લોકસભા
પુખ્તવય મતાધિકારના આધારે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓથી રચાયેલું, કાયદાઓ ઘડતું ભારતની સંસદીય લોકશાહીનું નીચલું ગૃહ અને સૌથી મહત્વનું અંગ.
સંસદ ભારત સરકારની કેન્દ્રીય ધારાસભા છે. તે દ્વિગૃહી છે અને તેમાં રાષ્ટ્રપ્રમુખ તથા ધારાસભાનાં બંને ગૃહોનો સમાવેશ થાય છે. ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા છે. કાયદા ઘડવાની સત્તા સંસદ હસ્તક હોય છે. કાયદાના ખરડા પર ચર્ચાવિચારણા કર્યા બાદ બંને ગૃહોની સંમતિ પછી તેના પર રાષ્ટ્રપ્રમુખ હસ્તાક્ષર કરે પછી જ તે કાયદો બને છે.
રચના : લોકસભા ભારતીય સંસદનું પુખ્તવય મતાધિકારના ધોરણે લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાતું નીચલું ગૃહ છે. તેની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે. (42મા બંધારણીય સુધારા દ્વારા આ મુદત લંબાવીને છ વર્ષની કરવામાં આવી હતી; પરંતુ 44મા સુધારા દ્વારા મૂળ બંધારણમાં દર્શાવેલ યથાવત્ સ્થિતિને જાળવી રાખી તે ફરી પાંચ વર્ષની કરવામાં આવી.) જોકે કટોકટીના સમયે તેની મુદત એક વર્ષ લંબાવી શકાય છે. આમ છતાં કોઈ પણ સંજોગોમાં એથી વધુ સમય તેની મુદત લંબાવી શકાતી નથી. કટોકટી રદ થાય ત્યારથી વધુમાં વધુ છ માસની અંદર ચૂંટણી યોજવી આવશ્યક હોય છે. લોકસભાની પ્રથમ બેઠક યોજાય ત્યારથી તેની મુદતનો સમય શરૂ થાય છે અને તે પછીનાં પાંચ વર્ષ સુધી તે કામ કરતી રહે છે.
તેની કુલ સભ્યસંખ્યા 552ની છે જેમાં 530 સભ્યો લોકો દ્વારા સીધી રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે. ભારતનાં વિવિધ રાજ્યોને વસ્તીના ધોરણે આ બેઠકો ફાળવવામાં આવી છે. વધુમાં તેના 20 સભ્યો કેન્દ્ર-શાસિત વિસ્તારોના પ્રતિનિધિઓ હોય છે. ભારતના રાષ્ટ્રપ્રમુખ દ્વારા ઍંગ્લો-ઇન્ડિયન સમુદાયના 2 પ્રતિનિધિઓ નીમવામાં આવે છે. ઍંગ્લો-ઇન્ડિયન સમુદાયને ગૃહમાં પૂરતું પ્રતિનિધિત્વ પ્રાપ્ત ન થયું હોય તેમ રાષ્ટ્રપ્રમુખને લાગે ત્યારે આ જોગવાઈનો ઉપયોગ કરવામાં આવે છે. 1971ની વસ્તીગણતરીને આધારે નક્કી થયેલી બેઠકોની સંખ્યા ઈ. સ. 2000 સુધી યથાવત્ રાખવાનો નિર્ણય 42મા બંધારણીય સુધારા અનુસાર લેવાયો હતો, જે 44મા બંધારણીય સુધારાથી ફેરફારને પાત્ર બન્યો અને તે અનુસાર બેઠક-સંખ્યા 2026 સુધી યથાવત્ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. પ્રત્યેક રાજ્યની વસ્તી અને મતદાર-વિભાગોના ગુણોત્તર(ratio)ને આધારે જે તે રાજ્યના સાંસદોની સંખ્યા નક્કી થાય છે અને આ ધોરણ તમામ રાજ્યો માટે સમાન હોય છે.
સ્થાન : સંસદભવનની મુખ્ય ઇમારતનો એક હિસ્સો લોકસભા રોકે છે. આ વર્તુળાકાર ખંડમાં અધ્યક્ષની પીઠિકાથી શેષ રહેતા ખંડનો ભાગ અંગ્રેજી અક્ષર ‘યુ’ ‘U’ / નાળ આકારની રચના-વ્યવસ્થા ધરાવે છે. ગૃહમાં અધ્યક્ષની પીઠિકાથી તરત નીચેના ભાગમાં લોકસભાના મહામંત્રી(secretary general)ની બેઠક-વ્યવસ્થાની પછી આગળના ભાગમાં એક લંબચોરસ અને વિશાળ ટેબલ ગોઠવાયેલું હોય છે; જ્યાં ગૃહના માહિતીકારો ગૃહની સમગ્ર કાર્યવહીની શબ્દશ: નોંધ કરે છે. ત્યાં બીજું એક ટેબલ ‘ગૃહના ટેબલ’ તરીકે ગોઠવાયેલું હોય છે, જેના પર આવશ્યક દસ્તાવેજો જેવી મહત્વની સામગ્રી મૂકવામાં આવે છે. તેની આજુબાજુ થોડો વિસ્તાર ખાલી છોડી દેવામાં આવેલો હોય છે, જે ગૃહના અંતરાલખંડ (well of the house) તરીકે ઓળખાય છે. આ જગ્યામાં સભ્યો કે માહિતીકારો ધસી આવે નહિ એવી પરંપરા વર્ષોથી માન્ય રહી છે. આ અંતરાલખંડ પછીની સમગ્ર જગ્યામાં સાંસદોને બેસવા માટેની પાટલીઓ ગોઠવાયેલી હોય છે. અધ્યક્ષની જમણી બાજુની બેઠક-વ્યવસ્થા મુખ્યત્વે શાસક પક્ષના સાંસદો માટે હોય છે. તે તરફની પ્રથમ પાટલી પરની પ્રથમ બેઠક બહુમતી પક્ષના અને લોકસભાના નેતા તરીકે વડાપ્રધાન માટે ફાળવવામાં આવી હોય છે. ડાબી તરફની બેઠક-વ્યવસ્થા મુખ્યત્વે વિરોધપક્ષના નેતા અને અન્ય સાંસદો માટે મુકરર કરાયેલી હોય છે. અન્ય પાટલીઓ પર વિવિધ અને નાના-મોટા પક્ષોના સાંસદોની બેઠક-વ્યવસ્થા હોય છે. ગૃહની કાર્યવહીનું સુપેરે સંકલન કરી શકાય તે માટે સરકારના સંસદીય મંત્રી કામગીરી બજાવે છે. તેઓ મુખ્યત્વે અધ્યક્ષ તેમજ બહુમતી પક્ષ અને વિરોધપક્ષો સાથે સુમેળ સાધી ગૃહની કાર્યવહી નક્કી કરે છે. તેઓ સામાન્ય રીતે મંત્રીમંડળના નિર્ણયોની જાહેરાત પણ કરતા હોય છે.
સંસદનો આ સમગ્ર સભાખંડ વાતાનુકૂલિત અને અવાજરહિત છે. તેમાં માઇક, લાઉડસ્પીકરો જેવાં સાધનો અને આપમેળે અનુવાદ કરતાં યંત્રો ગોઠવાયેલાં છે, જે સાંસદોને અંગ્રેજી કે અન્ય ભાષાઓમાં થતાં વક્તવ્યોનો અનુવાદ કરી આપે છે, જેથી ગૃહની કાર્યવહી સભ્યો પૂર્ણ રૂપે સમજી શકે. સંસદની કાર્યવહીની પ્રત્યેક મિનિટનો અંદાજિત ખર્ચ 23,000 રૂપિયા જેટલો છે.
ગૃહના પ્રથમ મજલા પર પ્રેક્ષક-દીર્ઘા છે, જે વિવિધ વિભાગોમાં વહેંચાયેલી છે અને આ વિભાગોમાંના કેટલાક મુખ્યત્વે પ્રેસ, અધ્યક્ષના મહેમાનો, રાજ્યસભાના સભ્યો, વિવિધ એલચી-કચેરીના સભ્યો, અન્ય માનવંતા મુલાકાતીઓ તથા આમજનતા માટે નિશ્ચિત કરાયેલા છે. રાષ્ટ્રપ્રમુખના કુટુંબના સભ્યો, રાજ્યપાલો અન્ય રાજ્યોના વડાઓ જેવા મુલાકાતીઓ માટેની ખાસ બેઠક-વ્યવસ્થા અધ્યક્ષની ડાબી તરફે વિશિષ્ટ પ્રેક્ષક-દીર્ઘામાં અનામત રાખવામાં આવે છે.
