લોકભારતી ગ્રામવિદ્યાપીઠ
January, 2005
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ : ગાંધીજીના રચનાત્મક કેળવણીના ખ્યાલને લઈ ગ્રામાભિમુખ કેળવણીનું કામ કરતી ગુજરાતની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા.
ગાંધીજીએ વર્ધા શિક્ષણ પરિષદમાં નઈ તાલીમનો વિચાર દેશ સમક્ષ રજૂ કર્યો. શ્રી નાનાભાઈ ભટ્ટ અને શ્રી મનુભાઈ પંચોળીએ 1937માં ગ્રામાભિમુખ કેળવણીનો પાયો ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં નાખ્યો. તેમાં ગ્રામસમાજ માટેની વિદ્યાની ઉપાસના કેન્દ્રમાં હતી, એટલે અભ્યાસક્રમો નવા રચાયા. સમાજસેવા અને છાત્રાલય કેન્દ્રમાં મુકાયા. ઉદ્યોગમાં ખેતી અને પશુપાલન દાખલ થયાં. આ પ્રયોગ 1953 સુધીમાં સ્થિર અને સમૃદ્ધ થયો. ગુજરાતમાં તેના આધારે અનેક ઉત્તર બુનિયાદી શાળાઓ સ્થપાઈ.
ડૉ. રાધાકૃષ્ણન શિક્ષણપંચના સભ્ય ડૉ. મૉર્ગને ‘ગ્રામ-વિદ્યાપીઠ’ની જરૂરિયાત અને સ્વરૂપ અંગે અલગ નોંધ મૂકી હતી; તેણે ગ્રામ ઉચ્ચ શિક્ષણના વિચારને ચાલના આપી. ઉત્તર બુનિયાદી શાળાના વિદ્યાર્થીઓને ચાલુ કૉલેજોમાં પ્રવેશ મળતો ન હતો. ગ્રામ ઉચ્ચ શિક્ષણની માંગ હતી. તેથી ઉપલા તબક્કાના પ્રયોગો જરૂરી હતા. આ સઘળાંના ફળસ્વરૂપે સણોસરા (તા. શિહોર, જિ. ભાવનગર) ગામમાં દક્ષિણ દિશામાં દોઢ કિલોમીટર દૂર, ટેકરીઓની તળેટીમાં બુદ્ધ જયંતી 28મી મે 1953ના દિને લોકભારતી ગ્રામવિદ્યાપીઠની સ્થાપના થઈ.
ત્યારે સંસ્થાનું એક પણ મકાન ન હતું. યુનિવર્સિટીની માન્યતા ન હતી. આર્થિક ભંડોળ નહિવત્ હતું; પરંતુ સમર્થ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળીના સત્સંકલ્પ અને કેળવણી વિશેના સ્પષ્ટ દર્શનની વિપુલ મૂડી હતી. ગ્રામ ઉચ્ચ શિક્ષણના આ નૂતન પ્રયાણને તત્કાલીન સૌરાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉછરંગરાય ન. ઢેબરે એક અકિંચન બ્રાહ્મણની ‘ગુજરાતને મહામૂલી ભેટ’ તરીકે ઓળખાવ્યું હતું. આ ભેટનો બરોબર લાભ ગ્રામવિસ્તારને થાય એ માટે મનુભાઈએ ઈ. સ. 1961થી 2002 સુધી લગભગ 41 વર્ષ આ સંસ્થાનું સુપેરે સંચાલન કર્યું.
