લોકવનસ્પતિવિજ્ઞાન : માનવના દૈનિક જીવનમાં વિવિધ હેતુઓ માટે ઉપયોગી વનસ્પતિઓના વંશપરંપરાગત ઊતરી આવતા જ્ઞાનનો અભ્યાસ. ‘લોકવનસ્પતિવિજ્ઞાન’ (ethnobotany = ethno માનવિક, botany વનસ્પતિવિજ્ઞાન) શબ્દ સૌપ્રથમ વાર જ્હૉન વિલિયમ હાર્સબર્ગરે (1895) પ્રયોજ્યો. તે પહેલાં તેને આદિમ વનસ્પતિવિજ્ઞાન (aboriginal botany કે folk botany) તરીકે ઓળખાવવામાં આવતું હતું. તે આદિકાળથી માનવ-અસ્તિત્વ ટકાવવા વનસ્પતિના અનેકવિધ ઉપયોગનાં તમામ પાસાંઓ સાથે સંકળાયેલું છે. તેના દ્વારા માનવ અને તેને ઉપયોગી પાલતુ પ્રાણીઓના વનસ્પતિઓ સાથે સંપૂર્ણ કુદરતી અને પરંપરાગત આંતરસંબંધોનો અભ્યાસ થાય છે.
લોકવનસ્પતિવિજ્ઞાન અને આર્થિક વનસ્પતિવિજ્ઞાન (economic botany) વનસ્પતિવિજ્ઞાનમાં સમાવાયેલી ખૂબ જ નજીકની શાખાઓ છે. લોકવનસ્પતિવિજ્ઞાનના ક્ષેત્રમાં વનસ્પતિઓ અને માનવના આંતરસંબંધોની બાબતો સમાયેલી છે, જેમાં માનવજીવન ઉપરાંત તેનાં સાંસ્કૃતિક અને સામાજિક પાસાંઓ સાથેના વનસ્પતિના ઘનિષ્ઠ સંબંધનો અભ્યાસ થાય છે. જ્યારે આર્થિક વનસ્પતિવિજ્ઞાન માનવના આર્થિક જીવનમાં ભાગ ભજવતી અને વ્યાપારીકરણ સાથે સંબંધિત ઉપયોગી વનસ્પતિઓ(ખેતપેદાશ સહિતની)ના અભ્યાસ સાથે સંકળાયેલી જ્ઞાનશાખા છે.
વ્યાખ્યા : લોકવનસ્પતિવિજ્ઞાનની વ્યાખ્યાઓ સામાન્ય રીતે સંશોધનકારો દ્વારા હાથ ધરાયેલ કાર્ય પર અવલંબે છે; જેમ કે,
1. આદિમ જાતિઓ (aborigines) દ્વારા ઉપયોગમા લેેવાતી બધાં જ સ્વરૂપની વનસ્પતિઓનો અભ્યાસ.
2. માત્ર ઉપયોગ જ નહિ, પરંતુ રીતરિવાજો કે રૂઢિગત પ્રથાઓ અને ધાર્મિક વિધિઓ દ્વારા સ્થાપિત થયેલ પર્યાવરણની પરંપરાગત છાપ.
3. આદિવાસી પૂરતું જ સીમિત નહિ, પરંતુ વનસ્પતિઓ વિશેનું બધા જ પ્રકારનું પરંપરાગત જ્ઞાન.
4. મનુષ્યો અને વનસ્પતિઓ વચ્ચેનો પ્રત્યક્ષ સંબંધ દર્શાવતો અભ્યાસ.
5. સ્થાનિક લોકો અને તેઓની આસપાસના પર્યાવરણના વાનસ્પતિક ઘટક સાથેની આંતરપ્રક્રિયાનો અભ્યાસ.
6. ઉપયોગી વનસ્પતિઓનો વ્યાપારીકરણ અને ઘરગથ્થુ બનતા પહેલાંનો અભ્યાસ.
7. માનવ અને વનસ્પતિઓ તેમજ તેના પાલતુ પ્રાણીઓ વચ્ચેનો સંપૂર્ણ કુદરતી અને પ્રત્યક્ષ આંતરસંબંધ.
હેતુઓ : લોકવનસ્પતિવિજ્ઞાનના પિતા હાર્સબર્ગર(1896)ના મતે લોકવનસ્પતિવિજ્ઞાનના મૂળભૂત હેતુઓ આ પ્રમાણે છે :
1. તેનો અભ્યાસ આદિમાનવોની સાંસ્કૃતિક અવસ્થા અંગે સ્પષ્ટીકરણ કરવામાં મદદ કરે છે. આદિમ લોકો ખોરાક, કપડાં અને રહેઠાણ માટે વનસ્પતિનો ઉપયોગ કરતા હતા તે દરમિયાન આ લોકો તેમની જરૂરિયાતોના સંદર્ભમાં વનસ્પતિના વિવિધ ભાગોમાંથી ઉપયોગી ચીજવસ્તુઓ બનાવતા. આ પ્રક્રિયામાં ઉપલબ્ધ વનસ્પતિના કોઈ ભાગનો બિનજરૂરી વ્યય ન થાય તે રીતે ઉપયોગમાં લેતા. જો કોઈ એક વનસ્પતિ તેઓને એક હેતુ માટે ઉપયોગમાં લેવાનું અનુકૂળ ન હોય તો તેઓ તેને અન્ય પ્રકારે વધુ સારી રીતે બીજા હેતુ માટે ઉપયોગમાં લેવાનું રાખતા. આમ, આદિકાળથી માનવ તેની આસપાસ થતી વનસ્પતિઓમાંથી પોતાની મહત્તમ જરૂરિયાત એ રીતે સંતોષવાનો પ્રયત્ન કરતા કે જેથી વનસ્પતિના અસ્તિત્વને નુકસાન ન થાય.