ઉદભવ અને વિકાસ : 1885માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની રચના ટાણે બ્રિટિશ શાસન સમક્ષ અસંતુષ્ટ ભારતીયોની ભાવનાઓની અભિવ્યક્તિનો આરંભ થયો. આ સમયે જે પ્રારંભિક માગણીઓ મૂકવામાં આવી તેમાં બે મુખ્ય માગણીઓ હતી : એક, ધારાસભાના સભ્યોની ચૂંટણી કરાવવી અને બે, તેમને અંદાજપત્ર પર ચર્ચા કરવાનો અધિકાર આપવો. ત્યારબાદ 1892ના કાયદામાં બ્રિટિશ શાસન દ્વારા સૌપ્રથમ વાર પ્રતિનિધિત્વના સિદ્ધાંતનો તથા ધારાસભાનો પાયો વિસ્તારવાની તથા તેની સત્તાઓમાં વધારો કરવાની બાબતનો સ્વીકાર કરવામાં આવ્યો.
મૉર્લેમિન્ટો સુધારા તરીકે જાણીતા 1909ના કાયદા દ્વારા કેન્દ્ર સરકારમાં કેટલાક પ્રતિનિધિઓ ચૂંટવા અંગે બ્રિટિશ સરકારે સંમતિ આપી. 1917માં ભારતને તબક્કાવાર જવાબદાર સરકાર આપવાની જાહેરાત બ્રિટિશ સરકારે ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટમાં કરી. 1919ના પ્રાંતિક સ્વાયત્તતાના કાયદા અંતર્ગત પ્રાંતોમાં જવાબદાર સરકારોની રચના થઈ. અલબત્ત, આ કામ મર્યાદિત ક્ષેત્રમાં થયું. કેન્દ્રમાં દ્વિગૃહી ધારાસભા હતી તેનાં બંને ગૃહોમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા

ભારતનું સંસદભવન, દિલ્હી
વધારવામાં આવી, જોકે જવાબદાર સરકારનું કોઈ તત્વ તેમાં દાખલ કરવામાં આવ્યું નહોતું. ભારતીય નેતાઓ અને બ્રિટિશ સરકાર વચ્ચે તબક્કાવાર અનેક મંત્રણાઓ બાદ 1935નો કાયદો ઘડવામાં આવ્યો. આ કાયદા અનુસાર કેન્દ્રની ધારાસભા ઉપરાંત છ પ્રાંતોમાં વિધાનસભા અને વિધાન પરિષદ મળીને દ્વિગૃહી ધારાસભાઓની રચના કરવામાં આવી. કેન્દ્ર અને પ્રાંતોની સત્તાને ત્રણ યાદીઓમાં વિભાજિત કરવામાં આવી. આમ છતાં મતદાર યાદીઓ વિભાજક હિતો પર આધાર રાખતી હતી. ધારાસભા માત્ર મર્યાદિત ચર્ચા કરતી સભા હતી. ગવર્નર જનરલને કોઈ પણ ખરડા પર નિષેધાધિકાર (veto) વાપરવાની સત્તા હોવાથી વાસ્તવિક અર્થમાં ધારાસભા માત્ર ચર્ચા-વિચારણા જ કરી શકતી હતી.
ભારતનું સ્વાતંત્ર્ય-આંદોલન તથા આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ બ્રિટિશ સરકારની વિરુદ્ધ કામ કરી રહ્યાં હતાં. આથી બ્રિટિશ પાર્લમેન્ટે 1947નો ભારતીય સ્વતંત્રતાનો ધારો પસાર કરી બે સ્વતંત્ર દેશો ભારત અને પાકિસ્તાનની રચના મંજૂર કરી અને પ્રત્યેક દેશની ધારાસભાને સંપૂર્ણ ધારાકીય સાર્વભૌમત્વ આપવાનું ઠરાવવામાં આવ્યું.
ભારતના બંધારણ અંગે વિચારણાની શરૂઆત થઈ ત્યારે બંધારણ-સભામાં થયેલી ચર્ચાનો ટૂંકો અહેવાલ આ મુજબ હતો : 1919 અને 1935ના કાયદા દ્વારા મર્યાદિત સ્વરૂપની સંસદીય પ્રથા કાર્યરત હોવાથી પ્રમુખીય લોકશાહી અંગે બંધારણસભાના સભ્ય અને જાણીતા અર્થશાસ્ત્રી કે. ટી. શાહના સૂચનનો ઇનકાર કરવામાં આવ્યો તથા નવા મૉડેલનો પ્રયોગ નહિ કરવો જોઈએ, તેવું બંધારણસભાના મોટાભાગના સભ્યોનું મંતવ્ય હતું. આ ચર્ચા દરમિયાન એક મહત્વની બાબતની સ્પષ્ટતા પણ થઈ કે સંસદીય પદ્ધતિની લાક્ષણિકતા ‘ઉત્તરદાયિત્વ’ (accountability) છે અને પ્રમુખીય પદ્ધતિની લાક્ષણિકતા ‘સ્થિરતા’ (stability) છે. આથી ઉત્તરદાયિત્વનો વિકલ્પ પસંદ કરી ભારતના બંધારણમાં સંસદીય પદ્ધતિની લોકશાહી સ્વીકારવામાં આવી. બંધારણસભામાં વિશાળ સર્વસંમતિ પશ્ચિમી ઢબની સંસદીય શૈલીની સંસ્થાઓની તરફેણ કરતી હતી. તે માટે કેટલીક મુખ્ય દલીલો કારણભૂત હતી :
(1) પ્રાચીન ભારતીય પરંપરાગત શાસનથી અલગ એવી આધુનિક જરૂરિયાતો તથા ઇચ્છાઓ સાથે મેળ બેસાડે તેવી સંસદીય લોકશાહીનો વ્યવસ્થિત અનુભવ ભારત ધરાવતું હતું.
(2) નિરક્ષરતા, અંધશ્રદ્ધા તથા ગરીબાઈનાં અનિષ્ટોને માત્ર આધુનિક સંસદીય લોકશાહી દ્વારા દૂર કરી શકાશે તેવો સભ્યોનો વિશ્વાસ હતો.
(3) શાસનની પ્રક્રિયામાં લોકોની સક્રિય ભાગીદારી વધારે સારા સામાજિક અને આર્થિક ન્યાયની સ્થાપના કરશે તેમજ સમાનતા તરફ દોરી જશે. આ કાર્ય સંસદીય લોકશાહી સારી રીતે કરી શકવાની ક્ષમતા ધરાવે છે.
(4) સંસદીય લોકશાહીનો સ્વીકાર રાષ્ટ્રીય હિત સાથે સુસંગત જણાય છે.
આ બહુલક્ષી વિચારણાને અંતે શક્તિશાળી લોકસભા સાથેની સંસદીય લોકશાહીની રચનાનો નિર્ણય બંધારણસભાએ લીધો.
સભ્યપદ માટેની લાયકાત : લોકસભાના ઉમેદવારની લાયકાતમાં સમાવિષ્ટ બાબતોમાં પ્રથમ મહત્વની બાબત એ છે કે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અને 25 વર્ષ કે તેથી વધુ વય ધરાવતો હોવો જોઈએ. વધુમાં તે સંઘ સરકારનો કર્મચારી ન હોય તેમજ ગુનેગાર કે ગાંડો ન હોય. આ સિવાય લોકસભા ચાહે તો સંસદનાં બંને ગૃહોની સંમતિથી વધારાની લાયકાતો સૂચવી શકે છે. લોકસભાનું સભ્યપદ પ્રતિષ્ઠિત ગણાતું હોવાથી તે અંગેની ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારોની સંખ્યા સામાન્ય રીતે ઉત્તરોત્તર વધતી રહી છે. સ્વાતંત્ર્યના પ્રારંભે પાંચ લાખની વસ્તીદીઠ એક પ્રતિનિધિના ધોરણે ચૂંટણી યોજાતી હતી જે પ્રમાણ એકવીસમી સદીના પ્રારંભે લગભગ બેવડું થઈ ગયું છે. એટલે કે દસ લાખની વસ્તીદીઠ એક પ્રતિનિધિનું પ્રમાણ સ્થિર થયું છે. તેરમી લોકસભા 545 સભ્યોની બનેલી હતી, જેમાં 530 પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને 13 કેન્દ્રશાસિત વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તથા બે સભ્યો પ્રમુખ દ્વારા નિમાયેલા છે. વર્તમાન લોકસભાની બેઠક-ફાળવણી 1971ની વસ્તી-ગણતરીના આધારે કરવામાં આવેલી છે. 2000ના વર્ષમાં હાથ ધરાયેલ વસ્તી-ગણતરીની સંપૂર્ણ વિગતો પ્રાપ્ત થશે ત્યાં સુધી આ ધોરણનો અમલ ચાલુ રહેશે. બંધારણના 84મા સુધારા અનુસાર મતદાર-વિભાગોની સીમા-રેખાઓમાં ફેરફારની પ્રક્રિયા સ્થગિત કરીને પ્રવર્તમાન ધોરણને 2026 સુધી ચાલુ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે.