‘લોકભારતી’માં બે શબ્દ છે : ‘લોક’ અને ‘ભારતી’. લોક એટલે ભારતની 80 % જેટલી વિશાળ ગ્રામજનતા. તેના પ્રશ્ર્નોના ઉકેલ શોધનારી વિદ્યા એટલે ભારતી. વિશાળ ગ્રામસમાજ અજ્ઞાન, કુસંપ, અસંગઠિતતા, અવૈજ્ઞાનિકતા, ગરીબી વગેરેથી ખદબદી રહ્યો હતો. તેને જ્ઞાનવાન, સંપીલો, વૈજ્ઞાનિક દૃદૃષ્ટિવાળો, સમૃદ્ધ, સંગઠિત અને નિર્દોષ આનંદથી ધબકતો કરવાના ધ્યેય સાથે લોકભારતીનો પ્રારંભ થયો. તેના ધ્યાનમંત્રમાં જીવનની સમગ્રતા છે. સમગ્ર ભારતીય ઉચ્ચ શિક્ષણનાં ધ્યેય અને દિશા માટે પણ આ મંત્ર સૂચક છે : अविधया मृत्यु तीर्त्वा विधयामृतमश्नुते । (અવિદ્યા દ્વારા મૃત્યુલોકને તરી જવાનો છે, વિદ્યા દ્વારા અમૃતની પ્રાપ્તિ કરવાની છે.) વિદ્યા અને અવિદ્યા વિશિષ્ટ અર્થો વ્યંજિત કરે છે. અવિદ્યા એટલે ભૌતિક વિદ્યાઓ. તેમની ઉપાસના દ્વારા જીવનને સગવડભર્યું, સુખભર્યું અને સરળ કરવાનું છે. વિદ્યા એટલે અધ્યાત્મવિદ્યા. તેની દ્વારા આંતરિક શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરવાની છે. સુખ અને શાંતિની એકસાથે જ ઉપાસના કરવાની છે. કોઈ એકની ઉપાસના અધૂરી છે. આ સમજ લોકભારતીના તમામ શૈક્ષણિક વિભાગો અને કાર્યક્રમોમાં જળવાઈ છે.
કેળવણીમાં ગાંધીજીનું મૌલિક પ્રદાન અનુબંધનું છે. મનુષ્યના કાયિક, વાચિક કે માનસિક – કોઈ પણ કાર્યની ત્રિવિધ અસરો થાય છે : (1) કર્તાના ચિત્ત ઉપર, (2) સમાજ ઉપર, (3) પ્રકૃતિ ઉપર. આ ત્રિવિધ અસરો ઓળખીસમજીને કાર્ય કરવામાં આવે તો અનેક સમસ્યાઓ ઊકલી શકે. લોકભારતીમાં વિવિધ વિષયોને અને કાર્યક્રમોને આવી અનુબંધિત રીતે શીખવવા યોજવાની કાળજી લેવાય છે. પરિણામે ઉત્તરદાયિત્વનો ભાવ ઊભો થાય છે, નાગરિકધર્મનો વિકાસ થાય છે.
આ ધ્યેય અને પદ્ધતિને મૂર્ત કરતા છ શૈક્ષણિક વિભાગો અને સાત જેટલા બિનશૈક્ષણિક વિભાગો કાર્યરત છે.
(क) લોકસેવા મહાવિદ્યાલય : સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ આપતા મહાવિદ્યાલયની સ્થાપના 1953માં કાકાસાહેબ કાલેલકરના હસ્તે થઈ. તેમાં અભ્યાસક્રમ નવો જ ઘડાયો. માનવીય વિદ્યાઓ, ભૌતિક વિદ્યાઓ અને સમજણવિકાસના વિષયોનું સંતુલન ઊભું કરવામાં આવ્યું. ગાંધીવિચાર, જગતના ધર્મો, રાજનીતિના તત્વજ્ઞાનનો ઇતિહાસ, પર્યાવરણશાસ્ત્ર અને વિદ્યાવિસ્તાર વગેરે વિષયોનો કોઈ પણ મુખ્ય વિષય લેનાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 1967 સુધી સ્નાતકોને પદવી લોકભારતી જ આપતી હતી. 1968માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે મહાવિદ્યાલયનું જોડાણ થયું. પછી સ્નાતકોને ‘ગ્રામવિદ્યા સ્નાતક’(બેચલર ઓવ્ રુરલ સ્ટડીઝ)ની પદવી મળે છે. 1978થી યુ.જી.સી.એ મહાવિદ્યાલયને સ્વાયત્ત મહાવિદ્યાલયનો દરજ્જો આપ્યો. યુ.જી.સી.એ જેની સાતમા દાયકામાં ભલામણ કરી હતી તે શિક્ષણ-સંશોધન-વિસ્તરણની ત્રિપદી લોકસેવા મહાવિદ્યાલયમાં સ્થાપનાકાળથી છે. આ ત્રણેય અભિન્નપણે ચાલે તેની કાળજી લેવાય છે.