2. તેનો અભ્યાસ ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતી વનસ્પતિઓ અને તેના ફેલાવા પર પ્રકાશ પાડે છે, જેથી ભૂતકાળમાં વનસ્પતિનું ઉદભવસ્થાન અને ત્યારબાદ તેનું અન્ય સ્થળે સ્થાનાંતર કેવી રીતે થયું હશે, તેની માહિતી પ્રાપ્ત થાય છે.
3. તેના અભ્યાસથી પ્રાચીન કાળમાં વનસ્પતિ અને તેનાં ઉત્પાદનોનાં સ્થાનાંતરોને લીધે તે સમયના વેપારના માર્ગો વિશે જાણકારી મળે છે.
4. તેના અભ્યાસથી કેટલીક વસ્તુઓના ઉત્પાદનની નવી પદ્ધતિઓ વિકસાવી શકાય છે. જૂના જમાનામાં લોકો દ્વારા થતા ઉપયોગોને ધ્યાનમાં લઈ પ્રવર્તમાન સંજોગોમાં તેનો અભ્યાસ કરી વનસ્પતિઓનો ઔષધો, સૌંદર્ય-પ્રસાધનો તેમજ અન્ય અનેક જરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદન માટે માર્ગદર્શન મળે છે.
મુખ્ય સ્રોત : લોકવનસ્પતિ પર જ્ઞાન પ્રાપ્ત કરવાના ચાર મુખ્ય સ્રોત છે :
1. આદિવાસીઓ, આદિમ જાતિઓ અને દૂરના વિસ્તારો તથા ગામોમાં વસતા લોકો સાથે રહી ત્યાંની વનસ્પતિઓનો માનવજીવન સાથેનો સંબંધ અને અવલંબનનો અભ્યાસ થઈ શકે છે. જે સૂચના અને માહિતી એકઠી કરવામાં આવે, તેનાથી ત્યાંના રહેવાસીઓના હિતનું કાર્ય થાય તે જ ધ્યેય હોવું જોઈએ. એકઠી કરેલી વનસ્પતિના નમૂનાઓને સુરક્ષિત યોગ્ય જગ્યાએ રાખવાનું પણ એટલું જ જરૂરી છે.
2. પ્રાચીન સાહિત્યમાં તે સમયના લોકો દ્વારા વપરાતી વનસ્પતિઓ અને અન્ય સંબંધો પર અનેક ઉપયોગી માહિતી મળે છે. જે વર્ષો પછી નાશ પામવાને લીધે પ્રત્યક્ષ જોવા મળતી નથી. ઉપયોગી સાહિત્યના અભ્યાસ દ્વારા તેની શોધ, અને ઉપયોગી બાબતોનો આજના સંદર્ભમાં વિકાસ કરવાની આવશ્યકતા છે. મનુષ્યના વિકાસની લાંબી કથામાં વનસ્પતિઓનું ઘણુંબધું યોગદાન છે. વનશાસ્ત્ર અને ખેતીમાં વપરાતી વનસ્પતિઓ તથા અન્ય છોડોના ઉલ્લેખનું ઘણું મહત્વ છે. ખેતીની ઉત્પત્તિ, વિકાસ તેમજ ધાન્ય, કઠોળ, અન્ય પાકો, ફળ વગેરેનો ઉપયોગ માનવસભ્યતાના વિકાસ પર પ્રકાશ પાડે છે. નશાકારક (માદક) પદાર્થોનો પ્રથમ ઉપયોગ, પ્રચાર, ધાર્મિક અને સામાજિક વ્યવસ્થામાં તેનું સ્થાન, આજના સમયમાં તેનો ઉપયોગ કે દુરુપયોગ વગેરે બાબતો પર માહિતી મળે છે. સોમરસ, અફીણ અને ચરસની પ્રાચીન કથાઓ અને તેની ભાવિ શક્યતાઓ પર કેટલાંક પ્રમાણો જોવા મળે છે. છોડનાં કેટલાંક નામોની રચના, અર્થ અને ઉપયોગિતા પર પણ પ્રાચીન સાહિત્યમાંથી જાણકારી મળે છે. પ્રાચીન સાહિત્યમાં લખેલ છોડનાં સ્થાનિક નામોની વિવિધતા અને કોઈ નિયમ સાથે સુસંગત ન હોવાથી, આ છોડને ચોક્કસ રીતે ઓળખવાનું કાર્ય મુશ્કેલ બને છે, છતાં પણ મોટેભાગે તેને યોગ્ય સમજવામાં આવે છે. સોમરસ જેવા છોડનું નામ આજે પણ ચર્ચાસ્પદ જ છે. વૈદિક સોમ તરીકે જે વનસ્પતિઓ ઓળખાઈ છે તેમાં Cannabis sativa, Ceropegia sp., Eleusine sp., Ephedra sp., Saccharum sp., Sarcostemma sp., Sorghum sp., Vitis vinifera અને અન્ય વનસ્પતિઓનો સમાવેશ થયેલ છે.
