્ય આવવા વિશે રણછોડદાસ આશંકિત થયા. તેમણે ગાંધીજીને આપેલું સમર્થન પાછું ખેંચ્યું. ગાંધીજીની નીતિની ટીકા કરવા માંડ્યા. તેમણે ગાંધીજીના વિરોધીઓના મતનો પ્રચાર કરવા માંડ્યો. ‘હિન્દુસ્તાને’ સાયમન પંચ, ગાંધી-અરવિન મંત્રણા, ગોળમેજી પરિષદ વિશે નિરાશા અને નિષ્ફળતાના વિચારો પ્રગટ કર્યા. વિશાળ પ્રજામત આની સામે ઉગ્ર બન્યો. ઘણે સ્થળે ‘હિન્દુસ્તાન’ની હોળી થઈ. વેચાણ ઘટી ગયું.
1938માં આ પત્રનો રજતજયંતી મહોત્સવ વિશેષાંક બહાર પડ્યો. તેમાં રણછોડદાસે 25 વર્ષના પત્રકારત્વનું સરવૈયું ટાંકતાં લખ્યું કે ‘આ પ્રકારના પ્રચારકાર્ય માટે મેં 3,00,000 રૂપિયાની ખોટ સહન કરી છે.’ જોકે પત્રના તંત્રી રવિશંકર વિ. મહેતાએ પત્રોની સુધારાસમર્થક નીતિનો બચાવ કર્યો. આ સંદર્ભે તેમણે સમકાલીન વિશ્વઘટનાઓના સમાચારો મોટા પ્રમાણમાં આપ્યા. આમ આંતરરાષ્ટ્રીય રાજકારણથી ભારત અલિપ્ત રહી શકે નહિ એ વાત પહેલી વાર ‘હિન્દુસ્તાન’ પત્રોએ કહી. તા. 3-11-1940થી ‘હિન્દુસ્તાન-પ્રજામિત્ર’ સાપ્તાહિક રૂપે પુન:પ્રકાશન પામ્યું. નરહરિ ભટ્ટ તેના તંત્રી થયા. તંત્રીસ્થાનેથી તેમણે તેની નીતિ જે હતી તે જાળવી રાખવાની ઘોષણા કરી. તેમણે મૂડીવાદ, સામ્રાજ્યવાદ, ગાંધીવાદ, કોમવાદ, સામ્યવાદ, ફાસીવાદ તથા નાઝીવાદનો પ્રતિકાર કરવાની નીતિ ચાલુ રાખી. તેમણે એટલે સુધી લખ્યું, ‘ગાંધીવાદ હિંદ વાસ્તે ક્ષયરોગ સમાન છે.’
રણછોડદાસ લોટવાળાના અભિપ્રાય સાથે સૌ સંમત થઈ ના શકે તે દેખીતું છે. પણ, તેઓ જે માનતા હતા તેને નિષ્ઠાપૂર્વક વળગી રહ્યા અને ભારે આર્થિક હાનિ વેઠ્યા છતાં વિચલિત ન થયા.
બંસીધર શુક્લ