લોકસત્તા-જનસત્તા : વડોદરાનું એક જમાનાનું પ્રભાવશાળી અખબાર, જે આજેય ચાલુ છે. તેનો પ્રારંભ બીજી ડિસેમ્બર 1951ના રોજ થયો હતો. સ્થાપક બાહોશ પત્રકાર-તંત્રી રમણલાલ શેઠ. હાલ (2004) આ અખબાર વડોદરા, અમદાવાદ તેમજ રાજકોટ એમ ત્રણ શહેરોમાંથી પ્રગટ થાય છે. છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી આ અખબાર ‘લોકસત્તા-જનસત્તા’ના નામે ઓળખાય છે. રમણલાલ શેઠે સૌપ્રથમ વડોદરામાં અને ત્યારબાદ અમદાવાદ તેમજ રાજકોટમાં પણ ‘લોકસત્તા-જનસત્તા’નો પ્રારંભ કર્યો હતો. આ અખબાર અમદાવાદમાં ક્યારે શરૂ થયું તે વિશે અલગ અલગ પ્રમાણ મળે છે. ‘લોકસત્તા-જનસત્તા’ના તંત્રી રહી ચૂકેલા વરિષ્ઠ પત્રકાર દિગંત ઓઝા આ અખબારના 43મા જન્મદિનની વિશેષ પૂર્તિમાં લખે છે કે ડિસેમ્બર 1951માં વડોદરામાં ‘લોકસત્તા’નો પ્રારંભ થયો પછી લગભગ ત્રણેક વર્ષે અમદાવાદ આવૃત્તિનું પ્રકાશન શરૂ થયું હતું. જ્યારે પીઢ પત્રકાર અને તંત્રી નરભેરામ સદાવ્રતીએ આ જ પૂર્તિમાં નોંધ્યું છે કે વડોદરામાં ‘લોકસત્તા’ શરૂ થયા પછી એક વર્ષે અમદાવાદમાં ‘જનસત્તા’ નામે આ અખબારની આવૃત્તિ શરૂ થઈ હતી.
‘લોકસત્તા-જનસત્તા’એ સૌથી મહત્વનું યોગદાન મહાગુજરાત ચળવળ વખતે આપ્યું હતું. રમણલાલ શેઠ નીડર પત્રકાર અને સ્પષ્ટ- વક્તા હતા. તેમના આ ગુણ મહાગુજરાતની લડત વખતે અત્યંત પ્રભાવક બની રહ્યા. તે સમયની ગુજરાત કૉંગ્રેસની નેતાગીરી મુંબઈ રાજ્યના વિભાજનની વિરુદ્ધ હતી, પરંતુ ‘લોકસત્તા-જનસત્તા’એ આ લડત ભારે જોરશોરથી ઉપાડી. રમણલાલ શેઠે જે હિંમતપૂર્વક મહાગુજરાત લડતને ટેકો આપ્યો તેનાથી અખબાર તો ભારે લોકપ્રિય થયું જ, પરંતુ સાથે લડતના આગેવાનોને પણ ‘લોકસત્તા-જનસત્તા’એ બળ આપ્યું.
લગભગ 2022 વર્ષ સુધી સંચાલન બાદ ‘લોકસત્તા-જનસત્તા’ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ જૂથને સોંપાયું. રામનાથ ગોયેન્કાના નેતૃત્વ હેઠળના આ જૂથે લગભગ 25 વર્ષ સુધી ‘લોકસત્તા-જનસત્તા’ને તેની અલગ ઓળખ જાળવી રાખીને જ ચલાવ્યું. ત્યારપછી આ અખબાર 16 ઑગસ્ટ 1999થી પીઢ પત્રકાર-તંત્રી ભૂપતભાઈ વડોદરિયાના નેતૃત્વ હેઠળના ‘સમભાવ’ અખબારજૂથના નેજા હેઠળ આવ્યું. આમ 53 વર્ષમાં ‘લોકસત્તા-જનસત્તા’ની માલિકી ત્રણેક વખત બદલાઈ. પરંતુ દરેક વખતે ‘લોકસત્તા-જનસત્તા’ની લોકભોગ્ય અખબાર તરીકેની ઓળખ યથાવત્ રહી છે.
‘લોકસત્તા-જનસત્તા’માં ઈશ્વર પંચોળી, વાસુદેવ મહેતા, જયંતીભાઈ શુક્લ, કાંતિભાઈ રામી, પ્રકાશ ન. શાહ, હસમુખ ગાંધી, દિગંત ઓઝા, ઘનશ્યામ ભાવસાર જેવા પત્રકારો તંત્રીપદે રહી ચૂક્યા છે. હાલ (2004) ‘લોકસત્તા-જનસત્તા’ના તંત્રી ભૂપતભાઈ વડોદરિયા છે.
અલકેશ પટેલ