3. વનસ્પતિઓ અને જંતુઓના સાચવી રાખેલ નમૂનાઓ પણ ખૂબ જ ઉપયોગી સ્રોત છે. છેલ્લાં ચારસો-પાંચસો વર્ષથી વનસ્પતિઓના નમૂનાઓ એકત્રિત કરી સાચવીને વનસ્પતિ-સંગ્રહાલય(herbarium)માં રાખવામાં આવેલા હોય છે. વળી જીવ-જંતુઓ અને અન્ય પ્રાણીઓના નમૂનાઓ પણ સંગ્રહાલયો(મ્યુઝિયમ)માં રાખવામાં આવેલા હોય છે. અનેક સંગ્રહાલયોમાં રાખવામાં આવેલા આ નમૂનાઓ પર ટિપ્પણી કે સૂચનો થયેલાં હોય છે. તેનો અભ્યાસ કરવાથી જે તે સમયના જ્ઞાનની ઝાંખી મળી શકે છે; વળી વનસ્પતિ અને પ્રાણીઓની સાચી ઓળખ પણ સહેલાઈથી મળી શકે છે. તેમાં લખેલી કઈ સૂચના નવી અને રોચક છે તેનો પણ ખ્યાલ આવે છે.
4. પુરાતત્વ વિભાગમાંથી મળતા અશ્મિઓ, મંદિરોની મૂર્તિઓ, ચિત્રો કે શિલ્પકલાઓમાંથી પ્રાચીન પરંપરાની સારી એવી માહિતી મળી શકે છે. પ્રાચીન સમયનાં ઉપયોગી છોડ, વૃક્ષ, ફળ, ફૂલ વગેરેનો ઇતિહાસ અને વિસ્તાર વિશેની માહિતી મળે છે.
આ ચારેય સ્રોતોમાંથી સૌથી વધારે મહત્વપૂર્ણ, ઉપયોગી અને સાર્થક સ્રોત પ્રથમ ક્રમનો છે. એટલે કે જાતે જ જે તે વિસ્તારમાં જઈ, માહિતી એકત્રિત કરી તે વિસ્તારનો અભ્યાસ કરવો જરૂરી છે. લાંબા સમય સુધી જે તે વિસ્તારની મુલાકાત લઈ, ત્યાંના જનસમૂહ વચ્ચે રહી, અવલોકનો કરી, તેઓને સાંભળી, સમજીને નમૂનાઓ એકત્રિત કરી, તેના પર વિસ્તૃત ટિપ્પણી લખવા વગેરે ખૂબ જ સફળ પ્રયોગ કરી શકાય છે.
એક જ પ્રકારના માનવસમૂહ વચ્ચે રહી બધી જ બાબતોનો અભ્યાસ કરવો મુશ્કેલ છે અને તે વધુ સમય માગી લે છે. સુવિધા પ્રમાણે અને અધ્યયનના મૂળ હેતુને ધ્યાનમાં રાખીને કોઈ વિશિષ્ટ બાબતોને શોધનો વિષય બનાવી શકાય છે; જેમ કે, જંગલમાંથી પ્રાપ્ત થતાં ખાદ્ય પદાર્થ, ઔષધીય વનસ્પતિઓ, ખેતીની પ્રણાલી, ઘર-ઝૂંપડી નિર્માણ, ઘર-ખેતરની વાડ, ઘરગથ્થુ ઉપયોગી સાધનો વગેરેમાં વનસ્પતિનો ફાળો એવા વિષયો પર કાર્ય કરી શકાય છે. આ બાબતોના સામાજિક અને આર્થિક ક્ષેત્રે પ્રભાવનો પણ અભ્યાસમાં સમાવેશ કરી શકાય છે. એક જ વિસ્તારના વિવિધ માનવસમૂહો વચ્ચે તુલનાત્મક અભ્યાસ પણ ખૂબ જ રસપ્રદ બનાવી શકાય છે. એકત્રિત કરેલી માહિતીમાંથી પ્રકાશિત સાહિત્યમાં પહેલેથી કઈ બાબતોનો ઉલ્લેખ થયેલો છે, તેનું વિશ્ર્લેષણ ઉપયોગી બને છે.
