લોગેનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ : દ્વિદળી; ઉપવર્ગ : યુક્તદલા (Gamopetalae); શ્રેણી : દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae); ગોત્ર : જેન્શિયાનેલ્સ; કુળ : લોગેનિયેસી. તે 32 પ્રજાતિઓ અને લગભગ 800 જેટલી જાતિઓ ધરાવે છે. તે પૈકી અડધી પ્રજાતિઓ જૂની દુનિયામાં થાય છે. આ કુળ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણ-સમશીતોષ્ણ પ્રદેશોમાં થાય છે. ઉષ્ણ-કટિબંધીય અમેરિકામાં પણ તે સારા પ્રમાણમાં મળી આવે છે. Spigelia (35 જાતિઓ), Gelsemium (2 જાતિઓ), Cynoctonum (5 જાતિઓ), Buddleja (150 જાતિઓ), Strychnos (200 જાતિઓ), Nuxia અને Fagrea (પ્રત્યેક 30 જાતિઓ), અને Logania (21 જાતિઓ) વગેરે જાણીતી પ્રજાતિઓ છે.
આ કુળની વનસ્પતિઓ શાકીય, ક્ષુપ કે વૃક્ષ અથવા ઘણી વાર કઠલતા (lianous) સ્વરૂપે મળી આવે છે. પર્ણો સાદાં, સંમુખ અને ઉપપર્ણીય (stipulate) હોય છે. Buddlejaની બહુ ઓછી જાતિઓમાં પર્ણો એકાંતરિક હોય છે.
પુષ્પવિન્યાસ પરિમિત(cymose)થી માંડી દ્રાક્ષશાખી (thyrsiform) હોય છે. પુષ્પ નિયમિત, દ્વિલિંગી, અધોજાયી (hypogynous), મોટેભાગે ચતુરવયવી (tetramerous) કે પંચાવયવી (pentamerous) અને સામાન્યત: નિપત્રી (bracteate) અને નિપત્રિકાયુક્ત (bracteolate) હોય છે. વજ્ર કે 4 કે 5 (વજ્ર)- પત્રોનું બનેલું, યુક્તવજ્રપત્રી (gamospalous) કે મુક્તવજ્રપત્રી (polysepalous) હોય છે. દલપુંજ 4 કે 5 અથવા 10 દલપત્રોનું બનેલું અને યુક્તદલપત્રી (gamopetalous) હોય છે. તે વિવિધ પ્રકારના કલિકાન્તરવિન્યાસ (aestivation) ધરાવે છે. દલપુંજનલિકાના મુખ પાસે રોમનો બનેલો મુકુટ હોય છે. પુંકેસરચક્ર 4 કે 5 પુંકેસરોનું બનેલું, દલલગ્ન (epipetalous) અને દલપત્રો સાથે એકાંતરિક હોય છે. તેઓ ભાગ્યે જ દલપત્રો કરતાં બે ગણા અથવા Usteriaમાં એક જ પુંકેસર હોય છે. પરાગાશય દ્વિખંડી હોય છે અને તેનું સ્ફોટન લંબવર્તી થાય છે. સ્ત્રીકેસર ચક્ર બે યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ (Mitreolaમાં અર્ધ અધ:સ્થ) હોય છે અને દ્વિકોટરીય અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ (placentation) ધરાવે છે. જો બીજાશય એકકોટરીય હોય તો જરાયુવિન્યાસ ચર્મવર્તી (parietal) હોય છે. દા.ત., Strychnosની કેટલીક જાતિઓ Fagraeaમાં બીજાશય અપૂર્ણ દ્વિકોટરીય હોય છે. અંડકો અનેક હોય છે. અને તેઓ અનુપ્રસ્થ (amphitropous) કે અધોમુખી (anatropous) હોય છે. પરાગવાહિની એક (Cynoctonumમાં પરાગવાહિની બે અને એક સામાન્ય પરાગાસન હોય છે.) અને પરાગાસન એક કે બે, ભાગ્યે જ ચતુષ્ખંડી હોય છે. ફળ પટવિદારક (septicidal) પ્રાવર પ્રકારનું હોય છે અને તેની કપાટો (valves) દીર્ઘસ્થાયી અક્ષથી છૂટી પડે છે. ભાગ્યે જ અનષ્ઠિલ (berry) કે અષ્ઠિલ (drupe) પ્રકારનું ફળ જોવા મળે છે. બીજ કેટલીક વાર સપક્ષ (winged) હોય છે. ભ્રૂણ નાનો અને સીધો તથા ભ્રૂણપોષ માંસલ કે સખત હોય છે.
હેલિયર સિવાય મોટાભાગના વર્ગીકરણવિજ્ઞાનીઓ આ કુળને કોન્ટોર્ટી ગોત્રમાં મૂકે છે. હેલિયર ટ્યૂબીફ્લોરીમાં અને હચિન્સન લોગેનીયેલીસ ગોત્રમાં મૂકે છે. અગ્લર આ કુળને ગોત્રનું સૌથી આદ્ય કુળ ગણે છે.
ઝેરકચોલ(Strychnos nux-vomica)ના બીજમાંથી સ્ટ્રીક્નિન નામનું ઔષધ અને ઝેર મળી આવે છે. S. toxiferaની છાલમાંથી નસોને જડ બનાવતું ઝેર મળી આવે છે. Buddleja Gelsemium, Spigelia, Strychnos spinosa, Logania અને Geniostomaની કેટલીક જાતિઓ શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે.
મીનુ પરબીઆ, દીનાઝ પરબીઆ, બળદેવભાઈ પટેલ