લોકાનંદનાટક (ઈ. સ. 600ની આસપાસ) : સંસ્કૃત નાટક. અદ્યાપિ સચવાઈ રહેલું આ નાટક ચંદ્રગોમિન્ નામના નાટ્યકારે રચ્યું છે. ચંદ્રગોમિન્ ‘ચાંદ્ર વ્યાકરણ’ના રચયિતા તરીકે જાણીતા છે. તેમણે બીજાં કાવ્યો પણ રચ્યાં છે. તેઓ ઈ. સ. 600ની આસપાસ થઈ ગયા. તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી હતા, તેથી ઇન્દ્ર અને તેમના ગુરુ બૃહસ્પતિની હિંદુ પરંપરાના ‘ઐન્દ્ર વ્યાકરણ’ જેવું બૌદ્ધ પરંપરાનું વ્યાકરણ રચેલું, અને બૌદ્ધ આચાર્યોને માટે ‘ગોમિન્’ એવો આદરસૂચક શબ્દ વપરાતો આવે છે.
પોતે બૌદ્ધ હોવાથી બુદ્ધના અહિંસા, દયા અને માનવતાના ગુણોના પ્રચાર માટે આ ‘લોકાનંદનાટક’ તેમણે રચ્યું છે. જે રીતે હર્ષદેવનું ‘નાગાનંદ’ નાટક જીમૂતવાહન નામનો રાજકુમાર ગરુડ રોજ એક નાગને ખાઈ જવાની સર્પો સાથેની શરત મુજબ એક નાગને ખાઈ જાય છે. એની સામે પોતાને ખાઈ જવા ગરુડને કહે છે. અંતે તેની દયા અને માનવતાથી ખુશ થઈ ગરુડ સર્પોને ખાઈ જવાનો ક્રમ બંધ કરે છે. એટલે બૌદ્ધધર્મી લેખકે બૌદ્ધ ધર્મના સિદ્ધાન્તના ઉદાહરણ રૂપે આ નાટકની રચના કરી છે. આમ હર્ષદેવના ‘નાગાનંદ’ નાટક જેવું જ નાટક હર્ષદેવ પહેલાં રચ્યું છે તેથી કદાચ હર્ષદેવે ‘નાગાનંદ’ નાટકની પ્રેરણા ચંદ્રગોમિન્ના પ્રસ્તુત નાટકમાંથી મેળવી હોય તેવો સંભવ નકારી ન શકાય.
પ્ર. ઉ. શાસ્ત્રી