ગૃહની બેઠકો : બંધારણ અનુસાર ગૃહની બેઠક વર્ષમાં બે વાર યોજવી આવશ્યક છે. વળી બે બેઠકો વચ્ચે છ માસ કરતાં વધુ ગાળો હોવો જોઈએ નહિ. વાસ્તવમાં ભારતમાં વર્ષમાં ત્રણ બેઠકો યોજવાની પરંપરા ઘડાઈ છે, જે સામાન્ય રીતે શિયાળુ, ઉનાળુ અને ચોમાસુ બેઠકો તરીકે ઓળખાય છે. સંસદની બેઠક યોજવાનો, તેની મુદતમાં વધઘટ કરવાનો કે બેઠક મુલતવી રાખવાનો કે બરખાસ્ત કરવાનો અધિકાર ભારતના રાષ્ટ્રપ્રમુખ ધરાવે છે; પરંતુ ગૃહ ચાલુ હોય ત્યારે આ અંગે નિર્ણય કરવાનો વિશેષાધિકાર ગૃહના અધ્યક્ષ ધરાવે છે. નિયમાનુસાર કુલ સભ્યોના દસમા ભાગના સભ્યોની હાજરી લોકસભાની કાર્યવહી માટેની કાર્યસાધક સંખ્યા (quorum) ગણાય છે. બીજા શબ્દોમાં, 552માંથી 56 સભ્યો હાજર રહે ત્યારે ગૃહની કાર્યવહી ચાલે છે. ગૃહની બેઠકના કામકાજનું સંચાલન અધ્યક્ષ કરે છે. ચૂંટણી પછીના નવા ગૃહની પ્રથમ બેઠકમાં ગૃહના ચૂંટાઈ આવેલા સભ્યોમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ચૂંટી કાઢવામાં આવે છે. (વધુ વિગતો માટે જુઓ અધિકરણો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ).
લોકસભાનો દરજ્જો બંધારણીય રીતે જ રાજ્યસભા કરતાં કંઈક ઊંચા સ્થાને છે. વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ મુખ્યત્વે લોકસભાના બહુમતી પક્ષમાંથી પસંદ થાય છે. આ રીતે હોદ્દો ધરાવતી કારોબારી લોકસભા પ્રત્યે સંયુક્ત જવાબદારી ધરાવે છે તેમજ અવિશ્વાસની દરખાસ્ત કે નાણાકીય કાપની દરખાસ્ત (‘કટ મોશન’) મંજૂર થાય ત્યારે ગૃહનો વિશ્વાસ ગુમાવ્યો હોવાથી હોદ્દા પરથી રાજીનામું આપી સત્તા છોડી દે છે.
લોકસભા પ્રજાના પ્રતિનિધિઓનું ગૃહ હોવાથી તેની નાણાકીય સત્તાઓ વિશિષ્ટ છે. સંસદનાં ગૃહો તરીકે રાજ્યસભા અને લોકસભા બંને અન્ય કેટલીક સમાન સત્તાઓ ધરાવે છે (વધુ માટે જુઓ સંસદ), જેમાં ધારાકીય, નાણાકીય, કારોબારીની, અદાલતી અને ચૂંટણી અંગેની સત્તાઓનો સમાવેશ થાય છે. નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય અને તેવા ખરડાને રાજ્યસભામાં માત્ર 14 દિવસ પૂરતો જ સમય ફાળવવામાં આવે છે. વળી કોઈ પણ પ્રકારની નાણાકીય કાપની કે નાણાકીય ફાળવણીની ફેરબદલી રાજ્યસભા કરી શકતી નથી. માત્ર લોકસભા જ આ કાર્ય કરી શકે છે. લોકસભાને નાણાકીય સત્તાઓની બાબતમાં વિશેષ મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે.
લોકસભાની કામગીરી પર દૃષ્ટિપાત : ભારતના બંધારણમાં સંસદીય લોકશાહીનો સ્વીકાર કરવામાં આવ્યો તે ઇતિહાસની વિરલ ઘટના લેખી શકાય. સંસદીય લોકશાહીની પ્રાણરૂપ સંસ્થા લોકસભા છે. દેશના નાગરિકો, સરકારો અને વિવિધ વર્ગો માટેના કાયદા-ઘડતરની કામગીરી તેને ભારતની રાજ્યવ્યવસ્થામાં કેન્દ્રીય સ્થાને સ્થાપિત કરે છે.
પ્રથમ લોકસભાનો કાર્યકાળ 1952થી 1957નો હતો. 17 એપ્રિલ 1952ના રોજ પ્રથમ લોકસભાની રચના થઈ. તે સમયે ગૃહમાં કુલ 499 સભ્યો હતા. સમગ્ર ગૃહ પર કૉંગ્રેસ પક્ષનું પ્રભુત્વ હતું. તેમાં 22 મહિલા-સભ્યો હતાં. ગૃહમાં બીજા ક્રમે સામ્યવાદી પક્ષ અને ત્રીજા ક્રમે સમાજવાદી પક્ષ હતો. બાકીના સભ્યો અન્ય નાના પક્ષો સાથે સંકળાયેલા હતા તેમજ થોડાક અપક્ષ સભ્યો પણ હતા. લોકસભામાં કાયદા સાથે સંબંધિત વ્યવસાય ધરાવનારાઓનું બાહુલ્ય હતું અને લોકસભાનું સ્વરૂપ અગ્રવર્ગીય હતું. પ્રથમ લોકસભામાં ખાનગી સભ્યના 7 ખરડા ઉપરાંત 6 બંધારણીય સુધારા પણ મંજૂર થયા હતા.
ગૃહ તરોતાજા હોવા સાથે જાહેર હિત તેની કેન્દ્રીય નિસબત હતી. ઊંચી પ્રણાલિકાઓ અને ધોરણોનો આરંભ કરી સંસદીય લોકશાહીને શોભાન્વિત કરે તેવી કામગીરી સાથે ગૃહનું કાર્ય ચાલતું હતું.
દ્વિતીય લોકસભાનો કાર્ય-કાળ 1957થી 1962નો હતો. 25 મહિલા-સભ્યો સાથે તે ગૃહ કામકાજ કરતું હતું. સમગ્ર ગૃહના સંદર્ભમાં મહિલા-સભ્ય-સંખ્યાની ટકાવારી 5.4 હતી. મુંદડા કૌભાંડને પગલે તત્કાલીન નાણાપ્રધાન ટી. ટી. કૃષ્ણામાચારી અને નાણા વિભાગના મુખ્ય સચિવ એચ. એમ. પટેલને રાજીનામું આપવું પડ્યું હતું. કૉંગ્રેસ પક્ષ બહુમતીમાં હતો. 4 બંધારણીય સુધારા સાથે દહેજ-પ્રતિબંધક ધારો ઘડવા અંગે બંને ગૃહોની સર્વપ્રથમ સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી, જેથી બંને ગૃહો વચ્ચે પડેલી મડાગાંઠ ઉકેલી શકાય.
ઊંચાં ધોરણો, સંનિષ્ઠ સાંસદો, અભ્યાસનિષ્ઠ કામગીરી સાથે અગ્રવર્ગીય સ્વરૂપ ધરાવતી લોકસભા કાર્યરત હતી. ભારતની સંસદીય લોકશાહીના ઇતિહાસનો એ સુવર્ણયુગ હતો.