‘લોક-1’ ઘઉંની નવી જાતનું સંશોધન એ લોકભારતીનું યશસ્વી પ્રકરણ છે. ભારતમાં બિનસરકારી સંસ્થાએ પ્રથમ વાર આવું સંશોધન કર્યું છે. ‘લોક-1’ની સફળતાનું મુખ્ય રહસ્ય છે સંશોધનકાર્યમાં વિદ્યાર્થીઓનું જોડાણ. સંશોધનની તમામ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ ભાગીદાર હોય છે, તેથી વિદ્યાર્થીઓમાં સંશોધનની શિસ્ત કેળવાય છે. ઘઉં સંશોધન ઉપરાંત વધુ દૂધ ઉત્પાદનના, ચારાના, ફળઝાડના, ખરીફ પાકોના પ્રયોગો સતત થતા રહે છે. અળસિયાનું ખાતર, અળસિયાનો નિતાર, ગોમૂત્રમાંથી પાકસંરક્ષક દવા, જમીન-પાણીના પૃથક્કરણના પ્રયોગો નોંધપાત્ર છે. લોકસેવા મહાવિદ્યાલયમાં એકીસાથે 40 વિદ્યાર્થીઓ પ્રયોગો કરી શકે તેવી અદ્યતન ઉપકરણોથી સજ્જ પ્રયોગશાળા છે. તેમાં વિદ્યાર્થીઓ દૂધ-પાણી-જમીન-ખાતરના પ્રયોગો કરે છે.
વિદ્યાનું લોકજીવન સાથે સહજ-સ્વાભાવિક જોડાણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ દર અઠવાડિયે અર્ધો દિવસ આસપાસનાં ગામોમાં અભ્યાસક્રમના ભાગરૂપે, પ્રશ્ન-ઉકેલ પદ્ધતિથી અભ્યાસ કરવા જાય છે. તેથી ગ્રામસમાજના પ્રશ્ર્નો અને વર્ગખંડનું સંયોજન થાય છે. અભ્યાસ જીવંત અને વ્યવહારુ બને છે. વિદ્યાવિસ્તાર વિભાગ દ્વારા ગ્રામદત્તક યોજનાનો સર્વાંગી વિકાસનો પ્રયોગજન્ય ઉત્તમ નમૂનો તૈયાર થયો છે. જેને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અમલમાં મૂકી શકાય તેમ છે.
લોકસેવા-મહાવિદ્યાલયની કેટલીક આગવી વિશેષતાઓ :
1. લોકસેવા મહાવિદ્યાલયના ગ્રંથાલયમાં 50 હજાર જેટલાં પુસ્તકો છે. એકી સાથે 200 વિદ્યાર્થીઓ માટે વાંચવાની સગવડ છે. ગ્રંથાલય 10 કલાક ખુલ્લું રહે છે. અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ લગભગ 25 % અભ્યાસ વિદ્યાર્થીઓ ગ્રંથાલયકાર્ય દ્વારા કરે છે. અંતિમ વર્ષમાં લઘુશોધનિબંધ તૈયાર કરે છે.
2. તબીબી જેવી ઘણી ઓછી વિદ્યાશાખાઓમાં કાર્યાનુભવ-(પ્લેસમેન્ટ)ની યોજના હોય છે. અહીંના મહાવિદ્યાલયમાં તો 1956થી અંતિમ વર્ષમાં ત્રણ મહિના મુખ્ય વિષયને અનુરૂપ એવાં કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ કાર્યાનુભવ માટે જાય છે. તેથી વર્ગખંડના અભ્યાસની ચકાસણી થાય છે. વિદ્યાર્થીઓને આત્મવિશ્ર્વાસ પ્રાપ્ત થાય છે.