માનવ અને વનસ્પતિ વચ્ચે પારસ્પરિક સંબંધો ખૂબ જ પ્રાચીન છે. જંગલી અવસ્થાના માનવે જંગલમાંથી પ્રાપ્ત થતી વનસ્પતિ અને તેના ભાગોનો ભૂખ સંતોષવા અને રોગ કે દુ:ખાવાના ઇલાજ માટે ઉપયોગ કર્યો ત્યારથી જ લોકવનસ્પતિવિજ્ઞાનની શરૂઆત થઈ હશે તેમ મનાય છે અને માનવના સાંસ્કૃતિક વિકાસ સાથે તેનો ઉત્તરોત્તર વિકાસ થયો છે. આ સમયગાળા દરમિયાન પસંદગીને આધારે તે અમુક વનસ્પતિઓને ખોરાક માટે તો અમુક વનસ્પતિઓને ઔષધ તરીકે વાપરતો થયો; તો કેટલીક વનસ્પતિઓને ઝેરી વનસ્પતિઓ તરીકે જાણતો થયો. સમયની સાથે સાથે માનવનો વનસ્પતિ સાથેનો સંબંધ અને તેના પરનું અવલંબન વધતું ગયું. આ સંબંધ માત્ર ઉપયોગિતા સુધી જ સીમિત ન રહેતાં, માનવસંસ્કૃતિનો એક ભાગ બની ગયો. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં, પૂજા-પાઠમાં, ગીત, કથા, સંગીત, નૃત્ય, ચિત્ર અને અન્ય કલાઓમાં બધે જ વનસ્પતિનો સમાવેશ થતો રહ્યો. તેથી પ્રાચીન કાળથી આજ સુધી જીવાવશેષોમાં, ગુફાઓ અને મંદિરોની મૂર્તિઓ તેમજ ચિત્રોમાં, ગ્રંથોમાં તેમજ લોકસાહિત્યમાં પણ વનસ્પતિઓનો ઉલ્લેખ જોવા મળે છે. આદિવાસીઓ, ગ્રામપ્રજા અને અન્ય માનવસમૂહો, સંગ્રહાલયો અને પુરાતત્ત્વોના નમૂનાઓ તેમજ પ્રાચીન સાહિત્ય એ બધાં લોક- વનસ્પતિવિજ્ઞાનના અભ્યાસના મુખ્ય સ્રોતો છે.
આંતરસંબંધો
માનવ અને વનસ્પતિઓ વચ્ચેના આંતરસંબંધોને પ્રથમ ભૌતિક (material) અને સાંસ્કૃતિક (cultural) સંબંધોમાં વહેંચી શકાય છે, અને ત્યારબાદ નીચે જણાવેલ ચાર વિભાગોમાંથી એક કે વધારે શ્રેણીમાં મૂકવામાં આવે છે :
1. માનવ અને વનસ્પતિઓ બંનેના લાભદાયી સંબંધો
2. મનુષ્યને લાભદાયી પરંતુ વનસ્પતિને નુકસાનકારક સંબંધો
3. વનસ્પતિને લાભદાયી પરંતુ મનુષ્યને નુકસાનકારક સંબંધો
4. મનુષ્ય અને વનસ્પતિ બંનેના નુકસાનકારક સંબંધો
ભૌતિક સંબંધો
1. માનવ અને વનસ્પતિઓ બંનેના સંબંધો :
(i) પ્રકાશસંશ્ર્લેષણ અને શ્વસન દ્વારા O2 CO2નું સંતુલન.
(ii) લોકકૃષિ (ethnoagriculture) : માનવ ખોરાક અને અન્ય જરૂરિયાતો માટે પાક વાવે છે, અને આ પ્રક્રિયામાં તે કેટલીક જાતિઓનો ફેલાવો અને પ્રજનન કરે છે.
(iii) પાકની સુધારેલી જાતો (સંકર જાતો) : મનુષ્ય પોતાના લાભ માટે રોગપ્રતિકારક જાતો વિકસાવે છે, જે વનસ્પતિને પણ મદદરૂપ બને છે.
(iv) દૂરદૂરનાં ક્ષેત્રોમાંથી માનવો વનસ્પતિઓને ખેતી અને વેચાણ માટે લાવે છે. આમ, વનસ્પતિઓના વિતરણમાં વધારો કરે છે.
(v) મનુષ્ય વાજબી ઉપયોગ દ્વારા અનેક જાતિઓનું રક્ષણ કરે છે.
(vi) વનસ્પતિશાસ્ત્રના જિજ્ઞાસુઓ અનેક ઉપયોગી વનસ્પતિ- જાતિઓની જાળવણી કરવાનું કે તેની જીવિતતા જોખમાય નહિ તે નક્કી કરે છે.
(vii) બધા જ પ્રકારના સાંસ્કૃતિક સંબંધો.
(viii) માનવ દ્વારા ઉપયોગી વનસ્પતિઓ : કેટલીક વનસ્પતિઓ માનવવસાહતો નજીક જ ઊગતી જોવા મળે છે. દા.ત., દારૂડી (Argemone), આકડો (Calotropis), ધતૂરો (Datura), ભાંગ (Cannabis).
2. મનુષ્યને લાભદાયી પરંતુ વનસ્પતિને નુકસાનકારક સંબંધો :
(i) પસંદગી આધારિત ઉપયોગ : મનુષ્ય પોતાના લાભાર્થે વનસ્પતિની વસ્તીમાં ફેરફાર લાવવાનો પ્રયત્ન કરે છે, અથવા તો સહેતુક અમુક વનસ્પતિઓની પસંદગી કરે છે જેથી અન્ય જાતિઓ તે વિસ્તારમાંથી દૂર થાય છે.