તૃતીય લોકસભાનો કાર્યકાળ 1962થી 1967 હતો. આચાર્ય કૃપાલાની, રામમનોહર લોહિયા, મધુ લિમયે અને મીનુ મસાણી જેવા સંનિષ્ઠ નેતાઓ પેટાચૂંટણીમાં વિજેતા બની લોકસભામાં પ્રવેશ્યા. આ ગૃહ 34 મહિલા-સભ્યો ધરાવતું હતું. તે સમયે ગૃહે 275 ખરડા મંજૂર કરી, 8 બંધારણીય સુધારા કર્યા. 1962માં ચીનનું ભારત પર પ્રથમ વિદેશી આક્રમણ, ભારતીય સૈન્યની અસજ્જતાને કારણે પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી વી. કે. કૃષ્ણ મેનને આપેલું રાજીનામું. 1964માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું અવસાન, 1965માં પાકિસ્તાન સાથેનું યુદ્ધ, 1966માં વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન તથા 1966માં ઇન્દિરા ગાંધીનું ભારતનાં પ્રથમ મહિલા વડાંપ્રધાન બનવું, આ બધી નોંધપાત્ર ઐતિહાસિક ઘટનાઓનું આ ગૃહ સાક્ષી બન્યું. કાયદાઘડતર ઉપરાંત બીજી કેટલીક કામગીરીઓ ગૃહનાં મહત્વનાં કાર્યોમાં સમાવેશ પામી. તેથી લોકસભાનાં કાર્યોનો ભારે વિસ્તાર પણ થયો.
ચોથી લોકસભાનો કાર્યકાળ 1967થી 1970નો હતો. આ ચૂંટણીમાં લોકસભાની બેઠકો 494માંથી વધીને 520 થઈ. આ સમયથી ભારતીય રાજકારણની નોખી તાસીર વિકસવા લાગી, પક્ષપલટાના દૂષણનો પ્રારંભ થયો. કૉંગ્રેસ પક્ષનું વિભાજન થયું અને સિન્ડિકેટ-ઇન્ડિકેટની રચના થઈ. પક્ષીય શિસ્તને સ્થાને ‘અંતરાત્માના અવાજ’નું નર્યું દંભી રાજકારણ આરંભાયું. નાણાપ્રધાન તરીકે મોરારજીભાઈ દેસાઈની હકાલપટ્ટી તથા બૅંકોનું રાષ્ટ્રીયકરણ કરવા જેવાં પગલાં ભરાયાં. આ બધાંની કુલ અસર એ થઈ કે મુદત પૂર્વે 27 ડિસેમ્બર 1970ના રોજ ગૃહનું વિસર્જન કરવાની ફરજ પડી.
પાંચમી લોકસભાનો કાર્યકાળ 1971થી 1977નો હતો. ગૃહની ધારાપોથી(statute book)માં 482 ધારાકીય પગલાં ભરાયાની નોંધ લેવામાં આવી છે. 19 બંધારણીય સુધારા-ખરડાઓ મંજૂર કરવામાં આવ્યા, જે ઘટના ભારતની સંસદીય લોકશાહીનો એક વિશિષ્ટ કીર્તિમાન હતો. 35મા અને 36મા બંધારણીય સુધારા દ્વારા સિક્કિમ ભારતીય રાજ્યનો ભાગ બન્યું. સંસદના પૂર્વ સભ્યો માટે નિવૃત્તિવેતન (pension) યોજના દાખલ કરવામાં આવી. ડિસેમ્બર 1971માં પાકિસ્તાની આક્રમણને કારણે જાહેર થયેલી કટોકટી ચાલુ હતી છતાં 25 જૂન 1975ના રોજ આંતરિક ખલેલભરી પરિસ્થિતિના બહાના હેઠળ આંતરિક કટોકટી જાહેર કરવામાં આવી. વિવાદાસ્પદ 42મા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત પાંચને બદલે છ વર્ષની કરવામાં આવી. 42મા બંધારણીય સુધારા અંગે ગૃહમાં 14 કલાક ચર્ચા ચાલી અને ઐતિહાસિક કટોકટીની કડવી યાદો છોડતી ગઈ.
છઠ્ઠી લોકસભાનો કાર્યકાળ સાવ ટૂંકો, 1977થી 1979નો હતો. ભારતના ઇતિહાસમાં પ્રથમ વાર જનતા પક્ષની બિનકૉંગ્રેસી સરકાર સત્તા પર આવી. કટોકટી દરમિયાનના અનેક અત્યાચારો છતાં ચૂંટણીનો પ્રજાકીય ચુકાદો સ્વીકારી ઇંદિરા ગાંધીએ સત્તાનાં સૂત્રો છોડ્યાં. એક રાજકીય પ્રથા તરીકે ભારતની લોકશાહી પ્રથાએ કાયદેસરતા, સ્થિતિસ્થાપકતા, કંપનશક્તિ (vibrance) અને જીવનશક્તિ (vitality) પુરવાર કરી. લગભગ મનસ્વી બની બેઠેલી સરકારને બંધારણીય પદ્ધતિની શાંત ક્રાંતિથી રુખસદ આપવામાં આવી. 44મા બંધારણીય સુધારા દ્વારા લોકશાહીની દૃષ્ટિએ અરુચિકર જોગવાઈઓ રદ કરવામાં આવી અને લોકસભાની મુદત પુન: છમાંથી પાંચ વર્ષની કરવામાં આવી. આમ સત્તાના અતિરેકભર્યા બંધારણીય સુધારા રદ કરી જનતા સરકારે સ્વસ્થ લોકશાહી પુનર્જીવિત કરવા પ્રયાસ આદર્યો. વિપક્ષના વડાને ગૃહમાં વિરોધપક્ષના નેતાનો દરજ્જો આપવાની પ્રથા 1977માં આ સરકારના સમયથી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ દાખલ કરી. વિપક્ષી નેતાને કેબિનેટ મંત્રી સમકક્ષનો દરજ્જો અને મોભો મળવો જોઈએ તેવો વડાપ્રધાનનો આગ્રહ હતો. 1 નવેમ્બર 1977ના રોજ આ અંગેનો કાયદો ઘડવામાં આવ્યો. સત્તાધારી જનતા પક્ષ મજબૂત રીતે સંગઠિત ન થયો હોઈ તેની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં જનતા પક્ષની સરકારનું પતન થયું.
સાતમી લોકસભાનો કાર્યકાળ 1980થી 1984નો હતો. ઇન્દિરા ગાંધી બે-તૃતીયાંશ બહુમતી સાથે ફરી સત્તા પર આવ્યાં, જ્યારે અન્ય રાજકીય પક્ષો પોતાના રાજકીય માળખાને નિશ્ચિત આકાર આપી શક્યા નહિ. પ્રથમ લોકસભાથી માંડીને સાતમી લોકસભા સુધીમાં કૃષિકાર જૂથ (farmers’ lobby) ક્રમશ: વધુ ને વધુ બલવત્તર બન્યું. પંજાબની આતંકિત પરિસ્થિતિ ગૃહની કાર્યવહીમાં મહત્વનું સ્થાન પામતી. 11 ઑગસ્ટ 1980ના મંડલ પંચના અહેવાલે 27 % અનામતની ભલામણ કરી અને ગૃહમાં મોડી રાત સુધી તેની ચર્ચા ચાલી. 31 ઑક્ટોબર 1984ના રોજ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો.
આઠમી લોકસભાનો કાર્યકાળ 1985થી ’89નો હતો. આ ચૂંટણીમાં કૉંગ્રેસને નહેરુકાળ દરમિયાન પણ પ્રાપ્ત ન થયેલી, ત્રણ-ચતુર્થાંશ બહુમતી મળી. પ્રત્યેક અર્થમાં તે નાવીન્યપૂર્ણ બની રહી. સ્વચ્છ ઉમેદવારની પ્રતિભા ધરાવતા રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. સુનીલ દત્ત, અમિતાભ બચ્ચન અને વૈજયંતીમાલા બાલી જેવાં સિનેતારકો-તારિકાઓના નવા ચહેરા ગૃહમાં પ્રવેશ્યા. ગૃહના મોટાભાગના સભ્યો સાવ નવા હતા. 71 % સ્નાતક સભ્યો ધરાવતું આ ગૃહ અત્યાર સુધીના કાર્યકાળમાં સૌથી વધુ શિક્ષિત સભ્યો ધરાવતું હતું. વ્યવસાયની દૃષ્ટિએ કૃષિજૂથ સૌથી મોટું હતું. તેના કાર્યકાળમાંના 13 બંધારણીય સુધારા દરમિયાન એક સૌથી મહત્વનો સુધારો પુખ્તવય મતાધિકારની વયના ઘટાડાનો હતો, જે અનુસાર પુખ્તવય 21 વર્ષને સ્થાને 18 વર્ષની કરવામાં આવી. પક્ષપલટાને કારણે સભ્યનું સભ્યપદ રદ કરતી જોગવાઈ પણ આ સમય દરમિયાન કાયદાકીય રીતે કરવામાં આવી.
