લોચન (14મી-15મી સદી)

January, 2005

લોચન (14મી-15મી સદી) : ઉત્તર હિંદુસ્તાની સંગીતના શાસ્ત્રકાર. વતન બિહારનું મુજફ્ફરપુર. તેમનો જીવનકાળ ચૌદમી સદીનાં અંતિમ તથા પંદરમી સદીનાં પ્રારંભનાં વર્ષો ગણવામાં આવે છે. તેમના જીવનકાળ દરમિયાન ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની પદ્ધતિઓમાં ઝડપભેર ફેરફાર થઈ રહ્યા હતા, જેનો પૂરેપૂરો ઉપયોગ કરી તેમણે બે ગ્રંથો તૈયાર કર્યા – ‘રાગસર્વસંગ્રહ’ તથા ‘રાગ-તરંગિણી’. આ બંને ગ્રંથો તેમના જમાનામાં ખૂબ પ્રશંસા પામ્યા હતા. તેમણે એવું પણ સાબિત કરી આપ્યું કે અમીર ખુસરોની સંગીતપદ્ધતિનાં મૂળ વિદેશમાં નહિ, પરંતુ તેનો ઉદગમ ભારતની સંગીતપદ્ધતિમાં જ થયેલો છે.

તેઓ સંસ્કૃત ભાષાના ઉચ્ચ કોટિના વિદ્વાન હોવાને કારણે ભારતની પ્રાચીન અને અર્વાચીન શાસ્ત્રીય સંગીતપદ્ધતિઓનું તુલનાત્મક વિશ્ર્લેષણ તેઓ સુગમતાથી કરી શકવા સમર્થ હતા.

ચંદ્રકાન્ત મહેતા