3. લોકસેવા મહાવિદ્યાલયમાં શિક્ષણ-ફી નથી. દરેક વિદ્યાર્થી દર વર્ષે 250 કલાકનો શરીરશ્રમ અભ્યાસક્રમના ભાગ રૂપે કરે છે. તેની રકમ સંસ્થા વિદ્યાર્થીઓને ચૂકવે છે. તે વિદ્યાર્થીઓની શિક્ષણ-ફી પેટે સરકારમાં જમા થાય છે. ગુજરાત સરકારે આ યોજનાનો સ્વીકાર કર્યો છે. શ્રમિક અને બૌદ્ધિકના ભેદની કૃત્રિમ દીવાલ તોડવામાં શ્રમનું ગૌરવ મહત્વનો ફાળો આપે છે.
4. યુ.જી.સી.એ જેના પર વારંવાર ભાર મૂક્યો છે તે શિક્ષણ અને પરીક્ષણની અનેકવિધ પદ્ધતિઓ ખપમાં લઈને લોકસેવા મહાવિદ્યાલયે સ્વાયત્તતાને સાર્થક કરી છે. વ્યાખ્યાન, સર્વે, પ્રશ્ર્નોત્તરી, પ્રત્યક્ષ કાર્ય, નિદર્શન, ગ્રંથાલયકાર્ય, પ્રૉજેક્ટ, પ્રવાસ, શિબિર, કાર્યાનુભવ જેવી શિક્ષણપદ્ધતિઓ અને પ્રશ્નપેપર, સ્વાધ્યાય, અહેવાલલેખન, મુલાકાતનોંધ, વર્ગમાં રજૂઆત, સામગ્રીચયન, નમૂના-પરીક્ષણ જેવી પરીક્ષણ-પદ્ધતિઓના ઉપયોગ દ્વારા શિક્ષણ જીવંત, રસિક અને સઘન બનાવાય છે. તેથી વ્યાપક સંદર્ભમાં વિદ્યાર્થીઓની સમજણનો વિકાસ થાય છે.
5. લોકસેવા મહાવિદ્યાલયમાં પ્રથમથી માર્કને બદલે ગ્રેડ-પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તે વધુ સમતોલ પદ્ધતિ જણાઈ છે.
6. સ્વાયત્ત મહાવિદ્યાલયનો દરજ્જો મળ્યાં પહેલાંથી અધ્યાપકોની ભાગીદારીવાળી નિર્ણયપ્રક્રિયા માટે, સુચારુ સંચાલન માટે, 22 જેટલી સમિતિઓની રચના કરેલી છે. અધ્યાપકોની કાર્યસજ્જતા અને વૈચારિક સજ્જતા વધે તેવા કાર્યક્રમો વર્ષભર થતા રહે છે.
(ख) ગ્રામવિદ્યા અનુસ્નાતક કેન્દ્ર : 1992થી બી.આર.એસ.થી ઉપલા તબક્કાનું અનુસ્નાતક શિક્ષણ શરૂ થયું છે. તેમાં ચાર મુખ્ય વિષય હોય છે : ગ્રામઅર્થશાસ્ત્ર, વિસ્તરણ, એગ્રોનૉમી અને પશુપાલન. ઉપરાંત વ્યવસ્થાપન અને આયોજન સંશોધન-પદ્ધતિઓ, સામાજિક પુનરુત્થાનના સિદ્ધાંતો અને મહાન કૃતિઓનો અભ્યાસ જેવા વિષયોનો અભ્યાસ તમામ મુખ્ય વિષયના વિદ્યાર્થીઓ કરે છે. સામાજિક જોડાણ, મહાનિબંધ, સર્વે શિબિરોની રચના કરેલી છે. કાર્યાનુભવ ઉપરાંત આંતરનિરીક્ષણ માટેના કાર્યક્રમો એ તેની વિશેષતા છે.