મુસ્લિમ મહિલા (લગ્નવિચ્છેદના અધિકારને રક્ષતો) ખરડો, 1986ને કારણે આ ગૃહમાં તીવ્ર વમળો પેદા થયાં અને 5-6 મે 1986ના રોજ લાંબી ચર્ચા પછી તે ખરડો મંજૂર થયો. શાહબાનુ કેસના સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાની અસરોને ફોક કરવા માટે આ ખરડો લાવવામાં આવ્યો હતો.
15 માર્ચ 1989ના દિવસે વિરોધપક્ષના ત્રણ સભ્યો બાકી રહેલા પૂરા સપ્તાહ માટે નિલંબિત થયા. સંસદના ઇતિહાસમાં આ પ્રકારનું પગલું પહેલી વાર લેવામાં આવેલું. કમ્પટ્રોલર અને ઑડિટર જનરલ ઑવ્ ઇન્ડિયાના અહેવાલને કારણે 155 mmની બોફૉર્સ તોપોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. 20 જુલાઈ 1989ના દિવસે ગૃહનાં કામકાજ આઠ વાર વિખેરવાની ફરજ પડી હતી. 124 સભ્યોએ ગૃહમાંથી રાજીનામાં આપ્યાં. આમ ઘણા અર્થમાં આઠમી લોકસભા બેશક ઐતિહાસિક બની રહી.
નવમી લોકસભાનો કાર્યકાળ 1989-91નો હતો. તેમાં નાના-મોટા એવા 24 જેટલા વિવિધ પક્ષોનું પ્રતિનિધિત્વ થયું હતું. આ સમયે ગૃહની એક વિરલ ઘટના એ હતી કે સૌપ્રથમ વાર એવું બન્યું કે સ્પષ્ટ બહુમતી મેળવનાર એક પણ પક્ષ તેમાં ન હતો, જેને કારણે પ્રથમ વાર ત્રિશંકુ સંસદની રચના થઈ. આથી વી. પી. સિંઘના નેતૃત્વ હેઠળ જનતા દળની લઘુમતી સરકાર રચાઈ, જેમાં તેને ભાજપ અને ડાબેરી પક્ષોનો ટેકો હતો. જોકે આ પક્ષો સરકારની રચનામાં જોડાયા નહોતા. 197 સભ્યો સાથે કૉંગ્રેસ પક્ષ એકમાત્ર સૌથી મોટા પક્ષ તરીકે માન્ય વિરોધપક્ષનું સ્થાન પામ્યો. વિરોધપક્ષના નેતા તરીકે સ્થાન પામનાર રાજીવ ગાંધી, પ્રથમ પૂર્વ વડાપ્રધાન હતા.
7મી ઑગસ્ટ 1990ના રોજ એકાએક વી. પી. સિંઘની સરકારે મંડલ પંચના અહેવાલ(જે 1 ઑગસ્ટ 1980માં સુપરત થયેલો)ને આધારે ‘સામાજિક ન્યાય’ માટેનો સરકારી નોકરીઓમાં 27 % અનામતનો નિર્ણય જાહેર કર્યો. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વકીલો દ્વારા તેની વિરુદ્ધ ભારે આંદોલન થયું અને કેટલાક વિદ્યાર્થીઓએ જાહેર માર્ગો પર આત્મવિલોપન કરી લોકસભાને હચમચાવી દીધી. કેટલાકના મતે આ જાહેરાત રાજકીય હેતુસરની હતી. વી. પી. સિંઘની સરકાર એક વર્ષ પણ પૂરું કરી શકી નહિ. 7 નવેમ્બર 1990ના રોજ વિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયો, જેમાં પ્રસ્તાવની તરફેણમાં 151 અને વિરુદ્ધમાં 356 મત રજૂ થતાં પ્રથમ વાર વિશ્વાસ પ્રસ્તાવ પસાર ન થવાને કારણે સરકાર પરાજિત થઈ. સમાજવાદી નેતા ચંદ્રશેખરને નવી સરકાર રચવા આમંત્રિત કરાયા, પણ એક સપ્તાહમાં જ 13 માર્ચ 1991ના રોજ ગૃહનું વિસર્જન થયું.
નવમી લોકસભા દરમિયાન થયેલી સૌથી મોટી હાનિ સંસ્થાકીય હતી. આ કાળ દરમિયાન ગૃહના નિયમો, રૂઢિઓ અને પરંપરાઓ એક બાજુએ ધકેલી દેવામાં આવતાં જોવા મળ્યાં. અંધાધૂંધી, શોરબકોર, બુમરાણનાં દૃશ્યો તથા સૂત્રો પોકારવાં કે વારંવારની સભામોકૂફી સામાન્ય બનવા લાગી. ગૃહ છોડી જવું, ગૃહના અંતરાલમાં ધસી આવવું જેવાં વરવાં દૃશ્યો લોકસભામાં રોજિંદાં દેખાવા લાગ્યાં. સ્થાયી બનતી જતી આ અવ્યવસ્થાના સંદર્ભમાં મધુ લિમયે જેવા સાંસદે નોંધ્યું કે ‘અંતે શરમજનક પ્રસ્થાન(inglorious exit)’નો આરંભ થયો. ‘નવમી લોકસભાનો સમગ્ર કાર્યકાળ નિરાશાજનક હતો અને 13મી માર્ચનો છેલ્લો દિવસ રાષ્ટ્રીય શરમિંદગીનો દિવસ હતો.’ સમગ્ર દેશ ગંભીર આર્થિક તકલીફોમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સભ્યોનાં નિવૃત્તિવેતન, ભથ્થાંઓ અને સગવડોમાં વધારો કરતા અને નિયમોમાં છૂટછાટ મૂકતા સુધારા-ખરડા પર સભ્યોએ મતદાન કર્યું, તેમજ નવી છૂટછાટો મેળવી. અહીં વિશેષ શરમજનક બાબત એ હતી કે સાંસદ તરીકે એક વર્ષ પૂરું કરનાર સભ્યને પણ જીવનભરના પ્રમાણસર નિવૃત્તિવેતનને લાયક ઠેરવવામાં આવ્યો હતો. આ એકમાત્ર પગલા દ્વારા પુરવાર થયું કે તમામ પક્ષોના સાંસદો વ્યાપક રાષ્ટ્રીય સમસ્યાઓ કરતાં નાના નાના અંગત લાભો અંગે ઝાઝી નિસબત ધરાવતા હતા. બંને ગૃહોમાં અતિઝડપે આ ખરડો મંજૂર થવાને કારણે રાષ્ટ્રવ્યાપી તિરસ્કારનું મોજું સારાયે દેશમાં ફરી વળ્યું હતું. રાષ્ટ્રપતિએ સૂચિત ખરડા પર સંમતિની મહોર ન મારી અને સાંસદોને રાષ્ટ્રીય શરમમાંથી ઉગારી લીધા.
બીજું, કેન્દ્ર માટે કરોડો રૂપિયાની માંગ કરતો નાણાખરડો, 1991-92નો પેશગી અનુદાન પ્રસ્તાવ (vote on account), 1990-91ની પૂરક માંગણીઓ, રાજ્યોના તથા રાષ્ટ્ર-પ્રમુખના શાસન હેઠળના કેન્દ્રશાસિત વિસ્તારોનાં અંદાજપત્રો કોઈ પણ ચકાસણી કે ચર્ચા વગર મિનિટોમાં મંજૂર થઈ ગયાં અને એ રીતે સંસદની ભૂમિકાની હાંસી ઉડાડવામાં આવી. માત્ર બે કલાકમાં કશીય ચર્ચા વિના 18 ખરડા મંજૂર કરી દેવામાં આવ્યા અને એક ખતરનાક/ભયાનક અને નકારાત્મક કીર્તિમાન એ દિવસે રચાયો.