(ii) એક જ પ્રકારના વનનો ઉછેર : ક્યારેક એક જ પ્રકારની જાતિનું વાવેતર કરવાથી નિશ્ચિત શાકીય છોડ, જાતિઓ, લતાઓ અને પરરોહીઓની વૃદ્ધિ થતી નથી.
(iii) વનનો ઉછેર કરવાથી જે તે જાતિ માનવ-મદદ પર આધારિત બને છે. તેથી આવી વનસ્પતિઓ જાતે જ ઊગતી કે જંગલમાં જોવા મળતી નથી અને લાંબા ગાળે તેની જીવિતતા જોખમાય છે.
3. વનસ્પતિને લાભદાયી પરંતુ મનુષ્યને નુકસાનકારક સંબંધો :
(i) અપતૃણનો ફેલાવો : કેટલીક આક્રમણ કરતી વનસ્પતિઓ (નિંદણ) જેવી કે, ગાજરિયું ઘાસ (Parthenium), ગંધાતુ (Lantana), ગાંડો બાવળ (Prosopis sp.) વગેરેની વસાહતો બનવાથી જંગલ અને ખેતીવાડીની જમીન સહિત વિવિધ પ્રદેશોમાં ફેલાય છે. જેથી આર્થિક ઉપયોગી વનસ્પતિઓને નુકસાન થાય છે. કેટલીક જાતો મનુષ્યને એલર્જી કરે છે. જલકુંભી (Eichhornia) જે જલજ સ્થાનોમાં ફેલાઈને જલચર જીવો જેવા કે, માછલીઓ અને અન્યની વૃદ્ધિને અવરોધે છે.
(ii) જંતુનાશકો અને ફૂગનાશકો વનસ્પતિને બચાવે છે, પણ મનુષ્ય માટે નુકસાનકર્તા છે.
4. મનુષ્ય અને વનસ્પતિ બંનેને નુકસાનકારક સંબંધો :
(i) પર્યાવરણને નુકસાન : પર્યાવરણીય પ્રદૂષણથી મનુષ્ય અને વનસ્પતિ બંનેને નુકસાન થાય છે.
(ii) જંગલની કાપણી : જંગલની ખુલ્લી કરાયેલી જમીન મનુષ્યને બિનઉપયોગી છે અને વનસ્પતિની વસાહતો રચવા માટે લાંબાગાળે અયોગ્ય બને છે.
(iii) વધુ પડતી સ્થાનાંતરીય કૃષિ (shifting agriculture).
સાંસ્કૃતિક સંબંધો :
માનવ અને વનસ્પતિઓ બંનેને લાભદાયી સંબંધો :
1. પવિત્ર મનાતી, પૂજાતી અને ધાર્મિક કાર્યોમાં વપરાતી વનસ્પતિઓનો ઉછેર અને સંરક્ષણ.
2. ધાર્મિક માન્યતા ધરાવતી કે પવિત્ર ઉપવનો(Sacred groves)માં વનસ્પતિની કાપણી કે ઉપયોગ પર પ્રતિબંધ.
પેટાશાખાઓ : વિજ્ઞાનની અન્ય શાખાઓ અને વિષયોની જેમ લોકવનસ્પતિવિજ્ઞાનનું ક્ષેત્ર વિશાળ છે અને એકથી વધુ શાખાઓ સાથે સંકળાયેલ હોવાથી તે આંતરજ્ઞાનશાખીય (inter-disciplinary) વિષય છે.
આ વિષયને વનસ્પતિવિજ્ઞાન, આયુર્વેદ, ઔષધવિજ્ઞાન, વનવિજ્ઞાન, પ્રાણીવિજ્ઞાન, પુરાતત્વવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, કૃષિવિજ્ઞાન વગેરે સાથે નજીકનો સંબંધ છે.
લોકવનસ્પતિવિજ્ઞાનનો વિજ્ઞાન કે જીવવિજ્ઞાનની અન્ય શાખાઓના સંકલનથી અભ્યાસ કરવામાં આવે છે ત્યારે અન્ય પેટાશાખાઓ અસ્તિત્વમાં આવે છે, જે આ પ્રમાણે છે :
લોકકૃષિવિજ્ઞાન : ખેતીનો પ્રાચીન ઇતિહાસ, પાક મેળવવા કે કૃષિને લગતાં અન્ય કાર્યોમાં વપરાતી પરંપરાગત પદ્ધતિઓનો અભ્યાસ.
લોકપરિસ્થિતિવિજ્ઞાન (ethnoecology) : વનસ્પતિ-સમાજના સંરક્ષણ કે તેમાં થતા ફેરફારો વિશે પરંપરાગત સંકલ્પનાઓ, માન્યતાઓ તેમજ અમુક ચોક્કસ જાતિઓના ઉપયોગ માટે પસંદગીથી અન્ય કોઈ જાતિ કે વનસ્પતિસમાજ પર તેના પ્રભાવનો સમાવેશ થાય છે. ધાર્મિક શ્રદ્ધા, દૈવી વૃક્ષો અને પવિત્ર ઉપવનો તેમજ વન-કટાઈ પર ધાર્મિક માન્યતાના આધારે પ્રતિબંધ તેમજ સામૂહિક રીતે જંગલોને સાચવવાની બાબતોનો સમાવેશ થાય છે.
