લૉટો, લૉરેન્ઝો (Lotto, Lorenzo)

January, 2005

લૉટો, લૉરેન્ઝો (Lotto, Lorenzo) (જ. આશરે 1480, વેનિસ, ઇટાલી; અ. 1556, લોરેટો, ઇટાલી) : ધાર્મિક વિષયોનાં રહસ્યમય ચિત્રો તેમજ મનોગતને નિરૂપતાં વ્યક્તિચિત્રો આલેખવા માટે જાણીતો રેનેસાંસ ચિત્રકાર.

વેનિસના ચિત્રકારો જિયોવાની બેલિની અને ઍન્તોનેલો દા મૅસિનાનો તેની પર પ્રારંભમાં પ્રભાવ પડ્યો, પણ પછી તેણે એ પ્રભાવને ખંખેરી કાઢી રફાયેલનો પ્રભાવ ઝીલ્યો. ‘મેડોના ઍન્ડ સેંટ પીટર મર્ટાયલ’ (1503) તથા ‘પૉર્ટ્રેટ ઑવ્ બિશપ બર્નાર્ડો દિ રોસી’ (1505) તેની પ્રારંભકાલીન ચિત્રકૃતિઓ છે. 1508થી 1512 સુધી તેણે રોમનિવાસ કર્યો. અહીં રોમનિવાસી મહાન રેનેસાંસ ચિત્રકાર રફાયેલની સંગતને કારણે લૉટોનાં ચિત્રોમાં ઉત્સાહસભર, આનંદપ્રદ, આછા, હળવા રંગોને  સ્થાન મળ્યું.

1513થી લૉટોએ બર્ગામો નગરમાં નિવાસ કર્યો. અહીંના સેંટ બર્નાડિનો અને સેંટ સ્પિરિટો ચર્ચોમાં તેણે પ્રાર્થનાવેદી માટે ચિત્રો તૈયાર કર્યાં. તેમાં ભડક રંગો વડે તેણે પ્રભાવક પ્રકાશછાયા આલેખી ત્રિપરિમાણનો જોરદાર આભાસ સિદ્ધ કર્યો. તેમાંથી સૌથી વધુ ખ્યાતનામ ચિત્ર ‘સુસાના ઍન્ડ ધ એલ્ડર્સ’ (1517) આજે ફ્લૉરેન્સના કોન્તીની બોનાકોસી કલેક્શનમાં છે.

લૉરેન્ઝો લૉટોએ દોરેલું ચિત્ર : ‘ક્રાઇસ્ટ ઍન્ડ ઍડલ્ટ્રેસ’

1526 કે 1527માં લૉટો ફરીથી વેનિસમાં રહેવા માંડ્યો. હવે તેની પર વૅનેશિયન રેનેસાંસ-ચિત્રકાર તિશ્યોંનો પ્રભાવ પડ્યો. આ સમયનાં તેનાં ચિત્રોમાં વેનિસના ચર્ચ ઑવ્ ધ કૅર્મિનીમાં આવેલું તેનું ચિત્ર ‘સેંટ નિકોલસ ઑવ્ બૅરી ઇન ગ્લોરી’ શ્રેષ્ઠ ગણાય છે.

આ બધાં જ ચિત્રોમાં માનવચહેરાઓ પર વિવિધ લાગણીઓ અને ઊંડા મનોગતને આલેખવાનું તેનું કૌશલ્ય અનન્ય ગણાયું છે. સાંતા મારિયા સોપ્રા મર્ચાન્તી રિચેનેતી ચર્ચમાં તેણે ચીતરેલા ભીંતચિત્ર ‘એનન્શિયેશન’માં માનવપાત્રોમાં આ લક્ષણ ઘણું જ પરિષ્કૃત છે. એણે જે વ્યક્તિચિત્રો ચીતર્યાં તેમાં પણ આ જ લક્ષણ જોવા મળે છે. વેનિસમાં તિશ્યોંના ટેકેદારોએ તેની સામે ખટપટો કરવી શરૂ કરતાં 1529માં લૉટો વેનિસનો ત્યાગ કરી માર્ચિસમાં સ્થિર થયો. હવેનાં એનાં ચિત્રો વધુ લાગણીમય બન્યાં; તેમાં પરિપ્રેક્ષ્યને ઉવેખવામાં આવ્યો અને પ્રકાશછાયાનું વધુ નાટ્યાત્મક રીતે પ્રભાવશાળી આલેખન કરવામાં આવ્યું. તેમાં રહસ્યમય વાતાવરણથી વીંટળાયેલી ખીચોખીચ માનવાકૃતિઓ આછા રંગોમાં ચિત્રિત જોવા મળે છે. ‘ક્રુસી ફિકેશન’ (1531) અને ‘મેડોના ઑવ્ ધ રોઝરી’ (1539) આ તબક્કાનાં શ્રેષ્ઠ ચિત્રો ગણાય છે. એ પછી એણે એકોનાના સાન્તા મારિયા દેલ્લ પિયાત્ઝામાં ‘મેડોના એન્થ્રૉન્ડ વિથ ફૉર સેન્ટ્સ’ (1540) ચીતર્યું.

1540માં લોટો વેનિસ પાછો ફર્યો અને ફરી એક વાર તિશ્યોંના પ્રભાવ હેઠળ ચિત્ર ‘સેંટ ઍન્તોનિયો ગિવિન્ગ આલ્મ્સ’ (1542) ચીતર્યું. 1550 પછી તે અર્ધપાગલ થઈ ગયો; તેને દેખાતું પણ ઓછું થઈ ગયું; વધારામાં તે દેવાના ડુંગર નીચે દબાઈ ગયો; છતાં તેણે એક સુંદર ચિત્ર ‘પ્રેઝન્ટેશન ઇન ધ ટેમ્પલ’ ચીતરવું શરૂ કર્યું, પણ તે અધૂરું જ રહ્યું.

અમિતાભ મડિયા