દસમી લોકસભા ભારતીય ઇતિહાસની સૌથી જોખમી લોકસભા નીવડી. દેશમાં ચૂંટણીઓ હિંસક બનવાની શરૂઆત થઈ. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની કરુણ હત્યા થઈ. સંસદમાં સૌથી વધુ બેઠકો ધરાવતો મોટો પક્ષ કૉંગ્રેસ હતો. પણ તે સ્થિર સરકાર રચી શકે તેટલી બહુમતી મેળવવામાં ઊણો પડ્યો હતો. કૉંગ્રેસ પક્ષને ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી પીછેહઠ કરવી પડી હતી. પી. વી. નરસિંહરાવ પક્ષના પ્રમુખ અને દેશના વડાપ્રધાન ચૂંટાયા. દક્ષિણ ભારતમાંથી વરણી પામનાર તેઓ પ્રથમ વડાપ્રધાન હતા. આ વડાપ્રધાને લોકસભામાં સંખ્યાની દૃષ્ટિએ પોતાનું સ્થાન મજબૂત બનાવવા માટે રોકડ નાણાં અને મંત્રીપદના હોદ્દાની લહાણી કરવાનો તથા એવી અન્ય રીતોનો ઉપયોગ કર્યો. વિભાગીય સ્થાયી (standing) સમિતિઓ નીમવાની પ્રથાનો પ્રારંભ આઠમી લોકસભા દ્વારા થયો હતો. તેને કાયમી બનાવવામાં આવી. આ સમિતિઓ વિવિધ મંત્રાલયો અને વિભાગોની સહાયરૂપ અનુદાન(grant-in-aid)ની માંગનો વિગતપૂર્ણ અભ્યાસ કરે તે હેતુ તેની પાછળ હતો. આ સમયગાળા દરમિયાન સંસદનાં બંને ગૃહોની કાર્યવાહીનું ‘દૂરદર્શન’ દ્વારા જીવંત પ્રસારણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સામાન્ય રીતે પ્રશ્નોત્તરીકાળનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે પરંતુ મહત્વની ચર્ચા હોય, અંદાજપત્રની રજૂઆત કરવાની હોય કે અવિશ્વાસનો પ્રસ્તાવ હાથ ધરાયો હોય ત્યારે તે કાર્યવહીનું સતત જીવંત પ્રસારણ કરવામાં આવે છે.
અગિયારમી લોકસભા 15 મે 1996ના રોજ રચાઈ અને અટલબિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા. પરંતુ આ સાથે ત્રિશંકુ ધારાસભાઓનો તથા સંયુક્ત સરકારોનો કાળ શરૂ થયો. 11મી અને 12મી સામાન્ય ચૂંટણીઓ દરમિયાન 3 વર્ષમાં ચાર સરકારો રચવામાં આવી. આ તબક્કે મુખ્યત્વે પરસ્પરવિરોધી નીતિઓ અને વિચારો ધરાવતા પક્ષોના સમૂહથી સરકારો રચાવા લાગી. ગુનાઇત ભૂમિકા ધરાવતી વ્યક્તિઓએ લોકસભામાં નોંધપાત્ર પ્રમાણમાં પ્રવેશ મેળવ્યો.
16 મે 1998ના રોજ વાજપેયીએ વડાપ્રધાન તરીકે સોગંદ લીધા, પરંતુ રાષ્ટ્રપ્રમુખ શંકરદયાળ શર્માએ તેમને 31 મે 1998 સુધીમાં બહુમતી પુરવાર કરવાની મહેતલ આપી હતી. પરંતુ તે સમય દરમિયાન બહુમતી પુરવાર ન કરી શકાતાં માત્ર તેર દિવસ સત્તા પર રહેલી આ સરકારને રાજીનામું આપવું પડ્યું. સાવ અલ્પજીવી સરકાર તરીકે આ પ્રક્રિયા જાણીતી બની. ત્યારબાદ દેવગૌડા અને તે પછી ઇન્દર કુમાર ગુજરાલે સરકારો રચી. 28 નવેમ્બર 1997ના રોજ જૈન પંચના અહેવાલ અંગે કૉંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતાં ગુજરાલ સરકારે રાજીનામું આપ્યું. ત્રણ અઠવાડિયાંની રાજકીય કટોકટી બાદ 4 ડિસેમ્બર 1997ના રોજ આ લોકસભાનું વિસર્જન કરવામાં આવ્યું.
ફેબ્રુઆરી 1998માં નવી ચૂંટણીઓ યોજાતાં બારમી લોકસભાની રચના થઈ. તેના કાર્યકાળ દરમિયાન પોખરણ ખાતે બીજી વાર અણુવિસ્ફોટ કરવામાં આવ્યા જે આ સરકારની મહત્વની સિદ્ધિ હતી. 17 એપ્રિલ 1999ના રોજ વાજપેયી સરકાર અંગે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયો. આ પ્રસ્તાવ માત્ર એક મતથી ગુમાવતાં, સરકાર પરાજિત થઈ અને વડાપ્રધાને રાજીનામું આપ્યું, લોકસભાનું ફરી વિસર્જન થયું.
13 ઑક્ટોબર, 1999ના રોજ તેરમી લોકસભાની રચના થઈ. રાષ્ટ્રીય લોકશાહી મોરચા(National Democratic Alliance)એ બહુમતી હાંસલ કરતાં અટલબિહારી વાજપેયી ત્રીજી વાર વડાપ્રધાન બન્યા. 5 ફેબ્રુઆરી 2004ના રોજ 13મી લોકસભાનું વિસર્જન કરવામાં આવ્યું.
જૂન 2004માં ચૌદમી લોકસભાની રચના થઈ, જેમાં યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ(કૉંગ્રેસ અને સાથી પક્ષો)ના નેતૃત્વ હેઠળ સરકાર રચાઈ અને મનમોહનસિંઘ વડાપ્રધાન બન્યા. એથી ભારતીય લોકશાહીમાં મૂળભૂત પરિવર્તન અને પરિપક્વતા જોવા મળ્યાં. ચૌદમી સામાન્ય ચૂંટણીમાં સમગ્ર ડાબેરી પક્ષોએ 61 બેઠકો પર વિજય મેળવીને અત્યાર સુધીની તમામ સામાન્ય ચૂંટણીઓમાં પક્ષ તરીકે વધુમાં વધુ બેઠકો મેળવવાનો કીર્તિમાન સ્થાપિત કર્યો.
વિહંગાવલોકન : 1997ની 15મી ઑગસ્ટે સંસદના કેન્દ્રીય ખંડમાં સ્વાતંત્ર્યની સુવર્ણજયંતીના ઉજવણી સમારોહનો રાષ્ટ્રપ્રમુખ કે. આર. નારાયણનની હાજરીમાં આરંભ થયો હતો. લગભગ અડધા સૈકાનું આયુષ્ય ધરાવતી લોકસભા પાંચ દાયકાઓ દરમિયાન વિવિધ ચડાવ-ઉતારમાંથી પસાર થઈ છે.
પ્રારંભિક વર્ષોમાં શિક્ષિત, લોકશાહીવાદી ઉદારતાલક્ષી મૂલ્યો અને અસાધારણ સાંસદીય કુનેહ ધરાવતા તથા સંસદને ગરિમા પ્રદાન કરતા સામાજિક કાર્યકરો અને સ્વચ્છ, જાહેર હિતની ચિંતા સેવનારા રાજનીતિજ્ઞોએ લોકશાહી પરંપરાનું સંવર્ધન કર્યું, પરંતુ એકવીસમી સદીના પ્રારંભે વીતેલા યુગની દાસ્તાન રૂપે તેઓ સ્મૃતિશેષ બન્યા છે. વર્ષો વીતતાં લોકશાહી મૂલ્યો શિથિલ બન્યાં છે. લોકસભા કાયદા ઘડનાર અંગ હોવા સાથે અનેકવિધ કામગીરી સંભાળે છે. કાયદા ઘડવાનો સમય કુલ કાર્યવહીનો માત્ર વીસ ટકા સમય રોકે છે.
તંદુરસ્ત પક્ષપ્રથાનો વિકાસ રૂંધાયો છે, પક્ષપલટા જેવી નિરર્થક રસમને ઉત્તેજન સાંપડ્યું છે. પક્ષપલટાવિરોધી કાયદો ઘડવા છતાં એ દૂષણને નાથી શકાયું નથી. સિદ્ધાંતવિહોણા પક્ષપલટા સામાન્ય રસમ બની ચૂક્યા છે.