લોકઔષધીય વનસ્પતિવિજ્ઞાન (ethno-medico-botany) : જંગલની જડીબુટ્ટીઓનું પરંપરાગત જ્ઞાન અને તેના ઉપયોગોનો અભ્યાસ કરવામાં આવે છે.
લોકઉદ્યાનકૃષિ (ethnohorticulture) : ઘરની આસપાસ ઉછેરાતા બાગમાં છોડની વૃદ્ધિ અને માવજત (જાળવણી) સંબંધી પરંપરાગત જ્ઞાનનો અભ્યાસ થાય છે.
લોકવનસ્પતિ–વર્ગીકરણવિદ્યા (ethnophytotaxonomy) : વનસ્પતિનાં વર્ગીકરણ, ઓળખ કે નામકરણ માટેનાં પરંપરાગત સિદ્ધાંતો કે પદ્ધતિઓનો અભ્યાસ થાય છે.
લોકસંગીતવિદ્યા (ethnomusicology) : પરંપરાગત સંગીત જેમાં તેનું સ્વરૂપ, સાધનો વગેરે ઘટકોનો સમાવેશ થાય છે. ઢોલ, પાવો, તંબૂરો વગેરે સાધનોમાં વપરાતી વનસ્પતિઓ તેમજ લોકગીતો, પ્રણયગીતો વગેરેમાં જંગલો, વનસ્પતિઓ અને ફૂલોના ઉલ્લેખનો અભ્યાસ થાય છે.
લોકપુરાતત્વ–વનસ્પતિવિદ્યા (ethnoarchaeobotany) : કોઈ પણ પુરાતત્વ અવશેષો કે વસ્તુઓની વનસ્પતિને લગતી બાબતોનો અભ્યાસ થાય છે.
લોકઔષધવિજ્ઞાન (ethnopharmacology) : આદિમ જાતિ કે આદિવાસીઓ દ્વારા પરંપરાગત રીતે જે તે માનવ કે પશુરોગ-નિવારણ માટે પસંદ કરાયેલ વનસ્પતિઓ, તેનાં ઉપયોગી અંગ, તેનું પ્રમાણ, તેમાંથી દવા બનાવવાની રીત અને તેના ઉપયોગની માત્રાને ધ્યાનમાં લઈ આધુનિક પ્રયોગશાળામાં ઉપર્યુક્ત માહિતી પરથી જે તે વનસ્પતિ પર ઔષધનિર્માણ માટે કાર્ય કરવામાં આવે છે.
લોકપશુવિજ્ઞાન (ethnoveterinary) : પાલતુ પ્રાણીઓના રોગો માટે પરંપરાગત જ્ઞાન અને તેના ઉપયોગોનો અભ્યાસ થાય છે.
લોકપાકવિજ્ઞાન (ethnogastrology) : કોઈ પણ આદિમ જાતિ કે આદિવાસીઓ દ્વારા સામાન્ય, આકસ્મિક અને અછતના સમયમાં પોતાની ભૂખ અને તરસ સંતોષવા માટે વપરાતાં ખાદ્યો અને પીણાંઓની બધી જ બાબતો જેવી કે પ્રકાર, પ્રાપ્તિસ્થાન, માત્રા, કયા અને કેટલા સમયે લેવું, વસ્તુ કે પદાર્થ પર થતી ક્રિયાઓ વગેરે પરંપરાગત બાબતોનો સમાવેશ થાય છે.
લોકઔષધ (ethnomedicine) : આદિમ જાતિ અને આદિવાસીઓના રોગ અને દુ:ખાવાના નિવારણ, ઘટાડા કે અટકાવ માટેના પરંપરાગત જ્ઞાન, માન્યતા, ખયાલ અને આદતનો સમાવેશ થાય છે.
લોકસ્ત્રીચિકિત્સાવિજ્ઞાન (ethnogynaecology) : આદિમ જાતિ અને આદિવાસીઓની સ્ત્રીઓના રોગો જેવા કે વંધ્યત્વ, ગર્ભધારણ, સગર્ભાવસ્થા, બાળજન્મ અને સંબંધિત મુશ્કેલીઓના નિવારણ માટેનાં પરંપરાગત જ્ઞાન, માન્યતા, ખયાલ અને આદતનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત લોકલીલવિજ્ઞાન (ethnoalgology), લોકપ્રાણીવિજ્ઞાન (ethnozoology), ઇથ્નોલાઇકેનોલૉજી (ethnolichenology), લોકદ્વિઅંગીવિજ્ઞાન (ethnobryology), લોકફૂગવિજ્ઞાન (ethnomycology), લોકવિષાક્તવિજ્ઞાન (ethnotoxicology) વગેરે પેટાશાખાઓ છે.
સંશોધનની પદ્ધતિઓ : લોકવનસ્પતિવિજ્ઞાનના સંશોધનની પદ્ધતિઓનો આધાર સંશોધનના હેતુ અથવા તો સંશોધનના ફળસ્વરૂપે થયેલ પ્રાપ્તિ પર રહેલો છે. આ પદ્ધતિઓ જુદી જુદી અનેક હોઈ શકે છે, પરંતુ તેને બે મુખ્ય વિભાગમાં વહેંચી શકાય : (1) ક્ષેત્ર-કાર્ય (field work) અને (2) સાહિત્યિક (literary).
