લોકમત (plebiscite) : મહત્વના રાજકીય પ્રશ્ર્નો વિષે સમગ્ર મતદારસમૂહ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે તે. લોકમત પણ એક અર્થમાં લોકપૃચ્છા જ છે. આ પણ પ્રત્યક્ષ લોકશાહીની એક પદ્ધતિ છે, જેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ નહિ પણ ખુદ લોકો જ પોતાનો મત સીધો વ્યક્ત કરે છે.
લોકમતનો સૌથી વધુ સફળ અને લાંબો અનુભવ સ્વિટ્ઝર્લૅન્ડને છે. ત્યાં લોકમત લેવાની પરંપરા ત્રણ-ચાર સદીઓ જૂની છે. સામાન્ય નીતિવિષયક પ્રશ્ર્નો પણ લોકમત માટે રજૂ કરવામાં આવે છે.
આધુનિક રાજકારણમાં લોકમતનો ઉપયોગ જુદા જુદા સંદર્ભમાં અને જુદા જુદા હેતુઓ માટે થાય છે. પણ એનો સર્વસામાન્ય ઉપયોગ ઘણુંખરું જ્યારે ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં રહેતા લોકો પર કોનું સાર્વભૌમત્વ હોવું જોઈએ એ વિશે બે દેશો વચ્ચે પરસ્પર વિરોધી દાવા હોય ત્યારે એ વિસ્તારના લોકોની ઇચ્છા જાણવા માટે થાય છે. ક્યારેક લોકમતનો ઉપયોગ જે હેતુઓ માટે લોકપૃચ્છાનો ઉપયોગ કરવામાં આવે છે, તે માટે પણ કરવામાં આવે છે. દેશના બંધારણમાં કયા ફેરફારો કરવા જેવા છે, એ વિશે લોકોનો અભિપ્રાય મેળવવા માટે પણ લોકમતનો ઉપયોગ કરવામાં આવે છે.
દેશના શાસનમાં કે કાયદાઘડતરમાં કે મહત્વના નીતિવિષયક મુદ્દાઓના નિર્ણયમાં લોકોનો મત જાણવો જોઈએ એ વિચાર કેટલાક લોકોને વધુ આકર્ષક લાગે છે, કારણ કે એનાથી પ્રાતિનિધિક લોકશાહીના ગેરલાભ ટાળી શકાય છે અને છતાં પ્રત્યક્ષ લોકશાહીના જે ગેરલાભ છે, તેમાંથી બચી શકાય છે.
કેટલાક લોકો લોકમતને આધારે ચાલતી લોકશાહીને તંદુરસ્ત વ્યવસ્થા ગણતા નથી. એની મુખ્ય દલીલ એ કરવામાં આવે છે કે પ્રશ્ન કેવી રીતે અને કયા સ્વરૂપમાં લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે, તેના પર તેનો ઘણો આધાર છે. વળી લોકો સમક્ષ મતપત્રમાં બીજા વિકલ્પો મૂકવામાં આવે છે કે કેમ અને કેવી રીતે મૂકવામાં આવે છે, એ પણ અત્યંત મહત્વનું છે. ઉપરાંત, જુદા જુદા વિકલ્પોના સૂચિતાર્થ કયા હોઈ શકે, એ વિશે લોકો સમક્ષ યોગ્ય રીતે છણાવટ કરવામાં ન આવે તો એવા વિકલ્પ ભણી લોકોની પસંદગી ઢળે, જેનાથી સરવાળે દેશને નુકસાન થાય. કારણ કે એક વાર લોકમત દ્વારા જે બાબત નક્કી કરવામાં આવે, તેને લોકસમર્થન છે, એવું સ્થાપિત થાય. પછી એમાં ફેરફાર કરવો અત્યંત મુશ્કેલ બને છે. ક્યારેક નેતાગીરી તરફથી એવો ગર્ભિત સંકેત (અથવા ધમકી) આપવામાં આવે કે જો લોકો અમુક બાબતની તરફેણમાં પોતાનો મત વ્યક્ત નહિ કરે તો પોતે રાજીનામું આપી દેશે. આવું ફ્રાન્સના પ્રમુખ દ’ગોલે કરેલું. પ્રશ્ર્નો કે વિકલ્પો સ્પષ્ટ અસંદિગ્ધ ભાષામાં રજૂ કરવામાં આવે એ માટે કોઈ તટસ્થ સંસ્થાને એ કામગીરી સોંપવામાં આવે, એવું કેટલાક લોકો માને છે. આવી વ્યવસ્થા ઇટાલીમાં ‘બંધારણ-અદાલત’ (કૉન્સ્ટિટ્યૂશન કૉર્ટ) દ્વારા કરવામાં આવી છે, જેને લોકમતનો ઉપયોગ કરવાનો અને વિકલ્પોની ભાષા નક્કી કરવાનો અખત્યાર આપવામાં આવ્યો છે.
લોકમતથી ચાલતી લોકશાહી(plebiscitary democracy)માં રહેલાં ભયસ્થાનો ઓછાં કરવા માટે ક્યારેક ‘ઉપક્રમ’(ઇનિશિયેટિવ)નો ઉપયોગ કરવામાં આવે છે. ‘ઉપક્રમ’નો સાદો અર્થ છે, મતદારસમૂહનો ચોક્કસ હિસ્સો એવી ઇચ્છા વ્યક્ત કરે (અમુક સંખ્યામાં સહીઓ કરીને આવેદનપત્રના સ્વરૂપમાં) કે અમુક ચોક્કસ મુદ્દા પર લોકમત લેવામાં આવે, ત્યારે જ આવો લોકમત યોજી શકાય. ખાસ કરીને, આ પદ્ધતિનો ઉપયોગ સ્થાનિક અને પ્રાદેશિક કક્ષાએ કરવામાં આવે છે. અમેરિકાનાં લગભગ અડધોઅડધ રાજ્યોમાં આવી જોગવાઈ છે. આ પદ્ધતિનો ઉપયોગ રાષ્ટ્રીય કક્ષાએ પણ કરી શકાય, જેમ કે ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડમાં આવી જોગવાઈ છે.
પ્રત્યક્ષ લોકશાહીની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ પ્રમાણમાં ઓછી વસ્તી ધરાવતા દેશોમાં કરવામાં આવે છે. બહુ વિશાળ વસ્તી ધરાવતા દેશ(જેમ કે ભારત)માં તેમનો ઉપયોગ અવ્યવહારુ છે એમ કેટલાક લોકો માને છે.
દિનેશ શુક્લ