ગૃહની ચર્ચાનું હાર્દ, સ્તર અને કક્ષામાં ભારે ઘટાડો થયેલો નોંધાયો છે. લોકસભાની પ્રારંભિક બેઠકોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોની વિગતપૂર્ણ અને અભ્યાસપ્રચુર ચર્ચા થતી; તેનું સ્થાન પ્રાદેશિક અને સ્થાનિક સમસ્યાઓની ચર્ચા લેવા લાગી છે. એટલું જ નહિ પરંતુ આ ચર્ચા સ્વહિતકેન્દ્રી બનવા લાગી છે. સભ્યોનો સમસ્યાઓ પ્રત્યેનો અભિગમ જ સાવ બદલાઈ ગયો છે. રાષ્ટ્રીય સમસ્યાઓનો રાષ્ટ્રીય હિતની દૃષ્ટિએ વિચાર કરવાની ટેવ વિસ્મૃતિની વાત બની છે.
ચર્ચાનું નીચું ઊતરતું જતું સ્તર, સભ્યોની પાંખી હાજરી, ગેરશિસ્ત, અંધાધૂંધી અને શોરબકોરનાં વરવાં દૃશ્યો સામાન્ય બન્યાં છે. સંસદીય સંસ્કૃતિની ભૂમિકાનું ધોવાણ થઈને ખરડાની નકલોની ખેંચાખેંચ અને તે ફાડી નાંખવા જેવાં અશોભનીય કૃત્યો સામાન્ય બનવા લાગ્યાં છે. બારમી લોકસભામાં આવાં કારણોસર કુલ કામકાજના નવ ટકા સમયનો તેમજ તેરમી લોકસભામાં પચીસ ટકા સમયનો વ્યય થયો છે.
રાજકારણનું અપરાધીકરણ અને અપરાધોનું રાજકીયીકરણ દિન- પ્રતિદિન વ્યાપક બનવા લાગ્યું છે. રાજકીય પક્ષો ગુનાઇત રેકર્ડ ધરાવતા ઉમેદવારોને સાંસદો માટેની ચૂંટણી ટિકિટ આપે છે. વધતો રાજકીય ભ્રષ્ટાચાર ચિંતા પ્રેરે છે. ધારાસભ્યોની ખરીદી અને વેચાણ તથા સત્તાની ખેંચતાણ ભાવિ પેઢીઓ માટે ચિંતાજનક છે.
ભારતીય સંસદની સુવર્ણજયંતી નિમિત્તે દેશના પાટનગર નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સંસદીય સંમેલન 25 જાન્યુઆરી 2003ના રોજ યોજાઈ ગયું. 85 જેટલા દેશોના 170 લોકપ્રતિનિધિઓ તેમાં ઉપસ્થિત રહ્યા અને ભારતની સંસદીય લોકશાહી પર પ્રશંસાની પુષ્પવૃદૃષ્ટિ કરી, જે પ્રત્યેક નાગરિક માટે ગૌરવની બીના છે. આમ છતાં ગત અડધા સૈકા દરમિયાન ગરીબી, નિરક્ષરતા, અનારોગ્ય અને અન્ય સમસ્યાઓને હલ કરવાનો પુરુષાર્થ અપૂરતો, અધૂરો રહ્યો છે. આ વર્ષો દરમિયાન દેશે સંસદીય સંસ્થાઓ નિભાવી છે, પણ તેનાં પ્રાણ અને જીવંતતા ક્રમશ: ક્ષય પામતાં જાય છે અને એ રીતે દેશ એક દુર્ગમ વળાંક પર આવી ઊભો હોય એવું જણાય છે.
લોકસભા : એક તવારીખ
1947 : લોકોના ગૃહ(House of People)ની પ્રથમ બેઠક, જેમાં રાષ્ટ્રગીત તરીકે ‘वन्दे मातरम्’નું ગાન પંડિત ઓમકારનાથ ઠાકુર અને હીરાબાઈ બડોદેકર દ્વારા કરવામાં આવ્યું હતું.
1947થી 1950 : આ ગૃહે બંધારણસભા અને લોકોના ગૃહ તરીકેની બેવડી ભૂમિકા નિભાવી.
1950 : આ વર્ષથી આ ગૃહને ‘લોકસભા’ નામ પ્રાપ્ત થયું. બંધારણસભાએ તત્કાલીન લોકસભા રૂપે કામ કર્યું.
1950 : પ્રથમ બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને તે દ્વારા કોઈ પણ વ્યવસાય કરવાના, 19મી કલમના અધિકાર પર કેટલીક મર્યાદાઓ મૂકવામાં આવી.
1952 (એપ્રિલ) : સૌપ્રથમ ચૂંટાયેલી લોકસભાની રચના.
1952 (13 મે) : લોકસભાની પ્રથમ બેઠક યોજાઈ. ગૃહના સભ્ય તરીકે સૌપ્રથમ સોગંદ લેનાર વ્યક્તિ જવાહરલાલ નહેરુ હતા.
1952 (15 મે) : પ્રથમ અધ્યક્ષ તરીકે ગણેશ વાસુદેવ માવળંકર ચૂંટાયા. પ્રથમ પેટાચૂંટણી દ્વારા ચૂંટાયેલા સભ્ય પુરુષોત્તમદાસ ટંડન હતા.
1957 : 1લી માર્ચ 1957ના રોજ બીજી સામાન્ય ચૂંટણી પૂરી થઈ. નવી લોકસભા ચૂંટાવા છતાં જૂની લોકસભાના સભ્યો ચાલુ હતા કારણ કે આ પહેલી લોકસભાની મુદત 13 મે 1957 સુધીની હતી તેમજ તે સમયે લોકસભાનું વિસર્જન કરવાની પદ્ધતિ અમલમાં મુકાયેલી નહોતી. આથી આવી પ્રથમ લોકસભા માટે ‘લૂલીલંગડી સંસદ’ (લેમ-ડક પાર્લમેન્ટ) શબ્દપ્રયોગ થતો. અંતે 4 એપ્રિલ 1957ના રોજ આ પ્રથમ લોકસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
1952-57 : પ્રથમ લોકસભા દરમિયાન અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત આચાર્ય કૃપાલાનીએ રજૂ કરી હતી જે વિશાળ બહુમતીથી નામંજૂર કરવામાં આવી હતી. 2003ના વર્ષ સુધીમાં કુલ 26 અવિશ્વાસની દરખાસ્તો ગૃહ સમક્ષ આવી હતી. પાંચ દાયકાના આ દીર્ઘકાળ દરમિયાન કૉંગ્રેસ પક્ષની સરકારો વિરુદ્ધ 23 અવિશ્વાસની દરખાસ્તો રજૂ થઈ હતી જેમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના શાસન વિરુદ્ધ 15 દરખાસ્તો રજૂ થઈ હતી.
1962 : પ્રથમ વાર ન ભૂંસી શકાય તેવી શાહી ધરાવતાં મતપત્રોનો ઉપયોગ ત્રીજી ચૂંટણીમાં થયો.
1962 (12 માર્ચ) : બંને ગૃહોની પ્રથમ સંયુક્ત બેઠક બોલાવવામાં આવી જે દહેજ-પ્રતિબંધક ધારાની ચર્ચા અંગે મળી હતી.
1957થી 1962 : આ ગાળા દરમિયાન સંસદની અવહેલના કરવા માટે ‘બ્લિટ્ઝ’ અંગ્રેજી સાપ્તાહિકના તંત્રી આર. કે. કરંજિયાને સંસદગૃહમાં હાજર કરીને ઠપકો આપવામાં આવ્યો હતો.
1967થી 1970 : ચોથી લોકસભાથી રાજકીય પક્ષોનું વિભાજન અને પક્ષપલટાનું રાજકારણ આરંભાયું તથા એક પક્ષ તરીકે કૉંગ્રેસના પ્રભુત્વનો અંત આવ્યો.
1969 : લોકસભામાં પ્રથમ વાર વિરોધપક્ષના નેતાનું ખાલી સ્થાન ભરવામાં આવ્યું. આ સ્થાને ડૉ. રામસુભગસિંઘનું નામ મંજૂર થયું.
1971 થી 1977 : આ કાર્યકાળ દરમિયાન પાંચમી લોકસભાએ 19 બંધારણીય સુધારા કર્યા.
1977 : પ્રથમ વાર બિનકૉંગ્રેસી પક્ષો બહુમતીમાં આવ્યા તથા જનતા પક્ષની સરકારની રચના થઈ.
1989 (15 માર્ચ) : વિરોધપક્ષના ત્રણ સભ્યોને પૂરા સપ્તાહ માટે નિલંબિત કરવામાં આવ્યા. લોકસભાના ઇતિહાસમાં આ પ્રકારનું આ પ્રથમ પગલું હતું.