(ग) પ્રાથમિક અધ્યાપન મંદિર : અધ્યાપન મંદિરની સ્થાપના 1948માં આંબલામાં થયેલી. હાલમાં તે લોકભારતીમાં છે. અત્યાર સુધી પ્રવેશ, અભ્યાસક્રમ, પરીક્ષા અંગે ગુજરાત સરકારે સ્વાયત્તતા આપેલી છે. તેથી પ્રયોગશીલતા જળવાઈ છે. પરિશ્રમ, સમૂહજીવન, સમાજસેવા ઉપરાંત બાલવાડી-શિબિર, પ્રવાસ અને ખેતીઉદ્યોગ એ તેની વિશેષતા છે. સેવાવિસ્તરણના કાર્યક્રમો અને સાહિત્ય-સાધન નિર્માણ તથા પ્રયોગ-નિદર્શનોને કારણે લોકભારતી અધ્યાપન મંદિરના વિદ્યાર્થીઓ સર્વત્ર આવકાર્ય બન્યા છે.
(घ) સ્નાતક નઈ તાલીમ મહાવિદ્યાલય (જી.બી.ટી.સી.) : યુનેસ્કોએ લોકભારતીના સ્નાતક નઈ તાલીમ મહાવિદ્યાલયનો અભ્યાસ કરી તેને કાર્યોન્મુખ શિક્ષક તાલીમના સફળ પ્રયોગ તરીકે બિરદાવેલ છે. ક્રિયાલક્ષી તાલીમ અને બહુવિધ અભિગમોને કારણે તેને વિશેષ સફળતા મળેલી છે. તાલીમી સ્નાતકો તૈયાર કરનાર આ મહાવિદ્યાલય સમૂહજીવન, શ્રમ, સમાજસેવા, સેવાવિસ્તરણ અને શૈક્ષણિક વાતાવરણની દૃદૃષ્ટિએ નોંધપાત્ર છે. 1969માં સ્થપાયેલ આ મહાવિદ્યાલય હાલ લોકભારતીના પ્રાંગણમાં ચાલે છે. ખેતી અને પૂંઠાકામ મુખ્ય ઉદ્યોગો છે. પ્રવેશપરીક્ષાનું સ્વાતંત્ર્ય છે. પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે. આ મહાવિદ્યાલય અનેક રીતે પ્રયોગશીલ રહી શક્યું છે.
(च) પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર : 1963થી શરૂ થયેલ પંચાયતી-રાજ તાલીમ કેન્દ્ર સત્તાના વિકેન્દ્રીકરણ માટેના કાર્યકરોને તાલીમનું કામ કરે છે. પ્રારંભમાં સરપંચોને, પછી બહેનોને અને છેલ્લાં વીસેક વર્ષથી પંચાયતના મંત્રીઓને તાલીમ આપે છે. પંચાયતના કાનૂનની અદ્યતન જાણકારી ઉપરાંત સમાજજીવનના પ્રશ્ર્નો, નાગરિક ધર્મ વગેરેની છણાવટ કરવામાં આવે છે. સરકાર દ્વારા મોકલવામાં આવતા તાલીમાર્થીઓ છાત્રાલયજીવન, ગૃહકાર્ય, પ્રાર્થના, સંસ્થાની પ્રવૃત્તિઓમાં ભાગીદારી દ્વારા અનેક રીતે સમૃદ્ધ થાય છે.
(छ) વિજ્ઞાનભવન : પ્રાથમિક શાળાનાં બાળકોમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય. તેઓ નિરાંતે પ્રયોગો કરી શકે તે માટે લોકભારતી વિજ્ઞાનભવનની સ્થાપના કરવામાં આવી છે. વિજ્ઞાનભવનનું કાર્યક્ષેત્ર જિલ્લા સુધી વિસ્તર્યું છે. કેટલાક કાર્યક્રમો ગુજરાતવ્યાપી હોય છે. વ્યાખ્યાનો, પ્રદર્શન, સ્લાઇડ-શો, ફિલ્મ શો, આકાશદર્શન, વિજ્ઞાનમેળા વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આસપાસની પ્રાથમિક શાળાઓ ભાગીદાર થાય છે. સાથે જ એનર્જી પાર્ક સ્થાપવામાં આવ્યો છે. વિજ્ઞાન-વિષયક સાહિત્ય રાહતદરે લોકો સુધી પહોંચાડવામાં આવે છે.