ક્ષેત્રકાર્ય : વિવિધ માનવજાતિઓ વચ્ચે રહીને તેઓની રોજિંદી ક્રિયાઓનું અવલોકન; તેઓ સાથે ચર્ચા; ઉપરાંત તેઓમાંના પરંપરાગત જ્ઞાનના જાણકાર લોકો સાથે રહીને માહિતીનું એકત્રીકરણ અને વનસ્પતિઓ તેમજ અન્ય ચીજવસ્તુઓની જાણકારી મેળવવામાં આવે છે. આ માટે અગાઉથી પ્રશ્નોત્તરી બનાવી સાથે રાખીને તેના આધારે માહિતી આપનાર સાથે મુદ્દાસર ચર્ચા કરીને નોંધ કરી શકાય છે.
આદિવાસી અને અન્ય લોકોનાં ખોરાક, તંદુરસ્તી, ખેતીવાડીની પદ્ધતિઓ અને અન્ય ઘટકો અંગેના પરંપરાગત જ્ઞાન વિશે જે તે વિસ્તારમાં જઈ માહિતી એકત્ર કરી શકાય છે. આ માટે જુદા જુદા હેતુ માટે મુલાકાત યોજી શકાય છે; દા.ત., ખોરાક માટે ઉપયોગી વનસ્પતિઓ, દવા તરીકે વપરાતી વનસ્પતિઓ, ઘાસચારા તરીકે વપરાતી વનસ્પતિઓ, રેસાઓ આપતી વનસ્પતિઓની માહિતી મેળવી શકાય છે.
ક્ષેત્ર-મુલાકાત સમયે માહિતી આપનારને સાથે રાખીને જંગલ કે અન્ય વિસ્તારમાંથી વનસ્પતિની ઓળખ મેળવી તેને એકત્રિત કરી શકાય છે; ત્યારબાદ ભાવિ ઉપયોગ માટે તેનું વનસ્પતિ-સંગ્રહાલય બનાવી શકાય છે.
સામાન્ય રીતે વનસ્પતિઓના ઉપયોગ વિશેની જાણકારી મેળવતી વખતે ખાસ કરીને સ્થાનિક વૈદો દ્વારા ઉપયોગમાં લેવાતી ઔષધિઓ વિશે જાણવાનું ખૂબ જ મુશ્કેલ બને છે, કારણ કે તેઓની માન્યતા પ્રમાણે જો તેઓ આ જ્ઞાન બીજાને આપી દે તો તે જ્ઞાન નાશ પામે છે. આથી આવી સ્થિતિમાં જે તે વિસ્તાર અને વ્યક્તિની વારંવાર મુલાકાત, ચર્ચા યોજવી પડે છે અને માહિતી આપનારને વિશ્વાસમાં લઈ, સાચી માહિતી મેળવવાનું ખૂબ જ અગત્યનું રહે છે.
લોકવનસ્પતિના ઉપયોગની માહિતી એકઠી કરતી વખતે જે તે વિસ્તારની સ્થાનિક પ્રજાની સામાજિક અને આર્થિક સ્થિતિ અંગેની માહિતી પણ રાખવી જરૂરી છે, જે માહિતીના યોગ્ય મૂલ્યાંકનમાં મહત્વનો ભાગ ભજવે છે.
ઘણી વખત જુદી જુદી ઉંમરના લોકો તેમજ સ્ત્રી-પુરુષ વચ્ચેથી એકત્રિત માહિતીમાં મોટો તફાવત હોય છે. આથી બધા જ પ્રકારના લોકો પાસેથી માહિતી મળે તેવી ગોઠવણ કરવી જરૂરી છે. દા.ત., બહેનો પાસેથી સ્ત્રીઓ અને બાળકોના રોગો વિશે માહિતી વિશેષ મળે છે, જ્યારે ભાઈઓ પાસેથી ઘા/જખમ, ઝેરી પ્રાણીનું કરડવું, હાડકું ભાંગવું અને અન્ય રોગો વિશે વિશેષ માહિતી મળે છે.
ક્ષેત્રકાર્ય કરતી વખતે કેટલાંક પરિબળો ધ્યાનમાં લેવાં જરૂરી છે; જેવાં કે, વિસ્તારની પસંદગી, આદિજાતિની પસંદગી, સ્થાનિક માહિતી આપનાર વ્યક્તિઓની પસંદગી, તેને આપવાનું વળતર, માહિતી આપનારનો અનુકૂળ સમય, સંશોધનકાર્યની ટુકડીના સભ્યોની સંખ્યા અને તેઓની વચ્ચે કાર્યની વહેંચણી, મુસાફરી અને રોકાણનું સ્થળ વગેરે.
સાવચેતીપૂર્વક એકઠા કરેલા નમૂનાઓ, તેઓની સાચી ઓળખ અને નમૂનામાં કરેલી નોંધ મૂલ્યવાન છે. તે ભવિષ્યના સંશોધનકર્તા માટે પણ લાભદાયક પુરવાર થાય છે. માનવ અને વનસ્પતિ સંબંધી ભૂતકાળના કોઈ પુરાતત્વના અવશેષોનો પણ અભ્યાસ કરવામાં આવે છે.
નૃવંશશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ જે તે માનવસમુદાય કે જાતિની ઉત્પત્તિ અને તેના ઇતિહાસ, ઉપરાંત ચોક્કસ સમયગાળા દરમિયાન તેઓની સામાજિક-આર્થિક અને ક્યારેક રાજકીય અસરોનો અભ્યાસ કરે છે.
સાહિત્યિક : પ્રકાશિત થયેલ અને અપ્રકાશિત રહેલ સાહિત્યમાંથી લોકવનસ્પતિની માહિતી બારીકાઈથી શોધવામાં આવે છે. આયુર્વેદ, સંસ્કૃત સાહિત્યવેદ, પુરાણ અને શાસ્ત્રો, ગૅઝેટિયર, વનસ્પતિસમૂહ (flora), વનસ્પતિ-સંગ્રહાલય અને મ્યુઝિયમની મદદથી લોકવનસ્પતિ વિશેની માહિતી અને તેના ઉપયોગો મેળવી શકાય છે.
મહત્વ : આપણા પરિસર અને જૈવ વિવિધતા(biodiversity)ના ઉપયોગના સંદર્ભમાં લોકવનસ્પતિવિજ્ઞાનની સમકાલીન સુસંગતતા અને વધતા જતા મહત્વને નીચે મુજબ રજૂ કરી શકાય છે :
તકનીકી યુગ અને આધુનિકીકરણમાં થયેલ ઝડપ અને જંગલોના વિનાશે લોકપરંપરામાં એટલી ઝડપથી પરિવર્તન અને નુકસાન કર્યું છે કે હવે રહીસહી સ્થિતિમાં આંગળીને વેઢે ગણી શકાય તેટલા વિસ્તારોની આદિમ જાતિ, આદિવાસી અને ગ્રામીણ લોકોમાં આ જ્ઞાન બાકી રહ્યું છે, આથી આવા વિસ્તારોનો અભ્યાસ અને સંરક્ષણ ન થાય તો અને તેની માહિતી પ્રકાશિત ન કરાય તો આ સંસ્કૃતિ અને તેના જ્ઞાનનો નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય ઊભો થાય છે. બીજું, વસ્તીવધારાની સમસ્યાને લીધે ખાદ્યપદાર્થોની વધુ ઊપજ મેળવવા નવી નવી જાતો શોધવી જરૂરી છે તેમજ રોગનિવારણ માટે નવી ઔષધિઓની શોધ માટે લોકવનૌષધિઓનું મહત્વ વધી રહ્યું છે.
મોટાભાગની વંશપરંપરાગત જાણકારી જૈવિક સંપત્તિના સાતત્યપૂર્ણ (sustainable) ઉપયોગ માટે મદદરૂપ થઈ શકે છે. જૈવવિવિધતાને ઓછામાં ઓછું નુકસાન અને લાંબા સમય માટે જાળવણી (preservation) થઈ શકે તે માટે શ્રદ્ધા અને પરંપરાગત અનુભવોની મદદ લઈ શકાય છે. બાગાયત અને ખેતીના કાર્યક્રમોમાં જે તે વિસ્તારને અનુકૂળ થયેલી પરંપરાગત સચવાતી જાતો કે તેની જંગલી જાતોમાંથી ખેતીના પાકો, તેની રોગપ્રતિકારક જાતો અને આર્થિક ઉપયોગી વનસ્પતિઓના વિકાસ માટે લોકવનસ્પતિનું જ્ઞાન મદદરૂપ થઈ શકે છે. સ્થાનિક જાતોનું સંરક્ષણ કરવું તે પણ લોકવનસ્પતિવિજ્ઞાનનો મહત્વનો હેતુ છે. સ્વાસ્થ્ય-સંભાળ માટે પરંપરાગત જ્ઞાનની મદદથી કેટલાયે રોગો પર ઔષધ-ચિકિત્સા(herbal treatment)નો ઉપયોગ આજકાલ વધુ પ્રચલિત બન્યો છે. જે તે વિસ્તારની પ્રજા દ્વારા હાથકારીગરીની બનાવટો, તેમના કૌશલ્ય અને કલાના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરી કુટિર ઉદ્યોગો સ્થાપી ત્યાંની પ્રજાનો સામાજિક અને આર્થિક વિકાસ કરી શકાય છે.
ભારતમાં આ વિષયની લોકપ્રિયતા અને ઉપયોગિતા લોકોને સમજાઈ છે, અને છેલ્લાં ત્રીસ વર્ષમાં આ વિષયમાં અનેક સંશોધનો થયાં છે. વિશ્વસ્તરે પણ સંયુક્ત રાષ્ટ્ર (U.N.), વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને ખાદ્ય તેમજ કૃષિ સંગઠન (FAO) પણ લોકવનસ્પતિવિજ્ઞાનમાં ખૂબ જ રસ ધરાવે છે. ભારતમાં આ વિષય પર હજુ સંશોધનોની ઘણી સંભાવનાઓ રહેલી છે.
ભાસ્કર પુંજાણી