1989 (2 ડિસેમ્બર) : પ્રથમ ત્રિશંકુ સંસદની રચના થઈ. કોઈ પણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી ન હોવાની વિરલ ઘટના ઘટી.
1990 (7 નવેમ્બર) : વિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયો અને તે પ્રસ્તાવ પસાર ન થઈ શકતાં સરકાર પરાજિત થઈ.
1989થી 1991 : નવમી લોકસભાના છેલ્લા દિવસે માત્ર બે કલાકમાં કશીય ચર્ચા વિના 18 ખરડા મંજૂર થતાં નકારાત્મક કીર્તિમાન રચાયો.
1991 (20 જૂન) : દસમી લોકસભા દરમિયાન ઝારખંડ મુક્તિ મોરચાના સભ્યોને સરકારની તરફેણમાં મત આપવા માટે તત્કાલીન પ્રધાનમંત્રી નરસિંહરાવે કરોડો રૂપિયાની લાંચ આપી હતી તે ઘટના લોકસભા-ગૃહની અંદર બની હોવાને કારણે સર્વોચ્ચ અદાલતે ભ્રષ્ટાચારવિરોધી કાયદા હેઠળ તેને ગુનાઇત વર્તન ગણ્યું નહોતું.
1993 (11 મે) : સૌપ્રથમ મહાઅભિયોગની દરખાસ્ત રજૂ થઈ, જે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વી. રામાસ્વામી અંગે હતી.
1998 (16 મે) : અગિયારમી લોકસભામાં અત્યંત અલ્પજીવી સરકાર રચાઈ. અટલબિહારી વાજપેયીની સરકાર માત્ર તેર દિવસ સત્તા પર રહી અને બહુમતી પુરવાર ન કરી શકતાં રાજીનામું આપ્યું.
લોકસભામાં સૌથી વધુ વાર ચૂંટાનાર સભ્ય ઇન્દ્રજિત ગુપ્તા હતા, જેઓ 10 વખત ગૃહમાં ચૂંટાઈ આવ્યા હતા. બીજા સ્થાને પી. એમ. સઇદ નવ વાર ચૂંટાયા અને ત્રીજા સ્થાને અટલબિહારી વાજપેયી અને સોમનાથ ચૅટરજી બંને આઠ વખત ચૂંટાયા.
બંનેમાંથી કોઈ પણ એક ગૃહના સભ્ય ન હોય છતાં જેમના અવસાન-નિમિત્તે ગૃહનું કામકાજ મોકૂફ રાખવામાં આવ્યું હોય તેવી વ્યક્તિઓમાં પ્રથમ સ્થાને જનસંઘના પ્રમુખ દીનદયાળ ઉપાધ્યાય, દ્વિતીય સ્થાને જયપ્રકાશ નારાયણ અને તૃતીય સ્થાને સંત હરચંદસિંઘ લોંગોવાલ હતા.
લોકસભાની બેઠકોમાં પોતાના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ વાર હાજર રહેનાર સભ્ય દુર્ગાબાઈ દેશમુખ હતાં.
લોકસભાના મોટાભાગના સભ્યો પોતાના વ્યવસાય તરીકે પ્રથમ સ્થાને કૃષિ તથા દ્વિતીય સ્થાને સમાજસેવા દર્શાવે છે. આમ, કૃષિ પાર્શ્ર્વભૂમિકા ધરાવતા સભ્યો હમેશાં વધુ સંખ્યામાં હોય છે. 13મી લોકસભામાં 543 સભ્યો પૈકી 230 સભ્યો કૃષિકારો હતા અને 66 સભ્યો કાનૂની ભૂમિકા ધરાવતા હતા.
લોકસભાની તમામ બેઠકોમાંથી મધ્યપ્રદેશના છીંદવાડા અને કર્ણાટકના બેલ્લારી મતવિસ્તારો એવા છે જ્યાંથી તમામ ચૂંટણીઓમાં માત્ર કૉંગ્રેસ પક્ષના ઉમેદવારો જ ચૂંટાયા છે.
1999 : તેરમી લોકસભાના 543માંથી 256 સાંસદો સ્નાતક હોવાથી ગૃહના 48 ટકા સભ્યો શિક્ષિત હતા. ઉપરાંત 27 સાંસદો ડૉક્ટરેટની પદવી અને ઉચ્ચ અભ્યાસની ભૂમિકા ધરાવતા હતા. પ્રથમ લોકસભામાં કુલ 112 (23.2 ટકા) સાંસદો એસ.એસ.સી.થી ઓછું શિક્ષણ ધરાવતા હતા. જ્યારે 13મી લોકસભામાં માત્ર 15 (2.8 ટકા) સાંસદો એસ.એસ.સી.થી ઓછું શિક્ષણ ધરાવતા હતા. 13મી લોકસભામાં એસ.એસ.સી., ઉચ્ચતર માધ્યમિક અને ઇન્ટરમીડિયેટ પ્રમાણપત્ર ધરાવતા સાંસદો કુલ 90 હતા.
2004 (5 ફેબ્રુઆરી) : 13મી લોકસભાનું વિસર્જન કરવામાં આવ્યું ત્યારે તેની પાસે 43 ખરડા વિચારાધીન હતા; જેમાં લોકપાલની રચના અંગેનો ખરડો અને કમ્યૂનિકેશન્સ કન્વરજન્સ ખરડો છેક 2001થી વિચારાધીન પડેલા છે.
2004 (13 મે) : 14મી સામાન્ય ચૂંટણીમાં સમગ્ર ડાબેરી પક્ષોએ 61 બેઠકો પર વિજય મેળવીને સ્વાતંત્ર્ય બાદની પ્રથમ ચૂંટણીથી અત્યાર સુધીમાં વધુમાં વધુ બેઠકો પર વિજયી નીવડવા અંગેનો કીર્તિમાન રચ્યો છે.
2004 : આ વર્ષ સુધીમાં પૂર્વ સાંસદોના ટેલિફોન વિભાગના કરોડો રૂપિયાનાં બિલ બાકી છે. ઓછામાં ઓછા 650 સાંસદો એવા છે જેના પર મહાનગર ટેલિફોન નિગમ લિ. અને ભારત સંચાર નિગમ લિ.ના કરોડો રૂપિયા બાકી છે. તેમને અનેક વાર પત્રો પાઠવ્યા છતાં તેની કોઈ અસર થઈ નથી. અદાલત પણ આવા સભ્યોની ટીકા કરી ચૂકી છે. વિસર્જિત 13મી લોકસભાના 50 સભ્યો એવા હતા, જેમાંના પ્રત્યેક પાસે આ નિગમોની 18 લાખથી 40 લાખ રૂપિયાની રકમ બાકી છે.
2004 : કુલ 14 સામાન્ય ચૂંટણીઓમાં 13મી લોકસભામાં મહત્તમ સંખ્યામાં મહિલાઓ ચૂંટાઈ આવી હતી. 13મી લોકસભાના કુલ 543 સભ્યો પૈકી 49 મહિલા-સભ્યો હતાં. ટકાવારીની દૃષ્ટિએ આ પ્રમાણ 9.02 ટકા હતું. નવ મહિલા-સભ્યો સાથે ઉત્તરપ્રદેશ રાજ્ય મહિલા-સભ્યોની બાબતમાં ટોચના સ્થાને હતું.
બિનહરીફ સાંસદો ચૂંટાવાનો ક્રમ લોકસભામાં પ્રથમ ચૂંટણીથી શરૂ કરીને 1989ની ચૂંટણી સુધી ચાલુ રહ્યો હતો. 1952ની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં 10 સભ્યો, 1957ની બીજી સામાન્ય ચૂંટણીમાં 12 સભ્યો, 1962ની ત્રીજી સામાન્ય ચૂંટણીમાં 5 સભ્યો અને 1967ની ચોથી સામાન્ય ચૂંટણીમાં 5 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. 1989માં નૅશનલ કૉન્ફરન્સના મહમ્મદ શફી બટ્ટ જમ્મુ-કાશ્મીર રાજ્યની શ્રીનગર બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા હતા, જે બિનહરીફ ચૂંટાનાર છેલ્લા સભ્ય હતા. તે પછી 1989થી 2004 સુધીમાં લોકસભામાં કોઈ પણ સભ્ય બિનહરીફ ચૂંટાયા નથી.
રક્ષા મ. વ્યાસ