અન્ય બિનશૈક્ષણિક વિભાગો : આ ઉપરાંત ખેતી, બાગાયત, નર્સરી, ગૌશાળા, કોઠાર, ગ્રામવિકાસ વગેરે વિભાગો દ્વારા પ્રાંગણ પરની પ્રવૃત્તિઓને મદદરૂપ થવાનું અને આસપાસના ગ્રામપ્રદેશને માર્ગદર્શન આપવાનું કામ થઈ રહ્યું છે.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠના શિક્ષણની આગવી લાક્ષણિકતાઓ :
લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વિવિધ વિભાગો અને તેના દ્વારા થતી પ્રવૃત્તિઓની સફળતામાં નીચેની લાક્ષણિકતાઓનું પણ બહુ મોટું યોગદાન છે :
(1) શિક્ષણના માધ્યમ તરીકે તમામ તબક્કે માતૃભાષા છે સાથે જ અંગ્રેજીનું ખપજોગું જ્ઞાન અપાય છે.
(2) તમામ વિભાગમાં સક્ષમ ઉપકરણ તરીકે કમ્પ્યૂટરનો સ્વીકાર કરેલો છે.
(3) તમામ શૈક્ષણિક વિભાગોમાં સહશિક્ષણ અનિવાર્ય ગણ્યું છે. વિદ્યાર્થીઓના ભાવોને સ્વસ્થ-સમતોલ બનાવવામાં સહશિક્ષણ એકંદરે ઉપકારક સાબિત થયું છે.
(4) લોકભારતીના તમામ વિભાગમાં છાત્રાલયજીવન અનિવાર્ય ગણ્યું છે. લોકભારતીના ઉત્તમ આચાર્ય અને મુખ્ય ગૃહપતિ શ્રી મૂળશંકરભાઈ મો. ભટ્ટના માર્ગદર્શન અને વ્યવહાર નીચે છાત્રાલયજીવન ગુણવિકાસનું ધરુવાડિયું બને તે માટેના સુદૃઢ પાયા નખાયેલા છે. છાત્રાલયજીવનના તાત્વિક અને વ્યવહારુ પ્રશ્ર્નોના ઉકેલ માટે તમામ (નવ) છાત્રાલયના ગૃહપતિ-ગૃહમાતા, તમામ વિભાગના આચાર્યો, મુખ્ય ગૃહપતિ અને નિયામકનું ‘ગૃહપતિ મંડળ’ રચવામાં આવે છે. વિભાગીય કાર્યક્રમોમાં ભિન્નતા હોય છે, પરંતુ છાત્રાલયજીવન સમગ્ર લોકભારતીનું એક જ ગણવામાં આવે છે. તેથી તે ચારિત્રઘડતર અને નાગરિકધર્મની તાલીમનું સબળ માધ્યમ બની શક્યું છે.
છાત્રાલયમાં ક્યાંય નોકર નથી હોતો. કપડાં ધોવાં, વાસણ સાફ કરવાં, શાક સુધારવું, રોટલી-ભાખરી વણવી, પીરસવું, ઓરડાની-પ્રાંગણની-સંડાસની સફાઈ કરવી, પાણી ભરવું વગેરે તમામ કાર્યો વિદ્યાર્થીઓ જ કરે છે. અધ્યાપકો જ ગૃહપતિ હોય છે.
(5) લોકભારતી ગ્રામવિદ્યાપીઠની સફળતાનું સર્વોચ્ચ કારણ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આત્મીય-નિર્વ્યાજ સ્નેહસંબંધ છે. તેથી લોકભારતીમાં આજસુધીમાં એક પણ વાર હડતાલ પડી નથી. 400 વિદ્યાર્થીઓ અને 300 જેટલા કાર્યકરો અને તેમના પરિવારજનોનું વિશાળ કુટુંબ હોય તેવો અનુભવ થાય છે.
