લોચન : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રના પ્રમુખ ગ્રંથ ‘ધ્વન્યાલોક’ પર અભિનવગુપ્ત નામના આલંકારિક આચાર્યે રચેલી ટીકા. તેનું ‘લોચન’ એ સંક્ષિપ્ત નામ છે. પૂર્ણ નામ તો ‘ધ્વન્યાલોકલોચન’ કે ‘સહૃદયાલોકલોચન’ અથવા ‘કાવ્યાલોકલોચન’ છે. આ ‘લોચનટીકા’ લેખકે પહેલાં લખેલી અને તે પછી ‘નાટ્યશાસ્ત્ર’ પર ‘અભિનવભારતી’ નામની ટીકા લખેલી; કારણ કે ‘અભિનવભારતી’માં ‘લોચનટીકા’ના ઉલ્લેખો જોવા મળે છે. આચાર્ય અભિનવગુપ્તે આ બે ટીકાઓ જ લખી છે; છતાં અલંકારશાસ્ત્રના મૌલિક ગ્રંથના લેખક જેવું સન્માન તેમને મળ્યું છે. એનું કારણ એ છે કે તેમણે અવારનવાર પોતાના અને પોતાના ગુરુઓ – ભટ્ટેન્દુરાજ અને ભટ્ટ તૌતના મતો રજૂ કર્યા છે, જે અત્યંત મહત્વના છે. તેમના સૂચવ્યા મુજબ, તેમના વંશના કોઈક લેખકે ‘ચંદ્રિકા’ નામની ટીકા ‘ધ્વન્યાલોક’ પર લખેલી, પરંતુ પોતાની ‘લોચન’ ટીકાથી જ ‘ધ્વન્યાલોક’ વધુ સારી રીતે સમજાય છે. પોતાની ટીકામાં ‘ચંદ્રિકા’ ટીકાની સમજૂતીનું અનેક વાર ખંડન તેમણે કર્યું છે અને તેનો સાચો અર્થ બતાવ્યો છે. ક્યારેક પોતાના ગુરુએ આનો અર્થ આવો કર્યો છે એમ પણ ‘લોચન’ ટીકામાં લખ્યું છે. પોતાના ગુરુ ભટ્ટેન્દુરાજ અને ભટ્ટ તૌત ઉપરાંત પ્રત્યભિજ્ઞાદર્શનના પોતાના પરમગુરુ (- ગુરુના ગુરુ) – વગેરેના શ્ર્લોકો ઉદાહરણો તરીકે આચાર્ય અભિનવે ‘લોચન’ ટીકામાં આપ્યા છે. વળી આચાર્ય આનંદવર્ધનના રચેલા ‘તત્વાલોક’, મનોરથ, જયંતક ભટ્ટ, રામાભ્યુદય, હરિવિજય, અર્જુનચરિત, તાપસવત્સરાજ અને ભાગુરિ વગેરેનાં ઉદ્ધરણો પણ ‘લોચન’ ટીકામાં જોવા મળે છે. આચાર્ય અભિનવે પોતે રચેલા શ્ર્લોકો પણ ‘લોચન’ ટીકામાં ટાંકવામાં આવ્યા છે. આથી વ્યાકરણશાસ્ત્રમાં પતંજલિનું મહાભાષ્ય, વેદાંતશાસ્ત્રમાં ‘શાંકરભાષ્ય’, મીમાંસાશાસ્ત્રમાં ‘શાબરભાષ્ય’ જેટલું મહત્વ ધરાવે છે તેટલું જ મહત્વ અલંકારશાસ્ત્રમાં ‘લોચન’ ટીકાનું છે. ક્યારેક મૂળ ગ્રંથ ‘ધ્વન્યાલોક’ કરતાં પણ આ ટીકા વધુ વિદ્વત્તાપૂર્ણ અને કઠિન છે.
ઈ. સ. 1891માં નિર્ણયસાગર પ્રેસ, મુંબઈમાંથી ‘ધ્વન્યાલોક’ સાથે સર્વપ્રથમ ‘લોચન’ ટીકા પ્રકાશિત થઈ, જેમાં છેલ્લા ચોથા ઉદ્યોત પરની ‘લોચન’ ટીકા છપાઈ ન હતી. ચોથા ઉદ્યોત પરની ‘લોચન’ ટીકા ડૉ. સુશીલકુમાર દેએ સર્વપ્રથમ પ્રગટ કરી. 1940માં પંડિત રામશારકે આ ‘લોચન’ ટીકા ‘બાલપ્રિયા’ ટીકા સાથે ‘કાશી સંસ્કૃત સીરીઝ’માં પ્રગટ કરી. 1944માં મદ્રાસથી મહામહોપાધ્યાય કુપ્પુસ્વામી શાસ્ત્રી દ્વારા ફક્ત પ્રથમ ઉદ્યોત પરની ‘લોચન’ ટીકા તેના પરની ઉત્તુંગોદયરાજની ‘કૌમુદી’ ટીકા અને પોતે લખેલી ‘ઉપલોચન’ ટીકા સાથે પ્રકાશિત થઈ.
ઈ. સ. 1963માં રામસાગર ત્રિપાઠીએ ‘લોચન’ ટીકાને હિંદી અનુવાદ સાથે કાશીથી પ્રગટ કરી. ઈ. સ. 1973માં ગુજરાત યુનિવર્સિટીએ ડૉ. નાંદીએ કરેલો ‘ચિન્મયી’ ટીકા સાથે ‘લોચન’નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કર્યો. એ પછી ડૉ. નાંદીએ જ ‘લોચન’ ટીકાના અનુવાદ અને સમજૂતી સાથેની પોતાની સંવર્ધિત આવૃત્તિ ‘સરસ્વતી ઑરિયેન્ટલ સીરીઝ’, અમદાવાદમાંથી પ્રગટ કરી છે. અલબત્ત, ‘ધ્વન્યાલોક’નો સર્વપ્રથમ ગુજરાતીમાં અનુવાદ ડોલરરાય માંકડે દાયકાઓ પહેલાં ‘ધ્વન્યાલોક’ના મૂળ પાઠો નક્કી કરવાનું કરેલું મૂલ્યવાન કાર્ય ગુજરાતને ગૌરવ અપાવે એવું છે. એ પછી નગીનદાસ પારેખે પણ આનન્દવર્ધનનો ધ્વનિવિચાર વિસ્તૃત સમજૂતી સાથે ગુજરાતીમાં આપ્યો. પરંતુ પ્રસ્તુત ‘લોચનટીકા’ સાથે તેને સીધો સંબંધ ન હોવાથી તેનો અછડતો ઉલ્લેખ કરવો ઘટે. ડૉ. કૃષ્ણમૂર્તિ, ડૉ. દે, વી. શંકરન્, મહામહોપાધ્યાય પાંડુરંગ વામન કાણે વગેરેનો પણ આ જાતનું કાર્ય કરવા બદલ ઉલ્લેખ કરવો રહ્યો.
પારુલ માંકડ, પ્ર. ઉ. શાસ્ત્રી