ઝાડના ફળ પરથી જેમ ઝાડની પરખ થાય છે, તેમ કોઈ પણ શિક્ષણસંસ્થાની સફળતાની પરખ તેના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પછી સમાજમાં જઈને શું પ્રદાન કર્યું તે જ સંસ્થાની સાચી સફળતા છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠના જુદા જુદા વિભાગોમાંથી ભણી ગયેલા વિદ્યાર્થીઓમાંથી 50 %થી વધુ વિદ્યાર્થીઓ ગ્રામપુનરુત્થાનની પ્રવૃત્તિઓમાં ગામડામાં કામ કરે છે. 30 % વિદ્યાર્થીઓ ગ્રામસમાજને પોષક એવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. શિક્ષણ, ખેતી, પશુપાલન, સહકારી પ્રવૃત્તિ, પંચાયત, રાજકારણ, આદિવાસી સેવા, ગ્રામદત્તક યોજના, વૉટરશેડ મૅનેજમેન્ટ, સજીવ ખેતી, સ્વૈચ્છિક સંસ્થાની કામગીરી, નર્સરી, મહિલા-ઉત્થાન, વ્યાપાર, સરકારી નોકરી આદિમાં કામ કરતા વિદ્યાર્થીઓએ નવી કેડીઓ કંડારી છે. સાવ છેવાડાના, અભાવગ્રસ્ત, અગવડભર્યા વિસ્તારમાં, રણપ્રદેશમાં તેમણે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે. બુનિયાદી શિક્ષણની શાળાઓમાં સૌથી વધુ શિક્ષકો લોકભારતીના સ્નાતકો છે. તેમણે દિલ દઈને કામ કર્યું છે. મહેનતથી થાક્યા નથી. તેમણે સામાન્યજનને ચાહ્યા છે. નિ:સંકોચ કહી શકાય કે ભારતીય ઉચ્ચ શિક્ષણના પુનરુત્થાન અને સમૃદ્ધિ માટે ઉપયોગી એવાં મેળવણરૂપ તત્ત્વો લોકભારતીએ સિદ્ધ કર્યાં છે. તે આ છે : (1) પરિશ્રમનું ગૌરવ, (2) નાગરિકધર્મની તાલીમ માટે સામાજિક અનુબંધ, (3) ચારિત્રઘડતર માટે સમૂહજીવન, (4) ઉત્તરદાયિત્વની ભાવનાના અને સમગ્ર દર્શનના વિકાસ માટે અનુબંધિત કેળવણી, (5) માનવવિદ્યાઓ અને ભૌતિક વિદ્યાઓની સમતુલા સ્થાપતો અભ્યાસક્રમ.
ગ્રામ ઉચ્ચશિક્ષણની સમગ્ર ભારતમાં પહેલ કરીને, તેમાં નવી કેડીઓ કંડારીને, પ્રયોગજન્ય પરિણામો મેળવીને, બુનિયાદી શિક્ષણના ઉપલા તબક્કાને સફળ અને સમૃદ્ધ સાબિત કરીને (જેને આધારે ગુજરાતમાં 20 ગ્રામ મહાવિદ્યાલયો સ્થપાયાં છે.) લોકભારતી ગ્રામવિદ્યાપીઠે ઉત્તમ પ્રદાન કર્યું છે. એટલે શ્રી મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા ત્યારે બી.બી.સી.ના સંવાદદાતાએ તેમને પૂછેલું કે ‘શિક્ષણનો તમારો આદર્શ શો છે ?’ ત્યારે પળનાય વિલંબ વિના મોરારજીભાઈએ કહેલું : ‘લોકભારતી જેવું શિક્ષણ આખા દેશમાં થાય તેમ ઇચ્છું છું.’
મનસુખલાલ સલ્લા, આરતી કસ્વેકર